હેલ્લો, કેશવ અંકલ, કેમ છો.. મજામાં...
હા, છોટુ... પ્રિતેશ. હું મજામાં છું.
હવે તો તમે દેખાતા જ નથી ને.
અરે હા છોટુ, તે સારા કામ કરી આપ્યા, આધારકાર્ડ પાનકાર્ડ ઇલેક્શન કાર્ડ જેવા બધા કાર્ડમાં સુધારા વધારા તે કરી આપ્યા. માટે હવે એ દોડધામ મટી.
સારું છે તો આવું બધું શીખી ગયો, જેથી મારું કામ ઘેર બેઠા પતી ગયું.
અને કેવું છે તારું લોક ડાયરાના પ્રોગ્રામો, જોક્સ બધું ચાલે છે કે નહીં ? આ સાઈડ-બિઝનેસમાં જ ધ્યાન આપું છું કે તારા મેન કામમાં પણ ધ્યાન આપું છું ?
અરે અંકલ હું તો બધામાં જ ધ્યાન આપું છું જ્યારે જે આવે તે પૂરું કરી લઉં છું. પણ તમે બધું કામ પતી ગયું એટલે તો તમે હવે દેખાતા નથી, બે વર્ષ થઈ ગયા. ચા પાણી પીવા પણ નથી આવતા. બસ નોટો જ છાપ છાપ કરો છો.!
હેલો મિસ્ટર પ્રિતેશ, છોકરાઓ જવાબદારી ઉપાડતા નથી એટલે મારે જ બધું કરવું પડે. અને રહી વાત તારા ઘરે આવવાની તો જ્યાં સુધી આ ગવર્મેન્ટમાં કાગળિયા અટકેલા હતા તો નીકળી શકાતું હતું. કારણ કે મને એ બધું ફાવતું નથી યાર, ગભરામણ અને ઇરીટેશન થાય છે. બની ગયા તે બની ગયા સારું થયું એ બાબતથી પરવારી ગયો. તારા જેવા એજન્ટ જોડે બધું બનાવી દીધું એટલે હવે કોઈ ચિંતા નહીં. મરતા સુધી...
..................
હા હા હા... મરતા સુધી ! હજુ પણ એક કાર્ડ બાકી છે અંકલ.
..
એ કયું વળી હવે..
ખાલી એક દાખલો બનાવવાનો તમારો બાકી છે, જેનું લાયસન્સ મને મળી ગયું છે, એટલે હું જ બનાવી આપીશ... તમારે ક્યાંય ધક્કા ખાવા નહીં પડે ખાલી બે વાર મારી ઓફિસ આવી જજો, થઈ જશે દાખલો.
એ કયો દાખલો વળી ?
મરણનો દાખલો...
હા હા હા... એ મારે થોડો કઢાવવાનો હોય ?! કઢાવશે મારા પાછળ વાળા છોકરાઓ. એમનું બિઝનેસનું બધું જ કામ હું કરું છું, એક કામ તો એ કરશે ને મારું?!...
નવા નિયમ મુજબ જન્મનો અને મરણનો દાખલો વ્યક્તિએ જાતે જ કઢાવવાનો રહેશે...
સોરી સોરી... જન્મનો નહીં પણ મરણનો દાખલો જાતે જ કઢાવવાનો રહેશે.
લે... પણ હું તો જીવું છું.
અરે અંકલ તમે મર્યા નથી છતાં જીવતા જગતિયું તમે કર્યું કે નહીં ?!
અરે જીવતા જગતનું નહોતું, એ તો બસ મને ઈચ્છા હતી, જીવનમાં એકવાર બધાને પાર્ટી આપવાની. અને હું મરણ પછી થતા બારમામાં કે જમણવારમાં એવું બહુ માનતો નથી. આપણી હાજરીમાં જ થવું જોઈએ, પાર્ટી...
અને જો મેં વીલ પણ બધું બનાવી દીધું એટલે મારા પછી કોઈ ઝઘડા ના થાય.
અરે અંકલ કે પાર્ટીને જ દેશી ભાષામાં જીવતા જગતિયું કહે છે. અને તમે જે વીલ બનાવ્યું તે મરણના દાખલા કઢાવ્યા વગર એક્ટિવ નહીં થાય. બધી જ પ્રોપર્ટી ગવર્મેન્ટ ખાતે જશે. જેમ બધાના બેંક એકાઉન્ટ જાય છે તેમ. માટે હવે વીલની સાથે સાથે મરણનો દાખલો પણ કઢાવી લેવાનો રહેશે, નવા નિયમ મુજબ. અને તેના વગર તમારું કોઈ વીલ વેલીડ ગણાશે નહીં.
અરે પણ... મને થોડી ખબર હોય કે હું ક્યારે મરીશ ?
અરે તમે જીવતા જગતિયું કર્યું કે નહીં ?! તો એ જ રીતે હવે જીવતા મરણીયુ એટલે કે મરણનો દાખલો પણ કઢાવી લેવાનો.
એ ભાઈ તે બહુ કરી હવે. હું બિઝનેશી કીડો છું, મને આ બધામાં ખ્યાલ નથી, જો ખરેખર જરૂરી જ હોય તો તું પતાવી દે. હું તને પૈસા મોબાઈલથી મોકલી આપું છું. આ બાબતે મારા જોડે જાજી વાત ના કર. અહીંયા 31 માર્ચ આવે છે તેના હિસાબ કિતાબ બતાવીને મારું દિમાગ બેસી ગયું છે.
ના અંકલ હવે એવું નહીં બને નવા અને રેગ્યુલેશન મુજબ તમારે જાતે આવું પડશે. તમારા ફિંગર પ્રિન્ટ અને આંખોથી બધું સ્કેન થશે અને તમારો વિડીયો ઉતારવામાં આવશે. અને તમારે સ્વીકારવાનું રહેશે. કે "હું મારી સહમતિથી મરણનો દાખલો કઢાવુ છું, તો મને કાઢી આપશો." તો જ મળશે. તમારો મરણનો દાખલો કોઈ બીજા ન કાઢી શકે.
માટે ફાઇનાન્સિયલ વર્ષ પતે એટલે તરત જ બીજા દિવસે મારા ઘરે આવી જજો, વહેલી સવારે. હું તમને ત્યાંથી મારી નવી ઓફિસે લઈ જઈશ. મારે આ નવા લાયસન્સનું ઓપનિંગ તમારાથી જ કરવું છે.
અલ્યા, પ્રીતેશ... આવા ઓપનિંગ મારા જોડે કરાવવાતા શરમ આવે છે કે નહીં તને. ?!
તમે જ તો કહેતા હતા કે મને ફ્રેન્ડશીપ ગમે છે, યંગ જોડે. તારે મારી જોડે ખુલ્લા દિલે વાતચીત કરવી. જનરેશન ગેપ રાખવી નહીં. તમે અનુભવી છો, મારા ફ્રેન્ડ છો, ગણેલા ગણેલા છો, બ્રોડ માઈન્ડેડ, નવા જમાનાને સમજનારા છો, તો આવા કામની શરૂઆત તમારાથી જ થવી જોઈએ. તમે શરૂઆત કરશો તો જ બીજા બધા શીખશે. તમારાથી પ્રેરણા લેશે.
અરે... આ બધી વાત જવા દો, તમારે આવવાનું જ છે. હું તમને બીજી વાત કહું તે તમે સાંભળો. એમાં તમારું ક્રિએટિવ સજેશન આપો.
આજે જ એક એડ એજન્સીને મળીને સરસ બોર્ડ બનાવ્યું છે અને ટેગ લાઈન પણ બનાવી છે.
તમારી જેમ એડ એજન્સીવાળાને પણ આજે ચક્કર આવી ગયા. તેને પણ આવું કામ પહેલીવાર મળ્યું. જીવતા વ્યક્તિના મરણના દાખલા બનાવવાનું કામનું તેને માર્કેટિંગ કરવાનું છે.
પણ છતાં બહુ વિચારણાના અંતે નામ અને ટેગ લાઈન મળી...
અરે વાહ, કેવી ટેગ લાઈન મળી બતાવતો.
જન્મ વખતે તો જવાબદારી મા બાપને આપી મરણની તો જવાબદારી તમે ઉપાડો...
... કંઇક તો શરમ કરો
... આટલું ભણ્યા ગણ્યા એનો મતલબ શું.
અલ્યા ઓય આવું લખીશ તો કોણ તારે ત્યાં આવશે...
અરે અંકલ, કોન્સેપ્ટ જ નવો છે તો ટેગ લાઈન પણ નવી જ હોવી જોઈએ ને...
અને અંકલ, આજે જ એક ગ્રાફિક ડિઝાઇનરને પણ મળ્યો એના જોડે બહુ ડિસ્કસ થયું. પછી અંતે એવું નક્કી થયું કે આપણે મરણનો દાખલો સાદો બ્લેક એન્ડ વાઈટ નહીં બનાવીએ પરંતુ એક કોઈ ડિગ્રી સર્ટિફિકેટ હોય તેવું કલરફુલ બનાવીશું. અને તેમાં ફુલસાઈઝનો ફોટો અને QR કોડ પણ હશે.
અને આજ મરણનો દાખલો વ્યક્તિના બારમા વખતે ટેબલ ઉપર મૂકવામાં આવશે. જેથી 12 માં આવેલા વ્યક્તિઓ તે QR કોડ સ્કેન કરીને મરનાર વ્યક્તિની અંતિમ ઈચ્છા તેને તેના વારસદારના ભાગે આવતી બધી મિલકતનું પ્રમાણ, બધું જ જણાવવામાં આવશે ડિટેલ સાથે વર્ણન દેખાઈ જશે.
મરનાર વ્યક્તિને જે લાઈફ મળી હતી, તેના જે સ્વપ્ન હતા, તેને જ્યાં જ્યાં ફરવા જવું હતું, જે છે ઈચ્છાઓ પૂરી કરવી હતી, તેનું બધું જ વર્ણન અહીંયા જોવા મળશે. જેમ કે મરનારને કેવી કેવી ઈચ્છાઓ હતી, ક્યાં ક્યાં ફરવા જવું હતું, કયા કયા પ્લેસ એક્સપ્લોર કરવા હતા અને આ બધી ઈચ્છા પૂરી કરશે તેના વારસદાર.
અરે પ્રિતેશ મરનારની અંતિમ ઈચ્છા તેનો વારસદાર પૂરી કરે એવું તો થોડી હોય. મારે ફરવાની ઈચ્છા છે, મારે દુનિયા એક્સપ્લોર કરવી છે, તો એ તો મારે જાતે જ કરવી પડે ને. ?
અંકલ તમે પણ આંટીની ઈચ્છા મુજબ તેમના મરણ પછી હરિદ્વાર, લક્ષ્મણ ઝુલા ફરવા ગયા જ હતા ને...
હા... એ તો એના મરણથી મન બેચેન હતું અને એની ઈચ્છા એવી હતી માટે હું એની યાદમાંને યાદમાં તેને ગમતી બધી જગ્યાએ ફરી આવ્યો, પણ તે ખરેખર સાથે ફરવા આવી હોત તો જ તેને મજા આવી હોત. બબ્બે વહુ ઘરે આવી છતાં પણ તે રસોડું સોંપી ન શકી અને એમાં ને એમાં એનો સમય થઈ ગયો.
અરે અંકલ એ તો બધાને એવું જ હોય બાઈઓ રસોડું સોંપી ના શકે અને ભાઈઓ બીજનેશ સોંપી ન શકે દરેકને આ જ મોકાણ છે.
અને તમારી મિલકત એ છોકરા જ વાપરવાના છે તો તમારી અંતિમ ઈચ્છાઓ, મન ગમતા જગ્યાએ ફરવું પણ એ જ પૂરું કરશે ને.? એ લોકો બધે ફરી આવશે લદ્દાખ, કાશ્મીર, લક્ષદ્વીપ, કેદારનાથ બધી જ ફરી આવશે. તમતમારે બિઝનેસ કર્યા કરો ને યાર. છાપ્યા કરો નોટો.
આ વાતથી અંકલ અંદરખાને ખટકી ગઈ. મારી ઈચ્છાથી હું મરણનો દાખલો બનાવી શકું, જીવતા જગતિયું કરી શકું પણ મારી અંદરની ઈચ્છાઓ તો મારે જ પૂરી કરવી જોઈએ ને.? તે છોકરા કઈ રીતે કરી શકે.? અંકલ આ બાબતે પ્રીતેશ છોડે અંદરખાને સહમત ન જ થયા.
અંકલ એ જે હોય તે પણ આ તમારું બિઝનેસનું હિસાબ કિતાબ 31 માર્ચે તમારું બધું કામ પતી જાય, એટલે બીજા દિવસની વહેલી સવારે મારા ઘરે તમારે આવવાનું છે. ત્યાંથી હું મારી કારમાં બેસાડીને તમને ઓફિસ લઈ જઈશ તો આવજો ગુડ બાય...
આ વાત પછી કેશવભાઈમાં ગણું ઘમાસાણ ચાલ્યું, ઘણું આત્મમંથન થયું. રઘવાયા રઘવાયા ફરતા, છોકરાઓને નાની નાની બાબતે સલાહ આપતા, કેશવ અંકલ ધીરજ પૂર્વક થોડા કામો પતાવ્યા. અને બાકીના કામ તેમના બે દીકરાને સોંપી દીધા. અને પોતે નીકળી ગયા થોડી શોપિંગ કરવા માટે. ટ્રેક શુઝ, થોડાક ગેજેટ્સ, પાવર બેંક, બેઝિક દવાઓ, ટોર્ચ વગેરે લઈ લીધા. ત્રણ ચાર દિવસ મરણના દાખલાની પ્રોસિજર માટે રાખીને દસમી એપ્રિલની એરોપ્લેનની ટિકિટ બુક કરાવી દીધી.
31 માર્ચે બધું કામ પત્યું ત્યારે અંકલ શાંતિથી સૂઈ ગયા.
નીરવ શાંતિ. સવારે 11 વાગી ગયા પરંતુ છોકરાઓને જગાડવાની કોઈ જ ગુમાબૂબ ના સંભળાઈ. ઓફિસે જવા માટે કોઈને દબાણ ના કરવામાં આવ્યું. બંને છોકરાઓ ગભરાતા ગભરાતા દરવાજો ખખડાવવા લાગી ગયા. પણ અંદરથી કોઈએ દરવાજો ખોલ્યું નહીં. અંતે નોકર બેબાકળો થઈને હથોડી લઈને આવે છે ત્યારે જ અચાનક દરવાજો ખુલે છે. ગુડ મોર્નિંગ... કેમ ગભરાઓ છો, આટલું બધું કેમ ખખડાવો છો. સવાર થઈ ગઈ કે શું ?
હા પપ્પા સવાર પણ થઈ ગઈ અને 11 પણ વાગી ગયા. સૌથી વહેલા ઉઠીને સૌને ઉઠાડનાર આજે ઉઠ્યા નહિ અને દરવાજો પણ ખોલ્યો નહિ.
તો અમે ગભરાઈ ગયા હતા કે ક્યાંક.....
પહેલીવાર કેશવ ભાઈ આનંદ સાથે હસ્યા અને બોલ્યા. હવે તમે મોટા થઈ ગયા, તમારી જાતે ઉઠી જવું જોઈએ. હું ક્યાં સુધી જગાડીશ તમને. અને હા આજે મને પહેલા તૈયાર થવા દો મારે પ્રિતેશની નવી ઓફિસના ઓપનિંગમાં જવાનું છે, રીબીન મારા જોડે કપાવવાનો છે, બોલો.
પહેલીવાર આરામથી તૈયાર થઈને પ્રિતેશના ઘરે કેશવ અંકલ પહોંચે છે ત્યાં જ પ્રિતેશનો નાનો છોકરો એક ગુલાબનું ફૂલ આપીને કહે છે લો અંકલ ઓરીજનલ ફુલ, નોટ એપ્રિલ ફૂલ...
અને ત્યાં જ અંકલને કંઈ ચમકારો થયો,
એ. પ્રિ. લ. ફૂલ... કેશવ અંકલે મરમ માથું ધુણાવ્યું....
અને ત્યાં જ પ્રિતેશ આવી ગયો. બંનેની આંખો મળી અને હસી પડ્યા. એનો મતલબ મરણનો દાખલો એક નાટક હતું..???
પણ અંકલ તમે સીધી રીતે આવો નહીં તો નાટક તો કરવું જ પડે ને...
આંખમાં હરખના આંસુ સાથે. અરે દોસ્ત તે તો મારી આખો ખોલી દીધી. મરણનો દાખલો તો હવે નીકળવાનો નથી. પણ જીવન જીવવા ખરોનો દાખલો મેં કાઢી લીધો.
બિઝનેસની જવાબદારીઓ દીકરાને સોંપી છે. અને મારી જ્યાં જ્યાં ફરવાની ઈચ્છા હતી, ત્યાંની પ્લેનની ટિકિટો બુક કરાવી દીધી છે. નેક્સ્ટ વીકમાં જ મારી બધી જ ઈચ્છાઓ, જે ફરવાની હતી, મોજ કરવાની હતી આનંદ માણવાની હતી અને કંઈક જાણવાની હતી તે પૂરી કરવા નીકળી પડવાનો છું. બંને હરખના આંસુ સાથે એકબીજાને ભેટી પડે છે.
જુઓ અંકલ... તમારે ફરવું જ છે, તો નેક્સ્ટ વીક પણ શા માટે ? નીકળી પડો કોલેજમાં નીકળી પડતા હતા એ રીતે... પ્લેન નહી તો ટ્રેન સહી, ટ્રેનને નહીં તો બસ સહી ઔર બસ નહીં તો ટ્રક સહી.... મોજ કરો અંકલ... અને અંકલ નીકળી પડ્યા...