Ek Safar - Cha thi Coffee Sudhi - 2 in Gujarati Love Stories by Dr.Namrata Dharaviya books and stories PDF | એક સફર - ચા થી કોફી સુધી - ભાગ 2

Featured Books
Categories
Share

એક સફર - ચા થી કોફી સુધી - ભાગ 2

કાર્તિક કાવ્યા ને મળવાની ના પાડે છે એટલે કાવ્યા ઉદાશ મનથી કેન્ટિન માં આવી બેસે છે. ચા‌નો ઓર્ડર આપવા જતાં તેની નજર બાજુ ના ટેબલ પર પડે છે અને ત્યાં બેસેલા કાર્તિક ને જોઈ ને આશ્ર્ચર્યચકીત થય જાય છે.

                           ભાગ-૨


          "કાર્તિક.....આની સાથે" કાવ્યા મન માં બોલી.

     કાર્તિક અને પુર્વી સાથે બેસીને ચા પીતાં પીતાં વાતો‌ કરતાં હતાં. એને જોઈ ને કાવ્યા ખૂબ ગુસ્સે થઈ, કંઇપણ બોલ્યા વિના ત્યાંથી નીકળી જાય છે.

          પુર્વી અને કાર્તિક બાળપણથી એક જ સ્કૂલમાં અભ્યાસ કરતા અને બંને સારાં ‌એવા મિત્રો હતા. કાર્તિક ના પપ્પા અક્ષય ભાઇ અને પુર્વી ના પપ્પા રતિલાલ પરીખ એક જ  બેંક માં કામ કરતાં તેથી એમની વચ્ચે પણ સારા સંબંધો હતાં.

             પૂર્વી ના પપ્પા એ શેરબજારમાં મોટાપાયે રોકાણ કરેલું, પરંતુ અચાનક શેરબજાર નીચે જતાં વેપાર માં ઘણું નુકસાન થયું, શહેર માં રહેતા એ ઘર વેંચી ગામડે જવા માટે મજબૂર થયા. રતિલાલ  ભાઇ પર અચાનક મુશ્કેલી નો જ્વાળામુખી ફાટી નીકળ્યો. લેણદારો દરરોજ ફોન કરી પરેશાન કરવા લાગ્યા. રતિલાલ ભાઇ બેંક ની નોકરી છોડી શહેર થી નજીક આવેલા એના ગામડે રહેવા માટે જતાં રહે છે,  પૂર્વી ને એના આગળ ના અભ્યાસ માટે તેની ફોઈના ઘરે અમદાવાદ મોકલે છે.

             જેથી જ્યારે બંને જણા નવમાં ધોરણમાં અભ્યાસ કરતા ત્યારે પુર્વી ને સ્કુલ છોડવી પડી હતી એ દીવસ થી કાર્તિક અને પુર્વી અલગ થયા હતા.

            આ વાત ની ખબર અક્ષય ભાઇ ને પડે છે ત્યારે તે રતિલાલ ભાઇ ને મળવા માટે એના ગામડે જાય છે. નાણાકીય લોસ થતા રતિલાલ ભાઇ ભાંગી પડે છે અને વિગતે વાત કરે છે. 

            એટલે અક્ષય ભાઇ એને પરેશભાઈ ને  મળવાની સલાહ આપે છે. પરેશભાઈ અમદાવાદમાં જાણીતા અને નામાંકિત બીઝનેસ મેન. પૈસાદારો માં પ્રથમ ક્રમે આવે પરંતુ સ્વાભાવે સહજ અને દરીયાદીલ. કોઇપણ વ્યક્તિ મદદ માંગવા આવે તો ખાલી હાથે પાછા ન ફરે. આ પરેશભાઈ અને અક્ષય ભાઇ બંને માસી યાર ભાઇઓ થતાં. "ડુબતો માણસ તણખલું પણ પકડે" એ મુજબ રતિલાલ ભાઇ પરેશભાઈ પાસે થી મદદ લેવા તૈયાર થાય છે.   

            આમ ને આમ એકાદ વરસ થતા લેણદારો ના દરિયા માં ડુબેલા રતિલાલ ભાઇ  કીનારે પહોંચે છે. આ બાજુ પૂર્વી અમદાવાદમાં ફોઈના ઘરે વ્યવસ્થિત સેટ થઇ જાય છે. એને જોઈન કરેલી નવી સ્કૂલમાં નવા ફ્રેન્ડ્સ પણ મળી જતા ધીમે ધીમે કાર્તિક ને વિસરવા લાગે છે. દસમું ધોરણ ચાલુ થતા અભ્યાસ માં મશગુલ બની જાય છે અને કાર્તિક ને ભુલી જાય છે.

             એક દિવસ પૂર્વી ટ્યુશન માં જવા માટે બસ ની રાહ જોઈ સ્ટેશન પાસે ઉભી હતી, ત્યારે અચાનક જ ધોધમાર વરસાદ તુટી પડે છે. રસ્તામાં પાણી ભરાવાથી બસ આવી ન હતી અને પુર્વી ને ટ્યુશન માં જવા માટે મોડું થતું હતું. અને તેનો ફોન પણ‌ ઘરે ભુલી ગય હતી,તે એકલી ત્યાં સ્ટેશન પર બસની રાહ જોતી ઉભી હતી.

               ત્યારે એક બાઈકસવાર ત્યાં થી નીકળે છે, પૂર્વી ને આવી હાલતમાં જોઇ મદદ કરવા કહે છે. પૂર્વી તો એ બાઈકસવાર ને જોતી જ રહી જાય છે, સાડા છ ફૂટ ની હાઇટ, જીમ માં કરેલી મહેનત થી બાવડા માં ઉપસી આવતા સ્નાયુઓ, ફ્રેન્ચકટ દાઢી, આંખ પર કાળા ગોગલ્સ,આવો હેન્ડસમ દેખાવ જોઈને પૂર્વી સ્તબ્ધ થઈ જાય છે.

                પૂર્વી પણ દેખાવમાં ઘઉં વર્ણો ચહેરો, કાળા ભમ્મર અને લાંબા વાળ,અણીયારી આંખો , ગુલાબ ની પાંખડી જેવા હોઠ, પાતળી કમર જાણે સ્વર્ગની અપ્સરા વરસાદ માં પલળતી હોય એવું લાગતું હતું.

      "એક્સકયુઝ મી, તમારી મદદ કરી શકું?" પહેલા બાઈકસવારે પૂર્વી ને પુછ્યું.

            પૂર્વી મનમાં વિચારે છે કે અજાણ્યા માણસ પર કેમ વિશ્વાસ કરવો, અને મદદ લેવા સિવાય બીજો ઓપ્શન પણ નહતો કેમ કે ધોધમાર વરસાદ રોકાવાનું નામ જ નહતો લેતો એટલે આજ બસ મળવી મુશ્કેલ હતી.ટ્યુશન નો સમય તો પુરો થયો ગયો હતો એટલે પૂર્વી ઘરે જવાનું જ વિચારતી હતી.

             પૂર્વી ના મનમાં અસંખ્ય સવાલો આવતાં હતાં, આની સાથે બાઇક માં ઘરે જઈશ તો ફોઇ પુછશે આ કોણ છે તો શું જવાબ આપીશ!!! એવું કહું કે ઓળખતી નથી તો ખીજાશે કે આમ અજાણ્યા ની મદદ લેવાતી હશે. ક્યાંક પપ્પા ને વાત કરી ને ફરી મને ગામડે મોકલી દેશે તો, મારું ભણવાનું અધૂરું રહી જશે. કરું તો શું કરું? પૂર્વી મુંજવણ મુકાઇ.

         આવા અનેક સવાલો મનમાં અંદરોઅંદર ઝઘડતાં હતાં.

           "તમને ઓળખતી નથી, તમારો વિશ્વાસ કેમ કરું??!!" ભોળા અને માસુમ અવાજે પૂર્વી એ કહ્યું.

         " વિચારી લો તમારી પાસે ઘરે પહોંચવા બીજો કોઈ ઉપાય હોય તો. એ તો અજાણ્યા માં થી જાણીતા પણ થય જશું. છતાં પણ મદદ ના જોતી હોય તો હું નીકળું." બાઈકસવાર આટલું બોલીને બાઇક સ્ટાર્ટ કરે છે.

           "અરે, થોડીવાર મને વિચારવા તો દો." પૂર્વી એ જવાબ આપ્યો. 

            એક બાજુ ધોધમાર વરસાદ અને બીજી બાજુ અજાણ્યા યુવક અને યુવતી જાણે તાજી યુવાની ને વાચા ફૂટી હોય અને સોળે કળાએ ખીલી રહી હોય એવું નયનરમ્ય દ્રશ્ય બની રહ્યું હતું.

            શું  પૂર્વી બાઈકસવાર ની મદદ લેશે ?? અજાણ્યા વ્યક્તિ નો ભરોસો કરશે !! કે એની પાસે ઘરે જવા નો બીજો કોઈ વિકલ્પ હશે.   


                     ક્રમશ: