વાર્તા:- સુડી વચ્ચે સોપારી
વાર્તાકાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની
"રોહિત, મમ્મીને સમજાવી દેજો કે બધી વાતમાં મારી સાથે મગજમારી નહીં કરે. નથી કોઈ નવું ખાવાનું બનાવી શકાતું ઘરમાં, જે પણ બનાવું છું એમાં કાયમ એમને કંઈક ને કંઈક ઓછું પડે છે. આ તે કંઈ રીત છે એમની વહુ સાથે રહેવાની? નહીં તો પછી મારી સાથે અલગ રહેવા ચાલો. એમણે જે કરવું હોય એ કરે.'
સીમાનો ગુસ્સો આજે સાતમા આસમાને હતો. આજે એમની દીકરીની બર્થ ડે હતી. એની દસેક ખાસ બહેનપણીઓને બોલાવી નાનકડું પાર્ટી જેવું આયોજન કર્યું હતું. બધું ઘરમાં જ રાખ્યું હતું. બાળકોને ધ્યાનમાં રાખીને કેક સાથે વેફર અને ચાઈનીઝ રાખ્યું હતું. સાથે એક કોલ્ડડ્રીંક. તેમાં એનાં સાસુ એને બધાંની વચ્ચે બોલ્યા કે, "આવું ખાવાનું રાખ્યું એનાં બદલે પાકું ભોજન રાખવું હતું ને! આવું તે કોઈ ખવડાવતું હશે?"
રોહિત ત્યાં જ હતો, પણ કશું બોલ્યો ન્હોતો. એટલે જ સીમા વધારે ગુસ્સે થઈ હતી. રોહિતને ખબર હતી કે એની મમ્મીને હાલનાં જમાના પ્રમાણેનું ખાવાનું બિલકુલ ફાવતું નથી. ઘરમાં પણ એ ભાગ્યે જ બનાવવા દે, ખાસ કરીને જ્યારે એઓ ન જમવાના હોય ત્યારે જ બીજું કંઈક બનાવી શકાતું.
આજે પણ ભલે પાર્ટી માટે જે પણ કંઈ બનાવ્યું હોય, પણ એમનાં માટે તો જેવું એમને ફાવે છે તેવું અલગથી સીમાએ બનાવ્યું જ હતું. પોતાનાં સાસુને જેવું ફાવે છે એવું ખાવાનુ પણ બન્યુ જ હતું ઘરમાં.
હવે તમે જ કહો, આ પરિસ્થિતિમાં રોહિત શું કરે? ના એની મમ્મીને કંઈ કહી શકે કે નહીં એની પત્નીને. એ પોતે જાણતો જ હતો કે આમાં પત્નીનો કોઈ વાંક ન્હોતો. પરંતુ પોતાની માતાને આ વાત સમજાવવાનું એણે ટાળ્યું હતું. એ અલગ વાત છે કે એ એની મમ્મીને કહી શક્યો હોત કે એમને ભાવે એવું ખાવાનુ તો બન્યું જ છે ઘરમાં! સાથે સાથે એ એમ પણ કહી શક્યો હોત કે દરરોજ તો ઘરમાં કશું બનાવી શકાતું નથી, પણ દીકરીનાં જન્મદિને તો એની પસંદ મુજબ બનાવવું પડે ને! પણ એ ન બોલ્યો.
આ જ સમાજની વાસ્તવિકતા છે. માત્ર સ્ત્રી જ નહીં, પુરુષો પણ સુડી વચ્ચે સોપારી જેવું અનુભવતા હોય છે. પોતાની પત્ની સાચી હોવાં છતાં ઘણી વાર એ પત્નીને સાથ આપી શકતા નથી. એક મા તરીકે સાસુ હંમેશા પોતાનાં દીકરા પર પોતાનો હક જતાવતી રહે છે. ક્યારેક દીકરો સાથ આપે છે તો ક્યારેક એ ઈમોશનલ બ્લેકમેલ કરીને દીકરાનો સાથ મેળવી લે છે. આમાં વહુના ભાગે એકલતા જ આવે છે અને પતિ ન પત્નીનો થઈ શકે છે કે ન માતાનો! હા, જો એ થોડી બુદ્ધિ વાપરી લાગણીઓ બાજુએ મૂકી દે તો પત્ની અને માતા બંને વચ્ચે સેતુ બની શકે છે.
હું તો એટલું જાણું કે ભલે પરિસ્થિતિ કે કોઈનો સ્વભાવ ગમે એવો હોય, પતિ પત્ની એ સમયે શાંત રહી પાછળથી પોતાનાં રૂમમાં જઈ એકાંતમાં એકબીજાને પરિસ્થિતિ સમજાવી દે અને એકબીજાને સમજે તો ક્યારેય ઝગડાની સ્થિતિ ઊભી જ ન થાય! અગત્યની બાબત પતિ પત્ની વચ્ચે થતાં આંખોનાં સંવાદ છે.
જેની સાથે આખી જિંદગી જીવવા નીકળ્યા છે એની સાથે જ લડશું તો ક્યાં જઈશું? શું હશે આ સંબંધનું ભવિષ્ય? પછી એવું ન બને કે સુડી વચ્ચે સોપારી જેમ કપાઈ જાય છે એમ સંબંધ પણ કપાઈ જાય.
સમજી ગયા હશો કે સમજૂતીમાં જ સંબંધ છે. ખોટી વાત સહન ન કરવી સારી બાબત છે, પણ એનો અર્થ એ નથી કે માત્ર લડ્યા જ કરવું. એકાદ વાર સમાધાન કરી લેવું પણ વાતને પૂર્ણવિરામ મૂકવા માટે પૂરતું છે.
આભાર.🙏
સ્નેહલ જાની