ડૉ. ઇરફાન સાથિયા ની મનનીય વાત. આ પછી દરેક ડોક્ટરને સલામ કરવાનું મન થાય. આ લેખ ડો. ઇરફાનની કલમે છે, મેં વાંચકો સમક્ષ રજૂ કર્યો છે.
ડોક્ટર એટલે શેરડીનો કૂચો.
ટોર્ચર અને ટોક્સિટીની પ્રોસેસ!
ઉજળા કપડા અને એટિક્વેટ જિંદગી. સામાન્ય નાગરિકના મસ્તિષ્કમાં ડોક્ટરની છબી આ રીતની જ સ્ટોર થયેલી હોય છે. એનાથી વધુ ખુરાફાતી મગજ હોય તો લૂંટારો,કસાઈ તરીકે એડિટેડ ઈમેજ હોય. ડોક્ટર્સ એની જિંદગીમાં એક લાખ લોકોને સારા કરે તો ઓકે છે,એનું કામ જ એ છે. લાખે એકાદ કેસ બગડે ( જે જાણી જોઈને કોઈ બગાડતું જ નથી) તો બાકીના એક લાખ પણ બેફામ,બેકાબુ બનીને જે ડોક્ટરને ભગવાનનું સ્વરૂપ સાબિત કરવા મથતા હતા,રાવણ સાબિત કરી બાળવા તત્પર બની જશે. તમારા સંતાનને ડોક્ટર બનાવવું છે? અમારી ઈમાનદાર સલાહ જોઈતી હોય તો સ્પષ્ટ 'ના' છે. અ બીગ NO.
મથાળું થોડું અરુચિકર લાગ્યું હશે, છો લાગે કારણકે સામાન્ય માણસ ડોક્ટર બનવાની પ્રોસેસથી સાવ અણજાણ હોય છે. ડોક્ટર બનવાની પ્રોસેસ અંધારી આલમથી વધુ ભયાવહ છે. જેને ભોગવ્યું હોય તેના સિવાય દરેક માટે આરામથી પૈસા કમાઈને એશોઆરામ સાથે જીવવાની કથની જ છે. ડોક્ટર બનવાની પ્રોસેસ સમજવા જેવી છે. સૌપ્રથમ વિદ્યાર્થી જીવનમાં અથાક મહેનત ( જે ધોરણ આઠથી શરુ થઈ જાય છે) કરીને દરેક સ્કૂલે,જીલ્લે અને રાજ્યમાં ટોપમોસ્ટ કહી શકાય એટલા માર્કસ સાથે ઉત્તીર્ણ થાય છે. સતત પાંચ વર્ષની દુનિયાથી આઇસોલેશન વાળી મહેનત અંહી ખતમ થતી નથી. સારા માર્કસ હોય તોય પાંચ મહિના ઉચાટમાં કાઢવા પડે કે એડમિશન મળશે કે નહીં. એક એક ઓછો માર્કસ તમને પ્રતિ વર્ષ નવ લાખથી માંડીને ત્રીસ લાખ સુધી ખર્ચ કરવા મજબૂર કરી શકે.
એડમિશન થઈ જાય એટલે અભિનંદનની વર્ષા થાય, દરેક રાજીના રેડ દેખાય. પણ બાપ જ જાણતો હોય કે (જો એકાદ માર્કસ ઓછો પડ્યો હોય તો, તેને આખી જિંદગીની બચત નવી ઉધારી સાથે ) શું સેક્રિફાઈસ કર્યું છે.#irfan_sathia
સંચામાં પીલાવવાની શરૂઆત તો એડમિશન પછી જ થાય છે. એમબીબીએસ એટલે મહાસાગર. અત્યાર સુધી સ્કુલોમાં ટોપ રહેનાર વિદ્યાર્થીઓ માટે દરેક ખાંટુ ટોપર્સ સાથે હરિફાઇ સૌથી પહેલો મનોબળને ધક્કો મારે છે. અત્યાર સુધી તળાવમાં છબછબિયાં કર્યા હોય, હવે ડાયરેક્ટ મહાસાગરમાં ડૂબકી લગાવવાનો અનુભવ થાય છે. અને એમાં તરવાનું જાતે જ. કોઈ લાઈફ સેવિંગ જેકેટ કે બોટ વગર. કોલેજોમાં રેગિંગ વિરોધી કાનૂનના મોટા મોટા પોસ્ટર લાગેલા હોય છે. પણ એ આભૂષણની દુકાને ઘડાઈ મફત જેવા જ પુરવાર થતા હોય છે. ફ્રેશર્સ પાર્ટીને નામે સિનિયર્સ ભયંકર રેગિંગ હક સાથે કરે જ. કોણ બાપો મેનેજમેન્ટને ફરિયાદ કરવાની હિંમત કરે? કારણકે બધું થતું તો હોય છે મેનેજમેન્ટના નાક તળે જ, કેમ્પસમાં જ. અને સૌથી મોટી વિટંબણા કે સિનિયર્સની સહાય વગર આગળનો પથ કઠિન બનતો હોય છે. પ્રોફેસર ને એચઓડી ને એવું બધું જ હોય છે, પણ સમજ્યા હવે એવું જ. સેલ્ફ સ્ટડીનો કીડો મગજમાં પરાણે સ્ટોર કરવો જ પડે. મેડિકલ લાઈફમાં આવો એટલે જિંદગીની રંગીનિયત ભૂલી જ જવી પડતી હોય છે. ઓન્લી વ્હાઇટ બોરિંગ લાઈફ. એ એક જ રંગ જિંદગીનો.મધ્યાહન ભોજન જેવું જમો, બિસ્માર હોસ્ટેલમાં રહો અને ભણો,ભણો અને માત્ર ભણો એ સિવાય ક્રિકેટ, રમતો કે ફિલ્મો તમારો દાયરો નથી રહેતો. બે ચાર મહિને મગજ સાથે વિદ્રોહ કદી એકાદ ફિલ્મ જોઈ લેવાથી જિંદગી રંગીન ન બને. માંડ મગજ સેટ થાય ત્યાં એક્ઝામના ભણકારા શરૂ થઈ જાય. આમ કરતા કરતા ત્રણ વર્ષ નીકળે અને ફાઈનલ યર આવતા સ્ટુડન્ટ થાકીને લટ્ટુ બની જતો હોય છે. ફાઈનલ યરની એક્ઝામ એટલે નેવું ટકાથી વધુ ડિપ્રેશ્ડ વિદ્યાર્થીઓની પરીક્ષા. સો કિલોમીટરની મેરેથોન દોડ્યા પછી એકેય રનર એક મિટર પણ વધુ દોડવા સક્ષમ રહેતો નથી . અર્ધજાગૃત મગજમાં એક જ પ્રશ્ન સતાવતો હોય છે કે આમાં જો એટિકેટી આવી તો? હવે ફરીથી ભણવાને જોર નથી. #irfan_sathia
સંચામાં શેરડી બે ત્રણ વખત પીલાઈ જાય પછી જે વધે એનો કસ નિકાળવાની પ્રોસેસ શરુ થતી હોય છે. ઈન્ટર્નશીપ એટલે અપમાનશીપ. એચઓડી, એસોસિએટ પ્રોફેસર, રેસિડેન્ટ ડૉકટર અને સિનિયર નર્સિંગ સ્ટાફ, આ દરેક માટે ઈન્ટર્ન એટલે બિનઅધિકૃત ગુલામ. અંગ્રેજોની ગુલામી પ્રથા સારી કહેડાવે એ હદે માનસિક અને શારીરિક ટોર્ચર થતું હોય છે. પણ મનમાં કંઈક શીખવા મળશેની તલબે દરેક ઈન્ટર્ન કડવા ધૂંટ દરરોજ પીતો રહે. ન આવ જોવાય ન તાવ, ન સ્થળ ન સમય દરેક રેસિડેન્ટ ડોક્ટર ઈન્કલ્યુડીંગ સિનિયર નર્સિંગ સ્ટાફ જ્યારે ઈચ્છા થાય ઈન્ટર્નને ધધડાવી શકે,વઢી શકે. દર્દીની સામે,દર્દીના સગાઓ સામે "તને કંઈ નથી આવડતું" એવું સાંભળવું સહજ રાખવું પડે. એ ઈન્ટેન્સિટી એટલી વધારે હોય છે કે ઈન્ટર્ન દર્દીને પથારીએ કેસ હિસ્ટ્રી લેવા જાય તો દર્દીના મનમાં દ્રઢ વિશ્વાસ બની ગયો હોય છે કે "આને કંઈ આવડતું જ નથી". દર મહિને ₹લાખ-સવાલાખનું સ્ટાઈપંડ મેળવતો રેસિડેન્ટ ડૉકટર "સ્ટેન્લી કા ડિબ્બા"વાળા માસ્તર જેમ દરરોજ ઈન્ટર્ન પાસેથી સો -દોઢસો રૂપિયાનો નાસ્તો ઝાપટી જાય એ મેડિકલમાં નોર્મલ ગણાય, વિકૃતિ નહીં. સિનિયર છ કલાક ઊભો હોય તો ઈન્ટર્નને મિલિટ્રી કમાન્ડ જેમ બેસવાનો હક રહેતો નથી, ભૂલેચૂકે બેઠેલો નજરે પડી ગયો અને માથાઉપલો રેસિડેન્ટ હોય તો એક કલાક ડિસિપ્લિનના ભાષણ નક્કી હોય જ. નતમસ્તક રહો, ભૈયા, દિદિલોગની દાદાગીરી સહન કરવા સિવાય તમારી પાસે કોઇ છૂટકો હોતો નથી. મેડિકલમાં સર-બર માસ્તરો માટે જ વપરાય,બાકી સિનિયર્સ માટે અંડરવર્લ્ડ જેમ ભાઈ,ભૈયા અને દિદિલોગનો ભૌકાલ જ મચેલો હોય.
રહેમ,દયાભાવ જે તે સમયે અધાર્મિક વાતો બની જાય.
મેડિકલમાં એને ટોક્સિસિટી કહેવાય અને એ તેની ચરમ પર હોય છે. સિત્તેર ટકાને ફાઈનલ યરમાં આવીને અને
ઈન્ટર્નશીપમાં આવીને મેડિકલમાં આવવા બદલ પસ્તાવો થવાનો ગ્રાફ નેવુ ટકાને ટચ કરી જતો હોય છે. જેમ જેમ કોલેજ હાઈલી રેટેડ, સરકારી તેમતેમ ટોર્ચર અને ટોક્સિસિટી અને કામનું ભારણ વધુ. જેટલી કોલેજ પ્રાઈવેટ એટલું ટોર્ચર અને કામનો ભાર અને માર ઓછો અથવા નહીંવત.
એક્ચૂઅલી આ એક સાયકલ છે ડોક્ટર પ્રોસેસની જે સદીઓથી ચાલતી આવે છે. રેસિડેન્ટ ચિઢયાપણું, ગુસ્સેલ સ્વભાવ એક સમયે ઈન્ટર્નને વાજબી પણ લાગવા લાગે છે. સરકારી દવાખાના હોય એટલે દર્દીઓના ટોળા નહીં મેળા લાગે. દર દસ મિનિટે એક ઈમરજન્સી આવે. બીસી રેસિડેન્ટનો કાળ જ એવો હોય (જે કોઈપણ રેસિડેન્ટ માટે બદલાતો નથી)
એક્સિડન્ટ પણ દર કલાકે થવા લાગે, ગધેડિના સાપ પણ રેસિડેન્સીના સમયે જ નવરા હોય કે દર કલાકે કરડવા લાગે, રિક્સાઓ ય પલટવા લાગે, દારુડિયાના ત્રાસ પણ વધી જાય, દરરોજ એકાદ બે મારપીટો થવા લાગે. પોલીસ કેસો પુરબહાર ખીલે.
આ તો દરરોજનું થયું બાકી વરસમાં બે વખત તો એવા આવે જ કે બ્રીજ ટૂટી જાય, બસ ખાબકી ગઈ હોય. આ બધું જ હેન્ડલ કરવા ત્રણ ડાકટરો તો બહુ કહેવાય. જસ્ટ ઈમેજીન, આ બધી જ ઈમરજન્સીઓ જોવાની, પોતાની જે રેસિડેન્સી હોય તે રીતે ઓપરેશનવાળાએ ઓપરેશનો પણ કરવાના( એ પણ જથ્થાબંધ જ હોય), મેડિસિનવાળાએ વોર્ડ જોવાના, અને સાથે સાથે દરરોજની ચારસો -પાંચસોની ઓપીડી પણ જોવાની. વીઆઈપી દર્દીઓની સ્પેશિયલ કેર અને જનરલ પબ્લિકનો કજીયો પણ વેઠવાનો. આ બધું કરવા તેઓ મનોમન પ્રાર્થના પણ કરતા હશે કે કાશ દિવસ અડતાળીસ કે બોત્તેર કલાકનો હોત.પણ એવું થતું નથી, દિવસ ચોવીસ કલાકનો જ રહે છે. કામનો બોજો એટલો વધી જાય છે કે રેસિડેન્ટને જીવવા માટે ખાવું પડે એ પણ ભૂલી જવાતું હોય છે. દિવસાંતે પગ ધૃજવા લાગે,આંખે અંધારા આવવા લાગે ત્યારે પેટમાં ચ્હા અને બિસ્કિટ રેડીને આગ હોલવી નાખવી પડે. આમાં ઉંઘ બુંઘ જેવું કંઈ આવતું નથી. શરીર જાતે થાકીને કોઈ મરણતોલ બીમારીથી પીડાતા બિનવારસી દર્દીની પાસે લોથપોથ થઇને પડી જાય,તેને રેસિડેન્ટની ઉંઘ કહેવાય છે. ડયૂટી એની જાત બતાવે તો ન્હાવાની વાતો પાપ ગણાય. ચાર દા'ડે ય ન્હાવાનું નસીબ થાય તો રેસિડેન્ટ પોતાને નસીબદાર ગણી શકે. આ બધામાં એમના ઉપરીઓની જોહુકમી તો પાર્ટ ઓફ ડયૂટી. એટલે રેસિડેન્ટ ફસ્ટ્રેટ થઈને ઈન્ટર્ન પર ફાટતો જ રહે. માટે, કદીક સરકારી દવાખાનાઓમાં લુખ્ખાગીરી કરવા જાઓ તો (ભલે તમને લાગતું હોય કે તમારા દર્દી સાથે અમાન્ય ઘટ્યું છે) હાથ ઉપાડતા પહેલા સો વાર વિચાર કરજો કે આ માણસ કહેવા પૂરતો નામનો જ મનુષ્ય બચેલો છે. હકીકતમાં એ શેરડીના સંચામાં દસ વાર પીલાઈને કૂચો બની ગયેલો પદાર્થ છે.
આ બધા લફડામાં પેલા ઈન્ટર્નની ઈન્ટર્નશીપ પૂરી થાય છે અને સામે અજગર ઊભો હોય છે પીજીનીટ નામનો. યુનિવર્સની ટફેસ્ટ એક્ઝામમાંથી એક ગણાતી પીજીનીટની પરીક્ષા અપમાનશીપ પૂરી કરીને જડ બનેલા માનવી માટે દરિયામાંથી સીધું સ્પેસક્રાફ્ટ પકડવાનો ખેલ બનીને રહી જાય છે. પરીક્ષાની તારીખ જાહેર થાય, કેન્સલ થાય,પોસ્ટપોન થાય એ માનસિક ટોર્ચર સાથે પરીક્ષા આવે પછી એડમિશન પ્રોસેસ માટે તારીખ પે તારીખ માણસને માનસિક કંગાળ કરી નાખે છે. ફરીથી અધમૂઆ બનીને માર્કસ લાઓ અથવા કોથળા ભરીને રૂપિયા રેડો. પચ્ચીસ વરસની ઉંમરે ભારતમાં લોકો પયણીને ઠરીઠામ થઈ જતા હોય છે ત્યાં મેડિકલ સ્ટુડન્ટ ત્રણ વર્ષ માટે એમડી કે એમએસ કરવા એડમિશન લેતો હોય છે. જેને મેડિકલની ભાષામાં રેસિડેન્ટ કહેવાય છે.
અંહી ભણવાનું ઓછું પણ રીપિટ અપમાનશીપ સાથે સાથે વેઠ્યું અને વૈતરું જ કરવાનું હોય છે. શીખવાની લાલચ એટલી બધી હોય છે કે ગદ્ધામજુરી સહર્ષ સ્વીકાર કરી લે. હવે જે ઈન્ટર્ન અપમાનશીપ કરીને રેસિડેન્ટ બન્યો છે તે ચાલતી સિસ્ટમની સાયકલ મુજબ તેની હાથ નીચેના ઈન્ટર્ન પર એ બધું જ આચરે છે જે તેને સહન કરવું પડ્યું હતું. મુજ વિતી તુજને વિતવી જ જોઈએ એ નીતિએ આ સાયકલ અવિરત ચાલતી રહે છે. શેરડીના કૂચા વારંવાર મશીનમાં પીલાયા કરે અને ટોર્ચર, ટોક્સિસિટી સહન કરતા જ રહે. ૨૮-૨૯ વર્ષે માણસ પોસ્ટ ગ્રેજ્યુએટ ડોક્ટર બની જાય. ફિઆન્સી, બિઆન્સી કે લવલપાટીની ઉંમરો તો જાડા કાચના ચશ્મામાં ધૂંધળી બની ગઈ હોય છે. અને એમાંય હજું સુપર સ્પેશિયલિસ્ટ બનવાનો અભરખો બાકી રહી ગયો હોય તો બીજા બે વર્ષ બીજા કોઈ હિટલરના ગેસ ચેમ્બરમાં ગુંગળાઈ મરવા શરણાગતિ કરવી પડે. એકત્રીસ બત્રીસની ઉંમરે સહપાઠીઓ અમેરિકામાં મિલિયન્સ ડોલરનો પગાર મેળવતા થઈ ગયા હોય અને અંહી સ્ટ્રગલ શરૂ થતી હોય છે. એક હોસ્પિટલથી બીજી, અંહી વિઝિટ ત્યાં વિઝિટ. દર મહિનાનો પહેલો રવિવાર, બીજો રવિવાર એમ મહિનાના દરેક વાર અલગ અલગ ગામોમાં રઝળપાટ. તેંત્રીસ -ચોત્રીસ વરસે માંડ હિંમત ભેગી કરીને પ્રાઈવેટ હોસ્પિટલનું વિચારતો હોય ત્યાં કોર્પોરેટનો ભોરિંગ ફેણ ફેલાવીને ઊભો હોય છે. લોન સિવાય કોઈ ચારો રહેતો નથી. ભરપાઈ કરતા કરતા પચાસની ઉંમર પાર થઈ જાય. પાંચસો ને હજાર કરોડના આસામી ડોક્ટર્સનો જમાનો ગયો. અને બન્યા એ ય સિત્તેરની ઉંમર પાર કરીને અપવાદ.
આટલું વેઠીને ય લોકોની આશા તો એવી જ હોય કે ડોક્ટર એટલે સંત,સેવક જ હોય. અર્ધી રાત્રે તેમના ફોનકોલ રીસિવ કરનાર, મેસેજના જવાબ આપનાર, મફતિયા સારવાર અને સલાહો આપનાર. બાકી તો પાનમસાલાની પડીકીઓ વેચવા દસ પર બે ફ્રીની સ્કીમ ખાનારો, ચડ્ડી પર પેન્ટ ફ્રી વેચનારો, કરિયાણામાં અમુક વેચાણે ચાંદી કે સોનાના સિક્કા લેનારો, અમુક ટન સિમેન્ટના વેચાણે વિદેશ ટૂર મેળવનારો, મલ્ટી લેવલ માર્કેટિંગમાં લોકોને સતત મુરખ બનાવનારો ,સરકારી કચેરીઓમાં સહીઓ કરાવી આપવા કટકી ખાનારો,માણસની મજબૂરી મુજબ ઉધારને નામે વ્યાજ ખાનારો,ઈવન હાલ્યો ને મવાલિયો દરેક ડોક્ટર માટે કામ પત્યે કસાઈ, લૂંટારો,બદમાશ,લબાડ,ફાર્મા એજ્નટ જેવા શબ્દો વાપરતા ખચકાટ અનુભવતો નથી. જ્યાં જ્યાં નજર મારી ઠરે, સ્કીમ પર ધંધા ક્યાં નથી? અથવા તો કહો કે,
"પ્રોફેશનલ હું સ્કીમ ખાને દે ગાલિબ, યા ઐસા ધંધા બતા જીસમેં સ્કીમ ન હો"😊.
માનીએ છીએ અમને ના નથી, હોય છે મેડિકલ પ્રોફેશનમાં પણ બદમાશો કે જે મહામારીની રાહ જોઈને બેઠા હોય છે. એક પેન્ડેમિકમાં સાત પેઢીનું રળી લેનારા. પણ એવા 0.1% 'ખ્યાતિ' પ્રાપ્ત લોકોને કારણે આખી કોમ્યુનિટીને તાગ પર સતત રાખવી,સતત ઘસાતું બોલવું એવું સાંભળવા તો સંતાનને કદી તબીબ ન બનાવશો. કારણકે તમે જેના માટે બોલવામાં સાવ નીચલી કક્ષાએ ઉતરી જાઓ છો એ ટોર્ચર અને ટોક્સિસિટી સહીને ,સંચામાં પીલાઈ પીલાઈને બની ગયેલો કૂચો માત્ર છે. અને સારુ વિચારી શકતા હોય તો અથડાઈ કૂટાઈને ટીપાઈ ટીપાઈને ઘડાયેલો હીરો છે. બાકી હેપ્પી ડોક્ટર્સ એસોસિએશન ઓક્સિમોરોન શબ્દ છે. ડોક્ટર હેપ્પી હોય એ રેરેસ્ટ ઓફ રેર ઘટના છે. મરે નહીં ત્યાં સુધી અપડેટ થતા રહેવું પડે. અને સામાન્ય માણસ કરતા ડોક્ટરનું આયુષ્ય 25% ઓછું હોય છે.
Know બોલ- ડોક્ટરનું પણ અમેરિકા જેવું છે. લોકો મન ભરીને અમેરિકાને ગાળો આપશે,જગતજમાદાર, લોકોને લડાવનાર, લૂચ્ચા બ્લા બ્લા. પણ તક મળતી હોય તો લાખો ખર્ચીને અમેરિકન બની જવા તત્પર રહેશે. એવું જ તબીબનું છે. દરેક ઘસાતું બોલતો માણસ જો એડમિશન મળતું હોય તો તેના સંતાનને ડોક્ટર બનાવવા અધીરો બની જશે. લળીલળીને ટેટસું મૂકશે.
-Dr Irfan Sathia