વ્હાલી વાલમ,
આપણો પ્રેમ તો દિવસે ને દિવસે ગાઢ બનતો જ ગયો, પણ આ પત્ર લખવાનું કારણ કે આ જ હું આપણી નિશાળે ગયો હતો.
તને ખબર વાલી આજ પણ ધોરણ 10 ની છેલ્લી પાટલી ઉપર તારા અને મારા કોતરેલા નામ વચારે દિલનો એક્કો એમનેમ છે, એના ઉપર સ્પર્શ કરતા ની સાથે જ જૂની યાદોનો ખજાનો મારા હૈયાની અંદર હિલોળે ચડ્યો....
મારું તો વર્ગમાં ભણવાથી વધારે તારા ઉપર જ ધ્યાન રહેતું, મારી રાત પણ એ રાહમાં વીતતી કે ક્યારે સવારે 7:00 વાગ્યાનો ટંકોરો વાગે અને તને નિહાળવાનો અવસર મળે. કોઈ છોકરી શ્રીંગાર કરે ત્યારે તો બધા મોહાઈ જાય પણ તું તો વગર શ્રીંગારે સ્કૂલ ડ્રેસમાં પણ એવી લાગે કે જાણે સાક્ષાત કોઈ સ્વર્ગની અપ્સરાએ ધરણી માથે અવતાર ધર્યો હોય. કોઈ ગઝલમાં લખાયેલી તારી અદા, કોઈ ગીત માં ગવાયેલી તારી ચાલ, તારી એ કાજળ આંજેલી આંખો જોઈને તો આખી રાત પીધેલી મદિરા પણ ઉતરી જાય અને તારી આંખ સાથે છેડખાની કરતી તારી વાળની લટ તો જાણે કોઈ જોગીઓનું જોગ ભાંગી નાખવા પણ સક્ષમ હોય અને તારા એ ખાડા વાળા ગાલમાં તો હું આજીવન લપસવા માંગુ છું.
ગુલાબી ગુલાબને પણ શરમાવ એવા તારા ગુલાબી ગાલ અને ફૂલની પાંખડી જેવા હોઠથી જ્યારે તુ હસતી ને ત્યારે ત્યારે વર્ગની છેલ્લી પાટલી ઉપર હું ઘવાતો.. બુકના છેલ્લા પાને તો બધા પોતાની પ્રેમિકા નું નામ લખે પણ મારી તો બધી બુકોમાં બધા પાના ઉપર તારું નામ હોય પછી એ પહેલું હોય કે છેલ્લું, મારી બુકમાં ગણિતના દાખલા થી વધારે તારું નામ મળે.. તને ખબર મારા બધા દોસ્તાર તો તને ભાભી જ કહેતા અને અત્યારે પણ જ્યારે જુના ભાઈબંધો નો ફોન આવે ને ત્યારે એકવાર તો જરૂર પૂછે કે ભાભી શું કરે છે ? પણ હું તને ક્યારેય મારા દિલની વાત ન કહી શક્યો, કારણ મારી પ્રકૃતિ થોડી શરમાળ છે પણ હા મારા હૈયે તો આજ પણ તારા નામથી જોબન ખીલી જાય છે.
આજ પણ વરસાદ નાં મૌસમ માં ચમકતી વીજળીઓ અને શિયાળા ની મીઠી સવાર તારી યાદ અપાવી જાય છે એવું લાગે જાણે ગરજતાં વાદળા અને વરસતો વરસાદ બંને મને પૂછી રહ્યાં હોય તારી સાથે ભીંજાવા વાળી ક્યાં ગઈ ? એ કેમ હવે દેખાતી નથી ? અને શિયાળા ની વહેલી સવાર નો એ ઠંડો ધીમો ધીમો પવન અને વરસતા ઝાકળ ના ટીપાં તો મને તારા સ્પર્શનો એહસાસ કરાવતો હોય એવું લાગે છે અને આ જેઠ મહિનાનો નો તડકો પણ મને એટલો નથી બાળી શકતો જેટલો હું તારી યાદ માં બળુ છું.
મારી ક્યારેય તને પામવાની ચાહ ન હતી મારી તો બસ ખાલી તને ચાહવાની ચાહ હતી. મને નથી ખ્યાલ તું કઈ જગ્યાએ છો ? શું ભણે છે ? મારો પત્ર તારા સુધી પહોંચશે કે નહીં એ પણ ખ્યાલ નથી કારણ હું આ પત્ર સ્કૂલ સમયે ક્લાસના રજીસ્ટર માંથી તારા ઘરનું જે એડ્રેસ નોંધ્યું હતું ત્યાં આ પત્ર મોકલું છું.
તારી યાદ માં તારા માટે એક નાનકડી કવિતા મારા તરફથી
ઘણા દિવસે
પત્ર મળ્યો આજ તમારો ઘણા દિવસે,
પ્રેમ ભરી વાતો વાંચી ઘણા દિવસે..
પાછો બગીચાના બાંકડે જય બેઠો ઘણા દિવસે,
હાથમાં હાથની વાત યાદ કરી ઘણા દિવસે..
આંસુઓ ગાલને વટી ગયા ઘણા દિવસે,
કાગળ પલડીઓ લખતા લખતા ઘણા દિવસે..
અધૂરા પ્રેમની કહાની લખી ઘણા દિવસે,
મેં મારી જ વ્યથા વાંચી ઘણા દિવસે..
જીવનભર સાથ ની કસમોને વાગોળી ઘણા દિવસે,
જુના ઝખ્મને તાજા કર્યા ઘણા દિવસે..
લી.
~~~~~