Talash 3 - 43 in Gujarati Thriller by Bhayani Alkesh books and stories PDF | તલાશ 3 - ભાગ 43

Featured Books
Categories
Share

તલાશ 3 - ભાગ 43

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે.


એક રાતમાં લગભગ બધુંજ બદલાઈ ગયું હતું. ગઈકાલે સાંજે સુધી માતેલા સાંઢની  જેમ ફરતો  શંકર રાવ લગભગ ગરીબડી ગાય બની ગયો હતો. કેમકે એના એક લોકલ મળતિયાને મળેલી પાકી બાતમી મુજબ છેક દિલ્હીથી એના પર ઇંક્વાયરી નીકળી હતી. વહેલી સવારે આ ખબર મળ્યા બાદ એણે પોતાની ઓફિસમાં ફોન કર્યો તો એના માનીતા ચપરાશી એ એને સલાહ આપી કે ફોન બંધ રાખીને ક્યાંક ભૂગર્ભમાં ઉતરી જાવ. અહીં ઓફિસમાં ચાર કલાકથી એકેક કાગળ તપાસાયા છે અને તમારા વિશે ઘણું બધું એ અફસરોને ખબર પડી ગઈ છે. તમારા ઘરે પણ ત્રણ કલાકથી રાજસ્થાન બહારની પોલીસ ટીમ સર્ચ કરી રહી છે. માટે તમે જ્યાં હોવ ત્યાં જ રહેજો. (શંકર રાવ એ વખતે એના મોલમાં બનાવેલ ઓફિસમાં હતો.)આટલું ઓછું હોય એમ થોડીવાર પહેલા જ આવેલા લખને ખબર આપી કે 'શંકર રાવના ખાસ ગુંડાઓ હિંમત સિંહ અને ધીરીઓ અને એની સાથે રહેલા બાકીના બે જણની જીપ ઉદયપુર -  નાથદ્વારાના રીતે 800 ફૂટ ઊંડી ખીણમાં તૂટેલી ભંગાર અવસ્થા પડી હોવાના ખબર છે. જે બહાર કાઢવામાં સાંજ પડી જશે. જયારે અંદર બેઠેલા કોઈ જીવતા છે કે મરી ગયા છે એના કોઈ ખબર નથી.'

"લખન, મારા ભાઈ, જીવનમાં પહેલીવાર આટલી મુસીબત આવી છે. કઈ કર, મારા વફાદારો એક પછી એક ગાયબ થઇ રહ્યા છે. અને .."

"અને શું રાવ??" કંઈક વ્યંગમાં લખને કહ્યું. અને ઉમેર્યું. "આ તમારો ફુલચંદ તો તમારી સાથે જ છે. મોકલાવો એને વર્દી પેરાવીને. ગમે ત્યાં તમારું કામ અટકવા નહીં દે."

"અરે, બહારગામની બીજા રાજ્યની પોલીસ આવી છે. આ સાલો મંગલ સિંહ શું કરીને મર્યો કઈ ખબર નથી ગઈ કાલ સવાર સુધી તો મારો બોડીગાર્ડ બનીને ફરતો હતો. ક્યારે એણે આ આયોજન કર્યું કઈ સમજાતું નથી."

"જુવો રાવ, તમે ગઈ અર્ધી રાત્રે મારી મદદ માંગી, બળજબરી કરીને છતાં હું આવ્યો અને તમને બનતી મદદ કરી પણ હવે બસ, મારો ભાઈ ગાયબ છે. આજ સાંજ સુધીમાં એને ગોતવાનો દેખાવ કરીને ગોતવો પડે."

"એ ફુલચંદ, આ લખનને કંઈક સમજાવ" શંકરરાવે આજીજી કરતા કહ્યું. 

"શેઠજી સમય પૂરો થયો" ફૂલચંદના આ વાક્યથી શંકર રાવ ચોંકી ઉઠ્યો. એને ફુલચંદની સામે જોયું. ફૂલચંદે પોતાની વર્દીમાં ઇનશર્ટ સરખું કરતાં કહ્યું. "મારી ડ્યુટી પૂરી થઈ, એક રાતના 10 હજારની વાત હતી. રાત પૂરી, વાત પૂરી. રોકડી આપો એટલે હું રવાના થાવ અને એય લખન હાલ તને તારા ઘરે ઉતારતો જાઉ"

"અરે તમે બેય મારા ખાસ માણસ, આમ મને મુસીબતમાં મૂકીને?"

"પૈસો મારો પરમેશ્વર, અને હું પૈસાનો દાસ." ફુલચંદ હવે ખીલ્યો હતો શંકર રાવ જેવા જમાનાના ખાધેલ માણસ એના બરાબર હાથમાં આવ્યો હતો. 

"કેટલા રૂપિયા જોઈએ છે તને?" 

"દશ લાખ રૂપિયા, રાત્રે આઠ વાગ્યા સુધી તમને ઉની આંચ નહિ આવવા દઉ" પોતાના હાથના નખ પોતાની વર્દીમાં ઘસતા ફૂલચંદે કહ્યું. અને લખનના ચહેરા પર મુસ્કાન આવી ગઈ. 

"તું, સા ...મારુ જ ખાઈને મને બ્લેકમેલ કરવા માંગે છે?  તારા ઉપરીએ તારી બદલી છેક છેવાડાના ગામમાં કરી હતી. આ તો મારી છત્રછાયા હતી એટલે તું..?

"ચૂપ.. હરામ ખોર.." શંકર રાવનું વાક્ય કાપતા ફૂલચંદે કહ્યું. અને ઊમેર્યું. "તે કઈ મફતમાં મને નહોતો બચાવ્યો. મારી હરામની કમાણીના 2 લાખ રોકડા અને મારી જ્યુરીડીક્શનમાં આવતી તારા કન્ટ્રકશન બાબતે કોઈ ફરિયાદ આગળ ન વધે તેના પેટે તે મારી પોસ્ટ બચાવી હતી. હવે ચુપચાપ 10 પેટી ઢીલી કર તો તને સાંજ સુધી બચાવી લઈશ. સાંજે આઠ વાગ્યે આપણી ડીલ પુરી. તારી વ્યવસ્થા તું કરી લેજે. હવે જલ્દી કર મારે લખનને છોડવા જવું છે."

"આપું છું 10 લાખ પણ મને પરમ દિવસ ઉંધી સંતાડવો પડશે મંજુર છે?" શંકર રાવે પોતાનો દાવ ફેંક્યો.

"ચાલ લખન, આને બચવામાં રસ નથી મને મારા ઓફિસરનો ફોન હતો આનો બંગલો સીલ થઈ ગયો છે. અને એની બધી બેનામી મિલકતની તપાસ ચાલે છે. અહીં પણ ગમે તે મિનિટ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ આવી પહોંચશે તો આપણે અટવાઈ જઈશું," કહી ફૂલચંદે લખનને લઈને ચાલતી પકડી. એ જેવો ઓફિસના દરવાજે પહોંચ્યો કે શંકર રાવે રાડ નાખી."ઉભો રહે, હું આપું છું. 10 લાખ, અને આ લખનને પણ 5 લાખ આપું છું એણે મંગળને માર્યો એના. અને પ્લીઝ મને સાંજ સુધી બચાવી લે." 

 "મારે તારા રૂપિયા નથી જોતા." લખને રાડ નાખતા કહ્યું અને ઉમેર્યું ભૂલમાંય તારા મોઢામાંથી મારુ નામ નીકળશે તો તું જે જેલમાં હોઈશ, ત્યાં આવીને તારું ખૂન કરી નાખીશ. તારી દરેક મુશ્કેલીનો જવાબ હું હતો, મારો જવાબ ક્યાંથી શોધીશ?" લખને ગુસ્સાથી કહ્યું. 

"લઇ લે, લખન, તારા કાકાને આપવા પડશે, એ બિચારાને 2 દીકરી પરણાવવાની છે. અને એય, શંકર રાવ, જોજે મોઠું ન ખોલતો નકામો જીવથી જઈશ. ચાલ હવે હાથ લાંબો કર એટલે હાથકડી પહેરવું." કહી ફૂલચંદે શંકર રાવના હાથમાંથી રૂપિયાના બંડલ લીધા જે એણે ઓફિસની તિજોરીમાંથી કાઢ્યા હતા. 

"પણ હાથકડી શું કામ?" શંકર રાવે સહેજ ગભરાતા અવાજે કહ્યું.   

"તને હું હાથકડી પહેરાવીને ઉદયપુરની બહાર લઇ જઈશ, સાંજ સુધી ફેરવીશ, એટલે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ તને પકડી નહિ શકે, મારી ચોકીમાં તારા નામની એન્ટ્રી મારો હવાલદાર ગુપચુપ નાખી દેશે. હું તને એક આરસ પ્હાણની ખાણના ગેરકાયદે માલિકી બાબત પૂછપરછ કરવા સ્થળ પર લઇ ગયો છું એમ. સમજ્યો." કહીને શંકર રાવને હાથકડી પહેરાવીને પોતાની જીપ પાસે પહોંચ્યો અને લખનને પાંચ લાખ આપતા કહ્યું. "રાખી લે, અને તારા બનેવીને સોરી કહેજે, આપણે બાળપણના ભાઈબંધ છીએ, મંગલ મારા ભાઈ જેવો હતો, કાકાને આ ઉંમરે ટેકો રહેશે, હવે તું જા અને મંગલની વિધિ પૂરી કર. અને કઈ પ્રોબ્લેમ હોય તો બિન્દાશ મને ફોન કરજે." કહી પોલીસ જીપ ના ડ્રાયવરને હુકમ કર્યો, "ચલો." 

xxx  

આઈ બી ચીફ રાકેશ મિશ્રા, અસમંજસમાં હતા. આવડી મોટી માહિતીની એમને રજમાત્રની પણ ખબર ન હતી. 'હે ભગવાન શું થવા બેઠું છે?' નખશિખ ઈમાનદાર એવા આ અધિકારીની રિટાયરમેન્ટ 3 મહિના પછી હતી, અને 32-34 વર્ષ ની નોકરીમાં ક્યારેય એમના કોઈ કામ માં કઈ કાચું કપાયું ન હતું અને આમ રીટાયર થવાની વેળાએ આવડું મોટું બ્લન્ડર. "સર" એમણે વડાપ્રધાન ને કહ્યું. "હું અત્યારે જ રાજીનામુ આપું છું."

"પણ શું કામ? અત્યારે રાજીનામાંનો નહીં જ્યાં ચૂક થઇ છે એ સુધારવાનો સમય છે." 

"પણ તોએ એ મારી જવાબદારી છે." 

"હું તમારું રાજીનામુ મંજુર નથી કરતો." વડાપ્રધાને સ્પષ્ટ અવાજમાં કહયું અને આદેશ આપ્યો કે "બધું ભૂલી જાવ, અને કામે વળગો."

xxx 

વિક્રમ, પૂજા, સુમતિબહેન રાજીવ અને શેરા એરપોર્ટ બિલ્ડીંગની બહાર આવ્યા, વિક્રમે રાજીવને કહીને દિલ્હી ઓફિસથી એક કાર મંગાવી હતી એ લોકો કારની રાહ જોઈ રહ્યા હતા એ વખતે 2-3 હટ્ટાકટ્ટા લોકો એમની પાસે આવીને ઉભા રહ્યા. એમાંથી એ લોકોના બોસ જેવા લગતા માણસે વિક્રમને પૂછ્યું. "શું તમે વિક્રમ ચૌહાણ છો?"

"યસ, તમે કોણ?" સહેજ શંકાથી વિક્રમે પૂછ્યું. 

"મારું નામ મહેન્દ્રસિંહ રાજપૂત છે. હું ઇન્ટેલિજન્સ બ્યુરોમાં સિક્યુરિટી યુનિટ હેડ છું. આ બન્ને મારા કલીગ છે. અને અમારે તમને લોકોને જ્યાં જવું હોય ત્યાં સુધી સલામત પહોંચાડવાના છે. અમને ન્યુઝ મળ્યા છે કે તમારો બધાનો જીવ જોખમમાં છે."

"પણ તમને એવું કોને કહ્યું કે મારે સિક્યુરિટીની જરૂર છે? મેં એવી કોઈ અરજી નથી કરી અને મને કોનાથી ખતરો હોય?" સહેજ અકળાતા વિક્રમે કહ્યું.

"એ તો મને નથી ખબર પણ તમે આવડા મોટા ઉદ્યોગ પતિ છો ગમે ત્યારે કોઈ માથા ફરેલ તમને નુકસાન પહોંચાડી શકે છે જોકે એ મારો અંદાજ છે. પણ અમારા બોસ રાકેશ મિશ્રા જી .. "

"ઓહ, મિશ્રા અંકલ હા એમને હું મળ્યો છું આઈ, બીના ચીફ છે,  પણ મારે સિક્યુરિટીની જરૂર નથી અને આમેય મારે તો શ્રી નાથદ્વારા જવું છે."

"આખા ભારતમાં તમારે જ્યાં જવું હોય ત્યાં અમારી સાથે જ જવાનું છે. તમે તમારા મિશ્રા અંકલ સાથે વાત કરો હમણાં જ."

xxx 

"આંટી આ વળી શું નવું ચક્કર છે." સહેજ નંખાયેલા અવાજે પૂજા કહી રહી હતી લગભગ 2 રાતથી એની ઊંઘ પુરી થઇ ન હતી એનો સુંદર ચહેરો સહેજ ચીમળાયેલ લાગતો હતો.

"અરે દીકરી, જે હશે, એ જોયું જશે, આજનો દિવસ મારા માટે સહુથી સુંદર છે. આજે 6-7 મહિને વિક્રમે પહેલી વાર શ્રીનાથદ્વારા દર્શન કરવા આવવાની હા કહી, અને તને ભાવિ પત્ની તરીકે જાહેરમાં સ્વીકારી. માંડ ઓલી સોનલની રઢ મૂકી મારા દીકરાને પાગલ કરનાર એ છોકરીનું નખ..."

"હા... હા.. મારા થનારા સાસુમા કોઈની દીકરી ની હાય ના લો, ને એને શ્રાપ ન આપો, એ ય કોઈની દીકરી છે અને આમેય એણે ક્યાં વિક્રમને પ્રપોઝ કર્યું કે પાછળ પડી છે આ વિકુડો.. જ સોરી વિક્રમ જ."

"ભલે તું ના કહે છે તો એને શ્રાપ નથી આપતી બસ. અને તું વિકુડો કહે છે એ મને અને વિક્રમને બન્નેને ગમે છે. હવે તું એને ફોન કરીને પૂછ શું મામલો છે. આ આપણને બધાને 3 અલગ કારમાં બેસાડ્યા છે વાત કરવામાં ય મુસીબત છે ને પાછી આ લેડી ડ્રાયવર, એને સરખી કાર ચલાવતા આવડતી હશે કે કેમ કોણ જાણે? 7-8 કલાકની મુસાફરી છે."

"હા માસી, મને કાર ચલાવતા બરાબર આવડે છે અને જરૂર પડે હું હેલીકૉપટર પણ ઉડાવી શકું છું, અને તમે ગમે તે ભાષામાં મારી બુરાઈ કરો મને બરાબર સમજાશે, કેમ કે મને 18 ભાષા આવડે છે." સહેજ સ્મિત કરતા આઈબીની લેડી ઓફિસરે કાર ડ્રાઈવ કરતા કહ્યું અને સુમતિબહેન માથે હાથ દઈને બેસી પડ્યા એ જોઈને ડ્રાઈવર અને પૂજા હસી પડ્યા.

xxx 

નાઝ વ્યગ્ર ચહેરે પોતાની રૂમ માં આમતેમ આંટા  મારી રહી હતી, સવારે 4 વાગ્યે ઉપરી અધિકારીનો ફોન આવ્યો હતો અને શાહિદને બીકાનેરની સરહદે પહોંચવા કહ્યું હતું, તો કલાક પછી અઝહરને છેક લદ્દાખમાં કોઈક ગામમાં જઈને રિપોર્ટ કરવા જણાવ્યું હતું. જયારે નાઝનું લોકેશન પૂછીને પછી નવો આદેશ ન મળે ત્યાં સુધી ત્યાં જ શ્રી નાથદ્વારા ધર્મશાળામાં જ રોકવાનો હુકમ થયો હતો. હની - ઈરાનીને નાઝે ફોન કરીને પૂછ્યું તો જણાવ્યા કે સાંવરિયા શેઠનું મિશન એબોર્ટ કરવાનો હુકમ હતો અને સાઈડ ઈનકમ માં 50 % દેવાની શરતે એમને 3 દિવસમાં સાઉથ આફ્રિકાનો પ્રોજેક્ટ પૂરો કરવાની પરમિશન મળી હતી, 'મતલબ કે માંડ 5-6  લાખ રૂપિયા હાથમાં આવશે.' નાઝે મનોમન વિચાર્યું હતું, શાહિદ અને અઝહર તો ક્યારનાય ધર્મ શાળામાંથી વિદાય લઇ ચૂક્યા હતા. બધું ભૂલીને જાણે હનીમૂન પર આવી હોય એમ આ ત્રિપુટી સાંવરિયા શેઠ પ્રોજેક્ટમાં મદદરૂપ થવા આવ્યા હતા. જે મિશન હવે એબોર્ટ કરી દેવાયું હતું અને હની-ઈરાનીને સાઉથ આફ્રિકા વાળા પર્શનલ મિશનમાં 12-15 લાખ મળવાના હતા એમાંથી ય અર્ધા તો ઉપરના ઓફિસરને દેવા પડશે. '5-6 લાખ બચશે આ પાકિસ્તાનમાં મોંઘવારી કેટલી વધી ગઈ છે.' નાઝનું મન ખાટું થઈ ગયું. એને કંઈ સૂઝતું ન હતું. મોહિની અને સોનલ બન્ને એક એક વાર એને શોપિંગ માટે જવા બોલાવી ગઈ હતી. પણ નાઝનું મન માનતું ન હતું. મિશન માટે ઓફિસથી મળેલા રૂપિયા માંથી લગભગ એકાદ લાખ રૂપિયા એની પાસે હતા. પણ એ શોપિંગમાં ઉડાવી દેવાનો એનો જીવ ન ચાલ્યો. આ કંઈક ખર્ચ બતાવીને એને પોતાની પાસે બચત તરીકે રાખવા હતા. ભવિષ્યમાં આઈ એસ આઈમાંથી નિવૃત્તિ લઈને એને બ્રિટનમાં લંડન કે પછી અમેરિકામાં લોસ એન્જલસમાં સેટ થવું હતું. 'ઓલા બેય ઘોઘા કઈ સમજતા નથી. એ બેમાંથી ગમે ઈ મારો વર બને એની મને પડી નથી.' પણ આમ બે જણની પત્ની તરીકે રહીને એ કંટાળી ગઈ હતી એટલે જ પોતાના 2 મિશન ને બરબાદ કરનાર જીતુભાને ખતમ કરનાર સાથે પોતે પરણશે એવું એને જાહેર કરેલું.(તલાશ 2)  'આ જીતુભા કેમ અચાનક યાદ આવે છે.ગઈ રાત્રે પણ સોનલ જીતુડો બોલી ત્યારે પણ યાદ આવ્યો હતો.' અચાનક સોનલ યાદ આવતા એના ચહેરા પર એક મુસ્કાન આવી ગઈ, અને એણે મનોમન શોપિંગ પર જવાનો નિશ્ચય કર્યો. શોપિંગ પરથી પરત આવીને એ બેઉ નણંદ -ભાભી ને પોતાની રૂમમાં બેસવાના બહાને બોલાવી એમને બેહોશ કરીને એ બેઉની વીંટી કાઢી લેવાનો પ્લાન એના મગજમાં આકાર લેવા માંડ્યો હતો. એ ફટાફટ તૈયાર થઇ ગઈ અને સુરેન્દ્ર સિંહની રૂમનો દરવાજો ખખડાવ્યો. દરવાજો મોહિનીએ ઉઘાડ્યો અને કહ્યું "વાઉ, નીના ભાભી તમે તો મસ્ત લાગો છો," નાઝે કાંજીવરમ લાલચટ્ટક સાડી અને મેચિંગ બ્લાઉઝ પહેર્યા હતા, હાથમાં સોના ઉપરાંત કાચની રંગબેરંગી બંગડી ગળામાં લાંબુ અને જાડું મંગળસૂત્ર, કાનમાં મોટી બુટ્ટી કપાળે નાની બિંદી અને સેંથામાં સિંદૂર પૂરી ને વ્યવસ્થિત ઓળવેલા વાળ, અને અત્યંત મોંઘા બ્રાન્ડ ના પરફ્યૂમની મઘમઘતી સુગંધ એને એક કરોડપતિની  નવવિવાહિતા સ્થાપિત કરવા માટે પૂરતા હતા. 

"મારી સામે આટલું જોઇશ તો તારો થનારો વર ઈર્ષ્યા કરશે. હવે સોનુને બોલાવ એટલે આપણે જઈએ." નાઝે ઠસ્સાથી કહ્યું એ જ વખતે એમનાથી 25-30 ફૂટ દૂર ધર્મશાળાના રિસેપ્શન પર એક સાઈઠ વર્ષનો મારવાડી વેપારી પોતાની પત્ની અને ડ્રાઈવર સાથે પહોંચ્યો હતો. એ હતો ગુલાબચંદ ગુપ્તા, જેસલમેર નો મોટો વેપારી, એ જ ગુલાબચંદ ગુપ્તા કે જેની ભત્રીજી થઈને નાઝ ભારતભરમાં ફરતી હતી.  

ક્રમશ:  

 આ વાર્તા તમને કેવી લાગી એ ના પ્રતિભાવની પ્રતીક્ષા છે. તો વોટ્સએપ નંબર 9619992572 પર તમારા પ્રતિભાવ - સૂચનો અવશ્ય મોકલજો.