પ્રેમ અને આકર્ષણ
કેટલાય અર્થઘટન થતાં રહે છે આકર્ષણ અને પ્રેમ વચ્ચે. પ્રેમ અને આકર્ષણ વચ્ચે બહુ મોટો ભેદ રહેલો છે. આકર્ષણ એ પ્રેમ નથી પણ પ્રેમમાં આકર્ષણ હોય શકે છે. જો વ્યક્તિ પહેલા આકર્ષણ થઈ જાય તો પ્રેમ ન માણી લેવો, કેમ કે આકર્ષણ એ વારેવારે ઉત્પન્ન થઈ શકે છે. જો કોઈ વ્યક્તિ કે વસ્તુ પ્રત્યે આકર્ષણ હોય અને તેનાથી ચડિયાતી આપણી નજરમાં અન્ય વસ્તુ કે વ્યક્તિ મળી જાય તો તે વ્યક્તિ કે વસ્તુ પ્રત્યે આકર્ષણ રહેતું નથી અને નવી મળેલ વ્યક્તિ કે વસ્તુ પ્રત્યે આકર્ષણ થઈ જાય છે. આકર્ષણ ક્યારેય નાશ ન પામે. એક પછી એક થયા જ કરે છે. કોઈ પ્રત્યે આકર્ષણ હોય પણ એ વ્યક્તિને જો જાણ ન હોય તો એક તરફી આકર્ષણ કલ્પના પેદા કરે છે. એ હંમેશા ક્યારેક ક્યારેક એ વ્યક્તિ કે વસ્તુને મેળવી લેવાની, પામી લેવાની કલ્પના કરતો રહે છે અને જો એ વાસ્તવમાં મળી જ જાય તો પછી એ વ્યક્તિ અને વસ્તુ પ્રત્યે ધીરે ધીરે રસ રુચિ ઘટવા લાગે છે. આ હતી આકર્ષણની વાત.
હવે, પ્રેમને જાણીએ તો એ જીવનમાં એક જ વાત થતો હોય છે. જે વ્યક્તિ કે વસ્તુ પ્રત્યે જો પ્રેમ થઈ જાય તો તે તેને પામવાની ઈચ્છા નથી રાખતો પણ એ સમયની અંદર, પ્રેમ સબંધમાં આત્માને અર્પિત કરી દેતો હોય છે. એ વ્યક્તિ કે વસ્તુને મેળવવા માટે નહિ પણ એની ખુશી, આનંદ અને ગૌરવ માટે ત્યાગ પણ કરી શકતો હોય છે. પ્રેમ એક આનંદ છે, એવો આનંદ છે જે માત્ર એની અનુભૂતિમાં જ જીવી લેતો હોય છે.
આપણે સમજવો રહ્યો કે પ્રેમ છે કે આકર્ષણ અને આ સમજવા માટે એક વસ્તુ જ્ઞાત રાખવી કે શું મને અન્ય પ્રત્યે પણ આવું આકર્ષણ કે કલ્પના ઉત્પન્ન થઈ શકે છે. જો થતી હોય તો એ માટે આકર્ષણ છે નહિ કે પ્રેમ. પ્રેમમાં એક વ્યક્તિ અન્ય વ્યક્તિને તકલીફ કે યાતના નથી આપી શકતી. મીરાંબાઈ શ્રીકૃષ્ણ પ્રત્યે જે પ્રેમ હતો એ સત્ય અને વાસ્તવિકતા રજૂ કરે છે. આકર્ષણ એક ભ્રમ છે, મૃગજળ છે જે માત્ર કલ્પના કે ઈચ્છાની પૂર્તિ માટે જ ઉત્પન્ન થતું હોય છે. વ્યક્તિની ઈચ્છા કે તેના ધાર્યું ન થઈ શકે તો જીદ પેદા થતી હોય છે. એ વ્યક્તિ અન્ય વ્યક્તિ પર હક જમાવવા કે પોતાનું ધાર્યું કે મૂડ હોય એમ વર્તન કરે એવી અભિલાષા રાખતું હોય છે. પોતાના બધાજ ભાવ સમય પ્રમાણે થોપવાની કૌશીશ કરે છે.પ્રેમ ન તો તરસ પેદા કરે છે કે ન ભ્રમ, એતો નિરામય, નિરાકાર સ્વરૂપ હોય છે. પ્રેમને પામવો કે મેળવવો એ હેતુ નથી પણ પ્રેમ એક ત્યાગ જ સ્વરૂપે પ્રગટ થાય છે.
પ્રેમ અપારદર્શક વહેતી ધારા છે. પ્રેમ એ માત્ર નીંદરમાં આવતા સ્વપ્ન જેવું હોય છે, જેને માણી શકાય છે નહિ કે એમાં જીવી શકાય. પ્રેમ બહારની કોઈ વસ્તુ કે વ્યક્તિમાં શોધશો તો એ દુઃખ કે પીડા જ છે. પ્રેમ ભીતરથી થવો જોઈએ અને ભીતરમાં પણ સ્વ ને થવો જોઈએ. જો ખુદને જ કે પોતાને જ થાય તો જ આનંદ કે પરમાનંદની પ્રાપ્તિ થાય છે.
જિંદગીના થોડાઘણા અનુભવમાં શીખી જવાયું કે જો સ્વને જ પ્રેમથી માણી લેવાશે તો જિંદગી અટકેલી નહિ રહે. કોઇપણ બહારથી થતી ચહલપહલથી ફરક નહિ પડે. માત્ર બહારથી દેખાતી કેટલીક દુનિયા એ રાતના કે ઊંઘમાં આવેલા સ્વપ્ન સમાન જ હોય છે. વાસ્તવમાં પરીપથ તો ખુદમાં રહેલા ખુદ માટેના આવેગો પ્રગટ થશે જે ઉત્કૃષ્ટતા જ પ્રદાન કરશે. માટે સ્વમાં રચ્યાં પચ્યા રહેવું.
-----પટેલ ભૂપેન અજ્ઞાત