પ્રકરણ 1 : જ્યુસ સેન્ટર
દીવાલો પર આક્રોશ સામસામે એવો પછડાઈ રહ્યો હતો કે જો તેમાં સાચે જ ઘનતા હોત તો આજે ઘર ધ્વસ્ત થઇ જાત.
કયારેક વિચાર્યું છે કે આપણને શબ્દો સાંભળ્યા વગર માત્ર અવાજની આપ-લે થી કેવી રીતે ખ્યાલ આવી જાય છે કે કોઈ ઝગડો કરી રહયું છે કે કોઈ જોર જોરથી ગીતો રહયું ? આક્રંદનો પોતાનો સુર હોય છે.
5 મિનિટ સુધી એ ઘર એવા ભયાનક સૂરોથી ગાજતું રહ્યું. ચીસો, તોડફોડ, રુદન..
ધડામમમ …બારણું ખુલવાનો અવાજ..
ખિસકોલીની ચપળ ગતિએ બુટનો અવાજ ઓટલાના બે દાદરા ઉતરી, ગેટની સ્ટોપર ખોલી, કાર ઓપન કરવાનો ટિન્ટ ટિન્ટ અવાજ કરી કારના સ્ટાર્ટરના અવાજ સુધી પહોંચ્યો અને સ્પીડથી હંકારી ગયેલી કારના ટાયર ઘસવાથી થયેલા અવાજમાં ઉડી ગયો.
પછી સન્નાટો!! થોડી વારે સુબકાં લેતો શ્વાસ દરવાજા પાસે અથડાયો. બારણાં બંધ થયા.. લાઈટો બંધ થઇ ગઈ .. ફરી સન્નાટો. એ રુદનનો અવાજ કદાચ ઓશિકામાં ઘૂંટાઈ ગયો હશે કાં તો શાવરના પાણીમાં વહી ગયો હશે.?!
*****
તે ચૂપચાપ તળાવને તાકી રહ્યો. વહેલી સવારના સૂરજના કિરણો પડવાથી હળવા ગોલ્ડન થયેલા પાણીએ તેની નજર જકડી રાખી હતી. પણ પુરુષની નજર માટે સ્ત્રી થી વધુ આકર્ષક ભાગ્યે જ કંઈક હોઈ શકે. બરાબર તેનાથી 10-15 ડગલાં દૂર યોગા કરતી એક સ્ત્રી તેને પરોક્ષ જળસમાધિ લેવાથી બચાવી રહી હતી.
થોડી થોડી વારે તેનું ધ્યાન તેની સુંદર વળાંકો લેતી કાયા તરફ ખેંચાતું હતું. નજર સહેજ ધીમી લટાર મારીને પાછી આવી જતી. છતાંય મનની ઉદાસી તેને મુક્ત કરી રહી ના હતી.
થોડી વાર પછી સૂર્યના કિરણો તાપ બની ગયા. હવે પાણી એકસરખું ઉજળું બની ગયું. કદાચ હવે પસંદગી આસાન હતી. સ્ત્રીનું પસીનાથી રેબઝેબ શરીર અલબત્ત વધુ આકર્ષક હતું.
તેણે પાણીમાં ઉષ્મા ભળતી જોવા કરતા ઉષ્મા સર્જતી સ્ત્રીને જોવાનું પસંદ કર્યું.
અનાયાસે તેની નજર સ્ત્રી પર સ્થિર થઇ ગઈ. તેના યોગાસનોનું કૌશલ્ય આ આખી પરિસ્થિતિને માન આપી રહ્યું હતું.
આખરે, માનવી મનનો ગુલામ હોય છે. તેના પગ ક્યારે તે બેઠો હતો ત્યાંથી ઉઠીને ચાલવા લાગ્યા અને બરાબર એ સ્ત્રીની સામે આવેલા પગથિયાં પર જઈને બેઠા તેને એને પોતાને કદાચ ખ્યાલ નહિ આવ્યો હશે.
યોગ કરી રહેલી સ્ત્રી આ થઇ રહેલી ઘટના પ્રત્યે સજાગ હતી. જેવો તે તેની બરાબર સામે જઈને બેઠો તેણે એક ક્ષણ લઈને પોતાનું એક આસાન પૂર્ણ કર્યું. તેણે જોયું કે આ પુરુષ ગ્લાનિરહિત બરાબર તેની સામે જ આવીને બેઠો છે અને મીટ માંડીને તેને જોઈ રહ્યો છે. તેના વિખરાયેલા વાળ, ચોળાઈ ગયેલા કપડાં અને ઊંડી ઉતરી ગયેલી આંખોથી એ સ્પષ્ટ હતું કે તે આખી રાત સૂતો નથી. તેના મનનું દુઃખ તેના આખા અસ્તિત્વમાં છલકાઈ આવતું હતું. તેથી જ કદાચ તેની આવી ચેષ્ઠા અભડક ના લાગી. સ્ત્રી સંવેદનશીલ હતી, તે એટલું સમજી શકી કે પુરુષ સ્વસ્થ માનસિકતામાં નથી. પરંતુ એ જ કારણ તેને સતર્ક થઇ જવા માટે પૂરતું હતું. સ્ત્રી મનથી કેટલી પણ મંજ્બુત હોય શારીરિક અને સામાજિક મર્યાદાઓ પ્રત્યે તેને હંમેશા સભાન રેહવું જ પડે છે.
તે પોતાની જગ્યા પર જ ઘૂંટણ વાળીને બંને હાથ તેની આસપાસ વાળીને બેઠી. તેના શ્વાસ હજી સામાન્ય કરતા ઝડપી ચાલી રહ્યાં હતા. તેને ચહેરા પર કટાક્ષભરી સ્માઈલ જાળવી પુરુષની આંખોમાં સીધું જોયું. પુરુષે નજર હટાવી નહિ. કોઈ પ્રિતિક્રિયા આપી નહિ. સ્ત્રી ક્ષોભપૂર્વક હસી પડી.
તેના ખડખડાટ હાસ્યથી પુરુષની મગ્નતા તૂટી. તે નીચું જોઈ ગયો. હવે તેના ચહેરા પર લજ્જા હતી. પણ હજીયે દુઃખ નું પ્રભુત્વ વધારે હતું.
સ્ત્રીએ પરિસ્થિતિને સામાન્ય કરવા શબ્દોનો સહારો લીધો.
“ભારે ધીટ છો તમે તો, બરાબર સામે આવીને બેઠાં છો ને…”
“માફ કરશો. મારો ઈરાદો તમને અન્કમ્ફર્ટેબલ કરવાનો હતો નહિ. સૉરી મેં તમને ડિસ્ટર્બ કર્યાં”
એટલું કેહતા કેહતા તે ઉભો થઇને ઊંધું વળીને ચાલવા લાગ્યો.
સ્ત્રી માટે આ થોડું વાગી જાય એવું હતું. માફી માંગનાર તેને માફી મળી કે નહિ એની પરવા પણ ના કરે તો અશિષ્ટ વ્યવહાર બની જતો હોય છે.
તે પોતાની યોગામેટ અને બેગ લઈને તેની પાછળ આવી.
પુરુષ ગાડી સુધી પહોંચી ગયો હતો.
તેની પીઠ પર અવાજ પછડાયો.
“તો તમારા માટે આ સામાન્ય પ્રવૃતિ છે, તમારો રોજ નો શોખ છે આ?” સ્ત્રી બોલી.
“શું?” બિલકુલ અલ્લડતાથી સહેજ અકળાઈને પુરુષે પૂછ્યું.
સ્ત્રી થોડું ચીડાયેલું હસી અને બોલી, “આ જ, આમ કોઈ સ્ત્રીની સામે બેસીને તેને તાક્યા કરવું?”
પુરુષ નીચે જોઈ ગયો. તેને પોતાની ભૂલ છેક હવે સમજાઈ હોય એમ તેણે આંખો બંધ કરીને નિશ્વાસ નાખ્યો.
બીજી ક્ષણે તેના બંને હાથ સ્ત્રીની સામે જોડેલા હતા.
“મને સાચે માફ કરો. હું એક્સક્યુઝ નથી આપતો પણ હું .. હું સભાન અવસ્થામાં છું જ નહિ… હકીકતે હું તમને જોઈ પણ નહતો રહયો.. એટલે હું જોઈ રહ્યો હતો પણ મારા મનમાં કોઈ જ ખોટા વિચારો ના હતા.. અરે, સાચું કહું તો મારું દિમાગ જ બંધ છે… તેથી જ એવું અવિવેકી વર્તન મેં કર્યું… મને માફ કરો ..પ્લીઝ. હું સાચે જ તમને નહતો જોઈ રહ્યો .. હું બસ તમારા સુંદર રીતે વળી રહેલાં શરીર ને .. સોરી સોરી મારો એ અર્થ નથી .. હું શું બોલી રહ્યો છું મને ભાન નથી…”
સ્ત્રી ખડખડાટ હસી પડી. પુરુષ અવાક બનીને ઉભો રહ્યો. તેનો ચહેરો જે રાતના ઉજાગરા થી સુકાયેલો હતો તે શરમથી ધોળો ધબબ થઇ ગયો.
સ્ત્રીના મનમાં સ્ત્રીસહજ દયા ઉભરાઇ આવી.
“તમે ખુબ પરેશાન લાગો છો, આખી રાત સૂતાં પણ નથી કે શું?”
પુરુષે કંઈ જવાબ ના આપ્યો. બસ એક ક્ષણ તે સ્ત્રી સાથે નજર મિલાવી શક્યો. એની આંખમાં ખેદ ઉભરાઈ આવ્યો. તે હજી નીચું જોઈ રહયો હતો.
“ચાલો જો તમે ખરેખર દિલગીર હોવ તો અહીંથી થોડે દૂર એક જ્યુસ સ્ટૉલ છે. તમારે આજે મને “સૉરી-જ્યુસ” પીવડાવવો પડશે પછી જ માફી મળશે. અને એમ પણ તમને તો જ્યુસ પીવાની ખુબ જરૂરત લાગે છે.” સ્ત્રીએ આદેશ કર્યો.
પુરુષ થોડો અકળાયો પણ તેને ખાલી હાથથી નિર્દેશ કર્યો કે - ચાલો.
સ્ત્રી એ દિશા પકડી. પુરુષે એક સ્ટેપ પાછળ રહી તેને અનુસર્યું.
તે મરેલાની જેમ એક પછી એક પગ આગળ મૂકી રહયો હતો. હવે સ્ત્રી તેની સાથે એક હાથ કરતા પણ ઓછા અંતરે હતી પણ તે તેને જોઈ રહ્યો ન હતો. તેની નજર બે ઘડી તળાવ પર રહેતી અને થોડી વારે સ્ટોલ કેટલે દૂર છે તે માપી લેતી.
સ્ત્રી તેની બેચેની અનુભવી ગઈ. તેણે પાછળ ફરીને સૌમ્ય સ્મિત સાથે કહ્યું, “બસ પેલો ટર્ન છે ને ત્યાં જ છે ડાબી બાજુ.”
બંનેની આંખો મળી. એક અજીબ ચમકારો મનમાં વહી ગયો. સ્ત્રી તરત ઉંઘી વળીને ચાલવા લાગી. પુરુષ ને અચાનક હળવું લાગવા લાગ્યું.
હવે તે ઘસડાઇ રહ્યો ના હતો, સ્ત્રીની પાછળ ચાલી રહયો હતો.
ક્ષણના સોમાં ભાગમાં કેટલી તાકત હોય છે નહિ? કે પછી તે સ્ત્રી ના ઉષ્માભર્યાં સ્મિતમાં એ જાદુ હોય છે જે કોઈને પણ સ્વસ્થ કરી શકે છે?
થોડીવારે બંને ટી-સ્ટોલ ની સામે ઉભા હતા.
ટી સ્ટોલવાળાએ સ્ત્રીને ઉમળકા ભેર ગોડ મોર્નિંગ કહ્યું. પુરુષે તેને જે રીતે જોયું એ થોડો અટવાયો અને બોલ્યો.
“તમારું તો રેગ્યુલર ઓરેન્જ જ્યુસ અને સાહેબ માટે શું બનાવું?”
સ્ત્રીએ પુરુષ સામે જોયું તે નીચું જોઈ રહ્યો હતો જાણે કે તેણે સાંભળ્યું જ નથી.
“લીંબુ શરબત બનાવો. સાહેબને તેની ભારે જરૂરત છે’
સ્ટોલવાળો અને સ્ત્રી મલકાયા. પુરુષે ઉપર જોતા બંને ચૂપ થઇ ગયા.
જ્યુસ લઇ સ્ત્રી પુરુષને પાસે પડેલા બાંકડા તરફ દોરી ગઈ. બંને તળાવ તરફ નજર માંડીને એકબીજાથી એક હાથના અંતરે બેઠા.
સ્ત્રીએ લીબું પાણી નો ગ્લાસ પુરુષને તેની તરફ જોયા વગર પકડાવી દીધો.
બંને એકશ્વાસે અડધો ગ્લાસ પી ગયા.
“હવે તમે મને માફ કર્યો ને!”
સ્ત્રી ફરી ખડખડાટ હસી. પણ પુરુષની સ્થિર મુદ્રા જોઈ ચૂપ થઇ ગઈ.
“તમને સાચે એમ લાગે છે કે મેં તમને માફ કરવાની કિંમત રૂપે જ્યુસ પીવડાવાનું કહ્યું?”
“તો કેમ?”
“મને લાગ્યું તમને તેની જરૂર છે.”
પુરુષ તેની સામે જોઈ રહયો. પછી પાણી સામે જોઈ એક ઊંડો નિશ્વાસ નાખ્યો અને એક ઘૂંટડો લીંબુ પાણીનો લીધો.
“મારું નામ છે હેતા. અને તમારું?”
“વિજય… વિજય શાહ”
એક ઘડી સન્નાટો …
હેતાએ ફરી તેમાં શબ્દો પૂર્યાં.
“રાત અઘરી હતી?”
વિજયે કપાળ પર વળ સાથે તેની સામે જોયું અને ફરી નજર ફેરવી લીધી.
હેતા થોડું અટવાઈને બોલી, “.... એટલે હું એમ કેહતી હતી કે રાત કેવી પણ હશે પણ હવે સવાર થઇ ગઈ છે, દિવસ બદલાઇ ગયો છે અને…”
“દિવસ થઇ જવાથી બધાના જીવનમાં અજવાળું થતું નથી” વિજયની નજરો પાણી પર સ્થિર હતી.
હેતા વિજયના ચહેરા ને બે ઘડી તાકી રહી. વિજયે તે અનુભવ્યું પણ અવગણ્યું.
“અજવાળું કરવા માટે આશાનું કિરણ શોધવું પડે. નિરાશ બેસી રહીને તો કંઈ જ ન થાય.”
વિજય કંઈ બોલ્યો નહિ.
બંનેના ગ્લાસ ખાલી થઇ ગયા કે તરત તે ઉભો થયો. એને ખીસાંથી ફોન કાઢીને જોતા જોતા બોલ્યો મારે નીકળવું પડશે. થોડું ખચકાઇને નજર મેળવ્યાં વગર તેણે પૂછી લીધું. “તમને ક્યાંક ડ્રોપ કરવાના હોય તો હું કરી શકું છું.”
“હું અહીં નજીકમાં ‘બાલભવન’ માં જ રહું છું. બસ આ ગેટ થી બહાર નીકળી…”
‘બાલભવન’ શબ્દ વિજયને અકળાવી ગયો. “ઠીક છે, સૉરી અગેઇન.”
વિજય પીઠ ફેરવીને કાર તરફ જવા લાગ્યો.
“મિ. જૈન, તમને હવે ઠીક લાગે છે ને? એટલે તમે ઠીક છો ને?”
વીતેલા આ આખા સમયમાં વિજયના ચહેરા પર પેહલી વાર હળવું સ્મિત આવ્યું.
તેને માથું હલાવી હા કહ્યું અને ઝડપથી ચાલ્યો ગયો.
હેતા તેની પીઠને બે ઘડી તાકી રહી.