આપણો દેશ આપણી ધરતી..
ભારત દેશની માટી એ સોનું સમજો.ડોલરના મોહમાં આપણો રૂપાનો રૂપાળો રૂપિયો કયારેય કટાતો નથી આ વાત દિલમાં રાખો.ભગવાને ભગવદ ગીતામાં કહ્યું છે કે જે ધર્મમાં જનમ આપ્યો છે,તે જ઼ મારે માટે ઉત્તમ છે.અહીં ધર્મની વાત નથી પણ જે દેશ છોડી પરદેશ જાય છે તે દેશ પારકો છે.ત્યાં આપણું કોઈ નથી અને પોતાનું બનાવવું હોય તો રૂપિયા જોઈએ.એક વાત હંમેશાઁ મગજમાં રાખો કે બહુ રૂપિયો કમાવા રૂપિયાની જ઼ જરુર પડે.
મુળ વાત પર આવું તો આપણી પાસે લાખો કે કરોડોની મિલ્કત અહીંથી વેચી જે રૂપિયા આવ્યા તે રૂપિયાનું પાસપોર્ટ કઢાવવા,વિમાન ભાડું કે અન્ય ખર્ચ લાખોમાં થાય છે.એવું કેમ નહીં વિચાર આવતો કે પરદેશ જઈ હોટલના ટોયલેટ સાફ કરવા,ગંદુ ઉપાડવું,કંપનીમાં કોઈ પણ કામ કરવું ત્યાં શરમ નથી તો આપણા આ દેશમાં કેમ શરમ આવે છે?આ કામના તમને ડોલરમાં મજૂરી ૨૦૦-૩૦૦ ડોલર મજૂરી મળતી હોય તો એ ડોલરને આપણે જ઼ કિંમત વધારી છે.આપણા રૂપિયાની કિંમત આપણે જ઼ ઘટાડી છે.પોતાનું કથીર સમજી પારકું સોનું સમજવાની ભૂલ આપણને જ઼ ભારે પડે છે.
રાજસ્થાનનો ખુમચાવાળો આઠ મહિના ગુજરાતના અતિ પછાત વિસ્તારમાં તકલીફ વેઠી કોથળો રૂપિયા રળી લે છે.પસ્તીવાળો શેરીએ શેરીએ ફેરી કરી સાંજ સુધી બબ્બે હજાર સુધી કમાઈ લે,રેલવેમાં પકોડી સમોસા ઇન્સ્ટન્ટ ચા કોફી વેચીને આરામથી દરરોજના બબ્બે હજાર કમાઈ લે તો વિચાર કરો માસે કેટલા થયા?
કામ ને શરમ ગણતો હોય તે માણસ જ઼ ભૂખે મરે છે.પરંતુ જેને કામ કરી જીવવું છે તેને આ દેશમાં ક્યાં કામ ઘટે એમ છે?
મારે ગામે કમાલપુર તા.રાધનપુર રોડ બને છે.તેમાં નાની ઉંમરની બે ત્રણ છોકરીઓ રોડ સાફ સફાઈ કરતી જોઈ,કુતુહલવશ એમને પૂછ્યું બેટા તમને આ લોકો કેટલી મજૂરી આપે છે.ભણવા કેમ જતાં નથી? કયું ગામ?તો એ છોકરીઓનો જવાબ સાંભળી હું અવાચક બની ગયો....!!!!
એ દીકરીઓએ કીધું કે અમેં ત્રણેય એ ૧૦ માં ની exam આપી છે.અને ૭૦% ઉપર માર્ક્સ આવ્યા છે,આગળ ભણવું છે,પણ હાલ વેકેશન છે,અમારાં મમ્મી પપ્પા રોડનું કામ વરસોથી કરે છે,તો અમેં પણ અમારી ભણવાની ફી,કપડાં, ચોપડાં,જરૂરી વસ્તુઓ ખરીદી શકીએ,માં બાપને બોજ ક્યાં સુધી બનવું? અને આ કામ સફાઈનું તો અમેં ઘરે પણ કરીએ છીએ ને!!મેં પૂછ્યું કેટલી મજૂરી આપે છે? તો એ બોલી દરરોજના ૪૦૦ રૂપિયા!!
ખરા તાપમાં ૪૩ ડિગ્રી ઉષ્ણતામાને આ છોકરીઓને મારા ઘરે લાવી ઠંડુ પાણી પાયું અને પછી ચા તથા જમવાનું કીધું તો એ ત્રણેય બોલી કે અમેં બહારનું નથી જમતાં,અને ચા ઠંડા પીણાં તો અમેં નથી પીતાં.અહીં જાતે બનાવેલો રોટલો અને લાલ મરચાં વઘારી ખાઈએ તે અમને મીઠાં લાગે છે.વેકેશન પૂરું થશે એટલે પાછાં સ્કૂલ જતાં રહેશું.
હું આ દીકરીઓની વાત સાંભળી ખૂબ શર્મિદો બની ગયો!! કેમ કે લાખો રૂપિયા ખર્ચી ઉચ્ચ ડિગ્રી લીધા પછી પણ આપણાં છોકરાંને એ.સી.રૂમમાં ઊંઘતાં જગાડવાનું મન નથી થતું કે ખરો તાપ છે,ભલે આરામ કરે!!!!
આ આપણી વરવી વાસ્તવિકતા છે.મારવાડી,ઓરિસ્સા વાસી,બિહારી,ભૈયાઓ ગુજરાતમાં આવી ગંજ બજારના કોથળા ઉપાડવાનું કામ,શહેરી વિસ્તારમાં ઠંડા પીણાં,શેરડી કોલુ કે પકોડીની લારી લઈ જ્યાં ત્યાં ખૂણે આખો દિવસ કાળી મજૂરી કરી અઢળક રૂપિયા કમાઈ લે છે.પાટણ ખાતે મારી સોસાયટીને નાકે શેરડીના રસવાળા વરસમાં માત્ર થોડાં મહિના વતન જઈ પાછાં આવી જાય અને હવે તો પોતાનાં પાકાં ઘર બનાવી અને એમનાં સંતાનોને અહીંની સરકારી શાળામાં સ્ટડી માટે મૂકી દીધાં છે.અને સારા ટકાએ પાસ પણ થાય છે.
આપણે સમજીએ તો અહીં જ અમેરિકા લંડન કેનેડા છે.આપણો રૂપિયા આપણે હલકો કરી ડોલરને ટોચની ડાળીએ ચડાવ્યો છે.બાકી ૪૦૦ રૂપિયા મજૂરી મળતી હોય અને એક રૂપિયાનો ભાવ ૧૦૦ ડોલર હોય તો કેટલા રૂપિયા થાય!!! ૪૦૦×૧૦૦=૪૦૦૦૦રૂપિયા દરરોજની મજૂરી આવક થાય.
વિચારો.......આપણાં દેશમાં શું ઘટે છે?હવામાન અનુકૂળ,પ્રદેશ સપાટ,પાણીની કોઈ તંગી નહીં,જમીનની કોઈ કમી નથી...
આભાર.... - વાત્ત્સલ્ય(તા.૨૩/૦૫/૨૦૨૫)