*મોહપાશ*
***********
એ ચેમ્બરમાં દાખલ થયો, એના ચહેરા ઉપર ઉત્સાહ છલકતો હતો, પણ સરને એકદમ ધ્યાનપૂર્વક કંઇક વાંચતા જોઈને બોલતાં અચકાયો.
"યસ, નિખિલ! બોલ, શું કહેવું છે? તારા પગલા કહી દે છે કે કંઇક નવું લાવ્યો છે." મોઢામાંથી ધુમાડા કાઢતા અનંત પાઠકે પોતાની ઇમ્પોર્ટેડ સિગાર સાઈડમાં મૂકી.
"સર, એક ભૂતપૂર્વ મોડેલની અદ્ભુત ચડાવ ઉતારની વાત છે. જબરજસ્ત જિંદગી અને એમાં દરેક રંગોની રંગોળી છે. ઘણું બધું નવું પણ છે જે આપણે દર્શાવી શકીશું." નિખિલે ઉત્સાહિત સ્વરે કહ્યું.
"હમમ…તું એમની દરેક હકીકતો વ્યવસ્થિત રીતે ટપકાવતો રહેજે. શાંતિથી અને એમની ફુરસદે જઈને મળતો રહેજે. આપણે ઉતાવળ નથી." ઠંડે લહેજે અને ઘેઘૂર અવાજે "અપા" હંમેશની જેમ બોલ્યાં.
નિખિલ સાચી વાર્તાઓ લાવતો અને આ સિનિયર લેખક શ્રી અનંત પાઠક એને યોગ્ય શબ્દદેહ અને કલ્પનાનાં રંગો ચડાવી નવલકથા બનાવી દેતાં! એમની રસાળ શૈલી અને વાર્તા મેળવવા કરેલાં પ્રામાણિક અને ખર્ચાળ પ્રયાસો રંગ લાવતાં. એનાં પરિણામે અનંત પાઠકનું નામ પડતાં જ પુસ્તકપ્રેમીઓ ધડાધડ પુસ્તકો પર ધાડ પાડતાં. સૌ એમને "અપા" નાં હુલામણા નામથી ઓળખતાં.
************************
મુંબઈના બેન્ડસ્ટેન્ડ વિસ્તારનાં એક ભવ્ય ફ્લૅટમાં બાલ્કનીમાંથી એક વ્યક્તિ પોતાને દરિયાનાં ઉછળતા મોજા પર કલ્પી રહ્યો હતો. ઘૂઘવતો દરિયો એની મસ્તીમાં મસ્ત હતો. એક મોજું બીજાં મોજાંનો પીછો કરતું હોય એમ લાગતું તો ક્યારેક બન્ને પકડ દાવ રમતાં હોય એવું પ્રતીત થતું! ઢળતો સૂરજ પોતાની રંગીનીયત દરિયાનાં પાણીમાં વેરી એને થોડો સમય રંગીન થવાનાં ઓરતાં પૂરાં પાડતો હોય એવું દેખાતું હતું. કેવા સુંદર રંગો! પીળાં, કેસરી, લાલ અને થોડાં કથ્થાઈ શેડ પણ! દરિયો એ રંગો ઝીલતો અને ખુશીથી ઉછળતો. એ જોતાં એને થયું આ દરિયામાં અને મારામાં કેટલું સામ્ય છે!
હજી વિચારોની ગાડી આગળ વધે ત્યાં એનો ફોન રણક્યો એ ફોનની રિંગે એને એક ઝાટકે દરિયામાંથી ખેંચી નાંખ્યો હોય એવું લાગ્યું.
"આવી જ જાઓ ભાઈ, તમે ક્યાં છોડવાના છો મને?" બોલતો ખડખડાટ હસી પડ્યો.
નિખિલ નજીકમાં જ હતો. એ તરત હાજર થયો. નિખિલને નજીક રાખેલાં સોફા ઉપર બેસવાનું કહી એ "એકસ્ક્યુઝ મી.." કહી અંદર ગયો. નિખિલ એને અંદર જતાં જોઈ રહ્યો. ' આમના વ્યક્તિત્વમાં કેવી ભવ્યતા છલકાય છે! આ સિલ્ક લૂંગી અને સાદા કુર્તામાં પણ એમનું કસરતી શરીર દેખાઈ આવે છે.' વિચારતાં એણે નોટ પેન્સિલ બહાર કાઢ્યા. એ એનાં સરને અનુસરતો ગમે તેવું મોટું લખાણ હોય એ હંમેશા પેન્સિલ વાપરતાં. એમને જરાય છેકછાક ગમતી નહિ. એ કહેતાં, "ભૂલ થાય પણ એવી સુધારો કે એનો એક અંશ પણ બાકી ન રહેવો જોઈએ અને એ જોઈને એ ભૂલ યાદ ન આવવી જોઈએ."
"લો, તમે તો પૂરી તૈયારી કરી લીધી.." કરતાં એ સફેદ ટી શર્ટ અને વાદળી ટ્રેકપેન્ટમાં સજજ થઈ હાજર થયાં.
"હા જી સર, તમે આપેલા કિમતી સમયનો મારે પૂરે પૂરો ઉપયોગ કરી લેવો છે." કહેતાં નિખિલ એ સફેદ-વાદળી રંગમાં અતિશય દેખાવડા દેખાતા અનિકેતને જોઈ રહ્યો.
અગાઉ નક્કી થયાં મુજબ કોઈપણ પૂર્વ ભૂમિકા બાંધ્યા વગર અનિકેતે વાત શરૂ કરી. "હું ઘણાં બધાંની જેમ જ નાનકડાં ગામડાંમાંથી આ મુંબઈની મોહમયી નગરીમાં મોડેલ બનવા આવ્યો હતો. આંખોમાં રંગીન સપના અને સફળતા મેળવવા કોઈપણ સંઘર્ષ કરવાની પૂર્ણ તૈયારી હતી. પપ્પાનાં મિત્રની ઓળખાણથી અહીં એક જગ્યાએ પેઈંગ ગેસ્ટ તરીકે રહેવા લાગ્યો. સાથે રહેતાં બે છોકરાઓ સીધાં સાદા હતાં અને હાયર એજ્યુકેશન માટે રહેતાં હતાં. હું રોજ સવારે મારું બોડી વર્ક આઉટ કરતો અને એ લોકો માઇન્ડ એક્સરસાઇઝ કરતાં.." બોલતાં એ જાણે ઘણાં વર્ષો પાછળ જતો રહ્યો.
નિખિલ એને એકધારું જોઈ રહ્યો હતો, ' એમનો અવાજ, બોલવાની લઢણ, હાવભાવ ખરેખર મારકણા છે. સર સામે આવું વર્ણન તો મારે જ કરવું પડશે ને!'
થોડી વાતો સાંભળી, લખી અને ડિનર લઈ નિખિલ તો જતો રહ્યો પણ અનિકેત જૂની યાદોનાં નગરમાં પહોંચી ગયો.'પોતાનો પોર્ટ ફોલિયો લઈને ક્યાં કયાં ફરતો હતો! છ મહિના રખડી રખડીને થાક્યો હતો. જો એ વ્યક્તિ ન મળત તો..? શું કહેવું એને? આભાર માનવો કે..? ખેર, નસીબની વાત છે અહીં ક્યાં કોઈની સફર સરળ, સ્વચ્છ અને સ્વસ્થ રહે છે!' વિચારો ખંખેરી પાસે પડેલું ગમતાં લેખક અપાનું છેલ્લું પુસ્તક વાંચતા સૂઈ ગયો.
**********************
અપા સ્નૂકર રમવા સાથે સ્નૂકર ટેબલ અને એની પર ગોઠવાયેલાં રંગબેરંગી દડાઓ જોઈને જુદું જ કંઇક વિચારી રહ્યા હતાં. રમતમાં મન નહોતું લાગતું. આ બધાં રંગીન દડાઓમાંથી જાણે કોઈએ એમને જ શોધી, ચોક્કસ વ્યક્તિના હાથમાં સ્નૂકર ક્યૂ (સ્ટીક) પકડાવી નિશાનો બનાવી લીધા હોય એવું લાગતું હતું! રમત અધૂરી મૂકી ક્લબથી પરત ફર્યા. એ પણ એકાકી જીવ હતાં. જમીને વાંચવું એમ વિચાર્યું હતું પણ જમતાં જમતાં મન ફરી ગયું. સીધાં પોતાનાં રૂમમાં બનાવેલાં નાનકડાં બારમાં પહોંચી ગયાં. ત્યાંથી એમની ફેવરિટ બ્રાન્ડ ઉઠાવી ને આઈસ ક્યૂબ નાંખી લાર્જ પેગ બનાવ્યો. ગ્લાસમાં ક્યૂબ ફેરવતાં ફેરવતાં જે વમળો બનતાં એ જોઈ એમનું મન જીવનનાં અણગમતા વમળો મમળાવતું રહ્યું. ' શલાકા ગઈ પછીનું જીવન સાવ આવું લાગશે વિચાર્યું નહોતું. પ્રેમ બહુ હતો..હતો નહિ..કદાચ છે હજી.. છતાં એની કરણી પણ સહેવાય એમ નહોતી. નહિ તો એ સહી જાત. સાલું મન પણ કેવું છે જોઈએ તો એ જ નહિ તો કોઈ નહિ! કાશ એ પ્રકરણ પણ પેન્સિલથી લખાયું હોત!'
************************
બીજે દિવસે નિખિલ સવારમાં નવનાં ટકોરે અનિકેત પાસે પહોંચી ગયો. ઔપચારિકતા પતાવી અનિકેતે બોલવું શરૂ કર્યું, "એ વ્યક્તિ ન મળત તો ખબર નહિ હું અહીં હોત કે નહિ. મારાં સંઘર્ષના દિવસોમાં એક દિવસ હું એડ એજન્સીની બહાર નીકળ્યો અને એક લારી પાસે નિરાશ વદને વડા પાઉં ખાઈ રહ્યો હતો. મગજમાં વિચારોનું ઘમસાણ ઉમટ્યું હતું. મારી સાથે પપ્પાનું સપનું પણ તૂટી જશે. મમ્મી બિચારી જાણશે કે દીકરો હજી સંઘર્ષ કરે છે અને વડા પાઉં ખાઈ સૂઈ જાય છે, તો બહુ જીવ બાળશે. ત્યાં જ ખભે એક હાથ મુકાયો. પાછળ નજર કરી તો અતરંગી દેખાવ અને આંખોમાં અજબ સ્નેહભાવ વાળો ચહેરો દેખાયો. એણે મને એક જુદી જ રીતનાં બિઝનેસની ઑફર આપી. જેમાં પોતાની જાત અને સમય સિવાય ઝીરો ખર્ચ હતો." ફરફરતાં વાળમાં હાથ ફેરવતાં થોડો અટક્યો.
" ઓહો…એવો કેવો બિઝનેસ હોય? એવો પ્રશ્ન તો થયો હશે ને?" નિખિલ અનિકેતને વિરામ માટે અટકતો જોઈ, પોતાને પ્રશ્ન કરતાં અટકાવી ન શક્યો.
"હા, સ્વાભાવિક છે પણ એમણે મને એ બિઝનેસ સાથે મારાં મોડેલિંગની ઈચ્છા પણ પૂરી થશે, એવી બાંહેધરી પણ આપી એટલે હું ખુશ થયો. એ ઑફર હોંશે સ્વીકાર્યા પછી થોડાં સમયમાં જ મારી મોડેલિંગ ની ગાડી પૂરપાટ દોડવા માંડી." કહેતાં સૂની આંખોમાં થોડીવાર માટે ચમક આવી ગઈ. આજે વાત અહીં અટકી.
યંત્રવત્ લંચ કર્યા પછી અનિકેત એનું ગમતું પુસ્તક લઈ વાંચવા બેઠો. પુસ્તકનાં પાના પર ફકત આંખો ફરતી રહી. પૂરી લગનથી કામ કરતાં વફાદાર નોકરને જોઈને વિચારોએ એ તરફ ગતિ પકડી. ' આ ચાચાએ મારી ઘણી વખત કેવી સારવાર કરી છે! કોઈપણ જાતના વધારાના પ્રશ્નો પૂછ્યા વગર! ગળે,ખભે કે પીઠે દેખાતાં એ લોહીભર્યા લિપસ્ટિકી ગોળ ચકામાં પર એ જ બરફ ઘસતા. મારા થાકેલા શરીર માટે હોટ વોટર તૈયાર કરી શેક કરી રાહત કરતા. એ સમય પણ ગજબ હતો! આ બધી ઘટનાઓમાં એક એ મળી અને જીવને જુદો વળાંક લીધો. બીજી બધી દિશાઓ એણે બંધ કરાવીને પોતાની દિશા તરફ ખેંચી લીધો. હું ધ્રુવ તારો બની ત્યાં જ સતત ટમક્યા કરતો! ત્યાર પછી બધું કેટલું ઝડપી બની ગયું! ત્રણ વર્ષ માટે આવી, પહેલાં મારો ઉપયોગ કર્યો, મને મોડેલ તરીકે પ્રસ્થાપિત કર્યો, મનભરી પ્રેમ કર્યો અને એક દિવસ અચાનક ક્યાંક ખોવાઈ ગઈ! હું ક્યાં હતો એનાં જીવનમાં? મારું સ્થાન શું હતું? એ વિચારતાં હું એનામાંથી બહાર નથી નીકળી શક્યો ને એ.. એ..તો જાણે અદ્રશ્ય થઈ ગઈ! એની ભૂરી આંખો, એની મીઠી વાતો હજી પણ યાદ આવે છે. એની સાથે વિતાવેલી ક્ષણો ક્યારેય નહિ ભૂલી શકું. એ નશો હતી, જાદુ હતી. એનાં માદક હોઠ, સુંવાળી ગરદન અને મસ્ત ગોળાઈદાર ખભા એ સ્પર્શ તો અદ્ભુત હતો! એની પગની નરમ પનીરી પિંડી ઉપરનો એ તલ કેટલી વાર ચૂમ્યો છે, એની મસૃણ પીઠ ..ઓહ નો..નો.." એને ગળે ડૂમો ભરાયો હોય એમ લાગ્યું. બે ઘૂંટ ભરીને જાણે ભૂતકાળ ગટકી જવો હોય એમ વગર તરસનું પાણી પીધું. પણ એમ ગટકાય તો ભૂતકાળ શેનો?
'આ મોહ કેમ છૂટતો નથી? રૂપિયાનું આટલું સુખ પણ સાવ ગૌણ લાગે છે. હું જાતજાતની માનુનીઓની તરસ છીપાવી આવ્યો છું. કેટલીય સૂકી નદીઓ પર વરસ્યો છું. ક્યાંક રણને તો ક્યાંક વીરડીઓને તરબતર કરી છે. કોઈકે મને તો કોઈકને મેં મનભરીને માણ્યા છે. પણ…એમાં એવું શું જુદું હતું કે હું ત્યાં જ અટકી ગયો? એ કહેતી હતી કે હું તારાં વગર નહિ જીવી શકું, તો મને આમ એકલો મૂકીને કેમ જતી રહી? આમ તો એણે મનભરી પ્રેમ કર્યો જ છે. એ ગાયબ થઈ એ કદાચ એની મજબૂરી હશે. વળી, શોધવી પણ અઘરી જ. આ બિઝનેસમાં ક્યાં કોઈ પોતાનાં સાચા નામ સરનામાં આપે છે!" એણે ઊંડો નિશ્વાસ નાખી એ જ એનાં ગમતાં લેખક અપાનું પુસ્તક બંધ કર્યું. વિચારો ખંખેરી પાસે મૂકેલી બોટલમાંથી ફરી પાણી પીધું અને સૂવાનો પ્રયત્ન કર્યો.
********************************
નિખિલે બધી જ વિગતો ટપકાવી સર પાસે પહોંચાડી દીધી. એ વાંચતાં વાંચતાં અપા નું મગજ ડહોળાઈ રહ્યું હતું. પણ લખવું તો હતું જ. પ્રકાશન ગૃહ સાથે કોન્ટ્રાક્ટ થઈ ચૂક્યો હતો. એ ટેબલ પાસે જઈ બેઠાં, સિગાર સળગાવી. એની ધૂમ્રસેર સાથે વાર્તા ઘૂમરાવા લાગી. પણ…વાર્તામાં એ કેમ દેખાઈ રહી છે? એનાં એ રાતનાં નશામાં બોલાયેલા શબ્દો, જાણે ધૂમ્રસેરથી આંખ સામે લખાઈ રહ્યાં હતાં.
" આઈ લવ હિમ…આઇ રીયલી લવ હિમ…હિ...ઇઝ…આઈ ડોન્ટ નો..બટ હિ ઇઝ અમેઝિંગ ..જસ્ટ અમેઝિંગ..! બટ…વોટ કેન આઈ ડુ?…માય હબી ઇઝ ધ ગ્રેટ રાઈટર? ..બી..ઝી…બી..ઝી..અનંત પાઠક…"
"શ..લા…કા…તું ક્યાં ગઈ હતી? કોણ હતો એ?" અનંત બરાડ્યો હતો.
"શ..શ…શ…ચિલ ડાઉન એન શટ …યોર.. માઉ..થ" કહેતી શલાકા સેન્ડલ સાથે જ બેડ પર ઢળી પડી. તે રાત્રે અનંતે જ્યાં સુધી નશો ન ચડયો ત્યાં સુધી બાર ન છોડ્યો.
શલાકા ઘણી વખત કહેતી, " અનંત, હું ક્યાં છું તારાં જીવનમાં? તું વાર્તા સાથે જીવે છે, વાર્તામાં જીવે છે. દેશ વિદેશ એને શોધે છે. એની સાથે રાતોની રાતો વિતાવે છે. ક્યારેક મારો તો વિચાર કર. મને લાગે છે તું વાર્તાનાં મોહપાશમાં બંધાઈ ચૂક્યો છે. હવે તને મારી કોઈ જરૂરિયાત દેખાતી નથી અને અનુભવાતી પણ નથી. પ્લીઝ, યુ લીવ મી..આઇ વોન્ટ ડિવોર્સ..આમ પણ મેંટલી ડિવોર્સ થઈ જ ગયાં છે ને.."
" ઓહ જસ્ટ શટ અપ માય સિલી વાઇફ..આઇ લવ યુ સો મચ. તને ખબર છે મારી દરેક વાર્તા ની નાયિકામાં તું જ હોય છે. વાર્તા મારો ફર્સ્ટ લવ, તો તું એનો પડછાયો છે." કહેતાં શલાકાને વળગી પડતા.
શલાકાને પડછાયો બનવામાં કોઈ રસ નહોતો. એને મનગમતું સુખ જોઈતું હતું. એ જરૂરિયાત પૂરી કરવા એણે એક મક્કમ નિર્ણય કર્યો. એ સુખ એણે હાયર કર્યું! હા, ચોક્કસ રકમ આપી ખરીદી લીધું. પણ એ સુખ આપનાર વ્યક્તિમાં એ મનથી ખૂંપી રહી હતી. એ એને બહુ પ્રેમ, સન્માન સાથે આત્મીયતા અને પરમ સુખ પણ આપતો. અપા માટે તો એ પાર્ટીઓમાં સ્ટેટ્સ બતાવવા માટેનું સાધન માત્ર બનીને રહી ગઈ હતી.
નાનાં નાનાં ઝગડાઓમાં તે રાતે નશામાં બોલાયેલા શબ્દોએ પેટ્રોલનું કામ કર્યું. બંને વચ્ચે અબોલા થઈ ગયાં. અપા વાર્તાઓમાં વધુ ને વધુ ખૂંપવા લાગ્યાં. છેવટે અસંતોષ અને સરખામણીનો અંત એ આવ્યો કે શલાકા કોઈ એડ એજન્સી સાથે વિદેશ ગઈ અને ત્યાં જ રહી ગઈ.
******"**************
આ નવી લખાયેલી નવલકથા તો અપાની બધી નવલકથાઓને મ્હાત આપી દીધી અને વેચાણમાં અવ્વલ હતી.
"સર, રેડી?" પૂછતો નિખિલ આવી ગયો ત્યારે યાદ આવ્યું કે આજે એક એવોર્ડ સમારંભમાં જવાનું છે.
"ઓહ યેસ" કરતાં અપા ફટાફટ તૈયાર થઈ સમારંભમાં પહોંચ્યાં. હકડેઠાઠ જનમેદની જોઈ એક ગર્વ ભર્યું સ્મિત એમનાં સુંદર ચશ્મેદાર ચહેરે ફેલાઈ ગયું. વારાફરથી નોમીનેટેડ વાર્તાઓને યથાયોગ્ય એવોર્ડ તથાયોગ્ય વ્યક્તિઓ દ્વારા અપાતાં ગયાં. વાર્તાકાર અને સંચાલક જે તે વાર્તા વિશેની વાતો અને ઔપચારિકતા પૂરી કરતાં રહ્યાં. અહીં અપા એમની ભૂતકાળની દુનિયામાં લટાર મારતાં આંખ બંધ કરી બેઠાં હતાં.
એન્ડ…બેસ્ટ એવર સ્ટોરી એવોર્ડ ગોઝ ટુ "મોહપાશ".. કમ મિસ્ટર અનંત પાઠક..અપા…" અપા એકદમ ઝબકીને જાગ્યા હોય એવા એમનાં મનોભાવ હતા. તાળીઓનો ગડગડાટ તો એકધારો ઉત્સાહ બતાવતો સંભળાઈ રહ્યો હતો, પણ આજે અપા નિસ્પૃહી બની ગયાં હોય એમ કોઈ અસર નહોતી થઈ રહી! નિખિલની નજર એવોર્ડ આપનાર પર સ્થિર થઈ ગઈ. ગજબ દેખાવડો છે આ માણસ જેવો ઘરમાં સિલ્ક લૂંગીમાં જોયો હતો એવો જ આજે સૂટમાં પણ શોભી રહ્યો છે!
અપાને લાગ્યું કે શલાકા સાચું કહી રહી હતી. આ ઉંમરે નિવૃત્તિ કાળે પણ દમામદાર વ્યક્તિત્વ, આંખોમાં નમ્રતા અને સ્નેહાળ સ્મિતનો માલિક અનિકેત સાચે જ એમને મ્હાત આપવા પૂરતો હતો. આ એ જ વ્યક્તિ હતો જે એમના વાસ્તવિક દાંપત્ય જીવનને દુઃખદાયી વાર્તામાં પરિવર્તિત કરી ગયો હતો. છતાં એને જોઈને એમને તિરસ્કાર નથી થતો આ પણ એક વિચત્રતાથી ભરપૂર લાગણી છે! એની સાથેનો સમાંતરે ચાલતો એક વિચાર હતો કે, આ નવલકથા કદાચ છેલ્લી જ લખાશે. કેમકે, એમણે એમનાં જીવનનાં તમામ સંવેદનો આ નવલકથામાં ઠાલવી દીધાં હતાં. હવે લખવા માટેનો કોઈ મોહ શેષ નહોતો. ઘણું અઘરું હોય છે પોતાની જ વાસ્તિવક દુનિયાની સાંવેદનિક બરબાદી નવલકથા સ્વરૂપે લખવી! અપા ઘણાં સંવેદનો સાથે લઈ અને ઘણાં સંવેદનો દફનાવી સ્ટેજ પર જવા ધીમા ડગલે આગળ વધ્યાં. અનિકેત એવોર્ડ આપી એમને ભેટ્યો. એમને એક હૂંફ અનુભવાઈ જે બહુ જાણીતી લાગી! આ હૂંફાળા પાશમાં એમનો વાર્તા માટેનો મોહપાશ છૂટી રહ્યો હતો!
કુંતલ સંજય ભટ્ટ
સુરત