મીનાક્ષી મંદિર, મદુરાઈ
મીનાક્ષી અમ્માન મંદિર, ભારતના તમિલનાડુ રાજ્યના મદુરાઈમાં આવેલું એક ભવ્ય મંદિર સંકુલ છે. લોકવાયકાઓ મુજબ તો એ ચોથી સદીમાં પાંડ્યા શાસકો દ્વારા બંધાયું હોવાનું કહેવાય છે, પરંતુ કહે છે કે 14મી સદીના અંતમાં તેનો નાશ થયેલો અને આજનું મંદિર તેના વર્તમાન સ્વરૂપમાં ૧૬મી-૧૭મી સદીમાં રાજા વિશ્વનાથ નાયક દ્વારા બંધાયું હતું. આ મંદિર ભારતમાં સૌથી વધુ જાણીતું સુશોભિત રંગો અને કલાકૃતિઓ ધરાવતું, દ્રવિડ શૈલીનું સ્થાપત્ય કહેવાય છે. મદુરાઇ શહેર મંદિરને કમળ ગણી તેની ફેલાતી પાંખડીઓના આકારે રચાયું છે.
હિન્દુ દંતકથા અનુસાર, ભગવાન શિવ સુંદરેશ્વરના રૂપમાં મદુરાઈમાં મીનાક્ષી સાથે લગ્ન કરવા આવ્યા હતા; મીનાક્ષી દેવી પાર્વતીનું સ્વરૂપ હતું. મીનાક્ષી અમ્માન મંદિર તેમના જોડાણને સમર્પિત છે.
મીનાક્ષીદેવી વિશે પણ લોકવાયકાઓ છે. એ મુજબ ત્યાંના રાજવીએ સંતાન માટે યજ્ઞ કરતાં પ્રથમ યજ્ઞવેદી માંથી ત્રણ વર્ષની પુત્રી પ્રગટ થઈ જે ત્રણ સ્તનો વાળી હતી. એ જ્યારે તેના પતિને મળશે ત્યારે એનાં વધારાના સ્તનનો નાશ થશે એમ કહેવાયેલું. પુત્રી યુદ્ધવિદ્યામાં સારી એવી પારંગત બની પ્રદેશો જીતવા લાગી પણ કૈલાસ જીતવા જતાં શિવજી સામે ઊભી તેને પ્રેમની લાગણી થઈ એ સાથે ત્રીજું સ્તન ખરી ગયું.
એ કુંવરીની આંખો પાણીદાર, માછલી આકારની હતી એટલે એનું નામ મીનાક્ષી પડ્યું હતું.
મીનાક્ષી મંદિર વિશાળ, ઉંચા ગોપુરમો એટલે કે પ્રવેશદ્વાર ટાવરો અને ફરતી ઊંચી દિવાલોથી ઘેરાયેલું છે. અંદર ભપકાદાર ઘેરા રંગોથી સુશોભિત સ્તંભો, સ્તંભવાળા મંડપ (હોલ, જેમાંથી કેટલાકનો ઉપયોગ દુકાનો, ભંડાર અને તબેલા માટે થતો હતો), એક પવિત્ર તળાવ, નાનાં મંદિરો અને મધ્યમાં સુંદરેશ્વર અને મીનાક્ષીદેવીનાં બે મુખ્ય મંદિરો છે. સાથે મીનાક્ષીદેવીના ભાઈ તરીકે વિષ્ણુનું મંદિર છે.
મંદિરના દરેક ગોપુરમ પર દેવદેવીઓ, વાદ્યો વગાડતી સ્ત્રીઓ, લોકો, રાક્ષસો વગેરેનાં જીવંત લાગે તેવાં શિલ્પો પ્રદર્શિત કર્યાં છે. બધાં જ રેતીના પથ્થરોમાંથી બનાવેલ છે. દેવતાઓ, દૈવી માણસો અને પ્રાણીઓ, રાક્ષસ જેવાં મહોરાંઓ ધારી વ્યક્તિઓ, રક્ષકો અને હાથી ઘોડાઓની આકૃતિઓથી આ મંદિર પરિસરના એક હજાર સ્તંભો શોભે છે! આ હજાર સ્તંભોને ઐયારામ કાલ નામે ઓળખવામાં આવે છે.
મંદિરની પરસાળની છતો પણ સુંદર રંગોળીઓથી સુશોભિત છે.
અમુક સ્તંભો પર ખાસ પોલી હથોડી ટકરાવી સંગીતના સુર વગાડી શકાય છે તો અમુક સ્તંભો નીચેથી આખી ચાદર પાથરીને કાઢી શકાય છે! કયા સ્તંભ પર શું થઈ શકશે એ બતાવનાર ‘ગાઇડ ‘ છોકરાઓ ફરતા જ હોય છે, પૈસા લઈ બતાવે છે.
મંદિર પરિસરનાં ૧૪ ગોપુરમોમાંથી સૌથી ઊંચું, દક્ષિણ ગોપુરમ ૧૭૦ ફૂટ (૫૨ મીટર) થી વધુ ઊંચું છે.
પરિસરની વચ્ચે પોટ્ટામરાય કુલમ (સુવર્ણ કમળ તળાવ) નામનો એક મોટો કુંડ છે જ્યાં ભક્તો પવિત્ર પાણીમાં સ્નાન કરી શકતા હતા. તે ચારે તરફ મંદિર પરિસરથી ઘેરાયેલું છે. જો કે હવે તેમાં નહાવાનું પ્રતિબંધિત છે. આસપાસ રેલીંગ કરી લેવાઈ છે. વચ્ચે મોટું સ્વર્ણકમલ શોભે છે.
મંદિરની બહાર તેમ જ અંદરની દિવાલો પર ધાર્મિક પ્રસંગો દર્શાવતાં ભીંતચિત્રો છે. પશ્ચિમ દિવાલમાંથી એક દરવાજો મીનાક્ષી મંદિર તરફ જાય છે. આ મુખ્ય મંદિર છે, બાજુમાં જ સહેજ પાછળ સુંદરેશ્વર નું મંદિર છે. એ બન્ને મંદિરનાં શિખરો પર સોને મઢેલ વિમાન આકૃતિ છે, સોનાનાં શિખરો છે.
મીનાક્ષી અમ્માની મૂર્તિ લીલા રંગની છે જે કુદરત લીલી હોઈ એનું પૂજનીય સ્વરૂપ છે. તેની ઉપર મોટા, જાડા, અનેકવિધ રંગોના હાર ચડાવેલા રહે છે.
અંદર બીજાં ઘણાં નાનાં મંદિરો છે.
એ બે મુખ્ય મંદિરો ઉપરાંત બીજાં મંદિરોના દ્વાર પર સિંહનું મુખ અને મનુષ્ય શરીર વાળી યેલી નામે જાણીતી આકૃતિનું શિલ્પ જોવા મળે છે.
મીનાક્ષીમંદિરમાં એક શયનખંડ પણ છે, જ્યાં દરરોજ સુંદરેશ્વરની નાની મૂર્તિ રાત્રે તેના પોતાના મંદિરમાંથી લાવવામાં આવે છે અને મીનાક્ષીદેવીની નાની સુવર્ણમૂર્તિ સાથે રાખવામાં આવે છે કેમ કે બેય પતિ પત્ની છે. સવારે મૂર્તિઓ તેમનાં મંદિરોમાં પરત લઈ જવાય છે.
દર અઠવાડિયે મીનાક્ષી અને સુંદરેશ્વરની સુવર્ણ મૂર્તિઓને ઝૂલા પર બેસાડવામાં આવે છે અને સ્તોત્રો ગવાય છે; ચૈત્ર મહિનામાં વાર્ષિક ટેપ્પા ઉત્સવમાં તેમનાં લગ્નનો ઉત્સવ યોજવામાં આવે છે અને દેવી તથા શિવજીના રથો આગળ પાછળ ખેંચવામાં આવે છે.
એ અચંબામાં નાખી દે તેવી વાત છે કે સ્તંભો અને ગોપુરમો પર આટલી બધી મનુષ્યાકૃતિઓ છે પણ એક જ ગોપુરમ કે સ્તંભ પર કોઈ આકૃતિ રીપીટ થતી નથી! તેની પર દેખાતી સ્ત્રીઓ ખૂબ જ સુંદર, પુષ્ટ ઉરોજો વાળી દેખાય છે. પરિસરમાં ઘણી તો સાચી સ્ત્રી જેટલી ઊંચી અને જીવંત હાવભાવ વાળી દેખાય છે. ગોપુરમો પર પણ એ પ્રમાણે જ બધી આકૃતિઓ એકદમ જીવંત ભાવો વાળી અને નાની છતાં સંપૂર્ણ સપ્રમાણ છે. એ જોવા જ ભારતભર માંથી લોકો ઉમટી પડે છે. પરંતુ લાઇનો એટલી લાંબી હોય છે કે ક્યારેક અર્ધો દિવસ મંદિરમાં અંદર જતાં લાગી જાય છે. ટ્રાવેલ વાળા બહાર છોડીને ચાલ્યા જાય છે. જાણવામાં આવ્યા મુજબ સ્પેશિયલ દર્શનની ટિકિટ હોય તો પણ ચારેક કલાક લાગે અને એનો લાભ લઈ કેટલાક વચેટિયાઓ તમિલ બ્રાહ્મણોના વેશમાં આવી જેવી ગરજ દેખાય, વ્યક્તિદીઠ હજાર થી પાંચસોમાં વચ્ચે ઘુસાડે છે.
અહીંની દિવસમાં છ વખત એમની શરણાઈ અને ઢોલ જેવાં વાદ્યો જેને નાદસ્વરમ, તવીલ, મૃદંગ, વીણા કહે છે તેની અને શંખનાદ સાથે થતી સંગીતમય આરતીઓ માણવા જેવી હોય છે.
બહાર શેરીઓમાં ચારેય દિશામાં પ્રવેશદ્વાર છે પણ દરેકની બહાર સવારે ચાર વાગ્યાથી રાતે આઠ વાગ્યા સુધી ઓછામાં ઓછા ચારેક કલાક ભીંસાતા ઊભવુ પડે એવી ભીડ બધા દિવસોએ રહે છે. મંદિર સવારે 6 થી 11 અને સાંજે 5 થી 8.30 ખુલ્લું રહે છે.
નજીકની શેરીઓમાં મદુરાઇ સાડીઓની ઘણી દુકાનો આવી છે, ઘણી ગુજરાતીઓની પણ છે.
ત્યાં પિત્તળની નાની મોટી કલાત્મક દીવીઓ અને કલાકૃતિઓ મળે છે જેની ચમક ક્યારેય ઝાંખી પડતી નથી કે નથી કટાતી.
મદુરાઇમાં ઠેરઠેર ખાવાપીવાની સારી ઇટરીઓ આવેલી છે જ્યાં ઈડલી, કેસરી ભાત એટલે શીરો, ત્યાંની મીઠાઈઓ અને દક્ષિણી વાનગીઓ ફરી ફરી ખાવાનું મન થાય એવી મળે છે.
મંદિર જોવા બને તો વહેલી સવારે અથવા મધ્યાન્હ વખતે ઊભવું તો કદાચ થોડી ઓછી ભીડ હોય. બે મુખ્ય મંદિરનાં દર્શન સિવાય મુખ્ય તો ત્યાંના ઊંચા ગોપુરમ અને તેની ઉપર રંગબેરંગી આકૃતિઓ જોવાનું જ વધુ મહત્વ છે.
દક્ષિણનાં ઘણાંખરાં મંદિરોના શિખરો અને સ્તંભો આ જાતની મૂર્તિઓવાળાં હોય છે. અહીં એ એક જુઓ ને બીજી ભૂલો જેવી મૂર્તિઓ છે પણ લાઇનોમાં દળાતાં પીસાતાં જોઈ શકાય તો.
***