Bhagvat Rahsya - 281 in Gujarati Spiritual Stories by MITHIL GOVANI books and stories PDF | ભાગવત રહસ્ય - 281

Featured Books
Categories
Share

ભાગવત રહસ્ય - 281

 

દશમ સ્કંધમાં ભાગવતના ટીકાકારો પાગલ બન્યા છે.જેમ જેમ ઊંડાણમાં વિચારે તેમ તેમ નવા નવા અર્થો સામે આવે છે.ટીકાકાર કહે છે કે-યશોદાજીને કનૈયા કરતાં દૂધ વધુ વહાલું નહોતું,તેઓ દૂધ ઉભરાઈ જાય અને નુકસાન થઇ જાય તેના માટે દોડેલા નહોતા પણ ચૂલા પર જે દૂધ મુકેલું હતું તે ગંગી ગાયનું દૂધ હતું,એટલે યશોદાજીએ વિચાર કર્યો કે –લાલો ગંગી ગાયનું જ દૂધ પીએ છે,ગંગી ગાય સિવાય બીજું કોઈ દૂધ લાલાને ભાવતું જ નથી,તેથી જો દૂધ ઉભરાઈ જાય અને લાલો દૂધ માગે તો શું આપીશ? એમ વિચારી ને લાલાને માટે જ યશોદાજી દોડેલા.

 

દૂધ કનૈયાનું છે અને કનૈયા માટે જ તેઓ દોડેલા છે.પ્રિય કરતાં પ્રિયની વસ્તુ વધુ અતિ પ્રિય લાગે છે.

ગમે તે હોય પણ દૂધનો ઉભરો આવ્યો તે મા એ જોયું છે,અને યશોદાજીની ભૂલ થઇ છે,લાલાને ધવડાવે છે ત્યારે આંખ દૂધને શા માટે આપે છે? મનને સ્થિર કરવું કઠણ છે પણ આંખને પ્રભુમાં સ્થિર કરવી એટલી કઠણ નથી.લાલા જોડે બ્રહ્મ સંબંધ થયેલો હોય તે વખતે સંસારનું સ્મરણ થાય એ જ દૂધનો ઉભરો છે.

 

વિયોગમાં અપેક્ષા જાગે છે (તે ગુણદર્શન) અને સંયોગમાં ઉપેક્ષા જાગે છે (તે દોષદર્શન)

કનૈયો ગોદમાં આવે તેવી યશોદાની અપેક્ષા છે,પણ ગોદમાં આવ્યા પછી તેને છોડીને જવું તે ઉપેક્ષા છે.

જીવ માત્રનો એવો સ્વભાવ છે કે-જે વસ્તુ સુલભ હોય તેની તે ઉપેક્ષા કરે છે.

લાલાને થયું કે કેટલા વ્રત-તપ ને અંતે હું મળ્યો,અને હવે શેર-બશેર દૂધ માટે મારી ઉપેક્ષા કરે છે.

 

આવી લીલા દરેકના ઘરમાં રોજ થાય છે.

ઘરમાં કામ કરતાં કોઈ-કશું યાદ ના આવે,પણ જ્યાં હાથમાં માળા લીધી એટલે સગાંઓ યાદ આવે છે.

“મારી કમળાનો હમણાં મહિનાથી કાગળ નથી” કેટલાકને વળી માળા હાથમાં લે પછી વિચારવાનું ચાલુ કરે કે-આજે બજારમાંથી પરવળ લાવું કે પાતરા? બટેટા તો બે દિવસ ખાધા.આજે પરવળ લાવીશ.

આવા જપમાં જપ પરમાત્માનો થતો નથી પણ પરવળનો થાય છે.કારણ કે મન ચિંતન તેનું કરે છે.

 

સાધક ને કંઈક પ્રાપ્તિ થવાની થાય ત્યારે જ ઉભરો એટલે કે સંસાર યાદ આવે છે.

પરીક્ષા કરવા આવું બધું કનૈયો જ કરાવે છે.બ્રહ્મ-સંબંધ થાય ત્યારે ઉભરો (એટલે કે ભોગવેલા વિષયસુખનું ચિંતન) આવે તો સાવધાન રહેવાનું છે.ભોગવેલા વિષયસુખનું સ્મરણ થાય ત્યારે ભગવાનનું વિસ્મરણ થાય છે.

વાસનાનો વેગ દૂધના ઉભરા જેવો છે.દૂધને ઉભરો આવે ત્યારે દૂધમાં થોડું પાણી નાખો તો ઉભરો શમી જાય છે તેમ જયારે વાસના જાગૃત થાય ત્યારે વિવેક-રૂપી પાણી નાખવાથી વાસના શમી જાય છે.

પરમાત્માની સેવા કરતાં બ્રહ્મ-સંબંધ થાય છે ત્યારે-જગત યાદ આવે તે સારું નથી.

 

લોકોને ડાકોરના રણછોડરાય યાદ આવતા નથી પણ ડાકોરમાં ગોટા સુંદર મળે છે તે યાદ આવે છે.

સુંદર ગોટાને બધા યાદ કરે છે પણ શ્યામ-સુંદરને કોઈ યાદ કરતું નથી.

 

આજે યશોદા લાલાને છોડી લૌકિક કામ કરવા ગયાં એટલે લાલાને ખોટું લાગ્યું, “થોડુંક દૂધ અગ્નિમાં પડે તો તેમા શું નુકશાન થવાનું હતું ?મારા માટે લોકો પાંદડાં ખાઈ ને તપશ્ચર્યા કરે છે.આજે મા ને ખાતરી કરાવવી પડશે કે,તેનું આ કામ તેને કેટલું મોઘું પડશે “

આમ વિચારી ને લાલાએ પાસે પડેલો ચટની વાટવાનો પથરો ઉઠાવી ને એક મણ દહીં ભરેલી ગોળી

પર માર્યો એટલે તે ગોળી ફૂટી ગઈ અને દહીં જમીન પર પડ્યું. મોટું નુકસાન થયું.

 

 - - - - - - - - - - - - - - - - - - - -