જીવન વ્યવહાર ચલાવવા માટે વાણી એ મહત્ત્વનું સાધન છે. પણ ક્યારેક જાણતાં-અજાણતાં વાણી અવળી રીતે અને અવળી જગ્યાએ વપરાય છે. અવળી વાણીના વિવિધ રંગરૂપમાં એક છે નિંદા-કૂથલી. નિંદા એ રોજિંદા જીવનમાં ઊંડે સુધી વણાયેલો દોષ છે. પહેલા તો આ દોષ ક્યારે થઈ જાય છે એ સમજવું અઘરું છે અને સમજાય પછી એને પકડવું ખૂબ અઘરું છે. નિંદા એ જીવનમાં પ્રગતિમાં બાધા નાખતો મોટો અવરોધ છે.
લોકો નિંદા ક્યારે સૌથી વધારે કરે? જ્યારે કોઈ વ્યક્તિ માટે નેગેટિવ અભિપ્રાય હોય ત્યારે. અભિપ્રાય બંધાવાના અનેક કારણો હોઈ શકે. જ્યારે કોઈ વ્યક્તિ તરફથી અપમાન થયું હોય, એના પ્રત્યેના મોહનો માર પડ્યો હોય, આપણું ધાર્યું ના થયું હોય કે આપણું નુકસાન થયું હોય, ત્યારે નેગેટિવ અભિપ્રાય પડે. પછી રાગ-દ્વેષની પરંપરા સર્જાય અને તે નિંદારૂપે બહાર નીકળે. આમ, નિંદાના મૂળમાં અહંકાર કામ કરી જાય છે.
નિંદાનું બીજું અને સૌથી મોટું કારણ છે સ્પર્ધા! મનુષ્યના જીવનમાં સ્પર્ધાથી પ્રગતિ થઈ અને પછી એ જ સ્પર્ધામાંથી નિંદાઓ શરૂ થઈ. સ્પર્ધાનો સદુપયોગ તે પ્રગતિ અને દુરુપયોગ એ નિંદા. જ્યાં સ્પર્ધા છે ત્યાં નિંદા છે. હરિફાઈમાં પડેલા લોકો “હું મોટો ને પેલો છોટો” એમ સાબિત કરવા જ ફરતા હોય. ઘણી વખત આપણે કોઈ વ્યક્તિને નીચા પાડવા, એ ડફોળ છે અને હું વધારે જાણું છું તે સાબિત કરવા તેમની નિંદા કરતા હોઈએ છીએ, જેમાં પોતાના સ્વભાવનું જ પ્રદર્શન થાય છે.
વાસ્તવિકતામાં પોતાને મહીં દુઃખ હોય છે, તેથી શાંતિ માટે સામાની નિંદા-કૂથલી અને ટીકા કરે છે. નિંદા કરનારને પોતે શું કરે છે તેનું ભાન જ નથી હોતું. સુખી માણસ કોઈ દિવસ બીજાની નિંદા કે ટીકા ન કરે.
લોકો નવરા હોય ત્યારે ઓટલા પરિષદ ભરાય અને નિંદા-કૂથલી ચાલુ થાય કે ફલાણાએ આમ કર્યું ને તેમ કર્યું. આખો દિવસ પડોશીની, કુટુંબીઓની, ઑફિસમાં લોકોની અને આગળ વધીને દેશના કે ધર્મના વડાઓની નિંદા જ ચાલ્યા કરતી હોય છે. આ જગત પણ કેવું છે કે સાચી વાત સાંભળનાર કોઈ ના મળે ને જૂઠ્ઠી વાત સાંભળનાર ઠેર ઠેર મળે. આપણે નવરા હોઈએ તો પુસ્તક કે બીજું કંઈક લઈને બેસવું, પણ નિંદા ન કરવી.
ટીકા અને નિંદામાં ફેર છે. ટીકા એટલે સામાના દેખાતા દોષો ખુલ્લા કરવા. જ્યારે નિંદા એટલે સામામાં દેખાય કે ન દેખાય, તોય તેનું બધું અવળું જ બોલ બોલ કરવું. સામાને કંઈપણ નુકસાન થાય, સામાને ખરાબ લાગે એવું વાક્ય બોલવું, એ બધું નિંદા જ કહેવાય. કોઈ વ્યક્તિ ખોટા રસ્તે ચાલતી હોય ત્યાં તેને ચેતવણી આપવી, એ ટીકા નથી. સામાના હિત માટે ચેતવણી આપીએ એ દીવાદાંડી સમાન છે. પણ સામાને એમાં અહિત લાગતું હોય, ટીકા લાગતી હોય તો ત્યાં બોલવાનું બંધ રાખવું. કોઈ પણ માણસની વ્યક્તિગત વાત કરવી એ નિંદા કહેવાય. એથીય આગળ, કોઈ માણસની બહાર સારી આબરૂ હોય, મોભો અને કીર્તિ હોય, તોય તેનું ઊંધું બોલીને તોડી નાખવું એ અવર્ણવાદ કહેવાય. તેમાંય મહાન પુરુષો જે અંતર્મુખી છે, તેમનો અવર્ણવાદ થાય તે તો ભયંકર મોટું જોખમ કહેવાય!
જગતનો વ્યવહાર એવો છે કે આપણે જે આપીશું તે આપણી પાસે આવશે. આપણે કોઈની નિંદા કરીશું તો આપણે નિંદ્ય થઈશું. બને ત્યાં સુધી નિંદામાં પડવું નહીં. કોઈ નિંદા કરતું આવે તો આપણે કોઈ બહાનું કાઢીને ઊઠી જવું. આ દુનિયામાં પોતાની જ ભૂલો જોઈને તેને સુધારવા જેવું છે. બીજાની ભૂલો જોવી નહીં અને કોઈની નેગેટિવ વાત કરવી નહીં. કોઈનીય નિંદા કરવી એટલે આપણી દસ રૂપિયાની નોટ વટાવીને એક રૂપિયો લાવવો તે! નિંદા અને ટીકા કરનાર હંમેશા પોતાનું જ ગુમાવે છે. આપણા સમય અને શક્તિ નાહકના વેડફાઈ જાય છે.
નિંદાના જોખમ માટે પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે, “એક કલાકની નિંદામાં આઠ પશુઓનું આયુષ્ય મનુષ્ય બાંધે છે.” નિંદા કરીને મનુષ્ય ચાર ગતિમાં ભટક્યા કરે છે. એટલે નિંદા કરવી એ જોખમી વેપાર છે. વિચક્ષણ માણસ એને કહેવાય કે આ નિંદા કરવાથી શું પરિણામ આવશે એ એના લક્ષમાં હોય. દરેક મનુષ્યમાં આત્મારૂપે ભગવાન રહેલા છે. મનુષ્યોની નિંદા કરવી એટલે ભગવાનની નિંદા કર્યા બરાબર છે. નિંદા એટલે પ્રત્યક્ષ હિંસા છે. કોઈ વ્યક્તિની પીઠ પાછળ નિંદા કરવી એ તેને માર્યા બરોબર છે. નિંદા એ હિંસકભાવ છે, તેનાથી પાપકર્મ બંધાય છે. નિંદા કરવી ખોટી છે એમ સમજે અને નિંદા થયા પછી પસ્તાવા કરે, તો દિલ ચોખ્ખું થાય. પણ જો નિંદા કરવામાં આનંદ આવતો હોય, તો તે અધોગતિના કર્મ બાંધે.
પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે, “આ વાણી તો સરસ્વતી દેવી છે, નિંદા ના કરાય. જો દુરુપયોગ કરેને તો લક્ષ્મીજી રીસાય. તિરસ્કાર અને નિંદા જ્યાં હશે, ત્યાં લક્ષ્મી નહીં રહે. લક્ષ્મી ક્યારે ના મળે? લોકોની કૂથલી-નિંદામાં પડે ત્યારે. ત્યારે લક્ષ્મી આવતી બંધ થઈ જાય. મનની સ્વચ્છતા, દેહની સ્વચ્છતા અને વાણીની સ્વચ્છતા હોય તો લક્ષ્મી મળે!” માટે, નેગેટિવ વાણી, નિંદા કરનારી વાણી કે બીજાને દુઃખ આપનારી વાણી ના બોલવી જોઈએ.
લોકો તો મૃત્યુ પામેલી વ્યક્તિની પણ નિંદા કરવાનું છોડતા નથી. ગમે તેટલો ખરાબ માણસ હોય પણ તે મૃત્યુ પામે પછી તેના વિશે ભૂંડું ના બોલવું. કારણ કે, વાતાવરણમાં પરમાણુઓથી ભરેલું છે. આપણે એક શબ્દ પણ કોઈના માટે બેજવાબદારીવાળો બોલીએ તો તેના સ્પંદન સામાને પહોંચી જ જાય. માટે બોલવું હોય તો કોઈનું સારું બોલવું, પણ ખરાબ ન જ બોલવું. લોકો આપણી નિંદા કરે તો તેની છૂટ રાખવી, વાંધો નહીં ઉઠાવવો અને શાંતિથી વિચારવું, પણ આપણે કોઈની નિંદામાં ન પડવું.
નરસિંહ મહેતાએ કહ્યું છે કે,
“વૈષ્ણવજન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે.
સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે”.
ફક્ત વૈષ્ણવ જ નહીં, ખરો માણસ એને કહેવાય જે કોઈની નિંદામાં ન પડે. એટલું જ નહીં, બધા લોકોના પોઝિટિવ ગુણો જોઈને તેને વંદન કરે. આપણે કોઈના ગુણગાન કરીએ કરો તો નફો થાય અને નેગેટિવ બોલીએ તો આપણને ખોટ જાય. પણ મનુષ્યોને હિતાહિતનું ભાન નથી અને ઉઘાડી આંખે ઊંઘે તેવી દશા થઈ છે. નિંદા કરીને તેઓ પોતાનું અહિત જ કરી રહ્યા છે, જાણીજોઈને ખોટ ખાય છે.