ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે.
"સોનુ કેમ આટલી બધી વાર લાગી? શું કરતી હતી?" મોહિનીએ ઉચ્ચયું. એ જ વખતે નાઝના ફોનમાં અઝહર ફોન કરી રહ્યો હતો અને નાઝે એ ફોન ઉચક્યો.
"અરે અચાનક જીતુડાનો ફોન આવ્યો એટલે વાત કરવા ઉભી રહી ગઈ." વાક્ય સાંભળીને નીનાને કૈક ચમકારો થયો. એને અઝહર નો ફોન કટ કર્યો અને સોનલને પૂછ્યું. "અરે સોનુ કોનો ફોન હતો?"
"કઈ નહિ મારા થનારા પતિનો ફોન હતો. આ સોનુના ભાઈનો એમ કહે છે." મોહિનીએ સહેજ શરમાતા કહ્યું.
"ઓહ્હ.. હું કંઈક બીજું જ સમજી હતી. સહેજ હાશકારો અનુભવતા નાઝે કહ્યું. અને મનમાં બબડી 'હું ક્યારની મનમાં ચિંતા કરું છું કે આટલું બધું સરળતાથી કામ પતી રહ્યું છે. જાણે પોતે 2 પ્રેમી સાથે હનીમૂન પર નીકળી હોય અને આનંદ પ્રમોદ કરતી, ફરતી હોય એમ વેકેશન મનાવતા મનાવતા એમણે પોતાના બધા કામ 3-4 દિવસમાં પતાવ્યા હતા. પણ મનમાં કંઈક ખુંચતું હતું કે કેમ કઈ મુસીબત આવી નથી અને સોનલે કહ્યું 'જીતુડાનો ફોન આવ્યો હતો તો હું મૂર્ખ એમ સમજી કે જીતુભાનો ફોન આવ્યો હતો આ લોકો તો જીતુભા ને ઓળખતાય શું કામ હોય ક્યાં જીતુભા જેવો ટ્રેન્ડ જાસૂસ અને ક્યાં આ કરોડોનો વારસદાર અને બિઝનેસ માઈન્ડ ફેમિલી. પણ અચાનક જીતુભા યાદ આવતા એને જેસલમેરમાં વોર મ્યુઝિયમથી આગળ થૈરત જવાના રસ્તે અર્ધી રાત્રે જીતુભા સાથેની એ મુલાકાત યાદ આવી ગઈ. ચતુરે નાઝના રસ્તા વચ્ચે પોતાનું હીરો મેજેસ્ટીક આડુ ઉભાડીને રોકવાની કોશિશ કરી હતી અને ને પોતે જયારે ચતુરને ખતમ કરવાની તૈયારીમાં જ હતી ત્યારે અચાનક જીતુભા ટપકી પડ્યો હતો. ન માત્ર એણે ચતુરનો જીવ બચાવ્યો હતો પણ નાઝને દોડાવી દોડાવી ને અધમરી હાલતમાં લાવી દીધી હતી. (તલાશ)એ પછી જયારે નાસા પર હુમલો કર્યો ત્યારે ય જીતુભા વચ્ચે આવ્યો હતો અને માઈકલ અને એની દીકરી મિશેલને પણ બચાવી હતી અને માર્શાને પણ નાઝ અને શાહિદ, અઝહરના હાથમાંથી છોડાવી ગયા હતા. (તલાશ -2)
"શું વિચારમાં પડી ગયા નીના ભાભી?" મોહિનીના અવાજથી નાઝ હોશમાં આવી.
"કઈ નહિ આ સોનુએ જીતુડા કીધું તો મને કોઈની યાદ આવી ગઈ." નાઝે વાત વાળવા કહ્યું. અને પછી સોનલને સંબોધતા કહ્યું. "સોનુ ઓલો, તમારી બાજુની રૂમમાં ઉતર્યો છે એનાથી સાવચેત રહેજે એ ખરાબ માણસ છે." ત્યાં જ અઝહરે પોતાની રૂમની બહાર આવીને નાઝને મોટેથી પણ પ્રેમાળ અવાજે બૂમ પાડી અને બોલાવી. નાઝ સમજી ગઈ કે કંઈક અગત્યની વાત છે નહી તો અઝહર આમ બોલાવવા ન આવે. એણે હસતા હસતા કહ્યું. "જુઓ મારા દેરજી મને સાદ પાડીને બોલાવે છે. જવું પડશે પણ હું શું કહું છું. કાલે સવારે આને બધા માર્કેટમાં આંટો મારવા અને ખુબ ખરીદી કરવા જશું."
"ચોક્કસ, ચાલો અમે પણ સુઈ જઈએ છીએ અમારે તો સવારે મંગળાના દર્શન કરવા જવું છે. વળી થાક પણ ખુબ લાગ્યો છે." કહેતા એ લોકો ઉભા થયા. પોતાના દરવાજો અર્ધો ખુલ્લો રાખીને ઉભેલા ગિરધારી એ આ જોયું. એ પોતાના દરવાજાને ખેંચીને બહાર આવ્યો. અને રીસેપ્શન પર જઈને ઊભો રહ્યો ત્રણે છોકરીઓ એની બાજુમાંથી પસાર થઇ, ગિરધારી નું ધ્યાન એ ત્રણે તરફ જ હતું. મોહિની અને નાઝે એની સામે મોં મચકોડયુ. 'ગુડ નાઈટ' કહેતા મોહિની-સોનલ અને નાઝ પોતપોતાના રૂમમાં ઘુસ્યા. નાઝ રૂમમાં ઘૂસીને દરવાજો બંધ કર્યો કે તરત જ અઝહર એને વળગી પડ્યો અને કિસ કરતા કહ્યું. "નાઝ એક મસ્ત ખબર છે. "
"શું થયું દેવરજી, કોઈ છોકરી પસંદ આવી ગઈ કે શું?' નાઝે એને જોરથી પોતાના બદન સાથે ભીચતા કહ્યું.
"અરે તું છોને ડાર્લિંગ મારે બીજી છોકરીનું શું કામ છે.?"
"બોલ શું થયું? અને હવે મૂક મને આ મારો વર ઈર્ષ્યાથી બળીને ખાખ થઇ રહ્યો છે."
"હમણાં જ ખબર આવ્યા છે. કે 'ઓપરેશન બદર' ચાલુ થઈ ગયું છે." અઝહરે કહ્યું એ સાંભળીને નાઝ અવાચક થઈને જાણે રબરની પૂતળી હોય એમ એની અને શાહિદની સામે તાકતી રહી ગઈ.
xxx
"સર, એક નાયક એક હવાલદાર અને એક નાગરિક તમને મળવા માંગે છે. એમની પાસે કારગિલ રેન્જ ઓફિસરનો પત્ર છે.” આર્મી ઇન્ટેલિજન્સ વિભાગના વડા લેફ્ટનન્ટ કર્નલ ગુરવિન્દર સીંગ ચાવલાને એના ઓર્ડરલીએ કહ્યું. જમ્મુ કાશ્મીરના કોઈ અજ્ઞાત સ્થળે આવેલી આ આર્મીની ઇન્ટેલિજન્સ વિંગ, કોઈ સામાન્ય સરકારી કચેરી જેવી જ હતી. 2 પુરુષ અને 1 મહિલા ક્લાર્ક 1 ઓર્ડરલી, અને એક સાહેબ. જે સ્થળે એ ઓફિસ હતી ત્યાંના સ્થાનિકોને પણ ખબર ન હતી કે આ શેની ઓફિસ છે. બહાર પબ્લિક વેલફેર ડીપાર્ટમેન્ટ - જમ્મુ એન્ડ કાશ્મીરનું બોર્ડ લાગ્યું હતું. એ લોકો શું કામ કરે છે એ વિષે પણ કોઈને કંઈ ખબર ન હતી. હા એક માત્ર ચા નાસ્તાની ટપરી વાળાની એ ઓફિસમાં આવન જાવન હતી. ગામના સરપંચ પણ એકાદ વાર ગામના કોઈ કામ માટે અંદર આટો મારી આવ્યા હતા. પણ પછી એમને ગામમાં જાહેર કરી દીધેલું કે આ તો કોઈ રાજસ્વ ડિપાર્ટમેન્ટની ઓફિસ છે. ગામના ઉત્થાનના કોઈ કામ આ કચેરીમાં નહિ થાય.
"કોણ છે એ લોકો?” કંઈક કંટાળેલા અવાજે ગુરવિન્દર સિંહે પૂછ્યું.
"સર, કારગીલના છે અને કૈક જરૂરી માહિતી આપવા માંગે છે. "
"મોકલ એમને અને ચા નાસ્તાની વ્યવસ્થા કરાવ." ગુરવિન્દર સાહેબની આજે મેરેજ એનિવર્સરી હતી ઉપરાંત એમની દીકરીને મુંબઈની મેડિકલ કોલેજમાં એડમિશન લેવા જવાનું હોવાથી આવતી કાલથી રજા પર જવાના હતા. આજે એમનો કામ કરવાનો મૂડ ન હતો. એમને રૂટિન ચેક કરીને ફટાફટ પોતાને જ્યાં જરૂર હોય ત્યાં સાઈન કરીને નીકળી જવું હતું.
"વી આર કમિંગ સર?" દરવાજે ઉભેલા નાયકે પ્રોટોકોલ પ્રમાણે પૂછ્યું.
"યસ કમ ઇન." પ્રભાવશાળી અવાજે લેફ્ટનન્ટ કર્નલ ગુરવિન્દર સિંહે જવાબ આપ્યો એ સાથે જ નાયક એક હવાલદાર અને સાથે એક ગામડાના ભરવાડ જેવા માણસ તેમની કેબિનમાં પ્રવેશ કર્યો અંદર આવતા જ નાયકે પોતાના બે બુટ ભટકાડી જોરદાર સેલ્યુટ કરી હવાલદારે પણ એવી જ રીતે સેલ્યુટ કરી અભણ ગ્રામજન પહેલા ચોંક્યો પછી પોતાની આવડત પ્રમાણે એને પણ સેલ્યુટ કરી. 17-18 વર્ષનો યુવાન થતો છોકરો એવો ગ્રામજન કંઈક અચંબિત નજરે આ સામે બેઠેલા સાહેબનો રૂવાબ જોઈ રહ્યો હતો.
"કોણ છો તમે લોકો અને અહીં..." જાણી જોઈને ગુરવિન્દર સિંહે વાક્ય અધૂરું મૂક્યું.
"સર મારું નામ નાયક સતપાલ સીંગ છે. હું કારગીલ રિજનમાં પોસ્ટેડ છું આ મારો સાથી હવાલદાર પ્રતાપસિંહ છે."
"અને આ કોણ છે?" લગભગ ત્રાડ પાડતા ગુરવિન્દર સિંહે પૂછ્યું એ સાંભળી પેલો ગામડાનો યુવાન થથરી ગયો. "અને તમે અહીં કઈ ઓફિસમાં આવ્યા છો એનું ભાન છે તમને લોકોને?"
"યસ સર, મેં અમારા સુબેદાર મેજરને વાત કરી હતી એમણે એમના ઉચ્ચ અધિકારીને પૂછીને જ અમને અહીં મોકલ્યા છે. એક્ચ્યુઅલમાં એ ગઈ કાલે એમના ઘરમાં પડી ગયા. અત્યારે શ્રીનગર હોસ્પિટલમાં છે. નહીં તો એ અમારી સાથે જ આવત. " નાયકે સંયમિત અવાજે કહ્યું.
"ઠીક છે. બોલો શું હતું. "
"સર, કારગીલમાં કોઈ મોટા પાયે હરકત થઇ રહી છે. આ છોકરો આ ત્યાંનો સ્થાનિક છે, એણે 4-5 દિવસ પહેલા કંઈક અજુગતું જોયું છે."
"અચ્છા? હા તો બોલ તે શું જોયું." ગુરવિન્દર સિંહ ગામડિયા સામે જોઈને પૂછ્યું આ વખતે એનો અવાજ થોડો મૃદુ હતો.
"સાહેબ મારુ ગામ છેને રોડના છેવાડાના મેદાનમાં છે. 20-20 ઘરની વસ્તી છે. અમેં ઘેટાં પાલન નો ધંધો કરીએ છીએ તે દિવસે હું જયારે ઘેટા ચરાવતા ચરાવતા ટેકરી પાસે પહોંચ્યો ત્યારે મને દૂરથી ઉંચી ટેકરી પર કેટલાક લોકો દેખાયા." આ સાંભળીને ગુરવિન્દર સિંહ ચોંકી ઉઠ્યો. એણે પ્રશ્નાર્થ નજરે નાયક સામે જોયું. નાયકે આંખો નીચે કરીને હકારમાં જવાબ આપ્યો.
"અચ્છા. તો તે ઉંચી ટેકરી પર કેટલાક લોકો ને જોયા બરાબર? પણ એ તો કદાચ તારા ગામના જ લોકો હશે? "
"ના સાહેબ, મારા ગામના લોકોને અને અમારા જેવા 2-3 ગામ ત્યાં ટેકરીની આજુબાજુ છે એ બધાને હું ઓળખું છું. એ લોકો આપણી મિલિટરીની ચેકપોસ્ટમાં આરામ કરતા હતા. અને આજુબાજુના કોઈ ગામના ન હતા."
"તમને શું લાગે છે નાયક, તમારા ઓફિસર શું કહે છે.?'
"સર, મને પરમ દિવસે સાંજે આ હવાલદારે જણાવ્યું આ ભરવાડે આ હવાલદારને પરમ દિવસ બપોરે કહ્યું હતું. મેં સાંજે જ સુબેદાર મેજરને વાત કરી એમણે ઉચ્ચ ઓફિસરને પૂછીને પછી ગઈકાલે અમે અહીં આવવાના હતા પણ એ વહેલી સવારે ઘરમાં પડી ગયા એટલે હોસ્પિટલમાં ભરતી થયા. પછી મેં બીજા કોઈ ઓફિસર સાથે વાત કરવામાં સમય ન બગડ્યો. અને અહીં આવી ગયો. કેમ કે અહીં તમને મળવાનું છે એવું સુબેદાર મેજરે કહ્યું હતું.
"ઠીક છે. હવે હમણાં આ વિષે કોઈ સાથે કઈ વાત કરવાની નથી. અને એય.. તું કોઈ પણ સાથે આ ચર્ચા ના કરતો સમજ્યો. " એમ ગામડિયાને કહ્યું એ સાંભળીને એ થથરી ગયો.
"હા સાયેબ હું કોઈ હરે કઈ વાત નય કરું."
"શાબાશ. હવે જુઓ ચા નાસ્તો આવ્યા છે. ફટાફટ ચા નાસ્તો કરી અને તમારા ગામ અને ચોકી ભેગા થઇ જાવ. અને મને મારું કામ કરવા દો."
પંદર મિનિટ પછી મુલાકાતીઓ વિદાય થઈ એ દરમિયાનમાં ગુરવિન્દર ચાવલાએ 3-4 જણાને આ વાત જણાવી હતી. અને સાથે જ પોતે પોતાના ઘરે અને ત્યાંથી મુંબઈ દીકરીના એડમિશન માટે જવાનો પ્રોગ્રામ કેન્સલ કરી નાખ્યો હતો. અને આખી આર્મી ઉચ્ચાધિકારીઓ જેમ જેમ આ વાત જાણતા ગયા એમ એમ આખા દેશમાં આર્મી ઇન્ટેલિજન્સ યુનિટો હરકતમાં આવ્યા હતા. લશ્કરના વડા સુધી વાત પહોંચી હતી. એમણે વડાપ્રધાન સુધી વાત પહોંચાડી હતી. મુશ્કેલી એ હતી કે થોડા સમય પહેલા જ સંસદમાં વિશ્વાસમત માત્ર એક મતે હારી જનાર વડાપ્રધાન અત્યારે કાર્યવાહક વડાપ્રધાન હતા અને ચૂંટણી પંચની મતદાર યાદી તૈયાર ન હોવાથી નવી ચૂંટણીની તારીખ જાહેર થઇ ન હતી. અને બધો વહીવટ સમજો કે પીએમઓના ચીફ સેક્રેટરીના જ હાથમાં હતો. એમણે પોતાના ચીફ સેક્રેટરી શ્રીવાસ્તવને ફોન કર્યો. માત્ર એક રિંગમાં ફોન ઉચક્યો કેમ કે ચીફ સેક્રેટરી પીએમઓ ઓફિસમાં જ હતા.
"હું 10 મિનિટમાં તમને મળવા આવું છું. મારી સાથે આઇબીના વડા પણ હશે."
"પણ શ્રીવાસ્તવ જી તમે અત્યારે ઓફિસમાં શું કરો છો."
"મળીને જણાવું છું. આપણા દેશની સદીઓ જૂની ધરોહરને ભારત બહાર લઇ જવાનું કોઈ કારસ્તાન કરી રહ્યું હતું."
xxx
ઓપરેશન બદર (બદ્ર)
1947માં ભારતથી છુટા પડ્યા પછી કાશ્મીર ને પાકિસ્તાનમાં ભેળવી દેવાની મંશાથી પાકિસ્તાને કબાલીઓના વેશમાં કાશ્મીર પર કબ્જો કરવા સૈનિકો મોકલ્યા હતા. કાશ્મીરના રાજાએ 2 મહત્વના દિવસ ભારત સાથે જોડાણ કરવું કે નહીં, એ વિચારમાં ગુમાવ્યા હતા. છેવટે એણે ભારત સાથેના જોડાણને મંજૂરી આપી ભારતીય લશ્કરે અદભુત બહાદુરી બતાવીને પાકિસ્તાની લશ્કરને કાશ્મીરમાંથી ખદેડવાનું ચાલુ કર્યું. પણ પૂરું કાશ્મીર ખાલી થાય એ પહેલા એ વખતના વડાપ્રધાને યુનોને મધ્યસ્થ બનાવ્યું અને શાંતિ કરાર મુજબ પાકિસ્તાને પોતાના કબ્જામાં રાખેલ કાશ્મીર પાક આશ્રિત સ્વતંત્ર કાશ્મીર તરીકે દર્શાવાયું. અને લાઈન ઓફ કંટ્રોલની સ્થાપના થઇ. નક્કી એવું થયું છે ત્યારે (એ વખતે 1948માં) જેમના કબ્જામાં જે વિસ્તાર હતો એ જ એક્ચ્યુલ બોર્ડર ગણવી. પણ..
પાકિસ્તાન અને એના દરેક નેતા ચાહેએ પ્રધાન મંત્રી હોય રાષ્ટ્રપતિ હોય કે આર્મી ચીફ હોય. દરેકની એક જ ઈચ્છા હતી આખું કાશ્મીર કબ્જે કરવાની. આ માટે ઉપયોગ થયો પાક ઓકયુપાઇડ કાશ્મીરનો. ખાસ કરીને એના સ્કાર્દુ શહેર કે જે 1948 સુધી ભૂમિ માર્ગે કારગીલ થઈને લેહ અને શ્રીનગર સાથે જોડાયેલ હતું. ત્યાંથી એ લોકો એ ભારતની મહત્વની ટેકરી કારગિલ, બટાલિક, દ્રાસ વિગેરે કબ્જે કરીને શ્રીનગર અને લેહને જોડતો એન એચ 1 કબ્જે કરીને લેહને ભારતથી છુટુ પાડવાની યોજના છેક 1980-90થી પાકિસ્તાની લશ્કરી વડાએ ઝિયા ઉલ હક્ક અને એ પછી બેનઝીર ભુટ્ટોને આપ્યા હતા. પણ પૂર્ણ યુદ્ધથી ગભરાઈને એનો અમલ કરવામાં આવ્યો ન હતો. કેટલાક લોકોને મતે ઓપરેશન બદરએ 1984ના ભારત દ્વારા હાથ ધરાયેલ ઓપરેશન મેઘદૂતનો બદલો લેવા ઘડાયું હતું કે જેમાં ભારતે સિયાચીન વિસ્તારના ઘણા ગ્લેશિયર પર પોતાનો કબજો જમાવ્યો હતો. ખેર 1998માં જયારે પરવેઝ મુશર્રફને પાકિસ્તાન લશ્કરના વડા બનાવ્યા એજ દિવસથી ઓપરેશન બદ્રની બ્લુપ્રિન્ટ ફરીથી સક્રિય કરવામાં આવી હતી, અને લગભગ 6-8 મહિના પછી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સપ્લાય ચેનનો પૂરો બન્દોબસ્ત કર્યા પછી, એક બાજુ ભારતીય વડાપ્રધાન બન્ને દેશના શાંતિ અને મૈત્રીભર્યા સંબંધો માટે વાઘા બોર્ડર ખોલીને બસમાં પાકિસ્તાનના વડાપ્રધાન સાથે પાકિસ્તાનમાં જઈને વાટાઘાટો કરી આવ્યા ને માંડ 2 મહિના થયા હતા ત્યાં ઓપરેશન બદરની શરૂઆત પાકિસ્તાન આર્મીએ કરી હતી.અને સ્કાર્દુથી કારગીલમાં મુખ્ય ટેકરીઓ પરની ભારતીય લશ્કરની ચોકીઓ કે જે શિયાળાની કાતિલ ઠંડીમાં (માઇનસ 48-50 ડિગ્રી) હંમેશા જેમ છોડી દેવાઈ હતી, અને પછી ઉનાળો શરૂ થાય ત્યારે પાછા દેશના સૈનિકો ચોકી પર ડ્યુટી કરવા પાછા ફરવાના હતા, એ કારગિલથી લઈને બટાલિક અને બીજીબાજુ ટાયગર હિલ, દ્રાસ વગેરે સહિત લગભગ 125 મહત્વની ચોકીઓ પર પાકિસ્તાનના અર્ધલશ્કરી દળનો કહેવાતા મુજાહિદીનનો કબજો જામી ગયો હતો.
ક્રમશ:
આ વાર્તા તમને કેવી લાગી એ ના પ્રતિભાવની પ્રતીક્ષા છે. તો વોટ્સએપ નંબર 9619992572 પર તમારા પ્રતિભાવ - સૂચનો અવશ્ય મોકલજો.