નિતુ : ભાગ ૧૧૦
વિદ્યાએ રોનીને મરાવવા માટે એક્સીડેન્ટ કરાવ્યો. એકબાજુથી ટ્રકની અડફેટે આવતા નિખીલના એ જ વખતે રામ રમી ગયા. પરંતુ બાજુમાં બેઠેલો રોની બચી ગયો.
આ બધું જ તેઓનું પ્લાનિંગ હતું. એ પહેલેથી જાણતો હતો કે રોહિતે જયારે એને ફોન પાછો આપ્યો ત્યારે એ ટ્રેક કરીને આપ્યો હતો. એટલે એને ફસાવવામાં માટે જ આ બધું કરવામાં આવ્યું હતું. રોની ક્યાં છે અને શું કરવાનો છે? એ જાણતા એનો એક્સીડેન્ટ કરાવી મારવાની યોજના બનાવવામાં આવી હતી.
ટ્રક વડે ટક્કર મારતાંની સાથે જ તેઓની ગાડી એક બાજુ ફંગોળાઈ ગઈ. ઉંધી પડેલી ગાડીના કાચ ચારેય બાજુ વિખેરાય ગયા અને ઘોબાઓ પડેલી ગાડીમાંથી લોહી નદીની જેમ વહેતુ બહાર આવ્યું. મિહિર નીચે ઉતરી વિદ્યા પાસે આવ્યો અને એ ગાડીની નજીક જવા લાગી.
ટ્રકમાં બેઠેલા એ ચોરને ગભરાહટ થવા લાગી. તે અને રમણ નીચે ઉતરી, મિહિર પાસે આવ્યા.
"સાહેબ, મારું કંઈ કરો... તમે... તમે મને કહેલું." ડરતા ડરતા એ ચોર બોલ્યો.
"મિહિર! હું એને બહાર સુધી છોડી દઈશ."
મિહિરે કહ્યું, "મેં ગાડીની વ્યવસ્થા કરાવી દીધી છે. મૂંઝાવાની જરૂર નથી. એ કોઈની નજરમાં આવ્યા વિના શહેરની બહાર નીકળી જશે."
રમણે કહ્યું, "હું એને છોડીને આવું છું."
"હમ."
રમણ એ ચોરને લઈને જતો રહ્યો. એને રાજ્યની બહાર કાઢવાની સંપૂર્ણ વ્યવસ્થા કરી દેવામાં આવેલી. મિહિરે વિદ્યા સામે જોયું અને તે રોનીની ગાડી પાસે જઈને વહેલા લોહીમાં પગ રાખી ઉભી રહી. ગાડીમાં બેઠેલ નિખીલ તો જીવિત નહોતો. પણ રોની ઈજાગ્રસ્ત, છતાં હોશમાં હતો. પોતાની પીડાને એ ઉઠાવતો હતો એવામાં એને વિદ્યાના પગ દેખાયા.
વિદ્યા નીચે બેઠી. રોની એને એકીટશે જોઈ રહ્યો. તે બોલી, "તારા લીધે બહુ સહન કર્યું છે મેં. દોષી તું હતો અને અત્યાર સુધી સજા મેં ભોગવી છે. તને યાદ આવે છે કે અત્યારે તું ક્યાં છે? નહિ...? જો, આ એ જ જગ્યા છે રોની, જ્યાં તે મને મારી નાંખવાના ઈરાદે હુમલો કર્યો હતો. મારા વાળ કાપી મને ઢસડી હતી."
તેના શબ્દોમાં ધીમે ધીમે આવેશની અગ્નિ સળગવા લાગી હતી. રોની કોઈ પ્રતિક્રિયા વિના એના શબ્દોને સાંભળી રહ્યો હતો. ગુસ્સો તો હતો અને વિદ્યાને હજુય ખતમ કરી નાંખવાનો ઈરાદો હતો. પણ વિવશતામાં એ સૂનમૂન હતો. એની વિવશતા દેખાઈ રહી હતી. એની આંખમાં ડર દેખી વિદ્યા હળવેથી હસી પડી અને બોલી, "ડર લાગે છે! તારી બધી સત્તા અને બળ પડ્યું રહેશે રોની... આ તારો અંત છે... સાંભળ્યું તે..." એ જોરથી બરાડી, "આ... અંત છે તારો."
નીચે વહી રહેલા લોહીને હાથ લગાવ્યો અને એને બતાવતા એ બોલી, "જે જગ્યાએ તે મને મારવાનો પ્રયત્ન કર્યો હતો એ જ જગ્યાએ તારો અંત થશે... જો, આ તારું લોહી. તને એમ હતું કે તારું કોઈ કશું બગાડી નહિ શકે. આજની રાત તારી અંતિમ રાત છે. કાલે તારો બાપ તારો અંતિમ સંસ્કાર કરશે." એણે ગાડીમાં ઉંધા લટકતા રોનીને મુક્કો માર્યો અને કોલર પકડ્યો.
એવામાં કોઈ જીપકાર એના તરફ આવી. મિહિર એ જોઈ દંગ રહી ગયો કે એ પુલીસ કાર હતી. એને અનુમાન આવી ગયું કે નક્કી કંઈ ગડબડ છે. એ પાસે આવી એના ખભા પર હાથ રાખતા બોલ્યો, "વિદ્યા, આપણે નીકળવું પડશે."
રોની ખડખડાટ હસ્યો, "એટલું ઈજી નથી વિદ્યા. માર મને. લે હું તારી સામે જ છું. માર."
વિદ્યાને ગુસ્સો ભરાયો, નસકોરા ફુલ્યા, એણે કોલરની પકડ મજબૂત કરી અને દાંત ભીસતાં બોલી, "મેં ધાર્યું છે એ હું કરીને જ જંપીશ. હસી લે, મન ભરીને હસી લે નાલાયક. સવાર પહેલા તારું મૌત નિશ્ચિત છે રોની. તને છોડીશ નહિ."
મિહિરે નજર કરી કે કાર ઘણી નજીક આવી ગઈ છે. એણે વિદ્યાનો હાથ પકડ્યો અને એને ખેંચતો પોતાની ગાડી તરફ લઈ જવા લાગ્યો. વિદ્યા જાણે કે ત્યાંથી ખસવાનું નામ જ નહોતી લેતી. એટલા આવેશમાં હતી કે અત્યારે જ એ રોનીને એની સજા પેઠે મૌત આપવા તૈય્યાર હતી. પરંતુ મિહિર એને ગાડી સુધી લઈ ગયો અને ગાડી બેસાડી દીધી.
એ જાય એ પહેલા પુલીસ કાર ત્યાં આવી પહોંચી. ચાલતી કારમાંથી રોહિત નીચે ઉતાર્યો, તેણે વિદ્યા અને મિહિરને જોઈ લીધાં. પાછળ ફરી જોયું તો ડ્રાઈવર એની સામે જોઈ રહ્યો હતો. "અરે જુએ છે શું? જા અને પકડ એને."
એને કોઈ અસર ના થઈ હોય એમ એણે કાર બંધ કરી અને નીચે ઉતરી ગયો. રોહિતે આશ્વર્ય સાથે પૂછ્યું, "શું કરે છે તું?"
"અહીં કોઈ છે જ નહિ તો તમે કોને પકડવાની વાત કરો છો? એક્સીડેન્ટ થયો અને ગાડી ઉંધી પડી ગઈ. એક્સીડેન્ટ કરી ટ્રકનો ડ્રાઈવર નાસી ભાગ્યો."
એટલામાં મિહિરે એની સામેથી જ ગાડી ચલાવી. ચાલતી ગાડીમાંથી વિદ્યા રોહિત સામે સળગતી આંખે જોઈ રહી અને તે વિદ્યા સામે. જીણી નજર કરતા એ બોલ્યો, "તો આ બધું પહેલેથી કરેલું તમારું પ્લાનિંગ છે અને તમે બધા વિદ્યાના પક્ષે જતા રહ્યા છો એમને!"
"ઓફર તો તમને પણ મળી હતી. સમયસર સ્વીકારી લીધી હોત તો ભૂતકાળમાં તમે વિદ્યા સાથે જે કર્યું એ બધું ભૂલી એ તમ માફ કરી દેત. હવે તો રોનીના થયા એવા હાલ બધાના થવાના છે."
"પણ હું એ થવા નહિ દઉં. વિદ્યાનો સાથ બહુ વ્હાલો લાગવા લાગ્યો છે તમને બધાને! હું બતાવીશ તમને બધાને કે એ કેટલો સમય ટક્કર જીલે છે?" એણે પોતાનો ફોન કાઢ્યો અને એમ્બ્યુલન્સને કોલ કર્યો. એ પછી બીજો કોલ કર્યો અને રતન જરીવાલાને બધી જાણ કરી દીધી.
"રોનીને કંઈ થયું તો નથી ને?"
"ના. મેં એમ્બ્યુલન્સ બોલાવી લીધી છે."
કડકાઈ બતાવતા રતન બોલ્યો, "હા... હા... મારા રોનીને હોસ્પિટલ લઈ જા અને હોસ્પિટલ બંધ કરી દે. કોઈ પણ અંદર ના આવવું જોઈએ. જો રોનીને કંઈ થયું ને તો હું તમને કોઈને નહિ છોડું યાદ રાખજો."
"પણ સર એ..."
"એ કંઈ હું સાંભળવા નથી માંગતો. ગમે ત્યાંથી વિદ્યાને શોધ અને ખતમ કરી નાખ એને."
"એના પર કેસ ચાલે છે. જો કંઈ આડા અવળું થયું તો આપણે બધા ફસાઈ જઈશુ."
"ઠીક છે. તમારા લોકોથી કંઈ નહિ થાય. હું મારા માણસો મોકલું છું." કહેતા લાલપીળા થઈ રતને ફોન કાપી નાંખ્યો.
એમ્બ્યુલન્સ આવી ગઈ એટલે રોહિત એને લઈ હોસ્પિટલ પહોંચ્યો. રતનના કહેવાથી હોસ્પિટલમાં અન્ય કોઈને પ્રવેશ આપવાનું બંધ કરાયું. હોસ્પિટલમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો. રતને પોતાના સાગરીતોને વિદ્યાને મારવાનો આદેશ આપી દીધો. ઇન્સ્પેકટર અમર પણ ત્યાં હાજર થઈ ગયો. એ પોતાના દીકરા નિખીલના અવસાનથી દુઃખી પણ ક્રોધ પામી ગયેલો હતો.
હોસ્પિટલનું ભાવાવરણ ભયાવહ બનતું જતું હતું. જો કે હોસ્પિટલનો હેડ, જસવંત દેસાઈ હતો. રતન પોતાના દીકરા માટે કંઈ પણ કરી પરવારી શકવા તૈય્યાર થઈ ગયેલો.
"આગળ શું થયું?" નિતુએ પ્રશ્ન કર્યો.
"પરિસ્થિતિ કટોકટીની થઈ રહી હતી. એ એક એવી રાત હતી જ્યાં એ સાથે ત્રણ જીવન દાવ પર લાગી ચુક્યા હતા. રોની જે ઈજાગ્રસ્ત થઈ હોસ્પિટલ લવાયો હતો. વિદ્યા કે જેને મારવા માટે રતને પોતાના માણસોને જણાવી દીધું અને ત્રીજી તું."
સાંભળી નિતુ અચંબિત થઈ ગઈ. પૂછ્યું, "શું? હું! કઈ રીતે? મને તો આવી કોઈ સ્થિતિ યાદ જ નથી અને એ હોસ્પિટલમાં હું શું કરતી હતી? મને આવી કંઈ ખબર કેમ નથી.?"