લેખ:- ગ્રંથાલય દ્વારા સમાજ પરિવર્તન.
લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની.
નોંધ:- આ મારો સ્વરચિત લેખ છે. લેખમાં રજૂ કરેલાં તમામ વિચારો મારા પોતાનાં છે. તેમજ રાજકોટ ખાતેની એક નિબંધ સ્પર્ધામાં તૃતીય ક્રમે વિજેતા જાહેર થયેલ છે.
'એક પુસ્તક સો મિત્રોની ગરજ સારે', 'પુસ્તક એ વફાદાર મિત્ર છે.' આવા તો અનેક વાક્યો આપણે પુસ્તકો વિશે જાણીએ છીએ. વિચારો કે જો એક પુસ્તક માટે આટલી બધી મહત્તા વર્ણવાઈ હોય એ પુસ્તકને સમાવતું ગ્રંથાલય કેટલું કામનું હશે!!! બરાબર ને?
આપણાં ઘરમાં કદાચ આપણે પુસ્તકો રાખતાં હોઈએ છીએ, પરંતુ એ મર્યાદિત સંખ્યામાં હોય છે. આપણી આર્થિક સગવડતાને આધારે હોય છે. જો ખરેખર જ આપણે વાંચવાના શોખ ધરાવીએ તો જરૂરથી એક ગ્રંથાલયનાં સભ્ય બની જવું જોઈએ. ગ્રંથાલયમાં વિવિધ પુસ્તકો હોય છે. કેટલાંક હાસ્ય ઉપજાવે છે, કેટલાંક રડાવી દે છે, તો કેટલાંક પ્રેરણા આપી જાય છે.
ઘણાં બધાં મહાન લેખકો અને લેખિકાઓનાં લેખો એટલાં સુંદર સ્વરૂપે લખાયેલા હોય છે કે કોઈ એમાંથી પ્રેરણા લીધાં વગર રહી જ ન શકે! તો વિચારો કે આવા પુસ્તકો ધરાવતાં ગ્રંથાલયો આપણાં ગામ કે શહેરમાં હોય અને આપણે ત્યાં ન જઈએ તો કેવું લાગે?
પુસ્તકો વાંચવાનો શોખ ન હોય કે પછી વાંચવાનો જ શોખ ન હોય તો વાંચવાની શરૂઆત નાનાં નાનાં લેખ કે વાર્તાઓથી કરવી. પણ વાંચવું જરુર. ધીમે ધીમે વાંચવાની આદત પડી જ જશે. સમાજમાં રહેલી ઘણી બધી રૂઢિચુસ્ત માન્યતાઓ દૂર કરવા અને શા માટે એમને દૂર કરવી જરૂરી છે એ જાણવા માટે પણ સકારાત્મક વાંચન જરુરી છે. અમુક બાબતો પહેલાંનાં જમાનામાં ખૂબ ચુસ્ત રીતે પાળવામાં આવતી હતી, અને હવે નથી પળાતી. કેમ? એનો જવાબ તમને વાંચવાથી જ મળશે.
મનમાં ઘર કરી ગયેલી અંધશ્રદ્ધા દૂર કરવામાં પુસ્તકો સહાયરૂપ બને છે. બહુ મોટી મોટી ડીગ્રીઓ હોય તો જ વાંચી શકાય એવું નથી. વાંચવા માટે તો માત્ર એક અદમ્ય ઈચ્છા જ જોઈએ. માત્ર અક્ષરજ્ઞાન હોય અને સરખી રીતે વાંચતા આવડતું હોય એટલે બસ! એક વાર પોતે વાંચન શરુ કરે અને પોતાનામાં આવેલ હકારાત્મક પરિવર્તન નોંધે એટલે માનવી આપોઆપ જ એ પુસ્તક અન્ય લોકોને પણ વાંચવા માટે સલાહ આપશે.
ઘર નાનું છે, આર્થિક રીતે પુસ્તકો પોષાય એમ નથી તો કોણ કહે છે કે ઘરમાં પુસ્તક હોય તો જ વાંચી શકાય? ઘરની આસપાસ આવેલ કોઈ પણ ગ્રંથાલયનાં સભ્ય બની જાઓ. મોટા ભાગનાં ગ્રંથાલયો ખૂબ જ નજીવા દરે વાર્ષિક સભ્ય બનાવે છે. એકવાર આખા વર્ષની ફી ભરી દો એટલે આખુંય વર્ષ તમને તમારાથી વંચાય એટલાં પુસ્તકો વાંચવા મળે. દરેક ગ્રંથાલય એક વખતમાં પંદર દિવસ માટે તો પુસ્તક આપે જ છે. કેટલાંક ગ્રંથાલયોમાં તો હવે એકને બદલે એકસાથે બે પુસ્તકો લઈ શકાય એવી રીતે પણ સભ્ય બની શકાય છે.
જ્યારે કોઈ વ્યક્તિને ખોટી માન્યતાઓથી છૂટકારો અપાવવો હોય ત્યારે પુસ્તક જ મદદરૂપ બને છે. દુનિયામાં કેવી કેવી માન્યતાઓ છે અને એમાંથી કેટલી સાચી હોય છે એ અમુક પુસ્તકોમાં ખૂબ સુંદર રીતે સમજાવેલું હોય છે. ધાર્મિક પુસ્તકો માનવીને સકારાત્મક બનાવે છે. ગ્રંથાલયમાં વિતાવેલો અડધો કલાક પણ સાર્થક ગણાય છે. તમારાં સમયનું સૌથી શ્રેષ્ઠ રોકાણ કરવું હોય તો ગ્રંથાલય કે કોઈ પુસ્તક પાસે કરવું.
દેશને આઝાદી અપાવનાર ક્રાંતિકારીઓ હોય કે સમાજનું ઘડતર કરનારા પ્રેરણારૂપ શિક્ષકો, કે પછી લોકોને અને એમની તકલીફને સમજનારા ઉત્તમ નેતાઓ - આ બધાંનાં જીવનચરિત્રો વાંચીને આપણાં જીવનનો અભિગમ પણ થોડે ઘણે અંશે તો અચૂક બદલાય છે. ગ્રંથાલયોમાં આવા પુસ્તકો બૃહદ માત્રામાં ઉપલબ્ધ હોય છે.
ઉપરાંત, ગ્રંથાલયમાં પુસ્તકનાં પ્રકાર પ્રમાણે પુસ્તકો ગોઠવવામાં આવ્યાં હોય છે. આથી તમને જેની જરુર છે એ પ્રકારનાં પુસ્તકો સરળતાથી મળી રહે છે. રસોઈ વિભાગ, જીવનચરિત્ર, પ્રેરણાત્મક વાર્તાઓ કે નવલકથાઓ, બાળવાર્તાઓ, સુવિચારો, ધાર્મિક પુસ્તકો વગેરે જેવા અનેક વિભાગોમાંથી જરૂરિયાત પ્રમાણે પુસ્તકો મેળવી શકાય છે. સામાન્ય જ્ઞાનને લગતાં પુસ્તકો વાંચવાથી ઘણી બધી ન જાણેલી બાબતો જાણવા મળે છે.
ઉપરાંત, હવે તો ગ્રંથાલયમાં સમાચારપત્રો પણ રાખવામાં આવે છે. રોજબરોજનાં સમાચાર ત્યાંથી મેળવી શકાય છે. દુનિયાને અને સમાજને સુધારવો હોય તો એને ગ્રંથાલય તરફ વાળો. એક વાર આદત પડી જશે પછી વ્યક્તિ આપોઆપ ત્યાં જવા લાગશે.
હવે તો ઘણાં ગ્રંથાલયમાં એમનાં સભ્યો માટે વિવિધ સ્પર્ધાઓ પણ રાખવામાં આવે છે, કે જેથી એ વાચકોનો વાંચન પ્રત્યે ઉત્સાહ વધે. આ સ્પર્ધાઓમાં મારી માનીતી સ્પર્ધા છે - 'પુસ્તક પરિચય'. આવી સ્પર્ધાઓમાં અમુક નક્કી કરેલાં પુસ્તકોમાંથી કોઈ એક પુસ્તક વિશે ચર્ચા કરવાની હોય છે.
હું ઈ. સ. 2015થી મારા ઘરની નજીક આવેલ ગ્રંથાલયની નિયમિત વાચક સભ્ય છું. દર વર્ષે પચાસથી વધારે પુસ્તકો વાંચું છું. ખરેખર ઘણું બધું જાણવા મળે છે. તમે વાંચો છો એ બધું યાદ નથી રાખવાનું, માત્ર ધ્યાન દઈને વાંચવાનું છે. જે ખરેખર વાચકને પસંદ પડે છે એ યાદ રાખ્યા વગર જ એનાં મગજમાં કાયમ માટે રહી જાય છે.
અમારે ત્યાં સુરતમાં ગ્રંથાલયો બાળકોને વાંચવા માટે અલગથી વ્યવસ્થા કરી આપે છે. ગ્રંથાલય જેવા ઘણાં બધાં વાચનાલયો બનાવ્યા છે. શાળાની પરીક્ષા દરમિયાન બાળકો ત્યાં જઈને વાંચે છે. આનો ફાયદો એ પણ થાય કે એ બાળક પુસ્તકાલયનું નિયમિત સભ્ય બની જાય અને ધીમે ધીમે એને અન્ય પુસ્તકો પણ વાંચવાની ઈચ્છા થાય. એ પોતે જ ગ્રંથપાલને પૂછે છે કે એને વાંચવા યોગ્ય પુસ્તક કયું છે?
આમ, ગ્રંથાલય તરફનો સમાજનો અભિગમ જેટલો સકારાત્મક રહેશે, એટલી જ ઝડપથી સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવું શક્ય બનશે. એક ગ્રંથાલય પોતે જ ખૂબ મોટી પ્રેરણા આપનારી સંસ્થા છે. એનામાં એટલી તાકાત છે કે જે એને ત્યાં આવે છે એને એ સકારાત્મક વિચારોથી ભરી દે છે. ગ્રંથાલય પાસે ગયેલી એક પણ વ્યક્તિ જો સાચા મનથી પોતાનામાં પરિવર્તન ઈચ્છે તો ચોક્કસથી બદલાઈને જ બહાર નીકળે છે. સમાજને બદલવો હોય તો એની વિચારધારા બદલવી પડે. આ વિચારધારા એકલદોકલ વ્યક્તિ ન બદલી શકે, પણ એક નાનકડું પ્રેરણાત્મક પુસ્તક પૂરતું છે આ કામ માટે.
"વાંચતા રહો, વંચાવતા રહો, પોતાને અને સમાજને બદલતાં રહો."
આભાર.
સ્નેહલ જાની.