'દ્રઢ આત્મશ્રદ્ધા' એ જીવનનું હોકાયંત્ર છે .
તું તારાં હૃદયનો દીવો થા ને
વાંચા આપી શકે અંતરને
તે સધિયારો થા ને ...
તકલીફ, પીડા, ખુશી કે ઉમંગ
માંહ્યલામા ઉજવી શકું ક્ષણને
તેઓ આગિયો થા ને .
તું જ તારાં જીવનનો,
મણિયારો થા ને.
કંઈ કેટલીયે અનિશ્ચિતતાઓથી ભરેલું જીવન, કંઈ કેટલાય આશ્ચર્યોને ઉજવતું જીવન, કંઈ કેટલાય આઘાતોને પચાવતું જીવન અને કંઈ કેટલાય લાગણીના રોપાઓને ઉછેરતું જીવન "તક્ષણ" જીવી શકવાની, મુશ્કેલીઓમાંથી મહોરી શકવાની, અંતરના અવાજને અનુસરી શકવાની તાકાત, હિંમત અને શ્રદ્ધા પર આધાર રાખે છે .
તણાઈ જવું સહેલું છે , આત્મશ્રદ્ધાના દીપથી મરજીથી વહેવું અઘરું છે. સંજોગોને આધીન થઈ જવું સહેલું છે, સંજોગોમાં 'પર' થઈ જવું અઘરું છે. માંહ્યલાની શક્તિથી , આત્મશ્રદ્ધાની તાકાતથી જીવનનુ તડકામાં પણ મહોરવું એ સ્મશાને તોરણ બાંધીને મૃત્યુનેય 'જીવનમય' બનાવી ઉજવવા જેટલું કસોટીમય છે. પણ એ જ જીવંત અને જાત જોડે પ્રમાણિક રહેવાનો એક માત્ર રસ્તો છે .થોડુંક સારું બનવા માટે થોડુંક નકલી બની જવું સહેલું છે .થોડુંક મેળવવા માટે, થોડીક ઓછી મુશ્કેલીઓ આવે તે ખ્વાહીશમાં જાતને છેતરી, જાત પર અશ્રદ્ધા રાખી નિરાશ થઈ જવું અને ખોટી પરિસ્થિતિને તાબે થઈ જવું સહેલું છે. પોતાની જાત પરની શ્રદ્ધાથી અંધારામાં એક ડગલું ભરવાની હામ કેળવવી તે અઘરી છે. તોફાનમાં ટકવું કે વાવાઝોડામાં ફંગોળાવું એ આપણાં હાથમાં હોઈ શકે પણ આત્મા પરની અડગ શ્રદ્ધાને વધુને વધુ મજબૂત કેળવી કોન્સીયસલી મજબૂત કરી ,હકારાત્મકતા અને સારા ભાવથી અંતરની શ્રેષ્ઠ અભિવ્યક્તિ સાથે 'હૃદયસ્થ 'જીવવું ,સો ટકા તક્ષણ જીવવું , એમાં જ જીવનની સાર્થકતા છે . આપણે "આપણામય"હોઈશુ ,એટલે કે "સ્વ"મા સ્થિત હોઈશું ,'સ્વ' પર અડગ શ્રદ્ધા કેળવેલ હશે તો અડકો દડકો રમવા આવેલ અંધારાને હટીને રસ્તો ચોક્કસથી આપવો જ પડશે. રસ્તો ધક્કો મારીને ન કરાય .રસ્તો સ્વતઃ આત્મબળથી સહજ થાય તો તે સાચો હોઈ શકે. ધક્કો મારીને કરેલ રસ્તો દુકાળમાં અધિકમાસ જેવો હોય છે .
"હું છું તારી સાથે" કહેવુ અને હોવાની અનુભૂતિ આપવી બંનેમાં ફરક છે. જાત જેટલો મજબૂત આધાર સ્તંભ પોતાનો કોઈ હોય જ ન શકે . જાતને ખુલીને દ્રઢતાપૂર્વક અને મક્કમપણે આપણે કહી દેવું પડે કે "હું છું તારી સાથે", અને તે યાદ સતત અપાવતા રહેવું પડે. સતત આત્મશ્રદ્ધાના દીપને પ્રજવલિત રાખવો પડે. સતત જાત પર શ્રદ્ધા રાખી તેની સાથે ઉભા રહી મુશ્કેલીઓ તકલીફ સામે ઝઝુમવુ પડે. પીડાથી ડરીને જાત પર અશ્રદ્ધા રાખીને નિરાશ થઈ જનારા દુનિયાના સૌથી વધુ કમજોર અને નિર્માલ્ય માણસ છે. પછી દુનિયાને બતાવવાવાળી જાહોજલાલી કોઈ કામ આવતી નથી. જાતની સધ્ધરતા અને જાત સાથેનું અતૂટ શ્રદ્ધારુપી જોડાણ જીવનન જીવવા લાયક, મમળાવવા લાયક, જીવંતતાથી સરભર અને ધબકતું બનાવે છે. "મને મારા પોતાના પર પૂરો વિશ્વાસ છે", "મનેમારી જાત પર પૂરેપૂરી શ્રદ્ધા છે", આટલું મક્કમપણે કહી દેવાની 'સ્વ'ને કંઈક એ રીતે સરભર પગભર અને ઈમોશનલી સ્પિરિક્ચ્યુલી સધ્ધર કરવાની આદત કેળવવા જેવી છે. આપણાં આત્માનું મૂળતંત્ર જ નબળું હોય તો, થોડીક ઝંઝાવતો ભીતરથી આપણને ડગાવી દેશે .જાત સાથે પારદર્શકતાથી અને સત્વસભર જીવાયેલ જીવન થકી આપણને મળેલ સૌથી મોટી ભેટ આત્મશ્રદ્ધા છે.
આત્મવિશ્વાસ અને આત્મશ્રદ્ધામાં ફરક છે વિશ્વાસ તૂટી શકે શ્રદ્ધા અતૂટની પરિભાષા છે. વિશ્વાસ ડગી શકે શ્રદ્ધા અડગતાની નેમ છે. દ્રઢ આત્મવિશ્વાસથી દ્રઢ આત્મ શ્રદ્ધા તરફની આપણા પગરવ આપણા જીવન નાવના હલેસા બની ઈશ્વર તરફ જવાના પગથિયા ચોક્કસથી બની રહે છે .
જીવન પૂરું થાય તે પહેલા
જીવનમય બની તો જો !!
જાત પર ભરોસો રાખી
મોકળા મને જીવી તો જો !!
હા હું છું તારી સાથે કહી દો
દિલ દઈને જાતને ,
પ્રવાસમાં સંગાથી "સ્વ"નો
કંઈક એ રીતે બને તો જો!!
મિત્તલ પટેલ
" પરિભાષા"