Bhagvat Rahsya - 269 in Gujarati Spiritual Stories by MITHIL GOVANI books and stories PDF | ભાગવત રહસ્ય - 269

Featured Books
Categories
Share

ભાગવત રહસ્ય - 269

ભાગવત રહસ્ય -૨૬૯ 

યશોદાજી ગોપીને પૂછે છે કે-અરી,સખી,કનૈયો તારે ત્યાં ચોરી કરવા આવે છે,તેની તને ખબર પડે છે કે નહિ? ત્યારે ગોપી કહે છે કે-મા,કનૈયો આવવાનો હોય તેની અમને ખબર પડે છે.જે દિવસે ઘેર આવવાનો હોય તેને આગલે દિવસે,સ્વપ્નમાં પણ દેખાય છે. મા,ઘરનું બધું કામ પૂરું કર્યા પછી,હું પથારીમાં પડું છું અને મને કનૈયો યાદ આવે છે,

શ્રીકૃષ્ણનું ચિંતન કરતાં કરતાં નિંદ્રા આવી અને મને સ્વપ્નમાં દેખાયું કે –કનૈયો મારા ઘેર આવ્યો છે,અને મિત્રોને માખણ લુંટાવે છે.

 

જાગ્યા પછી તો મને થયું કે-આજે લાલો મારા ઘેર જરૂર આવશે,સવારથી હું પાગલ જેવી થઇ .

તન (શરીર) તેનું કામ કરે પણ મન શ્રીકૃષ્ણનું સ્મરણ કરે.તે આનંદમાં એવી તન્મય થઇ કે-સવારે ઉઠી ચૂલો સળગાવ્યો,ત્યારે ભાન ના હોવાથી લાકડાની સાથે ચૂલામાં વેલણ બાળી નાખ્યા.

બીજી ગોપી કહે છે-કે-મા, આજે તો મારા ઘરમાં મારી ફજેતી થઇ.મારા જેઠ જમવા બેઠા હતા,તેમણે મારી પાસે મુરબ્બો માગ્યો,જે મે શીકામાંથી ઉતારી ને તેમને આપ્યો,પીરસતી વખતે મને કનૈયો યાદ આવ્યો, મને થયું કે લાલાને આ મુરબ્બો બહુ ભાવશે. મા,કનૈયો આવે,કનૈયો આવે,એ વિચારમાં એવી તન્મય થઇ ગઈ કે –શીકામાં મુરબ્બાની બરણી પાછી મુકવાને બદલે મે મારા બાળકને શીકામાં મૂકી દીધું તે રડવા લાગ્યો,ત્યારે મારા જેઠે મને કહ્યું કે આ પાગલ થઇ છે કે શું ?

 

લોકો કહે છે-કે-આ ગોપીઓ પાગલ થઇ ગઈ છે.પણ પાગલ થયા વિના પરમાત્મા મળતા નથી.પૈસા માટે લોકો પાગલ બને છે,ત્યારે તેમને ભૂખ-તરસ લાગતી નથી,કામી મનુષ્યને સ્થળ,કાળનું ભાન રહેતું નથી

ત્યારે આ ગોપીઓ પરમાત્મા માટે પાગલ બની છે.સંસારના વિષયો ભોગવવા પાગલ બને તે જ ખરેખરો પાગલ છે.જયારે પરમાત્મા ના મિલન માટે પાગલ બને તે તો જ્ઞાની છે.

 

બીજી ગોપી કહે છે-કે-મા,આજે લાલાએ મારી લાજ રાખી છે.અણીના સમયે લાલો દોડતો આવે છે.

તેથી તે મને પ્રાણ કરતાં પ્યારો લાગે છે. મને માર પડવાનો હતો,પણ લાલાએ મારી લાજ રાખી.

યશોદાજી પૂછે કે-તારા ઘરમાં શું થયું હતું ?ત્યારે ગોપી કહે છે-કે-મા,મને આદત પડી છે,કે-

હું, હરે કૃષ્ણ હરે કૃષ્ણ બોલતાં બોલતાં રસોઈ બનાવું છું,કદીક એવી તન્મયતા આવી જાય છે કે-

કદીક મીઠું નાખવાનું ભૂલી જાઉં કે કદી વઘાર કરવાનો ભૂલી જાઉં.પણ આજે મહેમાન આવ્યા હતા

એટલે ,મારા સસરાએ ટકોર કરી હતી કે –અક્કલ ઠેકાણે રાખીને રસોઈ બનાવજે.

એટલે આજે મે નિશ્ચય કર્યો હતો કે-આજે રસોઈ કરું ત્યારે શ્રીકૃષ્ણનું સ્મરણ નહિ કરું.

 

યોગીઓ નાક પકડીને શ્રીકૃષ્ણનું સ્મરણ કરે છે અને જગતને ભૂલવાનો પ્રયત્ન કરે છે.

ત્યારે અહીં ગોપી શ્રીકૃષ્ણને ભૂલવાનો પ્રયત્ન કરે છે !!!

 

ગોપી તેની વિતકકથા કહે છે “મા બધી રસોઈ તો બરોબર કરી,છેલ્લે હું માનભોગ શેકતી હતી,તે વખતે

મને કનૈયો યાદ આવ્યો,મારા મનમાં વિચાર આવ્યો કે ,લાલાને માનભોગ બહુ ભાવે છે.મને થયું કે-

કનૈયો અત્યારે આવે તો તેને માનભોગ ખવડાવું.મા, મને ખાવાની ઈચ્છા થતી નથી,પણ લાલાને

ખવડાવવાની ઈચ્છા થાય છે.મારું હૈયું હાથમાં ના રહ્યું અને મને બે ત્રણ વાર એવો ભાસ થયો કે-

લાલો મારા આંગણે આવ્યો છે,લાલાને જોવા હું બહાર ગઈ અને પાછી આવી ત્યારે તન્મયતામાં માનભોગમાં ખાંડ ને બદલે મીઠું નાંખી દીધું.તે પછી ભોગ ધરાવીને મહેમાનો ને પીરસ્યું.

 

માનભોગમાં ભલે ખાંડને બદલે નીઠું નાખ્યું હશે પણ માનભોગનો એક એક કણ શ્રીકૃષ્ણના નામામૃતમાં તરબોળ થયેલો હતો.લાલાએ એવી ગમ્મત કરી કે કોઈને પણ ખબર પડી નહિ,પણ ઉપરથી બધા રાજી થયા અને ભોજનના વખાણ કર્યા.છેલ્લે હું જમવા બેઠી ત્યારે ખબર પડી કે-મીઠું નખાયું છે.

મા આમ મને આજે માર પડવાનો હતો પણ કનૈયાએ અણી પર આવી ને મને બચાવી લીધી.

ગોપીઓ માને છે-કે-કંઈ સારું થયું તો લાલાએ કર્યું અને બૂરું થાય તો મારાથી થયું.