કોઈ સારી મોટી કંપનીની સીઈઓ હોય તેવી તેની પર્સનાલિટી, ખૂબજ સુંદર એકદમ ફેર લુકીંગ અને હાઈટ પણ સારી એવી અને કામ કરીને કસાયેલું અને એટ્રેક્ટિવ દેખાય તેવું તેનું બોડી કોઈને પણ જોતાંવેંત ગમી જાય તેવી હતી તે અને બોલવામાં પણ સ્માર્ટ...ફેસબુક, ઈન્સ્ટા વિગેરે ઉપર એક હજારથી પણ વધારે તેના ફોલોઅર્સ પરંતુ આડી અવળી કોઈ પણ વાત તેને ગમતી નહીં, સીધું કામ અને સીધી વાત અને કોઈ ખોટું કંઈ કરે તો તેને મોં ઉપર જ ચોપડાવી દેવું તેવો તેનો સ્વભાવ...લવ જમીને ઊભો થયો અને હાથ ધોવા માટે કેબિનમાંથી બહાર નીકળવા ગયો અને તેનું પણ ધ્યાન નહોતું અને સામે આવનાર વ્યક્તિનું પણ ધ્યાન નહોતું અને બંને જોરથી અથડાઈ ગયા અને સામેથી આવનાર વ્યક્તિના હાથમાં અગત્યના ડોક્યુમેન્ટ્સ હતા તે નીચે જમીન ઉપર પડી ગયા અને તેણે ગુસ્સાભરી નજરે લવની સામે જોયું અને તેને અહીં કમલેશસરની કેબિનમાં જોઈને તે ભડકી ઊઠી અને બોલી, "તમે..અહીં..?" અને લવ પણ તેને જોઈને ભડક્યો અને જરા જોરથી જ બોલ્યો, "યુ..?" કમલેશભાઈનું ધ્યાન તે બંનેની ઉપર કેન્દ્રિત થયું. જૂહીએ નીચે પડીને વિખરાઈ ગયેલા બધાજ કાગળ એકઠા કર્યા અને તે કમલેશભાઈની નજીક ગઈ અને ઠાવકાઈથી અને ખૂબજ પ્રેમથી તેમને પૂછવા લાગી કે, "સર આમને મેં પહેલી જ વાર તમારી ઓફિસમાં જોયા તે કંઈ કામથી અહીં..."જૂહીનું વાક્ય અધૂરું જ રહ્યું અને કમલેશભાઈ જૂહીની સામે જોઈને બોલ્યા કે, "હા, મારી વાત સાંભળ.. પહેલા તું બેસ બેટા, એને અંદર આવવા દે પછી હું તારી તેની સાથે ઓળખાણ કરાવું.""ઓકે સર, થેન્ક્યુ સર" કહીને જૂહી કમલેશભાઈની સામેની ચેરમાં ગોઠવાઈ ગઈ અને પેલો અજાણ્યો, ચઢેલા નાકવાળો, જીદ્દી માણસ અંદર આવે તેની રાહ જોવા લાગી...થોડીવારમાં લવ અંદર કેબિનમાં પ્રવેશ્યો અને કમલેશભાઈની બાજુમાં એક ચેર મૂકેલી હતી ત્યાં બેસી ગયો અને તેણે જૂહીની સામે નજર કરી... લવ કંઈપણ બોલે તે પહેલાં જ કમલેશભાઈ લવની સામે જોઈને બોલ્યા,"જો બેટા આ જૂહી છે, તે એમબીએ ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ છે તે મારા ફ્રેન્ડની કંપનીમાં જોબ કરે છે પરંતુ આપણું બધું એકાઉન્ટનું કામ હવે તે જ સંભાળે છે." કમલેશભાઈ એકજ શ્વાસે બધું બોલી ગયા અને પછી પોતાના પૌત્રની ઓળખાણ કરાવતાં પ્રાઉડ લેતાં હોય તેમ બોલ્યા, "જૂહી આ, મને જીવથી પણ વ્હાલો મારો પૌત્ર લવ છે. તે લંડનમાં જ મોટો થયો છે અને ત્યાં જ ભણ્યો છે પરંતુ આપણાં દેશ પ્રત્યેનું તેનું આકર્ષણ અને લગાવ કંઈક જુદી જ જાતના છે. અહીંની માટીની સુગંધ તેને જાણે અંહીયા ખેંચીને લાવી છે એટલે તે હમણાં અહીંજ આપણી સાથે જ રહેવાનો છે અને હા, તેણે આપણાં અમદાવાદમાં ખાસ કશું જોયેલું નથી તો તારે તેને તે બતાવવા લઇ જવાનો છે."જૂહી મનમાં વિચારી રહી હતી કે શું જવાબ આપું પરંતુ આપોઆપ તેના હોઠ જાણે ફફડી રહ્યા હતા અને તે ખૂબજ નમ્રતાપૂર્વક બોલી રહી હતી કે, "જી સર, ઓકે સર." લવ મનમાં જ બબડી રહ્યો હતો કે, "આ મને શું અમદાવાદ બતાવતી હતી હું જાતે જ બધું જોઈ લઉં એવો છું..""અને આ અહીંયા તો જોને આ છોકરી કેટલી ડાહી ડમરી થઈને બેસી રહી છે અને "જી સર, ઓકે સર" કરી રહી છે અને ગઈકાલે રાત્રે તો કેટલું ચપળ ચપળ ચપળ ચપળ બોલી રહી હતી બાપ રે નાકમાં દમ લાવી દીધો હતો." લવ ગઈકાલ રાતના વિચારોમાં ખોવાયેલો હતો અને કમલેશભાઈએ લવને પૂછ્યું, "બેટા, તમે પહેલાં ક્યાંય મળેલા છો હમણાં તમે એવું રીએક્ટ કર્યું હતું એટલે પૂછી રહ્યો છું."અને ગુસ્સાભરી નજરે બંનેએ એકબીજાની સામે જોયું... અને પછીથી તુરંત જ પોતાનું મોં મચકોડીને મોં ફેરવી લીધું...વધુ આગળના ભાગમાં....જોઈએ આગળના ભાગમાં શું થાય છે તે....~ જસ્મીના શાહ 'જસ્મીન' દહેગામ 25/4/25