નિતુ : ૧૦૮ (પુનરાગમન)
વિદ્યાને નુકસાન પહોંચાડવાના ઈરાદે સાધારણ માણસ બનીને રોનીના ગુંડાઓએ ઉહાપોહ મચાવ્યો. પણ એમને હાથ કશું ના લાગ્યું. આ વાતથી અચંબિત થઈ રોહિતે નિકુંજને સવાલ કર્યા પણ એ હસીને પોતાની ખુરશી પર બેઠો રહ્યો.
રોહિત ક્રોધાવેશમાં ઉભો થયો અને ટેબલ પર બંને હાથ રાખી બોલ્યો, "હું સીધી રીતે પૂછું છું, ક્યાં છે વિદ્યા?"
નિકુંજને એની વાતથી કોઈ અસર ના પડી. રોહિત ગુસ્સાવશ બોલ્યો, "તું નહિ જણાવે તો મને બોલાવતા આવડે છે."
એ હસીને કહેવા લાગ્યો, "કઈ રીતે બોલાવશો ઈન્સ્પેકટર? તમે જ તો હમણાં બહાર મીડિયા સામે કહ્યું કે હું તમારી સાથે છું. હવે જો મને કંઈ થયું તો એના દોષી તમને જ માનવામાં આવશે. તમે મારા પર હાથ નહિ ઉપાડી શકો."
ઈન્સ્પેક્ટરે ટેબલ પર હાથ પછાડી ગુસ્સો ઉતાર્યો. તેણે રોનીને ફોન કર્યો, બોલ્યો, "આ પ્લાન તો ફેઈલ થઈ ગયો. હવે આપણે હમણાં કશું નહિ કરી શકીયે. કાલે એને પૂછ પરછ માટે બોલાવશે. જ્યાં સુધી આપણને મોકો નહિ મળે ત્યાં સુધી આપણે શાંત રહેવું પડશે."
રોનીએ કહ્યું, "ઓલરાઈટ. પણ હવે એ છટકવી ના જોઈએ."
"જી."
તેણે ફોન રાખ્યો કે નિકુંજ બોલ્યો, "શું કહો છો ઈન્સ્પેકટર સાહેબ, હવે હું જઈ શકું કે...?"
તે કશું ના બોલ્યો. પોતાની પાસે રહેલો એનો ફોન એણે ટેબલ પર મૂકી દીધો. નિકુંજે ઉભા થઈ એની સામે આંખોમાં આંખો નાંખીને જોતા ફોન લીધો. તે કહેવા લાગ્યો, "મિસ્ટર નિકુંજ. શું લાગે છે તમને, કે અમારી સામે ચાલાકી બતાવી તમે નાસી જશો? તું ક્યાંય નહિ જાય."
બેફિકરાઈથી એ પાછો બેસી ગયો, "ઓકે. જેવી તમારી મરજી. મને એમાં કશો વાંધો નથી."
"તો અચાનક મેડમ ક્યાં ચાલ્યા ગયા? અને એ ગયા કેવી રીતે?" નિતુએ આશ્વર્ય વ્યક્ત કરતા પૂછ્યું.
નિકુંજ બોલ્યો, "મારો ફોન એની પાસે હતો અને પોલીસ સ્ટેશનના ફોનમાંથી ફોન થઈ શકે એમ નહોતો. એવું કરેત તો એ લોકોને બધી માહિતી મળી જાત. એટલે જે સમયે રોહિત બહાર કોન્ફ્રન્સ માટે ગયો એ સમયે મેં રમણભાઈને મિહિરનો નંબર આપ્યો. એ પરત પહોંચી ગયો છે કે નહીં એની અમને ખબર નહોતી. પણ અમારી પાસે મિહિરના રૂપમાં એકમાત્ર વિકલ્પ હતો. રમણભાઈએ શાહને અને મિહિરને મેસેજ કરી દીધો કે વિદ્યાના ઘર સામે રોનીના માણસો ઉભા છે. મિહિર એ વખતે સુરત પરત ફરી રહ્યો હતો અને રસ્તામાં હતો. આ બધી જાણ થતા એ સીધો જ વિદ્યાને ઘેર પહોંચ્યો. તેણે એને ફોન કરી પાછળના દરવાજેથી બહાર આવી જવા કહ્યું, જ્યાં એ પહેલાથી જ ગાડી લઈને પહોંચી ગયો હતો. એ ગુંડાઓ દરવાજો તોડી રહ્યા હતા એ સમયે મિહિર પાછળના દરવાજેથી એને લઈને એના ફાર્મ પર પહોંચી ગયો."
"તો એના ફાર્મ અંગે રોનીને જાણ ના થઈ?"
"એના ફાર્મ વિષે કોઈને જાણ નહોતી. છતાં એ વિચાર પણ મિહિરને આવી ગયો હતો. અમારામાંથી કોઈના પણ ફોન દ્વારા મિહિરની માહિતી એને મળી શકે એમ હતી. રોહિતે મને ફોન એટલા માટે જ પાછો આપ્યો જેથી હું મારા ફોનમાંથી કોઈને મેસેજ કે ફોન કરું અને એને જાણ થઈ જાય. હું જાણતો હતો કે રોહિતે મારો ફોન ટ્રેક કરાવ્યો છે. એટલે હું ચૂપચાપ બેઠો રહ્યો અને માહિતી બધી રમણભાઈના ફોનમાંથી આપ લે થતી રહી."
"તો શું બીજા દિવસે મેડમ પોલીસ સ્ટેશનમાં હાજર થયા?"
"હા. બીજા દિવસે એ જ તરકીબ અજમાવવામાં આવી. પાછળના દરવાજા સુધી મિહિર તેને લઈને આવ્યો પણ ત્યાંથી બહાર આવી એ પોતાની ગાડીમાં પોલીસ સ્ટેશન સુધી આવી. આખો દિવસ એને પોલીસ સ્ટેશનમાં રોકી રખાય અને સાંજે એ ઘરે ગઈ. એ ઘરમાં અંદર ગઈ અને પાછલા દરવાજેથી મિહિર એને લઈને ફાર્મ હાઉસ પર પહોંચી ગયો. એના ઘરનો પાછળનો ગેટ ઝાડીઓની આડમાં હતો. તેથી જોનારાને એમ થતું કે વિદ્યા પોતાના ઘરેથી બહાર આવે છે અને પરત પોતાના જ ઘરે જાય છે."
"એ વખતે રોનીએ..." નિતુ પૂછતાં ખચકાય. પણ નિકુંજે તુરંત જવાબ આપ્યો, "એ વખતે તેણે નવો પ્લાન બનાવ્યો હતો. વિદ્યાના ઘર પર હુમલો થવાથી કમિશનરે એના ઘરને સિક્યોરિટી આપી હતી. ટાઈમ્સની નામના વધી ગઈ હતી અને કંઈ પણ બની શકે એમ હતું. જો કે એ સિક્યોરિટી માત્ર કહેવા પૂરતી જ હતી. કારણ કે એમાં માણસો તો રોનીના જ હતા. પણ હવે એના ઘરે એનાથી કંઈ થઈ શકે એમ નહોતું. એટલે રોનીએ રસ્તામાં એને રોકવાનો પ્રયત્ન કર્યો. એને સતત બે દિવસ પૂછ પરછ માટે બોલાવવામાં આવી હતી."
સવારે વિદ્યા પોલીસ સ્ટેશનમાં હાજર થઈ. નિકુંજને ચોવીસ કલાકથી ત્યાં જ બેસાડી રખાયો હતો. સામે એ જ પાંચ વરસ પહેલાનો ઈન્સ્પેકટર રોહિત હતો. વિદ્યાને અંદર પગ મુકતા જ ગુસ્સો ભરાયો. પણ નિકુંજને કુશળ જોઈ એ શાંત હતી. એને સામે બેસારવામાં આવી.
સામાન્ય કાર્યવાહી કરી તેણે સવાલો પૂછવાનું શરુ કર્યું. "કાલે તમે ઘરમાં નહોતા. ક્યાં ગયા હતા?"
"મારા ઘરમાં અમૂક લોકો ઘુસી આવ્યા હતા એટલે બહાર ચાલી ગઈ હતી."
"ક્યાં?"
"હું કોઈ સ્થળ નક્કી કરીને નહોતી ગઈ." કડકાઈથી એ બોલી.
"આવી અકડ દેખાડવાની જરૂર નથી. આ ઓફિસ નથી તમારી."
વિદ્યા બોલી, "પાંચ વર્ષ પહેલા આવી જ સખ્તી તમે અપનાવેલી. આજે મોકો છે ઈન્સ્પેકટર, પક્ષ બદલવાનો. બદલી નાંખો ફાયદામાં રહેશો."
એ હસીને બોલ્યો, "હું જે પક્ષે છું એ પક્ષ મજબૂત છે. મારે કોઈની જરૂર નથી."
"પાંસા બદલાતા વાર નથી લગતી. કાલે શું થવાનું છે એ કોને ખબર છે!"
"હું એટલી આસાનીથી ભરમાઈ જાઉં એમાંથી નથી મિસ વિદ્યા."
"તો પછી સજા માટે પણ તૈય્યાર રહેજો ઈન્સ્પેક્ટર. જો તમારો પક્ષ ડૂબશે તો તમે પણ સાથે જ ડૂબી જશો."
બપોર સુધી બનાવટી પૂછ પરછનો ખેલ ચાલ્યો. આગળ શું કરીશું એ વિચારમાં રોહિત મગજ ઘસી રહ્યો હતો. એવામાં એક હવાલદાર આવ્યો અને સલામ કરી કહ્યું, "સાહેબ. ટ્રક ચોરી કરીને ભાગેલો પેલો રાજસ્થાની ચોર પકડાય ગયો છે. શું કરવાનું છે?"
"એને પૂછ છૂટવાની કેટલી કિંમત આપે છે? વ્યાજબી લાગે તો જવા દે અને ટ્રક બહાર રોડ પર પાર્ક કરાવજે. અંદર મૂકવાની કોઈ જરૂર નથી."
આ સંવાદ નિકુંજ, રમણ અને વિદ્યા સાંભળી રહ્યા હતા. વિદ્યાનું મગજ તીવ્ર ગતિએ દોડી રહ્યું હતું. નિકુંજ એના મનમાં ચાલતા આ મંથનને પામી ગયો હતો. જોકે બંને વચ્ચે કોઈ વાત થઈ શકે એમ નહોતું. છતાં વિદ્યાના મનમાં કંઈ યુક્તિ સુજી અને તેની અને નિકુંજની આંખો એક થઈ.
"જી સાહેબ." ફરી સલામ કરી તે જતો રહ્યો.
આખો દિવસ વિત્યા પછી વિદ્યાને જવા દેવામાં આવી. એ ઘરમાં અંદર ગઈ. બહાર એની સિક્યોરિટી માટે રાખવામાં આવેલા પોલીસના જવાનો રોનીના જ માણસો હતા. એમણે વિદ્યા અંદર ગઈ એ સંદેશો રોની સુધી પહોંચાડી દીધો. એણે એ વાત રોહિતને ફોન કરી જણાવી.
રોહિત બહાર આવી એની સાથે વાત કરતો હતો. એ બોલ્યો, "રોની વાત તો બરાબર છે. આપણો ગઈ કાલનો પ્લાન ભલે ફેલ ગયો. પણ હવે હું અહીંથી નિકુંજને છૂટો કરીશ. એ જશે એટલે આપણે વિદ્યાનું કામ તમામ કરી દઈશું અને પછી આ બધું આવેશમાં આવી નિકુંજે કર્યું છે એમ કહી દઈશું."
રોનીએ કહ્યું, "ગુડ આઈડિયા. હવે એ છોકરીને હું વધારે સહન નહિ કરી શકું. દિવસે ને દિવસે માથું ઉંચકતી જાય છે. કોઈ પણ ભોગે એનો ખેલ ખતમ કરી નાખ. એટલે તારું પ્રમોશ પાક્કું."
"ચિંતા નય કરો. કામ એ રીતે થશે કે કોઈને ગંધ પણ નહિ આવે."
રોહિતે વિદ્યાના ઘર બહાર ઉભેલા એના મણસને ફોન લગાવ્યો, "એક કામ કર, અંદર જા. વિદ્યા અંદર છે એને ઠેકાણે પાડ અને કામ થઈ જાય એટલે મને ફોન કર."
ફોન મૂકી એણે શસ્ત્રો હાથમાં લીધા અને ઈશારો કરતા બીજો વ્યક્તિ પણ સાથે આવ્યો. વિદ્યાની પાછળ પાછળ બંને ઘરમાં પ્રવેશ્યા. વિદ્યાએ અંદર જઈને દરવાજો લોક કર્યો. એ પોતાની રૂમ તરફ જઈ રહી હતી, એટલી વારમાં બંને દરવાજા સુધી પહોંચી ગયા. લપાતા પગે દરવાજે આવી ખોલવાનો પ્રયત્ન કર્યો. દરવાજો ના ખુલ્યો. તેણે બીજાને નકારમાં માથું ધુણાવી ઈશારો કર્યો અને એ બંને અલગ અલગ દિશામાં આગળ ચાલ્યા.
અંદર આવી વિદ્યાએ બારીથી બહાર નજર કરી તો દિવસ આથમી ગયેલો. મિહિર એને લેવા હજુ આવ્યો નહોતો. એટલામાં બારીની નીચે એને કોઈ હલચલ દેખાય. એણે થોડું ઝૂકીને જોયું તો એક માણસ પુલિસના કપડાં પહેરેલો, લપાતા પગે ઘરની પાછળની બાજુ જતો હતો. એની આંખો પહોળી થઈ અને તે ચોંકી. તે ફટાફટ બહાર આવી.
લિવિંગ રૂમમાં આવી એણે નજર કરી. એક બંધ બારીના પડદાઓ પર કોઈનો ઓછાયો દેખાય રહ્યો હતો. ડર લાગ્યો કે કોઈ એના તરફ આવી રહ્યું છે. મિહિરના આવવાની રાહ જોયા વિના એણે બહાર જવાનો નિર્ણય કર્યો. એણે ફટાફટ લિવિંગ રૂમના બીજા છેડા પર રહેલ દરવાજો ખોલ્યો. ખુલતાની સાથે જ એને બારીમાંથી જોયેલો એ માણસ હાથમાં એક તીક્ષ્ણ ધારની મોટી ચપ્પુ લઈને ઉભેલો દેખાયો. દરવાજો ખુલવાનો અવાજ આવ્યો કે તુરંત એ પાછળ ફર્યો.
વિદ્યા સચેત થઈ અને ઝડફથી દરવાજો બંધ કર્યો. પણ એ પહેલા એ દોડીને આવ્યો અને વિદ્યા પર પ્રહાર કરવાના ઇરાદે ચપ્પુ ચલાવ્યું. દરવાજામાં એનો હાથ ફસાયો અને દરવાજો અટકી ગયો. એ માણસ ખોલવા માટે જોર લગાવી રહ્યો હતો અને અંદર વિદ્યા પોતાનો જીવ બચાવવા બારણું બંધ કરવા જોર લગાવી રહી હતી. એણે પોતાનો બીજો હાથ નાંખી દરવાજાને ધક્કો માર્યો. બંને બારણાની વચ્ચે ફસાયેલા એના હાથ પર નિશાન લાગી ગયું હતું. વિદ્યાનું બળ જવાબ દેવા લાગ્યું હતું અને બંને બારણાં વચ્ચે જગ્યા થઈ રહી હતી. અંતે તેણે એ ગુંડાની આંગળીઓ પર દાંત બેસી જાય એટલી જોરથી બસકું ભર્યું.
એણે દર્દથી રાડ પાડી. બીજી બાજુ રહેલો માણસ એ સાંભળી ગયો. એ દોડીને ઘરની પાછળ આવ્યો પણ એટલી વારમાં એના હાથથી બારણું છૂટી ગયું અને વિદ્યાએ ઝડપી રીતે વાસી દીધું. એ ત્યાંથી ભાગી અને ઘરમાં અંદર જતી રહી. એણે પોતાનો ફોન લીધો અને લિવિંગ રૂમના મેઈન ગેટ પાસે આવી મિહિરને ફોન કર્યો.
"હા વિદ્યા!"
"મિહિર ક્યાં પહોંચ્યો?"
"બસ તારા ઘરની પાછળ. શું થયું?"
"બે શખ્સ હુમલો કરવાના ઈરાદે આવ્યા છે અને લિવિંગ રૂમના પાછળના દરવાજે ઉભા છે."
મિહિર ગભરાયો, "વિદ્યા... તું ત્યાંથી નીકળી શકીશ?"
એ વિચાર કરવા લાગી. "વિદ્યા..." મિહિરે ફરી કહ્યું.
"હહ... હા..."
"સાંભળ, જરા પણ ચૂક ન થવી જોઈએ. હું ધીમેથી પાછળનો દરવાજો ખોલી દઈશ અને ગાડીનો દરવાજો પણ ખુલ્લો રાખીશ. તું દોડીને ગાડીમાં કૂદી જજે."
"હા." એ બોલી રહી એટલી વારમાં બંને ગુંડાઓએ બારણું તોડી પાડ્યું. રાક્ષસી હાસ્ય સાથે બન્ને ધીમા પગલે અંદર પ્રવેશ્યા. એકે નસકોરા ફુલાવી કહ્યું, "બહુ હોંશિયાર માને છે તારી જાતને? હવે ક્યાં જઈશ?"
એ ઉપર પોતાની રૂમ તરફ ભાગી અને દોડીને દાદર ચડવા લાગી. તે બંને પણ એની પાછળ દોડ્યા. એને એમ હતું કે વિદ્યા કોઈ રૂમમાં સન્તાય જશે. પરંતુ ગોળ ફરતી અટારી સાથે વિદ્યા બીજી બાજુએથી નીચે ઉતરી ગઈ. એ બંને એને ઘૂરી ઘૂરીને જોવા લાગ્યા. એક એની પાછળ દોડતો રહ્યો તો બીજાએ ત્યાંથી જ ચપ્પુનો ઘા કર્યો. બીજી બાજુના દાદર ઉતરી થોડે આગળ ચાલતાં લિવિંગ રૂમની કાચની મોટી બારી હતી. નિશાન ચૂકી ચપ્પુ એ બારી સાથે અથડાયુ અને જમીન પર પડી ગયું.
એ જોતા વિદ્યાએ ઉપર નજર કરી. ઉપર ઉભેલો માણસ બીજી તરફથી નીચે આવવા લાગ્યો. બંને બાજુથી એ બંને દાદર ઉતરી રહ્યા હતા. વિદ્યાએ લિવિંગ રૂમના પાછળના દરવાજા તરફ નજર કરી. લિવિંગ રૂમથી નીકળતા ઘરના પાછળના દરવાજે એ રીતે વૃક્ષો લગાવેલા હતા જેથી ત્યાં દરવાજો છે કે નહિ એ આસાનીથી નહોતું દેખાતું.
મિહિર આવી ગયો કે નહિ એ વાતની ખાતરી વિના વિદ્યાએ દોડ લગાવી. એ લિવિંગ રૂમની બહાર નીકળી ગઈ પણ એટલી વારમાં એ બંને ગુંડાઓ દાદર ઉતરી એની પાછળ હતા. ઝાડીઓના ઓથારથી એ દરવાજા તરફ ભાગી, સામે કોઈ નહોતું. છતાં હિમ્મત કરી જીવ બચાવવા એ ભાગતી રહી. ગુંડાઓને પણ ઝાડીઓથી બહાર નીકળતા પાછળનો દરવાજો દેખાય ગયો. વિદ્યાને બહાર જતી રોકવા તેમણે પોતાની ગતિમાં વધારો કર્યો. અચાનક દરવાજો ખુલ્યો.
સામે મિહિર હતો. દરવાજો ખોલી એ પણ દોડીને પોતાની ગાડીમાં બેસી ગયો અને ગાડીનો દરવાજો ખોલી નાખ્યો. વિદ્યા શક્ય એટલી તાકાતથી ભાગી. ગુંડાઓ એને પકડવાના જ હતા, એ પહેલા એ ગાડીમાં ચાલી ગઈ. સમતોલ ના રહેતા એ સીટ પર ઢળી ગઈ અને એનું માથું ગેયર બોક્સ પર રહેલા મિહિરના હાથ સાથે અફળાયું. મિહિરે ત્વરાથી ગાડી ચલાવી મૂકી. એ બંને એની પાછળ દોડ્યા પણ પહોંચી ના શક્યા.
મિહિરે થોડીવાર પછી પાછળ જોયું. એ બંને નહોતા દેખાતા. થોડી રાહત લીધી અને વિદ્યાને સરખી બેસારી દરવાજો બંધ કર્યો.
"આ અચાનક બંને?"
હાંફતા હાંફતા વિદ્યા બોલી, "હતા તો પોલીસવાળા, પણ રોનીના માણસો હતા. કાલે એનું કામ ના થયું એટલે કમિશનર સાહેબે ગોઠવેલી સિક્યોરિટીના રૂપમાં આવ્યા." થોડીવાર રાહતનો શ્વાસ લીધો કે મિહિરે સ્પીકર પર રાખી રમણભાઈને ફોન કર્યો.
થયેલી બધી ઘટના અંગે વાત કરી. રમણ બોલ્યો, "આ તો ચિન્તાનો વિષય છે. તેમને તો હવે તારા ઘરની બહાર નીકળવાના બીજા ગેટ વિશે પણ ખબર પડી ગઈ!"
"એનો વાંધો નહિ. વિદ્યાને કંઈ જ નહિ થાય." મિહિર વિશ્વાસથી બોલ્યો.
રમણે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું, "એટલું જ નથી મિહિર. એ બંનેએ તારી ગાડીનો નંબર પણ લઈ લીધો હશે. રોની પાસે રહેલી સત્તાનો એ કોઈ પણ રીતે ઉપયોગ કરી શકે છે. એ તારા સુધી પહોંચી શકે છે."
"પણ જો રોની જ ના રહ્યો તો?" વિદ્યા અચાનક બોલી. ચોંકીને મિહિર ચાલતી ગાડીમાં વિદ્યા સામે જોઈ રહ્યો અને રમણ અચંબિત થઈ ફોન પર આ શબ્દો સાંભળી રહ્યો.