Binjaruri Gussathi Dur Rahine Gharma Shantu Kevi Rite Jadvi? in Gujarati Spiritual Stories by Dada Bhagwan books and stories PDF | બિનજરૂરી ગુસ્સાથી દૂર રહીને ઘરમાં શાંતિ કેવી રીતે જાળવી?

Featured Books
Categories
Share

બિનજરૂરી ગુસ્સાથી દૂર રહીને ઘરમાં શાંતિ કેવી રીતે જાળવી?

ઘરમાં પતિ-પત્ની તેમજ મા-બાપ છોકરાંના સંબંધોમાં એકબીજાને નહીં સમજી શકવાથી ગુસ્સો આવે છે. ઘણીવાર સામો ખોટું કરે છે એવું આપણને લાગે, એટલે પછી વઢીને, ગુસ્સો કરીને સામાને સુધારવાનો પ્રયત્ન કરીએ. પરિણામે અથડામણો, ક્લેશ અને મતભેદ વધી જાય છે અને ઘરમાં અશાંતિ સર્જાય છે. ક્યારેક વધુ પડતો ગુસ્સો થઈ જાય તો સંબંધોમાં પડેલી તિરાડ આખી જિંદગી સુધી સંધાતી નથી. ઘણીવાર આપણી ઈચ્છા હોય કે ગુસ્સો નથી કરવો, છતાં ગુસ્સો થઈ જાય છે.
ક્રોધ બે પ્રકારે હોય છે. બીજાને દુઃખ આપે તેવો ઉઘાડો ક્રોધ અને પોતાને જ અંદર બાળે તેવો આંતરિક ક્રોધ કે અકળામણ. આપણો ક્રોધ સામા માણસને દુઃખદાયી ન થઈ પડે, એ ક્રોધની લિમિટ. આપણને એકલાને દુઃખ આપે, પણ બીજા કોઈને દુઃખ ના આપે એટલો ક્રોધ ચલાવી લેવાય. કેટલીક સમજણ હાજર રાખવાથી ક્રોધ કરવાથી બચી શકાય છે.
કોઈ આપણા ઉપર કોઈ ગુસ્સો કરે એ સહન ના થતું હોય તો વિચારવું જોઈએ કે, આપણે આખો દિવસ બીજા ઉપર ગુસ્સે થયા કરતાં હોઈએ તો સામાને ગમતું હશે? પોતાને બીજાની જગ્યાએ રાખીને જોવું, એ જ સાચો માનવધર્મ છે. આપણને જેવું ગમે એવું જ બીજા સાથે વર્તન કરવું એ માનવધર્મનો પાયો છે. એટલે ઘરની વ્યક્તિઓ ઉપર ગુસ્સો કરતાં પહેલાં જ જો આવો વિચાર આવે કે “મારી પર કોઈ આમ ગુસ્સો કરે તો?” તો ગુસ્સો ત્યાં ને ત્યાં જ શમી જશે.
ઘરમાં કોઈ મોટું નુકસાન થઈ ગયું હોય, કે કોઈ કિંમતી વસ્તુ તૂટી ગઈ ત્યારે નુકસાન કરનાર વ્યક્તિ ઉપર ક્રોધ આવી જાય છે. વસ્તુ તો તૂટી જ, પણ સાથે સાથે ક્રોધથી વ્યક્તિનું મન પણ તૂટી ગયું. તે વખતે બુદ્ધિથી એવું તારણ કાઢી શકીએ કે શું ગુસ્સો કરવાથી તૂટેલી વસ્તુ સંધાઈ જશે? નુકસાન ભરપાઈ થઈ જશે? ગુસ્સો કરવાથી ખોટને નફામાં બદલી શકાતી હોય તો સમજીએ કે ગુસ્સો કરવો જોઈએ. પણ જો ફાયદો ના થતો હોય તો ગુસ્સો કર્યા વગર એમ ને એમ ચલાવી લેવું જોઈએ.
બીજું, ઘરમાં જ્યારે આપણા વિચારોની સ્પીડ સામાના વિચારોની સ્પીડ કરતા વધારે હોય, ત્યારે આપણે ગુસ્સો કરી મૂકીએ છીએ. વિચારોની સ્પીડ એટલે રિવોલ્યુશન. ધારો કે, આપણા વિચારોના રિવોલ્યુશન ૧૦૦૦ હોય, અને સામાના રિવોલ્યુશન ૧૦૦ હોય ત્યારે આપણી વાત સામાને પહોંચતી નથી, અને સમજાવતાં આપણને આવડતું નથી, એટલે ધીરજ ખૂટી પડે છે. આવા સમયે આપણે આપણા રિવોલ્યુશન ધીમા કરી નાખવા જોઈએ અને સામાને સમજાય એ ઝડપે, એ શબ્દોમાં આપણી વાત રજૂ કરવી જોઈએ. સામાને ન સમજાય તો ફરીથી રીત બદલીને વાત કરવી જોઈએ. આવું કરવાથી આપણા ગુસ્સા પર કાબૂ રહેશે, અને સામાનું મન નહીં તૂટી જાય.
જ્યારે સામો પોતાના ધાર્યા પ્રમાણે ન કરે ત્યારે પોતે ચિડાઈ જાય છે. દરેક વ્યક્તિને પોતાની ધારણા પ્રમાણે કામ કરવું હોય છે. આપણા ધાર્યા પ્રમાણે ન બને ત્યારે આપણને વિચાર આવવો જોઈએ કે, જો ઘરમાં બધા જ પોતપોતાના ધાર્યા પ્રમાણે કરવા જશે તો કોઈને શાંતિ નહીં મળે. એના કરતાં આપણે કશું ધારવું જ નહીં એટલે વાંધો નહીં. છતાંય જો ધારવું જ હોય તો અવળું થશે જ એમ ધારવું. રમતમાં બધાં પાસા સવળા પડે એવી ધારણા રાખી હોય ને એકાદ અવળો પડે તો અકળાઈ જવાય. પણ બધા પાસા અવળા પડો એમ ધાર્યું હોય અને એકાદ પાસો સવળો પડે તો દુઃખ ના થાય, ગુસ્સો ના આવે.
ઘરમાં મોટેભાગે કોઈ આપણી અપેક્ષા પ્રમાણે ન કરે, સામે બોલે, આપણું અપમાન કરે ત્યારે આપણને ગુસ્સો આવતો હોય છે. જેના ઉપર ગુસ્સો આવતો હોય, તેના માટે મન બગડવા ના દેવું. મનમાં નેગેટિવ ઊભું થાય કે “આ આવું કેમ કરે છે?” ત્યારે સમજવું કે આપણા જ કર્મ પ્રમાણે સામો વર્તન કરે છે. જેમ આપણા સરનામા પર લખાયેલી ટપાલ આપવા કોઈ પોસ્ટમેન આવે અને ટપાલમાં ખરાબ સમાચાર હોય, તો આપણે તેનો દોષ પોસ્ટમેનને આપીએ છીએ? ના. કારણ કે પોસ્ટમેન તો ખાલી સમાચાર આપે છે. તેવી જ રીતે સામી વ્યક્તિ આપણા કર્મનું ફળ આપણને આપે છે.
આ બધી સમજણ સેટ કરીએ તેમ છતાં ક્રોધ આવી જાય તો અક્સીર ઉપાય છે પસ્તાવો લેવો. દરેક જીવમાત્રની અંદર આત્મા છે. ગુસ્સો કરવો એ આપણી પોતાની જ નબળાઈ છે. ઘરની જે વ્યક્તિ પર ગુસ્સો આવે તેની અંદરના આત્માને યાદ કરીને માફી માંગી લેવી અને ફરી આવો ક્રોધ નહીં કરું તેમ નક્કી કરવું. જેટલી વખત ગુસ્સો આવે તેટલી વખત આ રીતે પસ્તાવા લેવા અને નિશ્ચય કરવો. એમ કરતા કરતાં કરતાં ધીમે-ધીમે ગુસ્સો કાબૂમાં આવતો જશે.