" આજે ઉષા આવવાની છે " અમલાએ સવારે બ્રેકફાસ્ટ કરતા કરતા એના પતિ મોહિતને કહ્યું. મોહિતે આશ્ચર્ય પૂર્વક અમલા સામે જોયું, એની આંખોમાં આશ્ચર્યની સાથે સાથે સવાલ હતો, કે કોણ ઉષા? અમલા ને મોહિતના લગ્નને 15 વર્ષ થઈ ગયા હતા એટલે અમલાએ તરત જ મોહિતની આંખોનો એ પ્રશ્ન વાંચી લીધો અને કહ્યું " કેમ મેં તમને થોડા દિવસો પહેલા વાત કરી હતી ને કે અમારી સોસાયટીમાં એક છોકરી રહેતી હતી ઉષા, એના ઘણા બધા લોકો સાથે ચક્કર હતા ને પછી ઘણા વર્ષથી એ લાપત્તા છે, એ કાલે મને શાક માર્કેટમાં મળી ગઈ, ને આજે એ આપણા ઘરે મને મળવા આવવાની છે."
મોહિતને થોડા દિવસો પહેલા થયેલી, એની ને અમલાની વાતચીત યાદ આવી ગઈ, જેમાં અમલાએ એમણે સાથે જોયેલા નાટક " સૂર્ય કી અંતિમ કિરણ સે સૂર્ય કી પહેલી કિરણ " માં દર્શાવવામાં આવેલી સ્ત્રીની જરૂરિયાત, સ્ત્રીની ભૂખ, જેમાં માત્ર શારીરિક નહીં માનસિક ભૂખની પણ વાત હતી, એને જોઈતી હૂંફ વગેરેના સંદર્ભમાં ઉષાની વાત કરી હતી.
એ દિવસે અમલાએ કહ્યું હતું કે ઉષા એમની સોસાયટીમાં રહેતી સામાન્ય દેખાવ ધરાવતી શ્યામ છોકરી હતી. એના પપ્પા રીક્ષા ચલાવતા હતા, માં હતી નહીં ને એને બે નાના ભાઈ બેન હતા. આખા પરિવારને સંભાળવાની જવાબદારી એ ઉષા પર જ હતી. 16 વર્ષની ઉષા, અમલા અને બીજી છોકરીઓ સાથે રમવા આવતી તો એના ફ્રોક પર કે ડ્રેસ પર હંમેશા હળદરના, લોટના કે તેલના ડાઘા રહેતા કારણ કે એ જમવાનું બનાવતા બનાવતા, ક્યારેક લોટ બાંધતા બાંધતા તો ક્યારેક શાક વઘારીને એના હાથને ફ્રોક પર લૂછીને રમવા આવી જતી હતી. ઉષા ખરેખર એના ઘરની ઉષા હતી. ભાઈ બહેનને સંભાળવાના, પપ્પાને ટિફિન બનાવી આપવાનું ને ઘરનું કામ કરવાનું, વળી એ અગરબત્તી પણ વણવા જતી, એ સમયે મશીનથી નહીં પણ હાથથી અગરબત્તી વણીને બનાવવામાં આવતી.
અમલાએ કહ્યું હતું કે ઉષાને એનો પહેલો પ્રેમ પણ એ અગરબત્તી કારખાના માલિકના છોકરા સાથે થઈ ગયો હતો. એ 16ની હતી અને છોકરો 20નો. એ છોકરો જ્યારે એને થિયેટરમાં ફિલ્મ જોવા લઈ જતો ત્યારે એને થોડા પૈસા અગરબત્તી વાળવાના વધારે પણ આપતો હતો. ઉષા ભોળી હતી તે આવીને બધું જ બેનપણીઓને કહી દેતી કે "આજે તો અમે પિક્ચર જોવા ગયા હતા, ત્યાં રોનકે મને આઈસ્ક્રીમ ખવડાવ્યો અને પિક્ચર જોતા જોતા એ તો મારી છાતી પર હાથ ફેરવતો હતો. મને ગમતું હતું પણ પિક્ચર જોવામાં મને વધારે રસ હતો. શાહરુખ ખાનમાં મને વધારે રસ હતો એટલે એ હાથ ફેરવતો રહયો અને હું પિક્ચર જોતી રહી. એણે મને આજે સો રૂપિયા વધારે આપ્યા, એમાંથી હું આજે ભુરીયા અને કવલી માટે પણ આઈસ્ક્રીમ લઈને આવી છું. હું ખાવું અને એ લોકો ન ખાય એ કેમ ચાલે? એ અગરબત્તી કારખાના માલિકના દીકરા રોનકે એકવાર એને હોટલમાં લઈ જવાની વાત કરી હતી એ પણ ઉષાએ એની બહેનપણીઓને કરી હતી, પણ ઉષા એ રોનક સાથે હોટલના કોઈ રૂમમાં જાય એ પહેલાં તો એના બાપાએ એના લગન એનાથી મોટી ઉંમરના, જેને જોઈને પણ ચીતરી ચડે એવા, 27 કે 28 વર્ષના, કોલસાની ખાણ જેવા માણસ સાથે નક્કી કરી નાખ્યા અને લગ્ન પણ કરી નાખ્યા. ઉષા પણ ક્યારેક ક્યારેક એના પિયર આવતી તો મને ખાસ મળવા આવતી, ખુશ હતી, એવું એ કહેતી હતી પણ એના ચહેરા પરથી લાગતું કે જાણે એણે જોયેલા સપનાનો રાજકુમાર, એણે જોયેલી ફિલ્મોના હીરો જેવો એનો પતિ નથી એનો એને વસવસો હતો.
થોડા સમયમાં એક દિવસ એ માર ખાધેલી હાલતમાં એના પિયર આવી, સાંભળ્યું હતું કે એના પતિએ એને ઘરમાંથી કાઢી મૂકેલી કારણ કે એનું પાણીપુરીવાળા સાથે ચક્કર હતું. હા એને પાણીપુરી ખૂબ જ ભાવતી અમલાને પણ યાદ હતું કે જ્યારે પણ બજારમાં શાક લેવા જાય કે ક્યારેક સ્કૂલેથી આવતા તો ક્યારેક સાંજે સ્પેશિયલ બે રૂપિયાની પાણીપુરી ચોક્કસ ખાવા જતી. એ વખતે બે રૂપિયાની 10 પાણીપુરી મળતી.
અમલાને ખબર પડી કે ઉષા આવી છે એટલે એ એને મળવા ગઈ. ઉષાએ બધી જ વાત નિખાલસપણે અમલાને કહી દીધી કે એનો પતિ દારૂ પીને એને મારતો. ઉષા દેખાવે ભલે સામાન્ય હતી પણ સુંદર હતી, ને પોતે કાળો હતો અને એટલે જ એનો પતિ ઇન્ફીરીયારીટી કોમ્પલેક્ષથી પીડાતો હતો . એ એને ઘરમાંથી બહાર પણ જવા નહોતો દેતો, એને ક્યાંય પણ જવું હોય, પોતાની સાથે જ લઈને જતો. એવામાં એમની સોસાયટીમાં એક પાણીપુરી વાળો આવતો થયો, રોજ સાંજે,પાણીપૂરીવાળો દેખાવમાં સુંદર, હસમુખો ને બોલકો હતો. ઉષાના પાણીપુરીના શોખે અને પાણીપુરી આપતા થતા આંગળીઓના ટેરવાના સ્પર્શે ઉષાને પાણી પાણી કરી નાખી હતી.પાણીપૂરીના ચટપટા પાણી જેવી ચટપટી ઈચ્છાઓ નું ટેમ્પટેશન વધતું જતું હતું. ઉષાની ઈચ્છા પૂરી કરવા એ પાણીપુરીવાળો એક દિવસ ઘરે આવ્યો અને પછી આવતો જ ગયો. જેની જાણ એના પતિને થતા એણે ઉષાને મારીને કાઢી મૂકી. પાણીપુરી વાળો પછી ક્યારેય એને મળવા કે પાણીપુરી ખવડાવવા પણ ન આવ્યો અને ઉષા એના પપ્પાને ત્યાં રહેવા લાગી.
અમલા પણ લગ્ન થતાં વડોદરા રહેવા આવી ગઈ પણ જ્યારે પણ એ અમદાવાદ આવતી ત્યારે ત્યારે ઉષાને અચૂક મળવા જતી અને જ્યારે પણ જતી ત્યારે ઉષાનું એક વધુ પ્રકરણ એને ખબર પડતી. ક્યારેક શાકવાળા સાથે તો ક્યારેક કરિયાણાવાળા સાથે ક્યારેક પાનના ગલ્લાવાળા સાથે તો ક્યારેક રિક્ષાવાળા સાથે તો ક્યારેક પસ્તી ભંગારવાળા સાથે. હદ તો ત્યારે થઈ જ્યારે અમલાએ સાંભળ્યું કે એનું નામ કોઈ સફાઈ કામદાર સાથે લેવાતું હતું. ઉષા જાહેર પ્રોપર્ટી જેવી થઈ ગઈ હતી. ઉષાનું નામ ઘણા બધા લોકો સાથે જોડાતુ ગયું.
છેલ્લે છેલ્લે જ્યારે અમલા ઉષાને મળી ત્યારે ઉષાને પૂછ્યું પણ હતું કે " આ શું છે ઉષા? તારા વિશે હું આ બધું શું સાંભળું છું ? " ત્યારે ઉષાએ એને કહેલું, "શું કરું? હું જે શોધું છું એ મને મળતું જ નથી. મને થાય છે કે કોઈ તો મને સમજનાર મળશે પણ બસ બધા મારો ઉપયોગ જ કરે છે, મને તનની ભૂખ નથી, મનની ભૂખ છે. કોઈ મને સમજે , સમજીને મારી પાસે બેસીને બે ઘડી વાતો કરે, હું શું ઇચ્છું છું એ મને પૂછે. બસ આ ઈચ્છાઓ જ મને અલગ અલગ વ્યક્તિઓ પાસે લઈ જાય છે. બધા શરૂઆતમાં તો મને સાંભળે છે, સંભાળે છે પણ એમનો મૂળ ઉદ્દેશ તો મારા શરીરને પામવાનો જ હોય છે. મને થાય છે કે હું મારા શરીર દ્વારા, મારા મન સુધી પહોંચવાનો રસ્તો કરું, બધા મારા શરીરના રસ્તા પર તો ચાલે છે અને હું ચાલવા પણ દઉં છું પણ કોઈ મારા મન સુધી નથી પહોંચી શકતું. અત્યાર સુધી પહેલા શરીરની ભૂખ, પછી પૈસાની ભૂખ , પછી હુંફની ભૂખ , પછી સહારાની ભૂખ , પછી માનસિક ભૂખ આ બધી ભૂખોની પાછળ દોડતી દોડતી હું એક થી બીજી વ્યક્તિ પાસે ભાગતી રહી, પણ નથી, સાલી ભૂખ ભાંગતી જ નથી. ખૂબ રડેલી એ દિવસે ઉષા.
"સ્ત્રી ઈમોશનલ થવા ફિઝિકલ થતી હોય છે અને પુરુષ ફિઝિકલ થવા ઈમોશનલ થતો હોય છે"
આ વાક્ય મોહિતે અમલાને કોઈ સમયે કહ્યું હતું, એ સમયે એને એ યાદ આવી ગયું. એણે રડતી ઉષાને છાતી સરસી ચાંપી દીધી ને એને સાંત્વના આપી હતી.
એ મુલાકાતના ત્રણ મહિના પછી અમલા જ્યારે ફરી પાછી અમદાવાદ આવી ત્યારે ખબર પડી કે ઉષા ક્યાંક જતી રહી છે. કોની સાથે? ક્યાં ? ક્યારે ? કોઈને ખબર ન હતી. એના ભાઈ બેનને પણ નહીં.
આજે પાંચ વર્ષ પછી ઉષા અમલાને શાક માર્કેટમાં મળી ગઈ અને આજે એ એને ઘરે મળવા આવવાની હતી.
અમલાએ મોહિતને કહ્યું " બસ એજ ઉષા આજે મને મળવા આવવાની છે. મોહિતે અમલાને કહ્યું " અચ્છા એ ઉષા ? " સારું તો તમે બંને જણા વાતો કરજો, તને એના નવા નવા અફેરની વાતો જાણવા મળશે તને તો તારી સ્ટોરી માટે મસાલો મળી જશે. અમલા છાપામાં માનવીય સંબંધો પર સ્ટોરી લખતી હતી.
મારે ઝૂમ મીટીંગ છે એટલે હું મારા રૂમમાં જાઉં છું, એમ કહીને મોહિત તેના રૂમમાં જતો રહ્યો.
થોડી વાર પછી ડોરબેલ વાગ્યો, અમલાએ દરવાજો ખોલ્યો સામે ઉષા હતી. અમલાએ એને સ્માઈલ સાથે આવકાર આપ્યો. એ ઘરમાં આવી.
ઉષા આખી બદલાયેલી લાગતી હતી. ઉષાએ સરસ બનારસી સાડી પહેરી હતી, માથામાં વેણી નાખી હતી. એ આજે એક શાલીન, ઠરેલ સ્ત્રી લાગતી હતી. અમલાએ ઉષાને બેસવા કહ્યું પછી ચા પાણી નું પૂછ્યું અને બંને જણા વાતોએ વળગ્યા.
ઉષાએ પહેલાની જેમ જ નિખાલસતાથી વાત કરતા કરતા કહ્યું કે " અત્યારે એ એનાથી પાંચ વર્ષ નાના એક બિઝનેસમેન સાથે જોડાઈ છે. અમલાને ઉત્સુકતા થઈ કે બિઝનેસમેન સાથે કેવી રીતે મળી? ઉષાએ એને માંડીને વાત કરી.
અમદાવાદનું ઘર છોડીને એ એક રેલવેના ફેરીયા સાથે રહેવા લાગી હતી. એ ફેરિયો એને વડોદરા લઈ આવ્યો. થોડો વખત તો સાથે સરસ રીતે પસાર થયો પણ પછી એ ફેરિયાએ એને હૈદરાબાદના એક માણસને વેચી નાખી, જેની જાણ થતા એ ત્યાંથી ભાગી છુટી અને હરિદ્વારની ટ્રેનમાં બેઠી. એ પણ AC કોચમાં. ટિકિટ તો હતી નહીં. ટીસીએ ટિકિટ માંગી, એની પાસે ટિકિટ હતી નહીં પણ એક માણસે દંડના પૈસા આપી એની ટિકિટ લીધી. હરિદ્વાર જતા જતા વાતો થતા એ માણસને ખબર પડી કે હું હરિદ્વાર ભાગીને જઈ રહી છું, એણે મને સમજાવી અને હરિદ્વાર એની સાથે રાખી. અમલાએ આશ્ચર્યથી એની સામે જોયું, ઉષા એનો જોવાનો ભાવ સમજી ગઈ ને અમલાના ન પૂછાયેલા અનેક પ્રશ્નોનો જવાબ આપતી હોય એમ બોલી " પણ અલગ અલગ રૂમમાં. " એમણે કદી મારો ઉપયોગ કરવાની ઈચ્છા ન કરી. અમે ગંગા કિનારે સાંજે બેસતા, વાતો કરતા, પણ હા મેં એને મારો ભૂતકાળ કહ્યો નથી ને એણે મારો ભૂતકાળ કદી જાણવાની ઈચ્છા પણ કરી નથી. મેં એને માત્ર એટલું જ કહ્યું કે એક ફેરિયા સાથે રહેતી હતી અને એણે મને વેચવાનો પ્રયત્ન કર્યો ને હું ભાગીને ટ્રેનમાં આવી અને તમને મળી. એમને મેં મારું નામ પણ નહોતું કહ્યું કારણ મારે મારા નામની સાથે જોડાયેલ એ તમામ રહસ્યને પણ દબાવી દેવા હતા એટલે મેં એમને મારું નામ પણ નહોતું ક્હ્યું .ના એમણે કદી પૂછ્યું હતું. અમે હરિદ્વારથી સાથે પાછા આવ્યા અને એમણે મને નામ આપ્યું સંધ્યા એ મને સંધ્યાના નામે જ ઓળખે છે. અમે સાથે જ....એ આગળ કંઈ પણ બોલે એ પહેલાં જ સંધ્યાનો ફોન રણક્યો એણે ઉપાડ્યો, " હા, બોલો, હા હા હું મારી એક બેનપણી ને મળવા આવી છું. હા હું પહોંચી જઈશ, તમે ચિંતા નહીં કરો. ચાલો મૂકો. તને ખબર છે અમે ચાર મહિનાથી સાથે છીએ પણ એકવાર પણ અમે ફિઝિકલ નથી થયા. આજે એમની બર્થ ડે છે એટલે મેં નક્કી કર્યું છે કે આજે હું મારી જાતને એમને સમર્પિત કરી દઈશ. આજે હું મારા ઢળતી જવાનીના પાણીથી એમના ને અમારી વચ્ચેના શારીરિક બાંધ ને તોડી નાખીશ. આજની રાત ઉષા સંધ્યા બનીને ખીલશે. ચાલ હવે હું જાઉં,આજે એમનો બર્થ ડે છે ને ત્યાં જ રૂમનો દરવાજો ખુલ્યો, મોહિત મોઢું લુછતો લુછતો બહાર આવ્યો અને બોલ્યો "અમલા તારી પેલી બેનપણી ઉષા આવીને ગઈ કે ન........ એણે સામે જોયું તો સામે ઉષા હતી. અમલાએ ઉષાને પરિચય કરાવતા કહ્યું " આ મારા હસબન્ડ મોહિત, ને આ ઉષા. ઉષા આજે મોહિતની પણ બર્થ ડે છે. ઉષાએ મોહિતને હેપી બર્થ ડે કહ્યું. થોડી ઔપચારિક વાતો થયા બાદ ઉષાને બર્થ ડે પાર્ટીમાં જવાનું હોવાથી એ નીકળી ગઈ.
અમલાએ થોડા દિવસ પછી ઉષાએ આપેલા નંબર પર ફોન કર્યો. એને એ જાણવાની ઉત્કંઠા હતી કે પછી એ રાત્રે ઉષા એટલે કે સંધ્યા ખીલી ? ને એ બંને વચ્ચેનો બંધ તૂટ્યો કે નહીં ? બે ત્રણ વાર ટ્રાય કર્યા પણ ઉષાનો ફોન બંધ બતાવતો હતો. અમલાથી રહેવાયું નહીં એટલે એ ઉષાએ આપેલા એડ્રેસ પર પહોંચી ગઈ, જોયું તો તાળું હતું. એણે વૉચમેનને પૂછ્યું કે સંધ્યાબેન? તો જવાબ મળ્યો " એ તો ક્યાંક બહાર ગયા છે, થોડા દિવસ માટે, તમે અમલા બેન છો? અમલાને વૉચમેનના મોઢે એનું નામ સાંભળીને નવાઈ લાગી. અમલાએ કહ્યું "હા" . વૉચમેને તરત કહ્યું કે સંધ્યાબેને કહ્યું હતું કે " અમલાબેન આવશે. એમને આ લેટર આપજો."
વૉચમેને અમલાને એક કવર આપ્યું. અમલાએ કવરમાંથી લેટર કાઢ્યો ને વાંચવા લાગી.
સંધ્યાએ એટલે કે ઉષાએ લખ્યું હતું,
અમલા
જિંદગી પણ સાલી જાતજાતના ખેલ બતાવે છે. અત્યાર સુધી જે શોધતી હતી , એ મને મળતું નહોતું અને જ્યારે મળ્યું ત્યારે.......
અને પછી હતા..... ડોટ .......ડોટ.......
તને આ લેટર એટલે લખી રહી છું કારણ કે મને ખબર છે, તને મારા પ્રત્યે ખૂબ લાગણી છે અને તું મને મળવા અહીં આવીશ જ, એની પણ મને જાણ છે, પણ મારી ચિંતા ના કરતી. હવે હું ફરી ક્યાંય જોડાઈ નહીં શકું. હું વડોદરા છોડીને જઈ રહી છું. તને હશે કે એ રાત્રે પછી સંધ્યા ખીલી કે નહીં? આજ સવાલનો જવાબ મેળવવા તું મને મળવા આવીશ...... મળવા આવી છે, એ પણ હું જાણું છું. તને ખબર છે,
" સ્ત્રી ઈમોશનલ થવા ફિઝિકલ થતી હોય છે અને પુરુષ ફિઝિકલ થવા ઈમોશનલ થતો હોય છે"
પણ આ વાત મારા આ કિસ્સામાં ખોટી પડી છે. સંધ્યા એ રાતે ખીલી નહીં ને કોઈ બાંધ તૂટ્યા નહીં. હું જાઉં છું કદાચ આપણે ફરી ક્યારેય નહીં મળીએ.
સંધ્યા
નહીં
તારી ઉષા
અમલાના મગજમાં એ શબ્દો ઘૂમી રહ્યા હતા. જે એણે ક્યાંક સાંભળ્યા હતા. થોડા દિવસો પહેલા મોહિતના મોઢે કે
" સ્ત્રી ઈમોશનલ થવા ફિઝિકલ થાય છે અને પુરુષ ફિઝિકલ થવા ઈમોશનલ થાય છે."
સમાપ્ત.