ગિરનાર
જૂનાગઢ શહેરની ભાગોળે આવેલ આ પર્વત વિશે ખૂબ લખાયું, કહેવાયું છે. જૂનાગઢ નજીક સાસણ કે આંબરડી જેવી જગ્યાએ સિંહ દર્શન ઉપરાંત ગિરનાર આરોહણ તો જિંદગીની એક મસ્ટ વિઝિટ કહી શકાય.
કહેવત છે કે ઊંચો ગઢ ગિરનાર ને વાદળથી વાતું કરે..
હા. એ 3672 ફૂટ ઊંચો પર્વત છે. આદિકાળથી અસ્તિત્વમાં છે. અને સાચે જ, જ્યારે વાદળો પસાર થાય ત્યારે શિખર વાદળમાંથી ડોકું કાઢતું હોય એમ થોડે નીચે વાદળો પસાર થાય છે.
ગિરનારનાં 9999 પગથિયાં છે. વર્ષો અગાઉ, 1888ની સાલમાં ગિરનાર પર જપગથિયાં બનાવવા લોટરી ત્યારનાં રાજ્યે મૂકેલી. એ પગથિયાં બનાવતાં વીસ વર્ષો લાગેલાં.
ગિરનાર આરોહણની સ્પર્ધાઓ દર વર્ષે થાય છે અને વિજેતા 50 મિનિટ જેવામાં અંબાજી સુધી ચડીને ઉતરી જાય છે. સામાન્ય માણસ તરીકે કહું તો 21મે વર્ષે 45 મિનિટમાં હું અંબાજી ચડી ગયેલો, ઊતરતાં કલાક થયેલો. 55 વર્ષની ઉંમરે સવા થી દોઢ કલાક ચડતાં, એટલો જ ઉતરતાં લાગેલ.
ગિરનાર ચડવું બને એટલી વહેલી સવારે શરૂ કરવું હિતાવહ છે. દિવસ ચડે એમ ગરમી અસહ્ય બની જાય છે.
કહે છે ઉપર જવા જંગલમાંથી ટૂંકી કેડીઓ પણ અમુક સ્થળે પગથિયાંને મળે છે, માત્ર સ્થાનિક, તળેટી નજીક રહેતા કઠિયારા કે ફેરિયા જ એનાથી માહિતગાર હોય છે.
ગિરનાર ચડવો શરૂ કરતા પહેલાં પ્રવાસીઓ તળેટીમાં લંબે હનુમાનનાં દર્શન કરીને આગળ વધે છે. પહેલાં પચાસ પગથિયાં તો બેય બાજુ દુકાનો, ચડવા લાકડી ભાડે આપનારાઓ, ડોળી વાળાઓ (એમનો ભાવ 2014 માં દસ હજાર રૂ. હતો!) વગેરે છે. ઉપર જવા લાગો એટલે હવે દસેક વર્ષથી દરેક પચાસ પગથિયે 250..300.. 350.. એમ કેટલાં પગથિયાં ચડ્યા એની સંખ્યા પેઇન્ટ કરેલી છે. દર બસો પગથિયે એક વળાંક જેવું અને વિસામો ખાવા સ્ક્વેર જેવી જગ્યા હોય છે. શરૂઆત કરો એટલે બસો પગથિયાં પછી ઉપર ખેંચાતાં શરીરનું જોર ઝીલવા હૃદય ખૂબ ઝડપી ધબકારાઓ દ્વારા અને શ્વાસ ધમણની જેમ હાંફતો ફૂલવા લાગે. એમ લાગે કે બસ, હવે નહીં જવાય. પણ થાક ખાઇ આગળ વધતા રહો એટલે 600 પગથિયાં પછી ઊલટું જોશ આવે. 3500 પગથિયાં પછી તો અંબાજી માતા આવકારે છે, હવે ફક્ત 500.. હવે તમે અંબાજી થી ફક્ત 200 પગથિયાં દૂર છો વગેરે બિરદાવતાં લખાણો પગથિયાં કે બેય બાજુ ખડકો પર દેખાય. છેલ્લે દર વીસ પગથિયાં પર. આખરે અંબાજીના શિખરે પહોંચો એટલે નીચે તો ખાલી ગીચ વનરાજી અને દૂર સુધી આકાશ દેખાય. અંબાજીના દર્શન પછી બેસવા સારી વ્યવસ્થા છે. ત્યાં ભજીયાં, ચા વગેરેની કેન્ટીન પણ છે. અહીં 5000 પગથિયાં પૂરાં થાય.
પછી જવું હોય તો દત્તાત્રેય તરફ જવા હવે વનવિભાગની હદમાં એકદમ સીધું ઉતરાણ પગથિયાંઓ સાથે છે. અહીં બેય બાજુ ખુલ્લું હોઈ ટેકો આપવા રેલીંગ કે ખડક નથી. એક તરફ કોઈ સંન્યાસીની ચોવીસ કલાક ચાલુ રહેતી ધૂણી છે અને ત્યાં નિ:શુલ્ક ચા, એટલે ઉપર ઠંડાં પાણીની સેવા ચાલતી જ રહે છે. ત્યાંથી, આ રીતે 2500 પગથિયાં ઉતરી હવે એકદમ સાંકડી અને ખૂબ સીધાં ચડાણ વાળી કેડી શરૂ થાય છે જેનાં 2500 પગથિયાં છે. એક બાજુ ભૈરવ જપ નામની ટૂંક છે જ્યાં કહે છે કોઈ સંન્યાસી કે ટ્રેઇન્ડ આરોહક સિવાય જવાની હિંમત કરતું નથી કેમ કે નામ મુજબ ત્યાં સતત જોરદાર પવનો અવાજો સાથે વાય છે, બેલેન્સ જાળવવું મુશ્કેલ બને છે. ત્યાં જવા પગથિયાં નથી. એક કલ્પના બહારના ઊંચા ખડક પરથી નીચે દ્રષ્ટિ માંડો તો આભ સિવાય કશું ન દેખાય એવું છે. માત્ર લોકવાયકા છેકે ભૈરવ જપ પરથી ખીણમાં પડી જવાય તો આવતે ભવ રાજા જેવાં સુખ ને સત્તા મળે છે પણ એ માટે આ ભવ વહેલો પૂરો કરવો યોગ્ય નથી. બહુ ઓછા લોકો ત્યાં જાય છે પણ જરૂર જે છે.
દત્તાત્રેયનું સીધું શિખર જેમજેમ નજીક આવતું જાય એમ લોકો સાંકડી જગ્યાએ બેસી દત્ત બાવની વાંચતા નજરે પડે છે. થોડું ઝૂકીને અંતિમ પચાસેક પગથિયાં ચડો એટલે તમારી ગિરનાર યાત્રા સાર્થક.
હવે તો તળેટીથી અંબાજી સુધી રોપવે જાય છે અને એના દર બે કલાકના સ્લોટ હોય છે.
યુવાનો થ્રિલ માટે હજી પગપાળા અંબાજી કે દત્તાત્રેય ચડે છે, બાકીના અંબાજી સુધી રોપવે માં જાય છે. રોપવે ની ટિકિટ 650 રૂ. ગયા વર્ષે હતી.
ચડાણ દરમ્યાન વચ્ચે સાઈડમાં જઈ ભરત વન, શેષાવન, 1100 પગથિયાં નજીક જતી વખતે ડાબી તરફ જૈન દેરાસર છે, વચ્ચે મીરાં દાતારની ટૂંક છે. ત્યાંની લોકો માનતા રાખે છે.
એક મોટી શીલા સાવ નાના બેઝ પર એવી રીતે ટકી રહી છે જાણે ધક્કો લાગશે તો નીચે ગબડવા લાગશે. એના માટે લોકવાયકા છે કે આક્રમણકારી રાજા ત્યારની રાણી રાણકદેવીને ઉપાડી જઈ નાસતો હતો ત્યારે રાણીએ “મા પડ મારા આધાર, ચોસલાં કોણ ચડાવશે” કહી આડો હાથ દીધેલ.
ચડતાં થોડા જ વખત પછી અશોકનો પ્રાચીન શિલાલેખ આવે છે. હવે એ વાંચી શકાય એમ લાગ્યો ન હતો.
પહેલાં 500 થી 700 પગથિયાં ચડી વિસામો ખાતાં નીચે જૂનાગઢનાં ટચૂકડાં મકાનો જોવાં ગમે છે.
ગિરનારમાં ઠેરઠેર ગુફાઓ છે. પર્વતનો ઘેરાવો 32કિમી જેવો છે અને દર કાર્તિક સુદ પાંચમથી અગિયારસ લીલી પરિક્રમા એટલે ગિરનાર ફરતી પ્રદક્ષિણા કરવા લાખ નજીક યાત્રીઓ ઉમટે છે! ગુફાઓમાં વસતા સિદ્ધ પુરુષો અને તપસ્વીઓ વિશે જાતજાતની લોકવાયકાઓ છે.
ગિરનાર નજીકનાં જંગલોમાં કેટલીયે ઔષધિઓની જડીબુટ્ટીઓ મળે છે. એક નાની બોટલમાં પીડાશામક ઘાસનું તેલ લીધું જે ખૂબ અસરકારક હતું.
સુતા જોગી જેવા આકારનો ગિરનાર હિમાલય કરતાં પણ જૂનો છે. જીવનમાં એક વાર તો જરૂર ચડી વાદળથી વાતુ કરી લેવી.