વાર્તા:- છેલ્લો કૉલ
વાર્તાકાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની
નોંધ:- સત્યઘટના હોવાથી ઈન્ટરનેટનાં કોઈ વેબપેજણી મદદ લેવામાં આવી નથી.
તારીખ:- 22 નવેમ્બર 2012, કારતક સુદ નોમ.
સાંજના સાડા પાંચ વાગ્યાનો સમય હતો. મારા મોબાઈલમાં રીંગ વાગે છે. હું પાઉંભાજી બનાવવાની તૈયારી કરતી હતી આથી મોબાઈલ ઉઠાવી ન શકી. હાથ ધોઈને મોબાઈલ સુધી પહોંચું ત્યાં સુધીમાં રીંગ પતી ગઈ અને મિસ્ડ કૉલ થઈ ગયો.
તરત જ ફરીથી કૉલ આવ્યો. હું મોબાઈલ પાસે જ હતી. તરત જ ફોન ઉઠાવ્યો. કારણ કે એ ફોન મારા વ્હાલા પપ્પાનો હતો. એ દિવસે એમણે એમનાં હાર્ટ માટેનાં રૂટિન ચેક અપ માટે નવસારી જવાનું હતું. મને એની ખબર હતી. એટલે મેં પહેલેથી જ પપ્પાને કહી રાખ્યું હતું કે બતાવીને આવો એટલે ફોન કરજો.
આથી જ જ્યારે રિંગ વાગી ત્યારે હું સમજી ગઈ હતી કે એ પપ્પાનો જ કૉલ હતો. આમ તો પપ્પાની નોકરી મરોલીમાં હતી, પણ ઓફિસેથી છૂટીને સીધા નવસારી જ પહોચી જાય અને ચેક અપ કરાવી પછી ત્યાંથી ટ્રેનમાં બેસી બીલીમોરા ઘરે આવી જાય. અમે એમની આ સિસ્ટમથી ટેવાયેલા હતાં.
પણ આ વખતે સ્થિતિ અલગ હતી. પહેલાં તો પપ્પા માત્ર ચેક અપ માટે જતા ત્યારે નોર્મલ ચેક અપ જ રહેતું હતું. પણ આ વખતે પહેલી વાર પરિસ્થિતિ અલગ હતી. એમનાં હ્રદયમાં સ્ટેન્ટ અને પેસમેકર(હ્રદય ધબકતું રાખનાર કૃતિમ મશીન) મૂક્યા પછીનું આ પ્રથમ ચેક અપ હતું, અને પહેલી વાર એમનાં ચેક અપનાં દિવસે હું મારા સાસરે હતી. પપ્પાની રાહ જોતી મારા પિયરનાં ઘરનાં આગળનાં રૂમમાં ખુરશી પર બેઠી ન્હોતી.
ક્લિનિકમાંથી બહાર નીકળીને સૌથી પહેલો કૉલ પપ્પાએ મને જ કર્યો હતો. હજુ તો પપ્પા કશું બોલે એ પહેલાં જ મેં પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો. "બતાવી આવ્યા કે હજુ દવાખાનાની બહાર જ છો?", "જો બતાવી આવ્યા તો ડોક્ટરે શું કહ્યું?", "બધું ખાવાની છૂટ આપી કે નહીં?" (મારા પપ્પા ખાવાનાનાં શોખીન હતા, પણ જ્યારથી એમને હ્રદયની તકલીફ અચાનક ઊભી થઈ એમણે મક્કમ મન કરીને એમને ભાવતી દરેક વસ્તુનો ત્યાગ કરી દીધો.)
શાંતિથી મારા બધાં પ્રશ્નો સાંભળ્યા બાદ પપ્પાએ મને પૂછ્યું, "પત્યું તારું? હવે હું બોલું?" અને મેં હસીને એમને હા કહ્યું. પછી પપ્પાએ મને કહ્યું કે, "બતાવી આવ્યો છું, અને ડોક્ટરે કીધું કે હવે પેસમેકર એકદમ બરાબર સેટ થઈ ગયું છે. તમને કોઈ વાંધો નહીં આવે. ઓછાં તેલમાં બનાવેલી અને તમને અપાયેલ સલાહ મુજબની દરેક વાનગીઓ તમે ખાઈ શકો છો."
હું ખુશ થઈ ગઈ. કારણ કે એ દિવસ હતો - કારતક સુદ નોમ, એટલે કે અક્ષય નોમનો. એ પહેલાં દિવાળી પતી ગઈ હતી અને પરેજી પાળવાની હોવાથી દિવાળી દરમિયાન પપ્પાની સાથે સાથે કોઈએ પણ કશું જ બનાવ્યું કે ખાધું નહોતું. આથી ખાવાની મંજુરી મળતાં જ પપ્પાએ ઘરે લઈ જવા માટે 500 ગ્રામ કાજુ કતરીનું બૉક્સ લીધું હતું અને પોતે શીરો ખાવાના હતા. અને દેવ દિવાળી પર દિવાળીનો બધો નાસ્તો બનવાનો હતો ઘરે. પપ્પા નહોતા ખાવાના, પણ એમની એ અલગથી મીઠાઈ લાવવાના હતા - ખાંડ વગરની. ડ્રાયફ્રુટ મીઠાઈ તમે પણ ખાધી જ હશે. એમાં ખાંડ નથી હોતી, ખજૂર અને અંજીરણી મીઠાશ હોય છે. ઘરે મમ્મી અને ભાઈ એમની રાહ જોતા બેઠા હતા. એમને બંનેને પણ પપ્પાએ ફોન કરી બધી જાણ કરી દીધી હતી. મારી બહેનને પણ કહી દીધું.
ત્યારબાદ પપ્પા ટ્રેન પકડવા માટે નવસારી રેલવે સ્ટેશને ગયા, અને ત્યાંથી નવસારી ખાતે રહેતા મારા એક કાકાને પણ એમણે ફોન કરી ડોક્ટરનો અભિપ્રાય જણાવી દીધો. બસ, મેં વાત કરીને લગભગ 45 મિનિટ થઈ હશે ને મારા હસબન્ડ પર મારા ભાઈનો ફોન આવ્યો કે પપ્પા નથી રહ્યા. 😢 મારા હસબન્ડ મારી પાસે આવ્યા અને એકદમ ધીમેથી મને સાચવતા એમણે મને આ બાબતની જાણ કરી. હું તો ઢગલો થઈને નીચે બેસી જ પડી. મને સહેજે વિશ્વાસ આવતો ન હતો કે આ બધું કેવી રીતે શક્ય છે? હજુ થોડી વાર પહેલાં જ તો પપ્પા સાથે વાત થઈ. એ કેટલા ખુશ હતા.
અને પછી બીજી કોઈ પણ બાબતની ચર્ચા કર્યા વગર જ અમે ખાધા વગર અમારી બે વર્ષની દીકરીને લઈને તાત્કાલિક કારમાં બીલીમોરા જવા નીકળી ગયા. ત્યાં પહોંચ્યા પછી ખબર પડી કે પપ્પાના પાર્થિવ દેહને મડદાંઘરમાં રાખવામાં આવ્યું છે, કારણ કે એમને ટ્રેનમાં જ પાણી પીતાં પીતાં હાર્ટ એટેક આવી ગયો હતો. એમનું પેસમેકર એક ધબકારો ચૂકી ગયું હતું, અને પપ્પા કાયમ માટે ધબકારો ચૂકી ગયા.😢 પપ્પાની બાજુમાં બેઠેલા ભાઈએ બુમાબુમ કરતા બધાં ભેગા થઈ ગયા હતા. એમાંથી એક ભાઈ પપ્પા સાથે દરરોજ ટ્રેનમાં અપડાઉન કરતા હતા એ પણ ત્યાં આવી પહોંચ્યા. નસીબ સંજોગે તે દિવસે પપ્પાની જેમ એ કાકા પણ એક ટ્રેન વહેલા ઘરે જઈ રહ્યા હતા. બીલીમોરા આવવાને માત્ર એક અમલસાડ સ્ટેશન જ બાકી હતું ને આ દુર્ઘટના બની ગઈ.
અમલસાડ રેલવે સ્ટેશને જાણ કરતા તેઓએ બીલીમોરા સ્ટેશને જાણ કરી દીધી હતી. આથી ત્યાં ફરજ પરનાં પોલીસે પહેલેથી જ પપ્પાના શરીરને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે લઈ જવાની તૈયારી કરી રાખી હતી. ટ્રેનમાં મુસાફરી દરમિયાન મૃત્યુ થાય તો પોસ્ટમોર્ટમ કરવું ફરજીયાત છે. આ બધી બાબતની અમને કોઈને જ જાણ ન હતી. પછી ત્યાં હાજર એક ભાઈએ કહ્યું કે પપ્પાનો મોબાઈલ ચેક કરવામાં આવે. ત્યારે મોબાઈલ લોક જેવી પ્રથા ન્હોતી એટલું સારું હતું. એમાં છેલ્લે જેમને પપ્પાએ કૉલ કર્યો હતો એમને ફોન કરીને બધી જાણ કરવાનું પોલીસે નક્કી કર્યું.
પપ્પાનો છેલ્લો કૉલ મારા નવસારી રહેતા કાકાને ગયો હતો. આથી પોલીસે પપ્પાના જ મોબાઈલ પરથી કાકાને ફોન કરી બધી જાણ કરી. કાકાએ મારા ભાઈને ફોબ કરીને બધી જાણ કરી, તાત્કાલિક રેલવે સ્ટેશને પહોંચવા કહ્યું. એ મમ્મીને કશું પણ કહ્યા વગર , "હમણાં આવુ છું" કહીને જતો રહ્યો અને સ્ટેશનેથી જ મને અને મારી બહેનને એણે ફોન કર્યો હતો. અમે બંને સુરત પહોંચીએ ત્યાં સુધીમાં એ ઘરે પાછો આવી ગયો હતો અને મમ્મીને બધી વાત કરો દીધી હતી. મમ્મીને રાખવી બહુ જ મુશ્કેલ બની ગયું હતું. 30 વર્ષના લગ્નજીવન દરમિયાન મમ્મી પપ્પા ક્યારેય જુદા પડ્યા ન હતાં, સિવાય વેકેશન. વેકેશનમાં મમ્મી અમને લઈને મામાનાં ઘરે જતી.
બસ, આમ જ પપ્પા બધાંને છેલ્લો કૉલ કરી ક્યારે કાયમ માટે જતા રહ્યા એની ખબર પણ ન પડી. આજે 13 વર્ષ થઈ ગયા એમનાં વગર, પણ હજુય મને એમની ખોટ વર્તાય છે. આ ઝાટકો અમારે માટે ઓછો હોય એમ બરાબર નવ મહિના બાદ 17 ઓગષ્ટ 2013નાં રોજ મમ્મી પણ ન્હાવા જતી વખતે અચાનક હાર્ટ એટેક આવતાં ઘરમાં જ મૃત્યુ પામી. એને સારવાર આપી શકાય એટલી મિનિટો માટે પણ એ ન જીવી. માત્ર 31 વર્ષની ઉંમરે માતા પિતા બંને ગુમાવ્યા.
મમ્મી સાથેનો છેલ્લો કૉલ એ મૃત્યુ પામી એનાં આગલા દિવસનો હતો.
😭😭😭
આથી જ જ્યારે પણ શક્ય બને સ્વજનો સાથે વાતચીત કરતાં રહો. શું ખબર કઈ વાતચીત છેલ્લી હોય?
નોંધ:- મારા જીવનની સત્ય ઘટના છે. કોઈ કાલ્પનિક વાર્તા નથી.
સ્નેહલ જાની.