થપ્પો - ભાગ - 1
ગુજરાતના એક નાના શહેરથી નજીકનાં ગામમાં જવાનો ઉબડ-ખાબડ સિંગલ રસ્તો.
તે રસ્તાની એકબાજુ નાની ઉદ્યોગિક વસાહત, અને બીજી બાજુ બે-પાંચ નાના નાના ઔધોગિક એકમો, અને રોડની બંને સાઈડે ઉગી નીકળેલા ઝાડી ઝાંખરા.
મજૂર વર્ગની વસાહતમાંથી ત્રણ છોકરાઓ, સાયકલ અને બાઈકના જુના ટાયરને પૈડું બનાવીને હાથથી કે લાકડાના ડંડાથી ધક્કા મારીને ફેરવતા ફેરવતા રોડ પર આવે છે.
રોડ પર આવી,
ત્રણે છોકરાઓ પૈડું ફેરવવાની હરીફાઈ લગાવવાનું નક્કી કરે છે.
એટલે સૌ પ્રથમ તો,
એ ત્રણે છોકરાઓ રોડ પર એકજ લાઈનમાં પોતપોતાનું પૈડું લઈને હરીફાઈની પૂર્વ તૈયારીનાા ભાગ રૂપે ઊભા રહે છે.
આ ત્રણે છોકરાઓમા
એકનું નામ છે સુરીયો,
બીજાનું રમલો અને ત્રીજાનું નામ ભૂરિયો.
સૌ પ્રથમ ભૂરીયો, બાકીના બે ને સૂચના આપતા...
ભુરિયો:- હું જેવો સૂરિયો, રમલો અને ભૂરીયો બોલું,
એટલે આપણે હરીફઈ શરૂ કરીશું.
જે સૌથી પહેલા પેલા સામેના વણાંક પર પહોંચે,
એ હરીફઈ જીતી જશે. બરાબર ?
પેલા બંને એક સાથે :- બરાબર.
ત્યારબાદ ત્રણે હરીફાઈ માટે તૈયાર થઈ જાય છે.
( ભુરીયો પોતાના પૈડાને પગે લાગતા લાગતા,
આજ જીતાડજે, નકર ફેંકી દયે તન.
આજે આ ભુરીયાની લાજ રાખજે.
આટલું બોલી ભૂરીઓ, પોતાના હાથમાં રહેલ પૈડું ચલાવવાનો નાનો દંડો હવામાં ઉપર કરે છે, ને બીજો હાથ પૈડા પર રાખી, પેલા બે સામે જોઈને....
ભુરીયો :- તૈયાર ?
પેલા બે :- હા
ભૂરીયો :- હા તો,
રમલોઓઓ, સૂરીયોઓઓ નેએએએ.. ભૂરિઓ.
આટલું બોલતાજ ત્રણે પોતપોતાના પૈડા દોડાવવાનું શરૂ કરે છે.
રોડ સાંકડો હોવાથી આગળ જતા, રમલો અને સુરીઓ એકબીજાને ટકરાય છે, એટલે રમલાનું પૈડું રોડ પરથી સાઈડમાં ઉતરી જાય છે, ને રોડની બાજુમાં આવેલ ઘાઢ ઝાડીમાં જતું રહે છે.
તેથી રમલાની સાથે-સાથે, સૂરીઓ ને ભૂરીયો પણ ઉભો રહે છે.
રમલાનું પૈડું, ઝાડીમાં ગયું હતું એટલે, રમલો, ઝાડી આઘી-પાછી કરીને, પોતાનું પૈડું લેવા માટે થોડોકજ ઝાડીની અંદર જાય છે. ને...
ઝાડીની અંદર એની નજર પડતાંજ, રમલો ચીસ પાડતો, ને પૈડું લીધા વગર, ઝાડીની બહાર આવી જાય છે.
સુરિયાએ અને ભૂરિયાએ જોયું કે, રમલો, ખૂબજ ગભરાયેલો છે, અને એનો શ્વાસ પણ ઝડપથી ઉપર નીચે થઈ રહ્યો છે. ત્યાંજ.
સુરિઓ :- શું થ્યું રમલા ? મઈ સાપ જોયો ?
રમલો તો હજી પણ, કંઈ બોલ્યા-ચાલ્યા વગર, ઘબરાયેલ ચહેરે, ઝાડીમાંજ જોઈ રહ્યો છે, ને ત્યાં જોતાજોતાજ, ખાલી માથુ હલાવીને ના પાડી રહ્યો છે.
આ જોઈ, ભુરીઓ રમલાને
ભુરિઓ : - મઈ સાપ નથી, તો તારો બાપ છ, ફટ્ટ, ફટ કોક બોલ, તો ખબર પડ ન.
આ સાંભળી, રમલો ભુરીયાને આંખો બતાવતા-બતાવતા, ઊંચા અવાજે.
રમલો :- મડદું સ અંદર.
જઈન જો એટલ, તારીય ફાટી જસે.
રમલાની વાત સાંભળી, સૂરિઓ તો ઘબરાઈ જાય છે, પછી
ભરિયો :- ના હોય લ્યા મડદું,
( એમ કહી, ભૂરીઓ ઝાડીની બીજી બાજુ જઈ અંદર જુએ છે, અને ત્યાંથીજ )
ભુરીયો :- હા લ્યાં, મડદું છ.
( થોડું વધારે નજીક જઈ,)
અલ્યા જીવતું મડદું સ.
અને થોડીવારમાંજ, ભુરીયો પણ દોડીને પાછો આવી જાય છે, ને પેલા બંનેને....
ભૂરીયો :- અલ્યા એ જીવ સ,
ઇનું પેટ ઊંચું-નેચુ થાય સ.
આપણે ગામમાં જઈન, કોઈ મોટાન ઓની જોણ કરીએ.
આટલું બોલી સુરિયોને ભૂરીયો પોતાનું પૈડું હાથમાં ઊંચકી લે છે, ને પછી ત્રણે ગામ બાજુ દોડે છે.
રમલો સૌથી આગળ દોડી રહ્યો છે, ને અચાનક તેની નજર બાજુના ખેતરમાં જઈ રહેલ ભૂરિયાના બાપા લક્ષ્મણભાઈ પર પડે છે,
રમલાની નજર તેમના પર પડતાંજ, તે
( દોડતા દોડતા સોટબ્રેક મારી ઉભો રહી જાય છે, એની સાથે સાથે એની પાછળ આવતા પેલા બંને પણ ઊભા રહી જાય છે, ને ફરી ભૂરીયો રમલાંની ખેંચવા )
ભૂરીઓ : - રમલા, પાસુ શું થ્યું, બીજું મડદું જોયું ક સાપ જોયો ?
( એટલે રમલો, કટાક્ષમાં )
રમલો :- ના ભૂરીયા, આ વખત તો મે સાપ નહી, પણ તારો બાપ જોયો.
( ભુરીયો, રમલાને મારવા જાય છે, ત્યાજ, સુરિયો ભુરીયાને તેના બાપા બતાવતા... )
સુરિયો :- અલ્યા રમલો હાચુ કે સ,
જો પેલા જાય તારા બાપા,
હેડો હેડો, આપણે એમનેજ આ વાત કહીએ.
ને પછી ત્રણે એક સાથે, ભુરીયાના બાપા લક્ષ્મણ ભાઈને બૂમો પાડતા-પાડતા, વાડ કૂદીને તેમની પાસે જવા દોડે છે.
હવે ત્રણે એક સાથે, એ બાપા...એ કાકા...એ માસા...કરતાં
ત્રણેને એકધારી બૂમો પાડતા, ને વાડ કૂદીને એકી દોટે પોતાના તરફ આવતા જોઈ,
એકવાર તો, ભૂરીયાના બાપા પણ ગભરાઈને બીજી બાજુ દોડવા લાગે છે.
આગળ ભૂરીયાના બાપા લક્ષ્મણ ભાઈ, ને પાછળ,
આ ત્રિપુટી.
થોડાકજ આગળ જતા, આ ત્રણે ભૂરીયાના બાપા સુધી પહોંચી જાય છે.
થોડીવાર પછી, ચારેયનો, સ્વાસ હેઠો બેસતા, ભૂરીયાના બાપા )
લક્ષ્મણભાઈ :- હું થ્યું લ્યા ?
તમે તૈણે, મારી વોહે ચમ દોડ્યા ?
રમલો : - કાકા, પેલા જેઠાના ખેતરના શેઢામાં મડદું છ.
વચ્ચે જ...
ભૂરીઓ :- જીવતું મડદું બાપા.
બાપા :- શું બોલ સ, લાસ સ ?
ભૂરીયો :- હા બાપા, જીવતી લાસ.
( છોકરાઓની વાત સાંભળી, ચારે પેલી ઝાડી પાસે આવે છે, લક્ષ્મણભાઈ છોકરાઓને રોડ પર ઊભા રાખી, બતાવેલ ઝાડી પાસે જાય છે, ને ઝાડની ડાળખી થોડી આઘી-પાછી કરીને જોતા અને એમને છોકરાઓની વાત સાચી લાગતા.
લક્ષ્મણભાઈ :- હાચી વાત છ તમારી,
જીવતો છ ભઇ.
પણ કુણ સ ? સુ ખબર.
ઊંધો પડ્યો સ એટલે ઓળખાતો ય નહિ.
રોમ જોણ કુણ હસે, ગોમનો સ ક બારનો ?
પોલીસ ન ફોન કરવો પડસે.
એમ કહી તે બહાર આવવા લાગે છે,
ત્યાજ.....
રમલો :- કાકા, મારું પૈડું લેતા આવો ન.
લક્ષ્મણભાઈ :- પોલીસ આવ તો હુધી ના અડાય આપડાથી, તારું પૈડું ઇના મોથા ઉપરજ પડ્યું છ.
આ સાંભળી ભૂરીયો રમલાને ચીડવવા અને ઘભરાવવા...)
ભૂરીયો :- તો તો તારું જ નોમ આવ સે ઓમો,
પોલીસ તારું પૈડું ફેરવી નોખ સે.
( લક્ષ્મણભાઈ ભૂરીયાને આંખ બતાવતા ને રમલાને હિંમત આપતા )
લક્ષ્મણભાઈ :- કોય નહી થાય તન દીકરા, હું સુ ન.
( આટલું કહી લક્ષ્મણભાઈ પોલીસને જાણ કરીને, પછી તેઓ ત્યાજ બેસે છે.
થોડીવારમાં પોલીસ આવી પહોંચે છે.
ગાડી ઊભી રહેતાજ મોટા સાહેબ )
સાહેબ :- લક્ષ્મણભાઈ તમે ?
લક્ષ્મણભાઈ :- હા સાહેબ.
પોલીસ :- ક્યાં અને ક્યારે બન્યો આ બનાવ ?
લક્ષ્મણભાઈ :- ક્યારે બનાવ બન્યો, એ તો ખબર નહિ સાહેબ, પણ આ છોકરાઓ પૈડું રમતા હતા ને, એમનું પૈડું આ ઝાડીમાં જતું રહ્યું, તેઓ પૈડું લેવા ગયા, ને એમને આ ઘટના જોતા તેઓ એ મને જણાવ્યું, એટલે મે તમને ફોન કર્યો.
( બે પોલીસ ઝાડીની અંદર જાય છે, ઘાઢ ઝાડી હોવાથી રોડ પર ઊભા રહેલ સાહેબ, અને લક્ષ્મણભાઈ તેમજ છોકરાઓને કંઈ દેખાતું નથી.)
એટલે છોકરાઓ અને લક્ષ્મણભાઈ, થોડા ગભરાતા-ગભરાતા એકીટસે, ઝાડી સામે જોઈ રહ્યા છે, ને ત્યાજ
પેલા ઝાડીમાં ગયેલ બે પોલીસ ગ્લોઝ પહેરી,
પેલા ઘાયલ વ્યક્તિ પર પડેલ પૈડું ઉઠાવી, તે પૈડું ઝાડીમાંથી બહાર ફેંકે છે.
અચાનક ઝાડીમાંથી પૈડું બહાર ફેંકાતા લક્ષ્મણભાઈ અને છોકરાઓ બી જાય છે. પછી ઝાડીમાંથીજ એક પોલીસ )
પોલીસ :- સાહેબ, આ વ્યક્તિ જીવતો છે.
સાહેબ :- ok સાચવીને બહાર લાવો એને.
( બંને પોલીસ તે ઘાયલ વ્યક્તિને ઊંચકી, ઝાડીમાંથી બહાર રોડ પર લાવે છે, તે વ્યક્તિને જોતાજ )
લક્ષ્મણભાઈ :- સાહેબ, આ તો ધીરજભઈ સ.
સાહેબ :- તમે ઓળખો છો, એમને ?
ક્યાં રહે છે ?
લક્ષ્મણભાઈ :- સાહેબ, પેલું હોમેં દેખાય સન, એજ ગામના સ,
સાહેબ આતો બહુ સારા માણસ સ.
સાહેબ :- તમે એક કામ કરો લક્ષ્મણભાઈ,
તેમના ઘરના કોઈ વ્યક્તિને ફોન કરી અહીંયા બોલાવી લો.
લક્ષ્મણભાઈ :- સાહેબ, ઈમનો નંબર નહી મારી કને.
ગામમાં જઈન બોલઈ આવું ?
સાહેબ :- હા, તો પ્લીઝ, બોલાવી આવો, પણ જલ્દીથી.
( લક્ષ્મણભાઈ, ઉતાવળે પગલે ગામ તરફ જાય છે. ત્યાજ એક પોલીસ )
પોલીસ :- સાહેબ, કોઈએ મારીને ફેંકી દીધો હોય એવું તો નથી લાગતું, પણ કોઈ વાહનની અડફેટે આવી ગયો હોય, એવું લાગે છે.
સાહેબ :- હશે, વાહનની અડફેટે આવી ગયો છે, કે પછી સારો માણસ છે, તો કોઈએ અડફેટે લીધો છે, એતો બધું હવે, તપાસમાં બહાર આવશે.
પોલીસ :- સાહેબ, આને જો કોઈએ અડફેટે લીધો હશે તો, પછી એને શોધવો બહુ મુશ્કેલ, મારો કહેવાનો મતલબ, તપાસ બહુ લાંબી ચાલશે.
સાહેબ :- તારી વાત સાચી છે પ્રદીપ, ક્યાંય પણ, એકસીડન્ટ કરી, કે પછી ટક્કર મારીને જો કોઈ ભાગી જાય,
તો એવા વ્યક્તિને શોધવો મુશ્કેલ તો છેજ, અને ઉપરથી જો એવો ગુનો,
આવા નાના ગામડા-ગામમાં અને એ પણ સાવ સૂમસામ રસ્તા ઉપર થયો હોય, કે જે રસ્તા પર, સીસીટીવી તો શું, કોઈ રાહદારી પણ ભાગ્યે જ જોવા મળે.
( થોડું રોકાઈને )
પરંતુ અહીંયા,
આ કેસમાં,
આરોપી જે હોય તે, પણ જલ્દી મળી જશે.
પોલીસ :- એ કઈ રીતે સાહેબ ?
સાહેબ :- તને કહ્યુંને, ધીરજ સારો માણસ છે.
( પોલીસ સાહેબની બિલકુલ નજીક જઈ )
પોલીસ :- હું કંઈ સમજ્યો નહીં સાહેબ ?
સાહેબ :- પ્રદીપ,
ખરાબ માણસને ગમે ત્યારે, કોઈ પણ અડફેટે લઈ લે,
બાકી, સારા માણસના કેસમાં લગભગ એવું નથી હોતું,
મારું માનવું છે કે, ધીરજને ટક્કર મારવાવાળું, કોઈ નજીકનુંજ,
મતલબ જાણ-પહેચાનવાળુંજ કોઈ હોવું જોઈએ.
ત્યાંજ, બીજા એક પોલીસ ગણપતભાઈ, જે ઘટના સ્થળથી થોડે આગળ, એજ રોડપરના એક વળાંક પરથી કંઈ તપાસ કરીને આવે છે.
ગણપતભાઈ :- સાહેબ, અહીંયાંથી તો કંઈ શંકાસ્પદ મળ્યું નથી, કે જેના થકી આપણે તપાસ આગળ વધારી શકીએ, પરંતુ
સામે પેલા રોડની એક સાઈડમાં જે ઝાડ દેખાય છે ને,
ત્યાં એ ઝાડ સાથે કોઈ ગાડી ઘસાઈ હોય એવું લાગે છે, તેમજ ઝાડના થડ પાસે
કોઈ ગાડીના વ્હીલના નિશાન પણ છે.
મે ત્યાંના ફોટોગ્રાફ લઈ લીધા છે.
To Be Continyu...
વધુ ભાગ બે માં