પોતાના વતન પર રહેલા રાહુલના ઘરમાં આજે ખુશીનો માહોલ હતો. આમ તો એ ઘર એનું નહોતું, હતું તો એના માસીનું કે જ્યાં એના બાળપણથી લઈને અત્યાર સુધીનું જીવન વીત્યું છે. એના પિતાના અકસ્માતમાં અવસાન થયા બાદ એની માં વર્ષાએ એની બહેન રીતુના ઘરનો આશરો લીધો હતો. રીતુએ જ રાહુલને પોતાના મહેશ સાથે કોઈ ભેદભાવ વગર મોટો કર્યો. પણ કોણ જાણે કેમ એના મનમાં સતત એ વિચાર આવતા કે રાહુલ કોઈ ખોટા માર્ગે ચાલ્યો જશે અથવા પોતાના કહ્યામાં નહિ રહે.
રીતુ વર્ષા અને એના પતિ હરિને સતત રાહુલના વિષયમાં ટોક ટોક કરતી અને એના વારે વારે ફોન કરી સમાચાર પૂછતી કે પછી હરિ અથવા વર્ષા પાસે ફોન કરાવતી. ઘરમાં બીજા કોઈને આ વધારે ના ગમતું. પરંતુ એક વાત તો સત્ય છે જ, કે રાહુલ માટે ઘરના લોકોને જે માન અને પ્રેમ હતો એ અતૂટ હતો અને એટલો જ અતૂટ એના પર વિશ્વાસ હતો. રાહુલ સૌથી મોટો હતો અને રીતુના બંને બાળકો મહેશ અને નિશા એનાથી નાના હતા. ઘરની એકની એક દીકરી નિશા તો સૌથી હોંશિયાર અને બોલકી. સમય આવતા રાહુલ પોતાના સારા કરિયરની શરૂઆત કરવા અમદાવાદ જતો રહ્યો અને બાકીના લોકો ત્યાં જ પોતાના વતન ઉમરાળામાં રહ્યા.
આજે ખુશીનો માહોલ હતો અને ઘર આખું લાઈટો અને ફૂલોથી શણગારવામાં આવેલું. ઘરના લાડીલા એવા રાહુલના લગ્ન જો થયા હતા. આપણે આમ તો થોડા મોડા છીએ, કારણ કે લગ્ન તો દિવસે પતિ ગયા છે પણ આજે રાત્રે લગ્નનું ફંકશન બાકી છે. લગ્નના દિવસે જ એની રિસેપ્શન પાર્ટીનું આયોજન રીતુએ કરેલું. એનું માનવું એવું હતું કે લગ્નના પ્રસંગની સાથોસાથ એના રીસેપ્શનનો કાર્યક્રમ પણ પતિ જાય.
ફંકશન ચાલી રહયું હતું અને સૌ મહેમાનો એકબીજા સાથે વાતોના ગપાટા મારતા ઉભા હતા. એવામાં એ દરેક મહેમાનોની વચ્ચેથી કાળા બુટ અને કાળા રંગના કપડાં પહેરેલો માણસ એ દરેકની વચ્ચોવચ ચાલવા લાગ્યો અને જ્યાં રાહુલ પોતાના બે ત્રણ મિત્રો સાથે ઉભેલો, ત્યાં એની પાછળથી આવી એના ખભા પર હાથ મુકતા બોલ્યો, "હેય રાહુલ! હોઉં આર યુ?"
"પાછળ ફરી તેણે તેની સામે જોયું અને જવાબ આપ્યો, "બસ, ચાલે છે. પણ મનોજ તું કેમ અત્યારે છેક આવ્યો? લગ્ન પતી ગયા પછી!"
તો એની બાજુમાં ઉભેલા એના મિત્રો પણ પૂછવા લાગ્યા, "હા મનોજ, ક્યાં અટવાય ગયો 'તો?"
"થોડું કામ આવી ગયેલું, તને તો ખબર જ છે રાહુલ, આ પ્રોજેક્ટમાં પટેલ સાહેબને સહેજ પણ આમ તેમ નથી ચાલતું. બસ એણે મને બોલાવી લીધો અને મારો આખો દિવસ બગડ્યો. સોરી તારા લગનમાં ના આવી શક્યો, પણ જો તારી રિસેપ્શન પાર્ટીમાં પહોંચી ગયોને?"
"હા એ સાચું હો."
રાહુલ અને મનોજ બંને એક જ ઓફિસમાં કામ કરે છે કે પછી એમ કહી દો, રાહુલની ઓફિસમાં મનોજ મેનેજર તરીકે કામ કરે છે. એના મિત્રો રોનક અને કૌશિક ત્યાં તેની સાથે જ ઉભેલા, સિવાય એક બે એવા મિત્રોની કે જે તેના ખાસ હતા પણ અમુક કારણોથી આવી ન્હોતાં શકતા. મહેશ આ બધાથી પરિચિત હતો. તેઓ વચ્ચોવચ ઉભા રહીને ગપાટા મારી રહ્યા હતા, એવામાં મનોજ તેને પૂછવા લાગ્યો, "એ બધું છોડો, એ તો કહો ભાભી ક્યાં છે?"
"એટલામાં જ ક્યાંક હશે!" રાહુલના મોઢેથી આવો જવાબ સાંભળી કૌશિક કહેવા લાગ્યો, "લ્યો બોલો, ભાઈનું તો ધ્યાન જ નથી." બધા હસી મજાક કરી રહ્યા હતા કે પાછળથી આવી મહેશે કૌશિકના ખભા પર હાથ મૂકતા કહ્યું,"વોટ્સ ઉપ ગાયઝ?"
"અરે આવ આવ મહેશ."
"શું ચાલી રહ્યું છે પાલ્ટીમાં?" મહેશે પૂછ્યું.
કૌશિક બોલ્યો; "સર્ચીન્ગ."
"સર્ચીન્ગ?"
રોનક કહેવા લાગ્યો, "હા, તમારા ભાઈના હજુ આજે લગન થયા છે, પણ ઘરવાળી ક્યાં છે તેની ખબર નથી બોસ!"
આશ્વર્ય સાથે મહેશ બોલ્યો; "અચ્છા?"
"હા"
"તો તમે બધા અહીં જ રહો હું જરા ભાભી ક્યાં છે? એ શોધીને આવું છું." કહેતા તે ચાલવા લાગ્યો પણ એના આ વાક્યથી ફરી બધા હસવા લાગ્યા.