teacher book in Gujarati Short Stories by prakash teraiya books and stories PDF | શિક્ષક ની ડાયરી

Featured Books
Categories
Share

શિક્ષક ની ડાયરી

           રાય એટલે આમ તો રાજા. પણ આ રાય ના જન્મ થી એના ઘર માં કોઈ ને વિશેષ ખુશી ના હતી. સામાન્ય પરિવાર માં જન્મેલી આ છઠ્ઠી કે સાતમી દીકરી હતી. પરિવાર માં શિક્ષણ નહિ એટલે દીકરા નો મોહ વધારે. દીકરી ના જન્મ થી વધારે ખુશી નહિ અને એનું નામ રાખ્યું રાય. નામ રાખવા પાછળ વધારે કોઈ અર્થ નહિ પણ કઈક નામ રાખવું એવું વિચારી નામ રાખી દીધું. રાય ના નામ નો અર્થ શું થાય એ પણ ક્યા જોવાનું હતું. નામ ની રાશિ પણ કોઈ ને યાદ નો આવ્યું. જો કે એની જન્મતારીખ પણ ઘર માં કોઈ ને ક્યા યાદ રાખવી હતી. આ રીતે આ રાય નો આ દુનિયા માં પ્રવેશ થયો.

            રાય નું બાળપણ તો કેમ પસાર થયું એ કેમ ખબર. ઘર પરિવાર માં સભ્યો જાજા એટલે આખો દિવસ પસાર થઈ જાય. વધુ લાડ કે લાગણી ની આમાં ક્યા જરૂર હતી. મોટી બહેનો સાથે રમવાનું અને ઘર નું કામ શીખવાનું. આખો દિવસ રખડવા ની પ્રવુતિ. મોબાઇલ કે ટીવી જોવાનું ક્યા હતું. મોટી બહેનો સાથે રમવાનું અને જે જમવાનું મળે તે જમી લેવાનું. આમ ધીમે ધીમે પાંચ વર્ષ પૂરા કર્યા.

              રાય ના પાંચ વર્ષ પૂરા થતા ગામ માં આવેલી નિશાળ માં એનો પ્રવેશ થયો. ગામ ની નિશાળ માં પ્રવેશ માટે બીજું કાઈ હતું નહિ ફક્ત જન્મ નો દાખલો આપી પ્રવેશ મેળવી લીધો. ગામડા ની નિશાળ એટલે ગામઠી શાળા નહિ પણ ખૂબ જ સરસ વાતાવરણ વાળી શાળા. શિક્ષકો ને પણ બાળકો પ્રત્યે ખૂબ જ લાગણી. આવી શાળા માં શરૂઆત માં રાય ને તકલીફ લાગી . બધું અજાણ્યું લાગે. રૂમ માં બેસવાનું અને લખવાનું ઓછું ગમે. ધીમે ધીમે વાતાવરણ ની અસર થઈ. પ્રાથના માં ગવાતા ગીતો અને અભિનય ગીત ગમવા લાગ્યા. સરખે સરખા સાથે રમવાનું અને જમવાનું. ઘર કરતા પણ નિશાળ વહાલી લાગવા લાગી. નિશાળ માં એને ઘર કરતા વધારે મહત્વ મળવા લાગ્યું. શિક્ષકો ક્યારેક કામ આપે તો ઉત્સાહ પૂર્વક કરવા લાગી . અને આમ એનું શાળા જીવન શરૂ થઈ ગયું. શાળા ની દરેક પ્રવુતિ ઓ માં ભાગ લેવાનું. ઉત્સાહ થી શાળા ના દરેક કામ કરવાના. શાળા નો સમય થાય એ પહેલાં આવી જવાનું અને રજા પડે ત્યાં સુધી આનંદ થી શાળા માં ભણવાનું અને પ્રવુતિઓ કરવાની.

            આવી રીતે શાળા માં એના વર્ષો પસાર થવા લાગ્યા. ભણવા માં તેજ દેખાવા લાગ્યું. દરેક વસ્તુ સમયસર. લેશન ક્યારેય ભૂલવાનું નહિ. પ્રાથના માં ગીત ગાવાની મજા લેવાની. મોટી થઈ એટલે પ્રાથના સભા નું સંચાલન કરવા નો પણ આનંદ. આવી રીતે સાત વર્ષ પસાર થઈ ગયા. હવે આવ્યું આઠમું ધોરણ. પ્રાથમિક શાળા નું છેલ્લું વર્ષ. દિવાળી સુધી તો બધું બરોબર ચાલ્યું. ક્યારેય કોઈ ખોટ આવી નહિ. દિવાળી ના વેકેશન પછી શિક્ષણ નબળું પડ્યું. દરેક પ્રવુતિ માં રસ ઓછો થયો. શાળા માં અનિયમિત થઈ ગઈ. શિક્ષકો જ્યારે પૂછે ત્યારે ટુંકો જવાબ ઘરે કામ હતું. આમ ધોરણ 8 પણ પૂરું થવા આવ્યું. શાળા માં ધોરણ 8 ના બાળકો નો વિદાય કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું. બધા બાળકો થોડાક દુઃખી હતાં. એટલા વર્ષો જે શાળા માં રહ્યા એ છોડવાની હતી. પણ રાય ને દુઃખ વધારે હતું. બીજા બાળકો ને એમ પણ હતું કે હવે બીજી શાળા માં જઈશું. પણ રાય માટે તો નક્કી હતું કે આનંદ ના આ દિવસો પૂરા થયા છે. હવે ગામ બહાર ભણવા જવાનું નથી. વિદ્યાર્થી તરીકે ની જીંદગી પૂરી થઈ છે હવે. ઘર નું કામ અને પરિવાર ની જવાબદારી રાહ જોવે છે.

         શિક્ષણ માં આવી કેટલીય રાય ના જીવન પૂરા થયા છે. ભણવા માં હોશિયાર હોવા છતાં આગળ ભણી શકાતું નથી. આજે એ રાય એના સંતાનો ને ભણાવવા મહેનત કરી રહી છે.