સમુદ્રક સ્મિત ભર્યા ચહેરે જ લથડાતો ઘરા તરફ નજર કરી એને એકીટશે જોઈ રહ્યો હતો.ત્યાં જ અચાનક
ધરા એની સાવ સામે આવતા જ ભૂલાઈ ગયેલો ભૂતકાળ એનાં મનમાં પુનઃસ્થાપિત થવા લાગ્યો.એક પછી એક વિચાર એનાં મનને ધરા તરફ જવા પ્રેરીત કરી રહ્યો હતો.ધરાને જોતાં જ રાક્ષસી વૃજાએ હજારો વર્ષો પહેલાં પહેરાવેલ ખોટો નકાબ સમુદ્રકના ચહેરા પરથી ઉતરીને સરકી રહ્યો હતો.એ ફરી પોતાનું અસલી સ્વરૂપ ધારણ કરવા લાગ્યો હતો.
ધરાની નજીક આવી એની અણીયારી આંખોમાં પોતાની છબી ફરી સમાવવા જતો હોય એમ એનાં તરફ લાગણીભરીને આગળ વધી રહ્યો હતો.ધરાની આંખોમાં એવું સંમોહન હતું કે,સમુદ્રકની નસ નસમાં એ છવાઇ રહી હતી.આ આંખોની જ્યોત એની અસર છોડી રહી હતી.એ જ્યોતમાં અસાધારણ શક્તિઓ દેખાતી હતી.પૃથ્વી પરથી સમુદ્રમાં કોઈ જાદુગરની આવી હોય એવું સમુદ્રકને પ્રતીત થતું હતું.
હેત્શિવાએ આ દ્રશ્ય જોતાં સમુદ્રકને કહ્યું કે,
"ધરા સાગરજીવી પ્રાણી નથી,એ આ આપણા વિસ્તારની નથી.એ પૃથ્વીવાસી છે,અને અહીં મેં એને શરણ આપી એની મિત્રતા સ્વિકારી છે."
'પૃથ્વીવાસી' સાંભળતા જ સમુદ્રકની આંખનાં અશ્રુ વહેવા લાગ્યાં હતાં.એને કોઈ ઓળખાણની જરૂર જ ન પડી.સમુદ્રક તો ધરાની અંદર ઘબકતુ પૃથ્વીનું હ્દય ઓળખી ગયો હતો.ભલેને ભવનાં ભવ વીતી જાય પણ લલાટે લખેલા નસીબ એમ ખોટાં થોડા પડે.પૃથ્વી એને મળવા આવશે એ વાત એ જાણતો હતો.હજારો વર્ષો પહેલાં રોકાયેલા હ્રદયનાં ઘબકાર વધ્યાં ને એનાં હ્રદયનું એન્જિન ફરી ચાલુ થયું.
સમુદ્રકે ધરાનાં હ્દય સાથે વાઈફાઈ જોડીને એનો ઘબકાર સાંભળવાની કોશિશ કરી,ત્યાં જ સાચું કનેક્શન જોડાતાં એનું હૃદય ધરા પાસે આવીને રોકાયું.
ચાલું સમય થંભી ગયો અને ટાઈમ મશીન પાછળ ભૂતકાળમાં ખસેડાયું.
ધરાનાં માનસપટ પર સમુદ્રકની એ સુદ્ઢ કાયા જોઈને અનેક ઝાંખા ઓછાયા દેખાવા લાગ્યાં હતાં.કલ્પના પણ ન કરી હોય એવાં વિચારોનું મંથન થતાં એનાં મનમાં વલોપાત ઉપડી રહ્યું હતું.
કોઈને ખબર પણ ન પડે એ રીતે સમુદ્રકે પોતાની વાતનાં વાઈફાઈ જોડીને ધરાને લાગેલાં એ હદયના બાણમા પરોવ્યા.અને ધરાનાં મનને છુપી રીતે પોતાની વાત કહેવા લાગ્યો કે,
"આ અંધારામાં તું શું ગોતે છે ધરા?શું તને ક્યાંયથી પણ ઝબૂકતી જ્યોત દેખાય છે?તું જો મારી આંખોથી તારાં હ્રદયની સાચી દિશા પકડીને આગળ વધી જા...!
બાકી આ અંધારિયા કૂવામાં પડી આંસુ વહાવીશ તો તું
શું મેળવીશ તારાં માટે?"
આમ પહેલી કર્યા પછી સમુદ્રક ફરી પોતાના મનમાં રાખેલી સત્ય હકીકત કહેવા લાગ્યો કે,
"હજારો વર્ષો પહેલાં જ્યારે હું તારાં રક્ષણ માટે નીકળ્યો ત્યારે આખાં બ્રહ્માંડમાં મેં નજર ફેરવી લીધી પરંતુ તારાં માટે મેં મારી વચ્ચે જ સ્થાન આપી દીધું.તને સ્થાન આપેલ ભાગમાં સમુદ્રની જગ્યા સુકાવા લાગી અને એ પૃથ્વી તરીકે ઓળખાવા લાગી હું પૃથ્વીથી વધારે સુરક્ષિત જગ્યા તારાં માટે ગોતી શક્યો નહીં.પૃથ્વી પર મૂક્યા પછી ત્યાંનું સંચાલન કરતા તું તારાં બધાં જ ભવ ભૂલી ગઇ. છતાં પણ હું તારી આસપાસ નજર રાખીને જ ફર્યા કર્યો.
મારાથી દૂર રાખવાનું કારણ એક જ હતું.તું મારો પ્રેમ તો હતી જ પરંતુ સૌથી વધારે નુકશાન તને મારાથી હતું. તારાથી એક વાત મેં છુપાવી છે.હું સમુદ્રક આ પૃથ્વી પર પથરાયેલો દરિયો જ છું.હું પહેલાં મીઠાં પાણીથી ભરેલો જ હતો.જેમ જેમ પૃથ્વી પર દુઃખ વધવા લાગ્યું એમ એમ પૃથ્વીનાં આંસુ મારામાં પડવા લાગ્યા અને મેં મારામાં આ બધું જ દુઃખ સમાવી લીધું.તેથી જ ધરા તારું બધુ જ દુઃખ ભવોભવથી મારુ જ છે.ભલે તારું નામ ધરા છે અત્યારે,પરંતુ તારાંમાં જે દિલ ધડકે છે એ પૃથ્વીનું છે.
મારું પાણી ખારું બન્યું છે કેમ કે,તે એટલાં આંસુ વહાવ્યા છે એની સીમા નથી.હજારો વર્ષો પહેલાં વૃજાએ મારી મતિ બદલી ત્યારે હું એમ જ વીચારવા લાગ્યો હતો કે,તારાં લીધે હું ખારા પાણીમાં પલટાવા લાગ્યો છું.અને એજ વિચારી હું આપણો ભવોભવનો પ્રેમ ભૂલવા લાગ્યો હતો.હું આખી પૃથ્વી પર ફરી પાણી ફેરવવા માંગતો હતો.પરંતુ મારાં પર વૃજા રાક્ષસીના પ્રહાર વધતા મને તારું દુઃખ પુરી રીતે સમજાઈ ગયું છે.
મને સમજાય ગઈ મારાં જીવનની સાચી હકીકત કે, તારામાં જ હું છું.અને મારામાં જ તું છે.કોને ખબર કે 'મરઘી પહેલાં આવી કે ઈંડા'મારું મિથ્યા અભિમાન મને સમજાય ગયું છે.હું જે જગ્યાએ છું એ પૃથ્વી જ છે.અને તારી અંદર જ હું સમુદ્ર પથરાયો છું.તે તો મને તારામાં જ સમાવી લીધો છે.અને હું મૂર્ખ તારાં પ્રેમને સમજવાને બદલે તારો જ વિનાશ કરવા વિચારી રહ્યો છું."
ઊંડાણો ખોલી ડોકીયું કરતાં દુઃખોના દરીયા ભરતી આ ઘરાને નિહાળતી સમુદ્રકની નજર હજુ એનાં જવાબો ભરવા તૈયાર થઈ રહી હતી.સમુદ્રક અને (પૃથ્વી)ઘરાનુ મિલન સદીઓથી ચાલ્યું આવ્યું હતું.ધરા પોતાનો પ્રેમ વ્યક્ત કરવા હજારો વર્ષોથી તડપતી રહેતી હતી.
આ બધી વાતોથી બિલકુલ અજાણ ધરાની અધુરી તલાશ પુરી થવા લાગી હતી.આજ એનો પ્રેમ સમુદ્રકને પુર્ણતહ: સમજાઈ ગયો હતો.અને એનાં પર હજારો વર્ષો પહેલાં રાક્ષસી વૃજાએ પહેરાવેલ ખોટો નકાબ ઉતરી પણ ગયો હતો.
ધરાને પૂર્વભવ તો યાદ નથી આવતો પરંતુ હજારો વર્ષો પહેલાંનું એ જ ઝાંખું ચિત્ર દેખાતું હતું.જ્યારે દૈત્યો દ્વારા કરવામાં આવેલા ષડયંત્રમાં સમુદ્રકે પૃથ્વીને તરછોડી દીધી હતી.
એ ચિત્ર દેખાતાં સમુદ્રકને એ પોતાનો દુશ્મન સમજી બેઠી અને એની પાસે આવતા રોકવા માટે એને પોતાના હાથની શક્તિઓને ગોળ ગોળ ફેરવીને સમુદ્રકને ઉલાળી નીચે પટકી દીધો.
આમ કરવાં છતાં પણ ફરી ફરીને સમુદ્રક ધરા પાસે આવતો જતો હતો.અને ગુસ્સે થયેલી ધરાને વારંવાર વિતેલા ભવો યાદ કરાવતો હતો કે,
"તું પહેલાં તારાં હદયમાં મારું વાઈફાઈ જોડીને સેટિંગમાં જા!અને તારા મગજમાં ખોટાં ડાઈલ થયેલા મારા નંબર ડિલેટ કર,અને સાચો નંબર લગાવ."
"નાં, બિલકુલ નહીં,એ વાત શક્ય જ નથી."
સમુદ્રક વાઈફાઈ જોડીને ધરાનાં માનસપટ પર જોર લગાવી રહ્યો હતો.અને ધરા વિચાર્યા વગર સમુદ્રક પર પ્રહાર પર પ્રહાર કરતી જતી હતી.
સમુદ્રક : "તને શું લાગે છે ધરા,મેં આ બધું કર્યું છે?
ના,બિલકુલ નહીં...!તું સત્ય હકીકતથી સાવ અજાણ છો.દૈત્યો દ્વારા કરાયેલ એ સડયત્રને તું જાણતી ન હતી.
એટલે જ તો તું મને આમ નફરત કરે છે.તું જે જાણે છે એ ખોટું જાણે છે.શું છલ માત્ર તારી જોડે જ થયું છે? ના, ધરા ના! દૈત્યોએ આપણી બન્નેની શક્તિ,ક્ષમતા છીનવી લીધી છે.એનાં તંત્ર મંત્રથી આપણાં મગજ એણે ફેરવી નાખ્યાં છે.હું તારી પાસે આટલાં વર્ષોમાં સત્ય કહેવા પહોંચી શકું એવી સક્ષમ શક્તિ મારામાં એને રહેવા જ દીધી નથી.કપટ તારી સાથે નહીં મારી સાથે પણ થયું છે."
ધરા સમુદ્રકની વાત સાંભળવા તૈયાર જ ન હતી.એનાં પર હજુ ગરમ ગોળાના પ્રહાર કરવાનું એને ચાલુ જ રાખ્યું હતું.ધરા સમુદ્રકે દીધેલી પીડાઓ યાદ કરીને હજુ એના પર વધારે પ્રહાર કરવા લાગી ગઈ હતી.
આમ એનાં પર વારંવાર પ્રહાર કરતાં અચાનક સમુદ્રકના સાચાં નંબર લાગ્યાં.ને ધરાની આંખમાં ઝબકારો થયો.
(ક્રમશઃ)
- હેતલ ઘેટીયા "કૃષ્ણપ્રિયા" ✍️