પ્રેમનું પીંજણ અને સ્ત્રીનું સ્વપ્ન
પ્રેમ એટલે શું? એક નશો, જે નસોમાં દોડે છે અને આંખોને ઝાંખી કરી દે છે. એક આગ, જે બળે છે ને છાતીને ખાખ કરી નાખે છે. અને સ્ત્રી એટલે? સ્ત્રી એ પ્રેમનું મૂળ છે, એનું ફળ છે, અને આપણે? આપણે તો ફક્ત એ ફળને ચાખવાના ભૂખ્યા રાક્ષસો. ફ્રેન્ચ ચિંતક સિમોન દ બોઉવારે કહ્યું હતું, “સ્ત્રી જન્મતી નથી, બનાવવામાં આવે છે.” પણ પ્રેમમાં સ્ત્રીને બનાવવાનું કામ પુરુષના હાથમાં આવે છે, અને એ એને એક ઢીંગલી બનાવી દે છે – જે નાચે, હસે, રડે, પણ પોતાની મરજીથી નહીં.
પ્રેમમાં સ્ત્રી એક આકાશ છે – અનંત, રહસ્યમય. પણ આપણે એ આકાશને ચોરસમાં બાંધવા મથીએ છીએ. નીત્શે, જે જર્મનીનો ઉદ્ધત ફિલસૂફ, એ કહેતો હતો, “પ્રેમમાં હંમેશાં થોડું પાગલપણું હોય છે, પણ પાગલપણામાં પણ થોડી બુદ્ધિ હોય છે.” સ્ત્રી આ પાગલપણું જીવે છે – એની નસોમાં, એના શ્વાસમાં. પણ પુરુષ એ પાગલપણાને એક રમત ગણે છે, જેમાં એ જીતવા માગે છે. સ્ત્રીની આંખોમાં ડૂબવાને બદલે, એ એના શરીરમાં ખોવાઈ જાય છે. અને પછી એ જ પ્રેમ, જે શરૂઆતમાં એક ગીત હતું, એક ગાળ બની જાય છે.
ઓસ્કાર વાઈલ્ડ, એ આઇરિશ લેખક જેણે સમાજના નકાબને હંમેશાં ઉઘાડા પાડ્યા, એ કહ્યું હતું, “ઘણા પુરુષો પ્રેમમાં પડે છે, પણ થોડા જ પ્રેમમાં રહે છે.” સ્ત્રી પ્રેમમાં રહે છે – એના માટે પ્રેમ એક ધર્મ છે, એક આરાધના. પણ પુરુષ માટે એ એક શોખ છે, જેને એ સમય પસાર કરવા રાખે છે. સ્ત્રી પ્રેમમાં પોતાની જાતને ઓગાળી દે છે, જેમ કે નદી સમુદ્રમાં ભળી જાય. પણ પુરુષ? એ તો એ નદીના કાંઠે ઊભો રહીને ફક્ત પોતાનું પ્રતિબિંબ જુએ છે.
સ્ત્રીની સુંદરતા એના હૃદયમાં છે, એના દર્દમાં છે. પણ આપણે એ દર્દને સમજવાને બદલે એના ચહેરાને નિહાળીએ છીએ. રવીન્દ્રનાથ ટાગોર, જેમણે પ્રેમને કવિતામાં ઢાળ્યો, એ કહેતા હતા, “પ્રેમ એક અનંત રહસ્ય છે, કારણ કે એને સમજાવવા માટે કોઈ શબ્દો નથી.” સ્ત્રી આ રહસ્યનું જીવંત સ્વરૂપ છે. એની એક હસીમાં સો ગીતો છુપાયેલાં છે, એના એક આંસુમાં સો દરિયા. પણ આપણે એ ગીતોને સાંભળવાને બદલે એના હાસ્યને પોતાની મિલકત ગણીએ છીએ, અને એ આંસુઓને ‘સ્ત્રીની નબળાઈ’ કહીને ઉડાવી દઈએ છીએ.
પ્રેમમાં સ્ત્રી એક શિલ્પી છે, જે પોતાના હાથે પોતાનું ચિત્ર દોરે છે. પણ પુરુષ એ ચિત્રને ફાડી નાખવામાં કે એના પર પોતાનું નામ લખવામાં વધુ રસ લે છે. ખલીલ જિબ્રાન, એ લેબનીઝ કવિએ કહ્યું હતું, “પ્રેમમાં બે શરીરો નથી હોતા, એક જ આત્મા હોય છે.” પણ આપણે આ એકતાને સ્વીકારવાને બદલે, સ્ત્રીને પોતાની ગુલામ બનાવીએ છીએ. એની આઝાદીને આપણે પ્રેમનું નામ આપીએ છીએ, પણ એ આઝાદી એના પગમાં બેડીઓ બની જાય છે.
અને છતાં, સ્ત્રી પ્રેમ કરતી રહે છે. એના હૃદયમાં એક આગ બળે છે, જે ન તો બુઝાય છે, ન તો ઓછી થાય છે. ફ્રીડરિક નીત્શે ફરી એકવાર કહે છે, “જે આપણને મારી નાખતું નથી, એ આપણને મજબૂત બનાવે છે.” સ્ત્રી પ્રેમમાં મરે છે, પણ એ જ પ્રેમમાંથી ફરી જન્મ લે છે. એની આંખોમાં એક સપનું હોય છે – એક એવી દુનિયાનું, જ્યાં પ્રેમ એને ગુલામ નહીં, સાથી બનાવે. પણ આ સપનું પૂરું થાય તે પહેલાં, આપણે એની પાંખો કાપી નાખીએ છીએ.
આખરે, પ્રેમ અને સ્ત્રી એકબીજાના પૂરક છે. પ્રેમ વિના સ્ત્રી એક ખાલી કેનવાસ છે, અને સ્ત્રી વિના પ્રેમ એક શબ્દકોશનું પાનું. પણ આ સત્યને સમજવા માટે આપણે ચિંતકોની ચિતા પર ચઢવું પડે – એમના શબ્દોને નહીં, એમના વિચારોને જીવવું પડે. નહીં તો, પ્રેમ એક નાટક જ રહેશે, અને સ્ત્રી એની નાયિકા – જે રંગમંચ પર ચમકે છે, પણ પડદા પાછળ ઝાંખી પડે છે.
મનોજ સંતોકી માનસ