વખાણ
"જ્યારે કેવિન સુરતથી અમદાવાદ આવ્યોને ત્યારે મને પહેલા તો એના બે ટાઈમ જમવાની ચિંતા થવા લાગી હતી કે તે અમદાવાદમાં વીસીનું જમવાનું થોડું ઘર જેવું હશે. છ મહિનામાં તે કેવો થઈ ગયો હશે? તે ચિંતા શરૂઆતમાં રોજ સતાવતી હતી, જયારે તેને એમ કહ્યું કે મમ્મી અહીંયા તો તારા કરતા પણ વધુ સ્વાદિષ્ટ અને સારુ જમવાનું મળે છે. ત્યારે મારી ચિંતા ઓછી થઈ હતી. કે ચાલો કેવિનને બે ટાઈમ સારુ જમવાનું તો મળી રહે છે." કેવિનની મમ્મી નીતાબેન સમક્ષ તેમની રસોઈની વખાણ કરી રહી છે.
"એ તો રોજ તમારા જ વખાણ કરતો કે મમ્મી એ તો ભીંડીની સબ્જી તો તારા કરતા પણ વધુ સારી બનાવે છે સાથે અથાણું અને કચુંબર પણ લાજવાબ હોય છે." નીતાબેન પોતાના વખાણ સાંભળીને સહેજ સ્માઈલ આપી રહ્યાં છે.
કેવિન પોતાના બેડ પરથી તેનાં મમ્મી પપ્પા અને નીતાબેનની વાત ધ્યાનથી સાંભળી રહ્યો છે કે ક્યાંક નીતાબેન તેનાં મમ્મી પપ્પા આગળ કેવિન અને માનવીની સગાઇની વાત ના કરી બેસે.
"અને ઉલ્ટાનું તો તમે એને એક્સીડેન્ટ થયો તો એક પરિવારની જેમ તેને પોતાના ઘરે લાવીને તેની સંભાળ રાખી. બાકી આ દુનિયામાં પૈસા આપીને પણ કોઈ આવી મદદ કરવા તૈયાર નથી થતું." કેવિનનાં પપ્પા પણ નીતાબેનનાં વખાણ કરી રહ્યા છે.
"આટલું સારુ જમવાનું બનાવો છો તો કેમ ફક્ત દસ ટિફિન સુધી સીમિત બનાવો છો. નાની એવી રેસ્ટોરેન્ટ કે ફૂડકોર્ટ ચાલુ કરી દો તો આના કરતા પણ વધુ પૈસા કમાવી શકો છો." કેવિનની મમ્મી નીતાબેનને પોતાનો ધંધો વધારવાની વણમાંગી સલાહ આપે છે.
"આ દસ ટિફિન માંડ માંડ પુરા થાય છે ત્યાં એટલો બધો ધબેલો હું એકલી ક્યાં સુધી માથે ઉપાડી લઈ ફરી શકું. આમ પણ જેમ જેમ દિવસ પસાર થાય છે તેમ મારું શરીર પણ થાકતું જાય છે. એટલે અમારે મા દીકરીને ચાલે એટલું આરામથી આ દસ ટિફિનમાં નીકળી જાય છે. એટલે બહુ છે." નીતાબેન પોતાની મર્યાદા જણાવે છે.
"હા એ પણ છે." કેવિનની મમ્મી નીતાબેનની વાત સાથે સહમત થાય છે.
નીતાબેનની ઘડિયાળમાં નજર જતા તે રસોડામાં રસોઈ બનાવવા ઉભા થાય છે.
"તમે બેસો. હું રસોઈની તૈયારી કરું."
"હા પણ રસોઈમાં ભીંડીની સબ્જી જરૂર બનાવજો. હું પણ ટેસ્ટ કરું કે મારો દીકરો મારા કરતા તમારી ભીંડીના વખાણ વધુ કરે છે તો ખરેખર તમારી ભીંડીની સબ્જી કેવી છે." કેવિનની મમ્મી નીતાબેન સાથે એક મજાકમસ્તીમાં ભીંડીની સબ્જી બનાવવા કહે છે.
"અરે તમે તો મહેમાન કહેવાય. તમે જે કહો તે બનશે. તમે ક્યાં રોજ રોજ અહીંયા આવવાનો છો?" નીતાબેન રસોડામાં રસોઈ બનાવવા જાય છે.
કેવિન મનોમન એક રાહતનો શ્વાસ લે છે કે સારુ છે હજુ સુધી મમ્મી પપ્પાએ કે નીતાએ મારી અને માનવીની સગાઇની વાત નથી કરી.
***
"વાહ કેવિન સાચું કહેતો હતો ખરેખર તારા કરતા બહુ સ્વાદિષ્ટ છે. અને આ અથાણું લાજવાબ. વાહ... હું તો તમને હજુએ કહું છું કોઈ રેસ્ટોરન્ટ ખોલવાની ઈચ્છા હોય તો હું તૈયાર છું. જે પણ પૈસા જોઈતા હોય હું આપીશ. બસ તમારા આ હાથનો જાદુ આખા અમદાવાદને ચખાડો." કેવિનનાં પપ્પા કેવિનની મમ્મી સામે જોઈને નીતાબેનની રસોઈની વખાણ કરે છે.
"ખરેખર નીતાબેન કેવિનનાં પપ્પા સાચું કહે છે એક રેસ્ટોરન્ટ ખોલી દો. શું ટેસ્ટ છે આ.. હા... વાહ.... વાહ.." કેવિનની મમ્મી પણ નીતાબેનની રસોઈનાં વખાણ કરતા થાકતા નથી.
"Thank you. બીજી જોવે તો કહેજો." નીતાબેન આભાર વ્યક્ત કરે છે.
"માનવી તું પણ તારી મમ્મી પાસેથી આ રસોઈ બનાવવાની ટેક્નિક શીખી જા. તારા સાસરિયામાં કામ આવશે." કેવિનની મમ્મી માનવીને સલાહ આપતાં કહે છે.
માનવી શરમાઈને નીચે નજર જુકાવે છે. કેવિનનાં ધબકારા ધીમે વધતા જાય છે કે ક્યાંક મારી અને માનવીની સગાઇની વાત છેડાઈ ના જાય.
" ભાઈ કેવિન નીતાબેનનાં હાથનું જમવું હોય તેટલું જમી લેજે નહીંતર પંદર દિવસ પછી સુરત આવ્યા પછી ફરીથી નીતાબેનનાં હાથનો ટેસ્ટ જમવામાં નહિ મળે." કેવિનનાં પપ્પા કેવિનને અમદાવાદમાં ફક્ત તે પંદર દિવસ માટે જ છે. તેમ ચેતવી રહ્યા છે.
કેવિન સુરત જવાનુ નામ સાંભળતા જ મનમાં ખીજ ખાઈ રહ્યો છે. નીતાબેન પણ એક એવી તકની રાહ જોઈને બેઠા છે કે તે કેવિનનાં મમ્મી પપ્પા આગળ માનવી અને કેવિનની સગાઈની વાત કરે.
ક્રમશ :