સાસુ, વહુ અને વર એક ત્રિકોણ છે. દરેક કુટુંબમાં, તેમાંય ખાસ કરીને ભારતના પરિવારોમાં ઘેર-ઘેર આ ત્રિકોણ જોવા મળે છે. સાસુ અને વહુ વચ્ચે કોઈને કોઈ બાબતમાં ખીટપીટ ચાલ્યા જ કરતી હોય છે. કેટલાક અંશે પરિવારમાં અપવાદ હોય અને સાસુ-વહુમાં ઘર્ષણ ન થતાં હોય. પણ મોટેભાગે સાસુ-વહુ વચ્ચે ઉઘાડી નહીં તો કોલ્ડ વોર તો ચાલતી જ હોય છે. માથાકૂટ સાસુ-વહુની વચ્ચે થતી હોય, તેમાં બિચારો પતિ સેન્ડવીચ થઈ જાય છે. પુરુષ ક્યારેય સ્ત્રીની સાયકોલોજીને સમજી નથી શકતો એટલે કઈ રીતે પત્ની અને માને હેન્ડલ કરવું તે તેને સમજાતું નથી, એમાં ગોથું ખાઈ જાય છે. પરિણામે આ ત્રિકોણ સર્જાય છે.
સાસુ વહુ વચ્ચેની માથાકૂટનું મૂળ કારણ માતાના પુત્ર માટે અને પત્નીના પતિ માટેના અતિશય રાગમાં રહેલું છે. લગ્ન પહેલાં લગભગ પચ્ચીસ વર્ષ સુધી પુત્ર તેની માની આંગળી પકડીને ચાલતો હોય છે, એટલે કે પૂરેપૂરો માને વશ હોય છે. “મમ્મી જે કહે તે બરાબર છે” એવું તે માનતો હોય છે. ઘરની બધી બાબતમાં એકહથ્થું સામ્રાજ્ય માનું હોય છે. પૈસા ક્યાં ખર્ચવા અને ક્યાં નહીં ત્યાં પણ માનો કંટ્રોલ હોય છે. પછી જ્યારે દીકરો પરણીને વહુ લાવે છે, ત્યારે માના એકહથ્થા સામ્રાજ્યમાં ભાગ પડાવનાર બીજી સ્ત્રીનો ઘરમાં પ્રવેશ થાય છે અને ત્યાંથી માથાકૂટની શરૂઆત થાય છે.
તેમાંય સ્ત્રી પ્રકૃતિની ખાસિયત હોય છે ઈન્સિક્યુરિટી એટલે કે, અસલામતીનો ભય. દરેક સ્ત્રીના માનસના ઊંડાણમાં આ ભય રહેલો છે. ગમે તેટલું ભણીગણીને સ્વતંત્ર થયેલી સ્ત્રીને પણ કોઈક ખૂણે જીવનભરની હૂંફ જોઈએ છે, જીવવા માટે કોક આધાર જોઈએ છે. પછી જે સાધનથી તેની હૂંફ સંતોષાય છે તેના પ્રત્યે સ્ત્રીને અત્યંત પઝેસિવનેસ એટલે કે, માલિકીભાવ વિકાસ પામે છે. લગ્ન પછી પત્નીનો પતિ ઉપર આવો માલિકીભાવ સ્થાપિત થાય છે. બાળક જન્મે અને સ્ત્રી મા બને, પછી તેને બાળક ઉપર આવો માલિકીભાવ આવે છે. છોકરાને મોટો કરે, પરણાવે ત્યાં સુધી તેના ઉપર ૧૦૦% માલિકી માની જ હોય છે. પણ જ્યારે છોકરો પરણીને વહુ ઘરમાં લાવે ત્યારે તેની માલિકીમાં ભાગ પડે છે અને ક્લેશ શરૂ થાય છે.
સાસુ વહુની દેખીતી માથાકૂટમાં બહાર દેખાતા પ્રસંગો ગૌણ હોય છે. જેમ કે, સાસુ કહે કે વહુને રસોઈ બનાવતા નથી આવડતી, ઘર વ્યવસ્થિત નથી રાખતી, ફૂવડ જેવી છે, પૈસા ઉડાવે છે; જ્યારે વહુને લાગે કે સાસુ બહુ કંજૂસ છે, જૂનવાણી છે વગેરે. પણ કકળાટના આ પ્રસંગો બહુ ઉપલક અને ડાળાં-પાંદડાં જેવા છે. આ કકળાટનું મૂળ છે પઝેસિવનેસ અને હૂંફ. વહુને એમ હોય કે પતિ સો ટકા મારો જ રહેવો જોઈએ, હું જેમ કહું એમ જ એણે કરવું જોઈએ. એમાં જો પતિ સહેજ સાસુના કહ્યા પ્રમાણે કરે તો પત્ની વિફરી જાય અને તેની અસલામતીના ભયમાંથી જબરજસ્ત તોફાન ઊભું થઈ જાય છે. પત્નીને એમ લાગે કે પતિ મારા હાથમાંથી ગયો એટલે એને સાચવવા મથામણ કરે. આ બાજુ, માને પણ એમ લાગે કે મારો છોકરો મારો રહેવો જોઈએ. અંતે વહુ સાસુની ફરિયાદ લઈને પતિ પાસે જાય, તો સાસુ વહુની ફરિયાદ દીકરાને કરે. આમ સાસુ-વહુ વચ્ચે ઘર્ષણ થયા કરતું હોય અને બંનેની ખેંચાખેંચીમાં બિચારા પતિની હાલત વગર વાંકે ‘સૂડી વચ્ચે સોપારી’ જેવી થાય!
લગ્નના શરૂ શરૂના દિવસોમાં તો પતિ માના કહ્યા પ્રમાણે જ બધું કરે છે અને વહુના પગ પણ ઘરમાં સ્થિર નથી થયા હોતા. પછી ધીમે ધીમે કરીને કળાથી વહુ પતિને પોતાના પક્ષમાં લેવા ફરે. સાસુની કંઈક ભૂલ થતી હોય તો વહુ બેડરૂમમાં એના પતિને બતાવતી જાય, કે “જો ને, મમ્મી આમ કરે છે, એમણે મને આમ કહ્યું, મમ્મી આમ કંજૂસ છે.” વગેરે. શરૂઆતમાં સમજદાર પુરુષ પત્નીને ચૂપ કરી દે કે “હું મારી માને વર્ષોથી ઓળખું છું, એ આવી નથી.” એટલે વહુ મનમાં સમજે કે પતિ માવડિયો છે. પણ રોજેરોજ થોડું થોડું કરતા ધીમું ઝેર પતિના કાનમાં રેડ્યા કરે. એવામાં જો મા-દીકરા વચ્ચે કોઈ અથડામણ થઈ, તો બરાબર લાગ જોઈએ પત્ની મમરો મૂકે, “જોયું? તારી સાથે કર્યું એવું મમ્મી મારી સાથે રોજ કરે છે. હવે તને સમજણ પડી?” એટલે પતિના મનમાં નેગેટિવ ઘૂસે, કે પત્નીની વાત તો સાચી છે, મમ્મી જ ખરાબ છે. હવે તે વહુનું સાચું માનીને માને વઢે, “મમ્મી તું જ ખોટું કરે છે, તું સમજતી નથી. તારે એને કશું નહીં કહેવાનું.” વગેરે. એટલે માને મનમાં થાય કે મારો દીકરો વહુઘેલો થઈ ગયો. છેક મરતા સુધી વરને મળેલું ‘માવડિયો’ ને ‘વહુઘેલો’નું સર્ટિફિકેટ એ લોકોનાં મગજમાંથી ખસતું નથી. સાસુની ભૂલ થાય તો વહુ માથે ચડી બેસે અને વહુની ભૂલ થાય તો સાસુ માથે ચડી બેસે. આ સાસુ-વહુ વચ્ચેની આ માથાકૂટનું મૂળ વરને દેખાતું નથી, એટલે બહાર જે દેખાય છે તેના આધારે “આ બરાબર કરે છે, આ બરાબર નથી”, એમ અભિપ્રાયો બાંધ્યા કરે અને એક પક્ષમાંથી બીજા પક્ષમાં લોલકની જેમ ફર્યા કરે. પતિને આ માથાકૂટના ડાળાં-પાંદડાં વચ્ચે જો મૂળ કારણ સમજાઈ જાય તો તેને સમજાય કે કોઈ પરફેક્ટ નથી હોતું. પછી બંનેની પ્રકૃતિ સાથે બેલેન્સવાળો વ્યવહાર કરી શકે.
આ બધી માથાકૂટ પછી પણ છેવટે પતિ હંમેશા પત્નીના જ પક્ષમાં રહે છે. કારણ કે એને આખી જિંદગી પત્ની સાથે ગુજારવાની છે એટલે ત્યાં એડજસ્ટ થઈને નભાવવું પડે છે. આપણે ક્યારેય એવું સાંભળ્યું છે કે પતિએ એની મા સાથે પત્નીથી છૂટો થયો? ના, કાયમ પતિ પત્નીને લઈને માથી છૂટો થાય છે. કારણ કે બંને પતિ-પત્ની માનસિક, શારીરિક, આર્થિક રીતે અને બાળકોને લઈને એકબીજા ઉપર ખૂબ આધારિત હોય છે. બંનેને એકબીજા વગર ચાલે એવું નથી હોતું. એટલે સાસુ-વહુની માથાકૂટમાં છેવટે વહુ જીતે છે.
જો સાસુ અને વહુ બંને પોતાની પ્રકૃતિની આ નબળાઈ ઓળખે અને તમથી સમજીને બહાર નીકળે તો આ ત્રિકોણ નહીં સર્જાય.