લવ યુ યાર પ્રકરણ-82લવ પોતાની બેગ લઈને ઉપર પોતાના બેડરૂમમાં ગયો અને હાથ પગ મોં ધોઈને નાઈટ ડ્રેસ પહેરીને જરા રિલેક્સ થયો અને બેડમાં આડો પડ્યો અને પોતાની મોમને મેસેજ કરવા લાગ્યો કે, "મોમ, હું શાંતિથી પહોંચી ગયો છું. મારી ચિંતા કરીશ નહીં." અને પછી તેની સામે જિદ્દી, મોં ઉપર બોલવાવાળી જૂહી આવી ગઈ અને તે બબડ્યો, "ટુમોરોવ હું એને એની બોટલ આપી આવીશ." અને તેણે ઉંડો શ્વાસ લીધો અને આરામ ફરમાવવા લાગ્યો બસ હવે તો સવાર પડજો વહેલી....હવે આગળ...દરરોજ કસરત કરવા ટેવાયેલો લવ આજે પણ વહેલો જ ઉઠી ગયો હતો પરંતુ ટ્રાવેલિંગ અને જેટલેગને કારણે તે થોડો પરેશાન હતો એટલે આજે તેણે કસરત કરવાનું ટાળી દીધું અને પોતાની ડબલ એક્સપ્રેસો કોફી પીવા માટે નીચે પોતાની મોટી માં પાસે તે ચાલ્યો ગયો. લવના આવવાથી જાણે અલ્પાબેનના ઘરમાં તો રોનક આવી ગઈ હતી અને તેને જોઈને જ તેમનામાં જાણે સ્પીરીટ આવી ગયું હતું તેમની ઉંમર જાણે અડધી થઈ ગઈ હોય તેમ તે ડબલ સ્ફુર્તિથી કામ કરવા લાગ્યા હતા જાણે તેમનો આત્મા તેમના શરીરમાં પાછો આવી ગયો હતો.વિદેશમાં વસતાં પોતાના દરેક દિકરા અને દિકરીઓ માટે તેમના સ્વજનો કદાચ કંઈક આવી જ લાગણી અનુભવતાં હશે...!લવે પોતાની મોટી મા ને હસીને ગુડ મોર્નિંગ કહ્યું અને પોતાની કોફી જાતે બનાવવા લાગ્યો. તેને આમ જાતે જ કોફી બનાવતાં જોઈને અલ્પાબેન હસ્યા અને બોલ્યા, "તું શાંતિથી બેસ બેટા રામૂકાકા તારે માટે ગરમાગરમ સરસ કોફી બનાવી દેશે." "ના મોટી મા હું મારું દરેક કામ મારી જાતે જ કરીશ એટલે મારા કોઈપણ કામની ચિંતા તમારે કે રામૂકાકાને કરવાની જરૂર નથી હું તેમ કરવા માટે ટેવાયેલો જ છું અને રામૂકાકાની હવે ઉંમર થઇ છે અને મોટી મા તમારી પણ હવે ઉંમર થઈ ગઈ છે એટલે તમારે હવે આરામ જ કરવાનો. ઓકે?" અને લવે પોતાની મોટી માના બંને ખભા ઉપર પ્રેમથી પોતાના હાથ મૂક્યા અને તેમને પકડીને ડાઇનિંગ ટેબલની ચેર ઉપર બેસાડી દીધા.પરંતુ મોટી મા પણ એમ કંઈ ગાંજ્યા જાય તેમ નહોતાં તે તો મનમાં મુશ્કુરાતાં મુશ્કુરાતાં લવને કહેવા લાગ્યા કે, "મારી તો હજુ કંઈ ઉંમર નથી થઈ હોં, હજી તો મારે બીજો દશકો કાઢવાનો છે અને તને મારા લાડકા દિકરાને પરણાવવાનો છે અને તારા દિકરા દીકરીને પણ રમાડવાના છે.""ઓહ નૉ, મોટી મા તમે પણ બહુ લાંબુ લાંબુ વિચારી લો છો.. મારે તો લગ્ન કરવાને હજી ઘણી વાર છે.""બેટા, સમયને જતાં ક્યાં વાર લાગે છે? જો ને સાંવરી તને યુકે લઈને ગઈ ત્યારે તું કેટલું નાનું બચ્ચું પારણામાં ઝૂલતો હતો હતો અને આ જોતજોતામાં મને અને તારા દાદુને બંનેને ઢાંકી દે તેવો થઈ ગયો."અને મોટી મા અને દિકરો લવ બંને હસી પડ્યા...આખાયે ઘરનું વાતાવરણ જાણે ખુશીઓથી છલોછલ ભરાઈ ગયું...વાત કરતાં કરતાં લવ પોતાની મોટી માના પગ પાસે બેસી ગયો અને મોટી માના બંને હાથ તેણે પકડી લીધા અને પોતાના માથા ઉપર મૂકી દીધા અને મોટી માને કહેવા લાગ્યો, "મોટી મા બસ હંમેશા આમ જ હસતી રહેજે અને તારા આશિર્વાદ મને આપતી રહેજે..." અને તેણે પોતાની મોટી માના ખોળામાં પોતાનું માથું મૂકી દીધું...અને અલ્પાબેન પોતાના વ્હાલસોયા પૌત્રના વાળમાં પોતાની પ્રેમાળ આંગળીઓ ફેરવતા રહ્યા અને તેની ઉપર વ્હાલની અનરાધાર હેલી વરસાવતાં રહ્યા...લવ પણ આજે ઘણાં વર્ષો પછી સાંપડેલા પોતાના દાદીમાના હેતમાં પ્રેમની ડૂબકીઓ લગાવી રહ્યો હતો...દાદીમા અને દીકરાનો પ્રેમાલાપ ચાલી રહ્યો હતો અને સાંવરીનો અને મીતનો વિડિયો કોલ આવી ગયો...સાંવરી અલ્પાબેનને આમ ખૂબજ ખુશ જોઈને કહી રહી હતી કે, "તમારો દિકરો કરો તમારી પાસે આવી ગયો હવે તો ખુશ છો ને મા..?""હા ખૂબજ ખુશ છું બેટા, વર્ષો પછી જાણે આ ઘરની દીવાલોએ ધબકવાનું શરૂ કર્યું છે.. બાકી અહીંયા જીવન જેવું જ ક્યાં લાગતું હતું... બસ બે વૃધ્ધાત્માઓ સમય પસાર કરી રહ્યા હતા અને પાછળના થોડા વર્ષોમાં ખુશીની એક ઝાંખી થાય તેમ ઝંખી રહ્યા હતા અને ઈશ્વરે અમારી પ્રાર્થના સાંભળી લીધી છે અને આ વૃધ્ધ શરીરમાં એક વીજળીનો ચમકારો હવે પ્રવેશી ગયો છે.""મા, તમને કોણે કહ્યું કે તમે વૃધ્ધ થઈ ગયા છો હજી તો તમારે કેટલું બધું જોવાનું બાકી છે.. હજી તો લવને પરણાવવાનો છે અને એના દિકરા દિકરીને રમાડવાના છે.." સાંવરી અલ્પાબેનને સમજાવી રહી હતી."વળી પાછી મારા લગ્નની વાત..ભાઈ આજે છે શું કે બધા આદુ ખાઈને મારી પાછળ પડી ગયા છે.." લવ થોડો ચિડાઈ રહ્યો હતો."ભાઈ ઘોડે તો ચડવું જ પડશે ને..? આ જો ને મારો ક્યાં છૂટકો થયો.." મીત વચ્ચે જ બોલી ઉઠ્યો."ભાઈ બેસ બેસ તને તો સાંવરી જોડે લગ્ન કરવાની બહુ ઉતાવળ હતી, તું તો મા બાપને પૂછવા પણ નહોતો રહ્યો અને સાંવરીના ઘરે પહોંચી ગયો હતો.." અલ્પાબેન મલકાતાં મલકાતાં બોલી રહ્યા હતા."અરે મા શું તું પણ, મારી બધી પોલ બહાર ન પાડીશ ને.." મીત થોડો અકળાઈ રહ્યો હતો.અને તેના સિવાયના બધા જ ખડખડાટ હસી રહ્યા હતા.લવ તો જાણે પોતાના દાદીમાના ખોળામાં સ્વર્ગનું સુખ અને દુનિયાભરની શાંતિ મેળવી રહ્યો હતો...ક્રમશઃ ~ જસ્મીના શાહ 'સુમન' દહેગામ 30/3/25