ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે.
... એ જ વખતે એના ડેશબોર્ડ પર મુકેલા એના ફોનમાં રીંગ વાગી, જીતુભાએ ફોન હાથમાં લીધો. ડિસ્પ્લે પર એક અજાણ્યો નંબર ફ્લીક થયો હતો. એણે કાર ને રોડની એક સાઈડ લીધી, અને થોભાવી એ ફોનનો આન્સર દેવા જ જતો હતો કે એ જ વખતે, ડેશબોર્ડ પર રાખેલો મંગળ સિંહના ફોનમાં રિંગ વાગી એણે એ ફોન હાથમાં લીધો અને સ્ક્રીન પર જોયું તો શેરાનો ફોન આવી રહ્યો હતો. જીતુભા વિમાસણમાં મુકાયો કે પહેલા કયો ફોન ઉંચકવો. લગભગ 15 સેકન્ડ એણે વિચાર કર્યો ત્યાં બંને ફોન કટ થઈ ગયા. "આ મંગલસિંહના ફોનમાં શેરા શું કહેવા માંગે છે એ જાણવું જરૂરી હતું. તો અજાણ્યો માણસ કોણ હશે એ જાણવું પણ જરૂરી છે. છેવટે એણે પહેલા શેરા ને ફોન કરવાનું વિચાર્યું અને એનો નંબર ડાયલ કર્યો.
xxx
"યાર, શેરા આ જીતુભા વિષે તો સાંભળ્યું છે કે એ ગમે એવા અજાણ્યાના ફોનનો આન્સર તરત આપી દે છે. એને મારો ફોન કેમ નહિ ઉચક્યો હોય?" વિક્રમે કંઈક ચિંતિત અવાજે પૂછ્યું. રાજીવને રૂમ પર મોકલીને બંને જ્યુસ પીવાના બહાને એ લોકો જે હોટલમાં ઉતર્યા હતા એની રેસ્ટોરાંમાં આવ્યા હતા. કેમ કે બંનેને ફોન કરવો હતો.
"વિક્રમ કદાચ કંઈક કામમાં હશે, હું એને જાણું છું ત્યાં સુધી એટલું તો ચોક્કસ કહું છું કે પાંચેક મિનિટમાં એ તને ફોન કરશે" શેરા એ વિક્રમને તુંકારાથી કહ્યું જે કરવાની હિંમત રાજીવ તો ઠીક એના બાપ ધર્મેન્દ્ર ચૌહાણની પણ ન હતી.
"યાર એનો ફોન જલ્દીથી આવે તો સારી વાત છે. નહીતો પાછો નિનાદનો ફોન આવશે તો ભડકશે." વિક્રમે કહ્યું એ જ વખતે શેરાના ફોનમાં રીંગ વાગી એ ફોન જીતુભા કરતો હતો.
xxx
"હાશ, છેવટે પહોંચ્યા ખરા." જયાબા એ હાશકારો કરતા કહ્યું. સોનલ અને મોહિનીએ કંપનીની કાર માંથી પોતાની બેગ કાઢી. અને ડ્રાઈવરને થેંક્યુ કહ્યું. ડ્રાઈવરે સુરેન્દ્ર સિંહને મળીને મેનેજરને 'મહેમાન સહીસલામત પહોંચી ગયા છે' એવો મેસેજ કરી દેવાનું કહ્યું અને ધર્મશાળાના પ્રાંગણમાંથી કાર બહાર કાઢી. લગભગ 10 મિનિટ પછી એ જ ધર્મશાળામાં એક સુમો આવીને ઉભી રહી. ગિરધારી એ પોતાનો સુમો પાર્ક કરીને ધર્મશાળાના કાર્યાલયમાં પ્રવેશ કર્યો. એ જ વખતે ગુલાબચંદ ગુપ્તાની કાર જેસલમેરથી શ્રીનાથદ્વારા આવવા માટે નીકળી. જયારે ભીમસેન ની કારે એ જ વખતે શ્રી નાથદ્વારા જવા માટે જગપ્રસિદ્ધ વોર મ્યુઝિયમ પસાર કરીને આગળ વધી રહી હતી. તો એ જ વખતે પૃથ્વીનું પ્લેન દિલ્હીમાં લેન્ડ થયું. એ જ વખતે અમેરિકામાં પોતાના સાસરે વેકેશન મનાવવા આવેલા નિનાદ લંચ ટેબલ પર જમવાનનું આવે એની રાહ જોતા જોતા પોતાના પપ્પાની વઢ ખાવા માટે મનને મક્કમ કરી રહ્યો હતો. તો નીતા જમીને પછી પોતાની ભાભી સાથે શોપિંગમાં જવાનું હોવાથી છોકરાઓની જવાબદારી નિનાદ અને પોતાના ભાઈ પર શું કહીને નાખવી એની ચર્ચા પોતાની ભાભી સાથે કરી રહી હતી. તો એ જ વખતે વિક્રમ પોતે અને નિનાદ આ ઝમેલામાં કઈ રીતે ફસાયા એ વિચારી રહ્યો હતો ,અને એને આ બાબત સાથે સાંકળતી નિનાદ સાથેની છ મહિના પહેલાની મુલાકાત યાદ આવી ગઈ.
xxx
લગભગ છ મહિના પહેલા, ન્યુયોર્કના એક આલીશાન રેસ્ટોરાંની લોબીમાં.
"નિનાદ સર, ફૂડ કેવું હતું? અને અમારી સર્વિસ?"
"ધ ફૂડ વોઝ એક્સેલેન્ટ, મિસ્ટર.. અરે એક મિનિટ, તને તને મારા નામની કેવી રીતે ખબર પડી?" નિનાદે ચોકી ને પૂછ્યું.
"નિનાદ સર, તમને ન જાણનારા આ પૃથ્વી પર બહુ ઓછા હિન્દુસ્તાની હશે. જયારે મારુ તો કામ જ લોકોને જાણવાનું અને એમના રીવ્યુ લેવાનું છે. બાય ધ વે હું વિક્કી,"
"બહુ સરસ કામ કરે છે વિક્કી, પણ અહીં ન્યુયોર્કમાં મને ઓળખનારા બહુ ઓછા હિન્દુસ્તાની છે."
"અનોપચંદ એન્ડ કંપનીના વન ઓફ ધ યંગેસ્ટ પાર્ટનર, ચાર્મિંગ, શાલીન, પરોપકારી, દિલદાર દોસ્ત, અને ચપટીમાં કરોડોના સોદાની ડીલ કરનાર એવા નિનાદ સરને ન ઓળખનારા મૂર્ખ હિન્દુસ્તાની કોઈક જ હોય સર, અને હું મૂર્ખ તો નથી જ." ફ્લોર મેનેજરની આ વાત સાંભળીને પોતાની કાર તરફ જતા નિનાદ અટક્યો અને ફ્લોર મેનેજર તરફ એક ધારદાર દ્રષ્ટિ કરી, પછી સહેજ નજીક જઈને ફ્લોર મેનેજરની બો ટાય સહેજ સરખી કરી, એના કોટના પોકેટમાં લગાવેલ એના નામની તકતી વાંચી ને કહ્યું. "વિક્કી ચૌહાણ, મને આવા માણસો ગમે છે જેને મારા વિશેની જાણકારી હોય છે. તારી ડ્યુટી કેટલા વાગે પૂરી થશે?"
"નિનાદ સર, 2 કલાક પછી."
"ઓકે, હું અત્યારે એક બિઝનેસ મિટિંગ માટે અહીં લંચમાં આવેલો. તું તારી ડ્યુટી ખતમ થાય એટલે એનવાયસી ઇન્ટરકોન્ટિનેન્ટલ હોટેલના રૂમ નંબર 1313 માં આવજે. ત્યાં સુધી હું થોડો આરામ કરી લવ. મારી સવારે વહેલી ફ્લાઇટ છે." પછી ધીરેથી કહ્યું "વિક્રમ ચૌહાણ આ ફ્લોર મેનેજરનું શું ધતિંગ છે. શું મુંબઈમાં નવી ફાઈવ સ્ટાર હોટલ ખોલવાની તૈયારી છે?"
"નિનાદ સર, તમે મને મને ઓળખો છો?" હવે ચોંકવાનો વારો વિક્રમનો હતો.
"હવે સર નું પૂછડું મૂક, અને મને 2 કલાક પછી મળ. મારે તારું કામ છે. અને ઇન્ડિયામાં બિઝનેસ સર્કલમાં રહીને ધ ગ્રેટ મહેન્દ્ર ચૌહાણના એકમાત્ર પુત્ર વિક્રમ ચૌહાણને ન ઓળખનાર, હિન્દુસ્તાની મૂર્ખ જ હોય. અને હું મૂર્ખ નથી." હસતા હસતા એમ કહીને નિનાદે ચાલતી પકડી.
xxx
"સર, તમારા કોઈ ગેસ્ટ મિસ્ટર વિક્રમ ચૌહાણ તમને મળવા આવ્યા છે."
"યસ, હું એમની જ રાહ જોઉં છું. એમને અહીં મારા રૂમ પર મોકલો અને રેસ્ટોરાં માંથી મારા માટે ચાર ચિલ્ડ બિયર અને કંઈક બાઈટિંગનો ઓર્ડર કરી દ્યો."
xxx
"હેલો નિનાદ સર, " વિક્રમે હોટેલના રૂમમાં પ્રવેશીને નિનાદ સાથે હાથ મિલાવતા કહ્યું."
"યાર વિક્રમ, આ સરને મૂક ને તડકે, તું આટલો ફોર્મલ રહીશ તો તારી સાથે ડીલ નહિ થાય. મારે મહેન્દ્ર અંકલ સાથે જ વાત કરવી પડશે."
"કઈ ડીલ? શું વાત છે?"
"પહેલા તું એ કહે કે તારું ભણવાનું પત્યું કે નહિ?"
"બસ નેક્સ્ટ વીક ફાઇનલ એક્ઝામ પતે પછી પૂરું. પણ આ ડિલનું શું ચક્કર છે. મને એ બધામાં રસ નથી. હું એક્સપિરિયન્સ લેવા માટે અહીં જોબ કરતો હતો. મુંબઈમાં કોઈક દિવસ મન થાય તો સરસ હોટેલ ખોલી શકાય માટે. બાકી મને કોઈ ડીલમાં રસ નથી, મારે તો હજી લાઈફ એન્જોય કરવાની છે નિનાદ."
"દોસ્ત, બાકીની દુનિયા એવું જ સમજે છે કે આ કરોડપતિ લોકો અને એના સંતાનોની લાઈફ એટલે જલસા જ જલસા. એયને નિરાંતે ઉઠવું, લેવિસ લંચ લેવું, બપોરે મસ્ત ઘોરવું, રાત્રે મિત્રો સાથે આઉટિંગ અને પાર્ટીઓ એન્જોય કરવી. મન પડે એટલા રૂપિયા ઉડાવવા મનમાં ગમે એ છોકરી ભોગવી લેવી કે, મન ફાવે એની સાથે મનમાં આવે એવું વર્તન કરવું. પણ ચાણક્યએ કહ્યું છે કે 'રાજા થવું એ સુખી થવાનો માર્ગ નથી કદાપિ' અને આજ કલ રાજા એટલે, જેમની પાસે અઢળક સંપત્તિ છે એવા તારા મારા જેવા લોકો. પણ એ વાતો કરનારને ખબર નથી કે આપણા પર કેટલી ઉપાધિ હોય છે. જયારે હજારો કુટુંબનું ભરણપોષણ આપણા દીધેલા પગારથી થતું હોય એવે વખતે આપણી માત્ર એક ભૂલ એ લાખો લોકોને બરબાદ કરી શકે છે. યાદ છે એનરોન એનર્જી કંપની?"
"હા હ્યુસ્ટનની કંપની કે જેણે મહારાષ્ટ્ર સરકાર સાથે કંઈક ડીલ કરી હતી"
"હા એ જ હવે અંદરની ખબર એ છે કે એ એનરોન એનર્જી કોઈ પણ દિવસે બેન્કરપટ થઇ જશે. એનું દેવાળું નીકળી જવાનું છે. લગભગ 20000 કર્મચારીને તેમના ઘરના સભ્યો ગણીએ તો એકાદ લાખ લોકો અને એમની સાથે આનુસંગિક રીતે સંકળાયેલા બીજા 2-3 લાખ લોકોનું ભવિષ્ય અંધકારમાં ધકેલાઈ જશે"
"ઓહ્હ.. તો તને મારા પપ્પાએ મને આ બિઝનેસના પાઠ શીખવવા નું કહ્યું છે?" કંઈક વ્યંગથી વિક્રમે કહ્યું.
એટલામાં વેઈટરે દરવાજો નોક કર્યો, નિનાદે ઉભા થઈને બિયર અને બાઇટિંગની ટ્રોલી રૂમમાં લીધી અને વેઈટરને 10 ડોલરની ટીપ આપી વિદાય કર્યો.પછી ચિલ્ડ બિયરની એક બોટલ વિક્રમના હાથમાં આપતા કહ્યું કે, "તારા પપ્પા લગભગ 6 મહિના પહેલા મને સાઉથ આફ્રિકામાં મળેલા, એ વખતે એમણે મારી પાસે એક મદદ માંગી અને કહેલું કે હું 2-3 મહિનામાં કૈક એરેન્જમેન્ટ કરી લઈશ. હવે એ વાતને સાતેક મહિના થયા છે."
"ઓહ્હ... તો એમણે તારી પાસેથી કોઈ લોન લીધેલી ખરું ને? અને હવે તું ઈચ્છે છે કે હું પપ્પાને કહું કે એ લોન પાછી આપી દો. એટલે જ તે મને ઓલી એનરોન એનર્જીનો દાખલો આપ્યો. ઓકે, બોલને કેટલી લોન હતી?"
"વિક્રમ મેં તારા વિષે જે સાંભળ્યું છે એ સાચું જ લાગે છે. બહુ ઉતાવળિયો છે તું. તારે બિઝનેસમાં હજી ઘણું શીખવાનું બાકી છે. ખેર એમણે મારી પાસે કૈક માગ્યું ન હતું. મને કંઈ સાચવવાનું કહ્યું હતું. 2-3 મહિનાની વાત થઇ હતી, એટલે મેં 3 મહિના પહેલા એમને ફોન કર્યો તો ખબર પડી કે એમની તબિયત સારી નથી. અને એ પછી એ સતત બીમાર જ રહે છે. મને લાગે છે કે તારે ફટાફટ ઇન્ડિયા પાછું પહોંચવું જોઈએ."
"થેન્ક્સ ફોર એડવાઇઝ નિનાદ, અને હા હું ઉતાવળિયો છું. બિઝનેસમાં ઉતાવળ જોખમી હોય એ હું સમજુ છું. પણ કોઈક વાર હું મારી જાત પર કાબુ નથી રાખી શકતો. ખેર એ જે સાચવવા આપ્યું હોય એ તું એવું ઈચ્છે છે કે હું એ સાંભળી લઉ?"
"એક્ઝેટલી, એટલે જ મેં તને જોયો અને તરત તને કહ્યું કે મને મળવા આવ, કેમ કે તારા પપ્પાએ જેને સાચવવાની જવાબદારી મને સોંપી હતી. એ હમણાં આવશે. અને અત્યારે હું મારા અનેક પ્રોજેક્ટમાં અટવાયેલો છું. કોઈ વાર નિરાંતે આપણે બેસીશુ ત્યારે બધું સમજાવીશ."
"એટલે જેની સાચવણી તને પપ્પાએ સોંપેલી એ કોઈ.."
"હા એ એક માણસ છે જીવતો જાગતો. અને એને સાચવવા માટે તારે કે મારે બે ચાર જણાને ખતમ કરવા પડે તોય એને સાચવવાનો છે. અત્યારે મારા પાપા અનોપચંદજી બીજા પ્રોજેક્ટમાં અટવાયેલા છે, હું છેલ્લા ચારેક મહિનાથી એમને મળ્યો નથી. હું મુંબઈ હોઉં ત્યારે એ ક્યાંક બહાર ગયા હોય. પણ હું તને વચન આપું છું કે 3-4 મહિનામાં આપણે બંને મળીને એની સલામતીનો કૈક રસ્તો ગોતી કાઢીશું."
"પણ કોણ છે એ?"
"બસ આવવો જ જોઈએ, હમણાં. તું એક બિયર ખતમ કર ત્યાં આવી પહોંચશે. " નિનાદનું વાક્ય પુરુ થયું કે તરત જ ઇન્ટરકોમમાં ઘંટડી વાગી નિનાદે ફોન ઉચક્યો અને રિસેપ્સ્નિસ્ટની વાત સાંભળીને જવાબ આપ્યો"એમને મારા રૂમમાં મોકલી આપો." વિક્રમ નિરાંતે બિયરની સીપ લેતા લેતા આ બધું સાંભળી રહ્યો હતો. ચાર પાંચ મિનિટ પછી દરવાજે નોક થયો. નિનાદે દરવાજો ખોલ્યો અને આગન્તુકને કહ્યું. "આવ શેરા."
ક્રમશ:
આ વાર્તા તમને કેવી લાગી એ ના પ્રતિભાવની પ્રતીક્ષા છે. તો વોટ્સએપ નંબર 9619992572 પર તમારા પ્રતિભાવ - સૂચનો અવશ્ય મોકલજો.