Load on the roof in Gujarati Moral Stories by Tr. Mrs. Snehal Jani books and stories PDF | માળિયા પરનો ભાર

Featured Books
Categories
Share

માળિયા પરનો ભાર

વાર્તા :- માળિયા પરનો ભાર

લેખિકા :- શ્રીમતી સ્નેહલ રાજન જાની



ઘણી વાર વ્યક્તિને કરેલ કામનો કે કોઈનાં શબ્દોનો જેટલો શારિરીક કે માનસિક થાક નથી લાગતો એનાથી વધારે થાક કોઈક યાદોનો લાગે છે. કોઈક વ્યક્તિથી જુદા પડ્યા હોય, કોઈ વ્યક્તિ કાયમ માટે દુનિયા છોડીને જતી રહી હોય, કોઈ નજીકની વ્યક્તિ ઘણે દૂર રહેવા જતી રહી હોય, આવા બધાં કિસ્સાઓમાં યાદો જ છે જે એમની નિકટ હોવાનો અનુભવ કરાવે છે.



પણ બહુ ઓછાં લોકો એવા છે કે જેઓ માત્ર જીવંત નહીં નિર્જીવ વસ્તુઓ સાથે પણ ઘણી યાદોથી જોડાયેલ હોય છે. હું આમાંની એક છું. ઘણી બધી વસ્તુઓ મેં નાનપણથી સાચવી રાખી છે. સાચવેલી વસ્તુઓમાંથી કેટલીક સમય જતાં બગડી ગઈ હોવાથી ભારે હૈયે ફેંકી પણ દેવી પડી છે, પરંતું હજુય મને યાદ છે કે એ વસ્તુઓ કઈ હતી અને એની સાથે કઈ યાદો જોડાયેલી હતી. 



આજે આવી જ એક યાદ વિશે વાતો કરીએ. 



રાતનાં બે વાગવા આવ્યાં હતાં, છતાં જાણે ઉંઘ રિસાઈને છૂટાછેડા લેવાનું નક્કી કરી ચૂકી હોય એમ દૂર ને દૂર જ જતી હતી. કેટલાં પ્રયત્નો કર્યાં છતાં મમ્મી પપ્પાની યાદો પીછો છોડતી જ ન હતી! 



બધાંને ત્યાં નિયમ હોય છે કે વર્ષમાં એક જ વાર એટલે કે, દિવાળી ટાણે ઘરની સાફસફાઈ કરવી, ખાસ કરીને માળિયા! પણ મારે ત્યાં અલગ છે. હું દિવાળીની સાથે સાથે મે મહિનામાં પણ માળિયા સાફ કરું છું. દિવાળી કરતાં વધારે સમય મને મે મહિનામાં મળે છે. એટલે વ્યવસ્થિત સાફસફાઈ ત્યારે જ થાય છે. 




આ દિવસે પણ એવું જ બન્યું, દર વખતની જેમ - માળિયું સાફ કરતાં કરતાં ત્યાં મૂકેલી વસ્તુઓ હાથ લાગી ગઈ અને મન ફરીથી ભૂતકાળમાં સરી પડ્યું. આમ તો આપણે સૌ જાણીએ જ છીએ કે માળિયા પર એ બધી વસ્તુઓ હોય છે કે જે ભાગ્યે જ વપરાય છે અથવા તો 'ભવિષ્યમાં કામ લાગશે.' એવું વિચારીને એને માળિયા પર ચઢાવી દીધી હોય. પરંતુ ક્યારેક પરિણીત સ્ત્રીઓ પોતાનાં પિયરની કેટલીક યાદો પણ આવા જ માળિયા પર મૂકી દેતી હોય છે. આમાંની એક હું પણ!



લગ્ન વખતે પપ્પાએ છ જણાં માટેનો વાસણોનો સેટ આપ્યો હતો. હાલમાં જરુર નહીં હોવાથી વર્ષોથી આખોય સેટ માળિયા પર જ છે. હા, કોથળીમાં પેક હોવાથી હજુ સુધી એને કોઈ નુકસાન થયું નથી. દર વર્ષે બે વાર એને જોઈને, કોથળી કાઢીને, એની જગ્યાએ બીજી નવી કોથળીમાં ફરીથી પેક કરીને મૂકી દેતી હતી. પરંતું આ વખતે ખબર નહીં કેમ આ સેટ જોયો ને હું બાળપણમાં સરી પડી. આ સેટ જોઈને મમ્મી પપ્પા અને એમની સાથે વિતાવેલી પળો યાદ આવી ગઈ. અગિયાર વર્ષ પહેલાં પપ્પા અને દસ વર્ષ પહેલાં મમ્મીનું અવસાન થયું ત્યારથી જ્યાં બાળપણ વીત્યું એ ઘર છેટું જ રહ્યું છે. 



જ્યારે આ વાસણોનો સેટ લેવા ગયા હતા ત્યારે સારામાં સારું લેવાનાં આગ્રહને કારણે પપ્પાએ એ દુકાનના લગભગ તમામ વાસણો જોઈ કાઢ્યા હતાં. એ તો સારું હતું કે દુકાન પપ્પાના ખાસ મિત્રની હતી, અને એઓ પપ્પાના સ્વભાવને ખૂબ સારી રીતે જાણતા હતા. જો કોઈ બીજી દુકાનમાં ગયા હોત ને તો એ દુકાનવાળાએ કંટાળીને અમને દુકાનમાંથી કાઢી મૂક્યા હોત. 



પણ પેલા કાકા સમજી ગયા હતા કે પપ્પા કેવા પ્રકારના વાસણો ઈચ્છે છે. આથી જ એમણે એમને ત્યાં કામ કરતા એક ભાઈને કોઈ સુચના આપી એમનાં ગોડાઉનમાં મોકલ્યા. લગભગ અડધો કલાક પછી એ કાકા પાછા આવ્યા. એમની પાસે હાલમાં મારી પાસે જે છે એ સેટ હતો. જોતાં જ પપ્પાની આંખોમાં વસી ગયો. એ જ ઘડીએ એને લઈ લીધો. ખરેખર, એ ખૂબ જ સારો છે. 



એક માળિયા પર મૂકેલા આખા આ સેટનાં કારણે હું વર્ષોના વર્ષો થોડી જ મિનિટોમાં જીવી ગઈ. બસ, હવે મમ્મી પપ્પાની યાદોમાંથી બહાર નીકળું તો ઉંઘ આવશે. કોણ કહે છે કે નિર્જીવ પદાર્થ સંવેદના વગરનો હોય છે? આજે આ નિર્જીવ વાસણોએ મને લાગણીરૂપી અશ્રુઓથી ભીંજવી દીધી!!!



નોંધ:- મારા જીવન સાથે જોડાયેલ ઘટના છે અને સાચી છે. 




આભાર.


સ્નેહલ જાની