Aaspaas ni Vato Khas - 24 in Gujarati Classic Stories by SUNIL ANJARIA books and stories PDF | આસપાસની વાતો ખાસ - 24

Featured Books
Categories
Share

આસપાસની વાતો ખાસ - 24

24.  મહાપુરુષ!

આજે મારો  કોઈ  જાણીતી વિદેશી કંપનીમાં ઊંચી પોસ્ટનો ઇન્ટરવ્યુ હતો. હાલની ઓફિસમાં તો કેમ કહેવાય કે હું નવી જોબ માટે ઇન્ટરવ્યુ આપું છું? ત્યાં પસંદ ન થવાય તો બાવાનાં બેય  બગડે. ખાસ્સું કમાતો  હું અહીંથી પણ જાઉં અને બાવો બની બાળપણમાં પાઠ્યપુસ્તકમાં આવતી કવિતા ‘બની ગયો હું બાવો’ ગાતો બેસી જાઉં.

અત્યારની ઓફિસમાં રજાને દિવસે ન છૂટકે 9 વાગે (રજાના દિવસ માટે વહેલું કહેવાય)  ઉઠ્યો. ફટાફટ ચા પી, ઓનલાઈન ઇન્ટરવ્યુ માટે ઘરનું  લેપટોપ ચેક કર્યું, નેટ ચલાવી જોયું, સ્કાઈપ ટેસ્ટ કર્યું.  સાડાનવે તો ઇન્ટરવ્યૂ હતો. જલ્દીથી  મોં પર ભીનો હાથ ફેરવી નવો શર્ટ ને ઉપર નવો સુટ ચડાવી, તેની ઉપર મેચિંગ ટાઈ લગાવી મેં મને અરીસામાં નિરખ્યો. 'હાઈ હેન્ડસમ!' કહેતાં મેં મારી જ સામે હાથ હલાવ્યા. મેં સ્મિત આપ્યું. સ્મિત અર્ધી બાજી જીતી જાય  છે. 'Smile. It Increases your face value.' વાક્ય યાદ કરી, લેપટોપ ઓન કરી હું ટેબલપર ગોઠવાયો.  સજેલો ધજેલો.

મારાં વસ્ત્રોમાં ઉપર સુટ, ટાઈ, નીચે શોર્ટ એટલે કે ચડ્ડો. કોણ જોવાનું છે નીચે? શબ્દશ:, ક્યારેય નીચે જોવું  જ નહીં, દ્રષ્ટિ ઉંચે રાખવી. જે જિંદગી ગઈ એ વીતી ગઈ. પર્વત ચડતાં નીચે જુઓ તો આહા.. હું કેટલું ગયો? કહી થાક ખાવાનું ને પોતાની પીઠ થાબડવાનું મન થાય. થાકી પણ ગયાનો અનુભવ થાય. ઉપર જુઓ તો કેટલું બાકી રહ્યું એ જોઈ મંઝિલ જલ્દી કપાય.

મારા મોબાઈલની રીંગ વાગી. “હેલો ગુડ મોર્નિંગ મિસ્ટર ….” સામેથી અવાજ. અમેરિકન ઇન્ટરવ્યુઅર દેખાયો. એ પણ ટીપટોપ, કલીન શેવ, સજેલો ધજેલો. મેં તેમની સામે સ્કાઈપ ચાલુ કર્યું.

“વેરી ગુડ મોર્નિંગ સર.” હું યોગ કરતો હોઉં એમ કરોડરજ્જુ સ્થિર કરી ટટ્ટાર થયો. અરીસાને આપેલું સ્મિત હવે એનલાર્જ કરી ઇન્ટરવ્યૂ લેનાર સમક્ષ એકદમ બ્રોડ સ્માઈલ આપ્યું. હોઠ ગાલ તરફ ખેંચાય પણ દાંત પુરા દેખાય  પણ નહીં ને ઢંકાય પણ નહીં એ રીતે. મારા ક્યાં માધુરી દીક્ષિત જેવા એકદમ સફેદ દાંત હોય!

સામેથી એવું જ પ્રોફેશનલ સ્માઈલ મળ્યું. 

'સ્મિત' અને સ્માઇલમાં એ ફેર. સ્મિત પ્રોફેશનલ ન હોય, અંતરમાંથી ઉમટતું હોય. સ્માઈલ પ્રોફેશનલ હોય. આપવું પડે એટલે અપાતું હોય. આપનારો તમને માપનારો  હોય.

“આય એમ રોબસ્ટર લોબસ્ટર (સમથિંગ)." તેણે કહ્યું. નામ ખાસ સમજાયું નહીં.

જવા દો. જે હોય એ. what is there in a name? An american repels smell (of deodorant) by whichever name you call.

ઇન્ટરવ્યુ આગળ વધ્યો. 

આ કંપનીમાં  હું શું કરું છું, કેમ નવી કંપનીમાં આવવું છે,  આજે આ કંપનીમાં કેટલો પગાર અને શું 'કોસ્ટ ટુ કંપની' છે (એમાં કુલરનું પાણી ને યુરીનલનો ઉપયોગ પણ આવી જાય. કેમ કંપનીને એ ઠંડુ રાખવાના ને ટોયલેટ સાફ કરવાના પૈસા ન પડે?) અને એવું પુછી આ તલમાં કેટલું તેલ છે એ ચકાસવા ટેક્નીકલ રાઉન્ડ ચાલુ થયો. આ તલ ઘાણીમાં પીલાઈ ચુકેલો. તૈયારી પણ હતી.  

મેં એક ખૂણે બેસતો હોવા છતાં એને તો હું કંપનીનો મોટો ભા હોઉં એવો દેખાવ કર્યો. એના દેશનાં જે પ્રકારનું હું કામ કરતો હતો તેમાં કેવાંકેવાં પ્રોબ્લેમ હતાં અને એ પ્રકારનાં અહીં કેવાં હોઈ શકે એની ચર્ચા થઈ. એણે હું કેવી રીતે એ સોલ્વ કરું છું એ પૂછ્યું. હું જાણે મારી કંપનીનો  મિ.એટલાસ  હોઉં ને મારે ખભે જ કંપનીનો ભાર હોય તેવી બઢાવીચઢાવીને વાત કહી. બાકી મારી કંપનીમાં તો હું  કંઈક મમરો મૂકી  કોઈને ખબર ન પડે તેમાં હળવે રહી ખસી જતો. બીજાઓ યા હોમ કરી ફૂદતા, સફળ થાય તો મારું સજેશન એમ કહેતો ને નિષ્ફળ જાય તો તેમને બોસની ડાંટ ખાતા કોમ્પ્યુટરમાં મોં નાખી ત્રાંસી નજરે જોઈ લેતો. બધે આવું જ હોય. અહીં તો  આખી કંપનીમાં હું જ હોંશિયાર છું  એમ બતાવવું પડે, બતાવ્યું. તે ઈમ્પ્રેસ થયો હોય એમ લાગ્યું. મોં ગુફા જેવું પહોળું કરી તેણે 'વાઉ..' કર્યું.

વાહ હું. બરાબર જઈ રહ્યો છું. બસ થોડા વખતમાં તારી કંપનીનો એમ્પ્લોયી કોડ લઈશ. અને તગડો પગાર અને કંપનીના પ્રોફીટમાં શેર,  શેર્સમાં રાઈટ.. ચાલુ ઇન્ટરવ્યુએ મેં ક્ષણિક દિવાસ્વપ્ન જોયું.

ઇન્ટરવ્યૂ આગળ ચાલ્યો. હવે ટેક્નિકલનો પણ ટેક્નિકલ રાઉન્ડ ચાલ્યો.

“આય ડુ નોટ એગ્રી. કેન યુ શો સમ રેફરન્સ?” એક ટેક્નીકલ પ્રશ્નમાં એણે પુછ્યું. રેફરન્સ નજીકમાં લેપટોપ સામે, મારી પાછળ ઉપરની શેલ્ફ પર પડેલી બુકમાં જ હતો. હું ભણીને ટેક્સ્ટબુક શીખવે એટલેથી જ સંતોષ નથી પામતો. કોઈએ ન પામવો જોઈએ. મેં સાચું કહેલું એની ખાતરી કરાવવાનો ઉત્સાહ મારામાં જાગી ઉઠ્યો.

“સ્યોર. વેઇટ એ મિનિટ.” મેં કહ્યું. ઇન્ટરવ્યુ સુંદર જતો હતો એટલે ઉત્સાહમાં મેં ઉભા થઇ ઊંધા ફરી શેલ્ફ પર હાથ લંબાવ્યો અને બુક લીધી. ખોલવા ગયો ત્યાં એનો ખડખડાટ  હસવાનો અવાજ આવ્યો. મેં પાછળ ફરી જોયું. સુટ, ટાઈ નીચે મારો ચોળાયેલો ચડ્ડો સ્ક્રીનમાં દેખાતો હતો! નીચે જેવા તેવા પગ! મારી હવા નીકળી ગઈ. રૂઢિપ્રયોગમાં તેમ જ સાચે, પાછળથી.  હું એના હાસ્યનું કારણ સમજ્યો. મર્યા. ઇમ્પ્રેશનની ધુળઘાણી થઈ ગઈ.

મેં પરાણે સ્માઈલ આપી પાદરી બાઇબલ ખોલી વર્સીસ વાંચે તેમ રેફરન્સ વાંચ્યો. હવે એ સંમત થયો.

બસ. હવે એક બે પ્રશ્નો.  આમેય પાછળ ચડ્ડાનાં  અને ગોળ કુલાઓનાં દર્શન કરાવ્યા પછી બાકી શું રહે?

હું શું માગું છું, કેટલો પગાર અહીં મળે છે, શું બેનીફીટ્સ છે વગેરે એણે પૂછ્યું. શું મેડિકલ, પી.એફ. વગેરે અહીંનું મળે છે તે કહી  તેઓ શું આપશે એ મેં પૂછ્યું એવી ચર્ચા ટૂંકમાં જ થઈ. એનું મોં ગંભીર લાગ્યું. કંટાળેલું ? નોટ સ્યોર. હોઈ શકે. હવે એને ક્યાંથી મારામાં રસ હોય? 'યુ ફૂલ.. કેરલેસ એસ..:  મેં મને જ ગાળો આપી. મનમાં.

એ  બીજા એક બે પ્રશ્નો પૂછીને રોકાયો અને એણે હળવા થતાં કહ્યું “વેલ મિ. … , હેવ એ ગુડ ડે.” 

ઇન્ટરવ્યુ પુરો. અને એ ઉભો થયો. એણે સુટનાં બટન ખોલ્યાં. કોલરવાળો ટીશર્ટ દેખાયો. ઉપર વિચિત્ર ઇમોજી પણ. હજી એણે સ્કાઈપ બંધ કર્યું ન હતું. મેં લેપટોપમાં દેખાતું હતું તે જોયું.

હું હસી શકું એમ ન હતો. એણે મારાથી પણ મોંઘા, એક્દમ ઇસ્ત્રીબંધ સુટ નીચે કોલરવાળા ટીશર્ટ પર ટાઈ પહેરેલી. પાછો નીચે ચડ્ડો  પહેરેલો જેમાંથી એની થાંભલા જેવી, વાળ વાળી સાથળો દેખાતી હતી!

મેં જ સેશન ટર્મિનેટ કર્યું.

નવાઈ! થોડા દિવસો બાદ એના HR દ્વારા મને એપોઇન્ટમેન્ટ લેટર મળી ગયો.

શાળામાં ભણેલું વાક્ય યાદ આવ્યું, ‘મહાપુરુષો કોઈના વસ્ત્રો નથી જોતા, તેના અંતરને તપાસે છે.’

અહીં બે મહાપુરુષોનું જ મિલન હતું. એક તો એ, બીજો આ તમારી  સામે બેઠો.

***