શિવાંગ માધુરીની નજીક જઈને બેઠો અને તેનો હાથ પોતાના હાથમાં લીધો અને પ્રેમથી હળવેથી તેને પંપાળવા લાગ્યો અને સાથે સાથે બોલવા લાગ્યો કે, "માધુરી, આંખ તો ખોલ જો હું તને મળવા માટે આવ્યો છું.. તારો શિવાંગ.. જેની તું વર્ષોથી પ્રતિક્ષા કરતી હતી.. તે શિવાંગ તને મળવા માટે આવ્યો છે તું આંખ નહીં ખોલે તો કઈરીતે ચાલશે... એકવાર તો આંખ ખોલ માય ડિયર..."શિવાંગ સતત માધુરીની ઉપર પોતાના પ્રેમનો વરસાદ વરસાવતો રહ્યો અને તેને પોતાના પ્રેમની યાદ અપાવતો રહ્યો અને તેના દિલના તાર ઝણઝણે અને તે ભાનમાં આવે તેવા પ્રયત્નો કરતો રહ્યો...આમ કરતાં કરતાં શિવાંગ પોતાની જૂની યાદોથી ઘેરાઈ ચૂક્યો હતો...તેની સામે જાણે તેનો ભૂતકાળ જીવંત થઈ ચૂક્યો હતો... કોલેજનો એ પહેલો દિવસ તેને યાદ આવી ગયો... જ્યારે માધુરીની કોલેજમાં એન્ટ્રી થઈ હતી....એક માસૂમ અલ્લડ છોકરી તેની નજર સમક્ષ આવીને ઉભી રહી ગઈ હતી...તોફાની વાયરા સમી...ચાલાક હરણી સમી..સુંદર સુંવાળી એક છોકરી...અણિયાળી આંખ વાળી..નાજુક અને નમણી એક છોકરી...આંખોમાં વસાવી દુનિયા આખી...એક જુવાન ધબકતા હૈયામાં હિલોળા લેતી...છાની ન રહે હાજરી તેની...વાતોમાંમગ્ન ને મનમાં મલકાતી એક છોકરી..હૈયાના હાર સમી છોકરી...ઉછળતા દરિયાના મોજાં સમી ને,મધદરિયાના શાંત નીર સમી..કદીક બનતી નાની બાળ તો કદીક ધોધમાર વરસતા વ્હાલના વરસાદ સમી એક છોકરી.. નટખટ નાદાન એક છોકરી...શિવાંગની નજર તેની ઉપર સ્થિર થઈ ચૂકી હતી...આમ તો કોલેજની એક પણ છોકરી બાકી નહોતી જેણે શિવાંગને પોતાનો બેસ્ટ ફ્રેન્ડ બનાવવાની કોશિશ ન કરી હોય...પણ શિવાંગની ચોઈસ કંઈક અલગ હતી...અને જ્યારે આરતીએ પહેલીવાર પોતાની ઓળખાણ માધુરી સાથે કરાવી ત્યારે...અજાણતાં જ તેનાથી પોતાનો હાથ માધુરી સમક્ષ લંબાઈ ગયો હતો...અને માધુરી પોતાનો હાથ તેના હાથમાં મૂકે તેની તે રાહ જોવા લાગ્યો હતો...અને ત્યારે નિર્દોષ સ્મિત સાથે આજ માધુરીએ પોતાનો કૂણો માખણ જેવો નાજુક નમણો હાથ તેના હાથમાં આપ્યો હતો...હજુ પણ માધુરીનો તે સ્પર્શ તેના હ્રદયમાં જીવંત હતો...પરંતુ માધુરી ક્યાં સ્વસ્થ હતી..??હવે તેના સ્પર્શમાં પહેલા જેવી ઉષ્મા ક્યાં હતી..??ક્યાં ખોવાઈ ગઈ મારી એ માધુરી..??મને જ્યારે બેંગ્લોરમાં જોબ મળી અને મેં તેને એ હકીકત જણાવી હતી કે મારે જોબ માટે બેંગ્લોર જવું પડશે ત્યારે તે મારાથી રિસાઈ ગઈ હતી...તેને મારાથી ક્ષણવાર પણ અળગું થવું ક્યાં પસંદ હતું...??અને આજે તે મારાથી જાણે જોજનો દૂર ચાલી ગઈ છે...!!તેની આંખમાં પાણી આવી ગયું...તેને અસ્પષ્ટ દેખાવા લાગ્યું...તેણે પોતાના ચશ્મા ઉતાર્યા અને પરીને દેખાય નહીં તે રીતે પોતાની આંખો લૂછવાની તે કોશિશ કરવા લાગ્યો...ઘણાં વર્ષોથી રૂંધીને દબાવી રાખેલી તેની લાગણીઓ આજે છલોછલ વરસવા માંગતી હતી...તે આંખો લૂછવાની કોશિશ કરતો રહ્યો...પરંતુ માધુરી માટેના પ્રેમને...તેની તકલીફને...તે આંખોમાંથી છલકતો રોકી ન શક્યો...તેનાં અકળાયેલા મનને આજે કોઈ જવાબ આપી શકે તેમ નહોતું...કદાચ ખુદ ઈશ્વર પણ નહીં...આજે તેની વ્યથા મૂશળધાર વરસવા માંગતી હતી.. તે મનોમન ઈશ્વરને પ્રશ્ન પૂછી રહ્યો હતો,"શું સુખ જોયું મારી માધુરીએ..??તેણે શું બગાડ્યું હતું તારું..??પહેલા મને અળગો કરી દીધો તે એનાથી..અને પછીથી તેનો પોતાનો પતિ પણ તે છીનવી લીધો આ માસૂમ પાસેથી...!!પોતાના સંતાનનું સુખ તે માણી શકે એ પહેલાં તે એને કોમામાં ધકેલી દીધી...અને હવે જ્યારે તેનું સમગ્ર અસ્તિત્વ તેની આ વ્હાલી દીકરી પરી તેને સતત ઝંખી રહી છે ત્યારે તને એની પણ દયા નથી આવતી પ્રભુ..કયા ભવનો બદલો લઈ રહ્યો છે પ્રભુ તું એની પાસેથી અને આ મારી માસૂમ દીકરી પાસેથી...??કૃપા કર પ્રભુ.. કૃપા કર...એની સામે નહીં પણ મારી આ દીકરી સામે તો જો પ્રભુ...!!"અને શિવાંગનો એક હાથ માધુરીના હાથમાં હતો અને બીજો હાથ પરીના માથા ઉપર વ્હાલપૂર્વક ફરી રહ્યો હતો...આજે તેના આંસુ રોકાય તેમ નહોતાં..જાણે તે ઈશ્વર પાસે વર્ષો જૂનો હિસાબ માંગી રહ્યો હતો...અને તેના આ આંસુઓએ તેની પરી માટેની નિસ્વાર્થ લાગણીઓએ ઈશ્વરના હ્રદયને પણ હચમચાવી મૂક્યું હતું...અને પ્રભુને ખોવાયેલી માધુરીમાં ચેતના બનીને વસવાટ કરવા મજબુર કરી દીધા હતા...તેના સતત કાળજીભર્યા પ્રેમાળ સ્પર્શને કારણે માધુરીને એકદમથી ખેંચ આવવા લાગી...તે ઉછળવા લાગી...પરી તેને રોકવાની કોશિશ કરવા લાગી...અને શિવાંગ નર્સને બોલાવવા માટે માધુરીની રૂમની બહાર દોડી ગયો....વધુ આગળના ભાગમાં....~ જસ્મીના શાહ 'સુમન' દહેગામ 20/3/25