ધારાવાહિક:- મારા કાવ્યો
ભાગ:- 22
રચયિતા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની
રાષ્ટ્રીય ગણિત દિવસ
ગભરાતા સૌ કોઈ મારાથી,
કોણ જાણે કેમ ગભરાય?
છું હું એકદમ સરળ,
જાણે જાદુનો કોઈ ખેલ!
સરવાળો, બાદબાકી,
ગુણાકાર, ભાગાકાર...
કોણ કહે આ છે ગણિત?
આ તો છે જીવનની અવસ્થા!
ધ્યાનથી જુઓ આસપાસ તો,
દેખાશે ગણિત ચોપાસ!
હોય સીવવાનાં કપડાં કોઈનાં,
કે બાંધવું હોય રહેઠાણ!
શક્ય નથી આ ગણિત વિના!
હોય રસોઈમાં મસાલાનું માપ,
કે જોવું હોય ઘડિયાળમાં,
તારીખ જોઈએ કે સમય,
અંતે તો વપરાય ગણિત એમાં!
ઝડપથી પહોંચવા વધારીએ ગતિ,
ને જીવ બચાવવા વાહન ચાલે શાંતિથી,
અંતે તો મપાતી ગતિ ગણિતનાં જ્ઞાનથી!
કરીએ ઘરમાં આકર્ષક સજાવટ,
જોઈને ક્ષેત્રફળ ઓરડાનું!
કરવા ખરીદી જોઈએ ગણિતનું જ્ઞાન,
વધતો ઘટતો એનાથી બેંકના ખાતાનો ભાર!
કેમ ભૂલવું શરીરને આપણાં?
છે એમાં તો ગણિત અપરંપાર!
હોય શ્વાસ કે ધબકારા હ્રદયનાં,
થતી ગણતરી એની ખાસ!
વધઘટ જો થાય રક્તકણો,
કે શ્વેતકણો શરીરમાં,
મચી જાય ઘરમાં હાહાકાર!
વીતે છે જેમ જેમ જીવનની ક્ષણો,
ઘટતી જાય છે ઉંમરની થાપણ જીવનમાં!
કરીએ દૂર અણગમો ગણિતનો,
સાથે સુધારીએ ગણિત સંબંધોનું!
રાષ્ટ્રીય ગણિત દિવસની શુભેચ્છાઓ💐
મા
સફલા એકાદશીનો દિવસ,
માગશર માસની આ એકાદશી!
સૌ કોઈ માટે પવિત્ર દિવસ આજનો!
મારે માટે તો હતો ખાસ એ!
અવતરણ દિવસ મારી માનો,
મળ્યો જન્મ મને જેનાં થકી!
કોણ જાણે હતું શું ખાસ એવું એનામાં,
ગમી ગયું જે પ્રભુને ખૂબ?
થયાં અગિયાર વર્ષ આજે,
બન્યો એનો જન્મદિન જન્મતિથિ!
કેમ બોલાવી પ્રભુએ એની પાસે?
હતાં બાકી સૌ સપનાં એનાં!
હતી ખાસ જરુર જ્યારે એની,
છીનવાઈ ગઈ મમતા ત્યારે જ એની😢
બહુ યાદ આવે મા તારી😭
સફળતાનું વર્ષ
થઈ શરૂઆત વર્ષ 2024ની સફળતા સાથે.
મળી તક બનવાની નિર્ણાયક એક સ્પર્ધાના!
પ્રકાશિત થયું મારું પ્રથમ પુસ્તક,
'મારા વિચારોની દુનિયા.'
વીતતું ગયું વર્ષ જેમ જેમ આગળ,
મળતી ગઈ તકો એક પછી એક!
કર્યા પૂર્ણ દસ વર્ષ મારી શાળામાં,
નિભાવતાં ફરજ કર્મનિષ્ઠ શિક્ષિકાની!
બની સફળ લેખિકા હું ઓનલાઈન મંચ પર,
પામ્યું સ્થાન ટોચના લેખકોમાં!
જીતી ઘણી લેખન સ્પર્ધાઓ,
ને કર્યું મૂલ્યાંકન કેટલીક લેખન સ્પર્ધાઓનું!
કેમ ભૂલાય ગણિતને મારા?
રચી કવિતાઓ ગણિતની મેં!
જીત્યો એવોર્ડ ગણિત શિક્ષિકાનો,
બની હું રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ ગણિત શિક્ષિકા!
હતી આ ખુશી હજુ મનમાં,
ને આવ્યો ફોન વધુ એક સ્પર્ધાનો!
હતી માંગણી મારા સમયની,
રહેવાને હાજર નિર્ણાયક તરીકે!
હતી સ્પર્ધા સરસ મજાની, મનગમતી,
હતું એ નાનાં બાળકોનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન!
વીતતા ગયા સુખદુઃખનાં દિવસો આમ જ!
ચાલ્યું ગયું ચૂપચાપ વર્ષ 2024નું!
મૂકી ગયું કેટલીય અવિસ્મરણીય યાદો,
કેટલીક સફળતાની તો કેટલીક અનુભવની!
અયોધ્યા રામ મંદિર
પૂર્ણ થયું એક વર્ષ આજે,
રામલલ્લાનાં દર્શનને!
મળ્યો આ લ્હાવો સૌને,
પાંચસો વર્ષનાં લાંબા ગાળે!
ગયા અનેક ભક્તો વર્ષમાં,
કર્યાં દર્શન સૌએ ભક્તિભાવથી!
ભલે માંગે ભક્તો પ્રભુ પાસે,
સુખ, સમૃદ્ધિ ને દીર્ઘાયુ,
વિનંતિ પ્રભુને એક જ મારી,
આપો સૌને સદબુદ્ધિ એટલી,
સમજે સૌનાં સુખદુઃખને,
ને સમજે પરિવારનાં સભ્યોને!
આપે સન્માન ઘરની સ્ત્રીઓને,
કરે આદર બહારની સ્ત્રીઓ,
અને દીકરીઓનો!
જય શ્રી રામ🙏
પરાક્રમ દિવસ
પરાક્રમી, વીર એ ભારતના,
જીવ્યા માત્ર ભારત માટે!
હોય દેશમાં કે વિદેશમાં,
આપ્યું સન્માન દેશને સદાય!
રહી જાપાનમાં એમણે,
કરી 'આઝાદ હિંદ રેડિયો'ની સ્થાપના!
દેશનું સૂત્ર 'જયહિંદ' આપ્યું આ વીરે,
ભોગવ્યો કારાવાસ કેટલીય વાર!
ક્રાંતિકારી મહાન નેતા દેશનાં,
છોડી ગયા એક અણઉકેલ્યુ રહસ્ય,
કેમનું થયું મૃત્યુ એમનું?
કે છે તેઓ જીવિત હજુય???
ઉજવાય 23 જાન્યુઆરી દેશમાં,
'પરાક્રમ દિવસ' તરીકે,
આપી શ્રદ્ધાંજલિ એમનાં માનમાં!
વંદન એ વિરલ વિભૂતિને,
વંદન નેતાજી સુભાષચંદ્ર બોઝને,
એમની જન્મજયંતિએ🙏
26 જાન્યુઆરી
દેશનો ગણતંત્ર દિવસ આજે!
જાણે ન ભેદ કેટલાંય હજુય,
15 ઓગષ્ટ શું અને શું છે 26 જાન્યુઆરી?
થયો દેશ આઝાદ 15 ઓગસ્ટે,
ને રચાયું દેશનું ગણતંત્ર 26 જાન્યુઆરીએ!
થાય ધ્વજારોહણ 15 ઓગષ્ટે વડાપ્રધાનનાં હાથે,
ને ફરકાવે ધ્વજ રાષ્ટ્રપતિ 26 જાન્યુઆરીએ!
હોય જો 15 ઓગષ્ટનો દિવસ,
ખેંચી દોરી ઉપર લઈ જાય ધ્વજ વડાપ્રધાન,
મળતાં જ આદેશ લહેરાવે ત્રિરંગો વડાપ્રધાન!
દિવસ 26 જાન્યુઆરી પડે અલગ એનાથી,
હોય આ દિવસે ત્રિરંગો ઉપર પહેલેથી જ,
દોરી ખેંચી માત્ર ફરકાવે રાષ્ટ્રપતિ દેશનાં!
ભેદ જાણી લો આટલો સૌ કોઈ,
થાય ન ભૂલ દિન ઉજવણીમાં!
ન બનો દેશભક્ત બે દિવસનાં,
રહે આ દેશભક્તિ જીવનનાં શ્વાસે શ્વાસમાં!
થાય ન અપમાન દેશનાં ગર્વનું,
ઉતારી લો ત્રિરંગો થાય સૂર્યાસ્ત એ પહેલાં!
દેખાય જો આ ગર્વ દેશનું રસ્તા પર,
છોડી બધી શરમ ઉપાડી લો એને,
આપો એને યોગ્ય સન્માન!
નથી મુશ્કેલ સાચા દેશભક્ત બનવું,
કરો સન્માન દેશની ધરોહરનું,
જાળવી લો દેશની સંસ્કૃતિ,
બની જશો દેશભક્ત આપોઆપ!
જયહિંદ🙏🙏🙏
મૌની અમાસ
મૌની અમાસનું પુણ્ય સ્નાન
કહેવાતી અમાસ અશુભ ઘણી,
તોય આવે દિવાળી અમાસે!
મહિમા ઘણો સોમવતી અમાસનો,
ને બુધવારની અમાસ પવિત્ર ઘણી!
શું નથી આ સાબિતિ એ બાબતની,
કે શુભ છે પ્રભુનાં બનાવેલ દિવસો?
પવિત્ર સ્નાન મૌની અમાસનું,
હોય સંગમકિનારે પ્રયાગરાજમાં,
તો થઈ જાય જીવન ધન્ય ભક્તનું!
ન જવાય જો સંગમસ્થાને મૌની અમાસે,
ઉમેરી લો ગંગાજળ કે યમુનાજળ ઘરે પાણીમાં,
બોલી મંત્ર નીચેનો કરી લો સ્નાન ઘરમાં જ,
મળ્યું પુણ્ય તીર્થસ્નાનનું સમજી લો મનમાં!
ત્રિવેણી માધવં સોમં ભરદ્વાજં ચ વાસુકિમ્ ।
વન્દે અક્ષયવટં શેષં પ્રયાગં તીર્થનાયકમ્ ।।
દત્તબાવની પ્રાગટ્ય
ચોથી ફેબ્રુઆરી 1935નો દિવસ,
વાર હતો એ મહાદેવનો!
તિથિ દિવસની હતી પ્રતિપ્રદા,
દિવસ પહેલો મહા માસનો!
પીડાય ભક્તનાં પત્ની પિશાચ બાધાથી,
કરવા નિર્વાણ એમનાં દુઃખનું,
રચી સુંદર 52 પંક્તિઓ પૂજ્ય બાપજીએ!
ગાયો મહિમા શ્રી દત્તાત્રેય ભગવાનનો એમાં,
કહેવાઈ આથી જ એ દત્તબાવની ભક્તોમાં!
કરી બાવન પાઠ દત્તબાવનીનાં,
અનુભવે ધન્યતા ભક્તો!
મળે શાંતિ અપાર મનને,
ગાય કે સાંભળે દત્તબાવની ભક્ત જ્યારે!
ગાઈએ એક વખત તો દત્તબાવની,
પ્રાગટ્ય દિન છે એનો જ્યારે!
ગુરુદેવ દત્ત સૌને🙏
સ્નેહલ જાની