હું મારી યાદશક્તિ મુજબની પહેલી 1962ની અને છેલ્લે કરેલ 2024 ઓક્ટોબરની રેલ યાત્રાની વાત કરીશ.
તો પહેલી યાત્રા યાદ આવે છે મારા એ વખતના પૈતૃક શહેર ભાવનગર થી મોસાળ પોરબંદરની.
ઘેરથી સાંજે સાડાસાત વાગે તો ઘોડાગાડીમાં બેસી જતા. લાલ રંગની ઘોડાગાડી, લાંબી સીટ ઘોડાવાળા પાછળ, બે સીટ પાછળ બારણાની એક એક બાજુ. એમાં કીચક કિચક અવાજ કરતી ઘોડાગાડી ચાલે. "એઈ.. હાલ.." અવાજ સાથે ગાડીવાળો ઘોડાને ચાબુક મારે. હાથમાં ચામડાના પટ્ટાની લગામ, ઘોડાની આંખ પર ડાબલા.
ભાવનગરની બજાર વીંધી સ્ટેશને આઠેક વાગે પહોંચી ડબ્બામાં કદાચ અંધારું હોય ત્યાં જગ્યા રોકી બેસી જઈએ. ટ્રેનને એન્જિન જોડાય એનો ધક્કો લાગે ને થોડી વારમાં પીળી લાઇટ ડબ્બામાં થાય. એ સાથે કાળા સિલિંગફેન ફરે. ન ફરે તો દાંતિયાથી એનાં પાંખિયાંને ધક્કો મારવાનો. હવે હાશ થાય.
ડબ્બા ત્યારે લાલ રંગના આવતા. લાકડાના પીળા રંગનાં પાટિયાં પર ખાખી બિસ્તરો પાથરી બેસવાનું. પહેલાં તો ડબ્બા બહારથી પણ પાટિયા જોડેલા પટ્ટાઓ બતાવતા આવતા જે ગાંધીજીની યાત્રાઓના ફોટામાં જોઈએ છીએ. પછી આ એકદમ જાડાં પતરાં ના આવ્યા.
એન્જિન કાળું. આગળ મોટી તાંબાના ઊંધા ટોપ જેવી વ્હીસલ. એ પી.. પ કરતી કાન ફાડી નાખે એવા અવાજે વાગે. એન્જિન ક્યારેક પાણી છોડે, ક્યારેક વરાળ.
સફેદ કોટ પેન્ટ પહેરેલો ગાર્ડ લીલી ઝંડી બતાવતો સીટી વગાડે અને ભક.. છુક.. કરતી ટ્રેન ચાલે. એન્જિનનાં પૈડાઓ ને ફેરવતો મોટો હાથો જોવો ગમતો.
એન્જિન કોલસાની કરચો ઉડાવતું. બારી પાસે બેસીને આંખમાં કરચ જાય તો આંખ લૂંછવાની. બાકી કપડાં તો ગંદાં થાય. બારીની મઝા છોડાય?
રાતની મુસાફરીમાં આકાશમાં ચાંદો આપણી સાથે દોડતો હોય એવું લાગતું. દિવસે પણ સાંજ પડે એટલે તાંબા જેવા રંગનો કે ગુલાબી ચાંદો દેખાતો. રાતે તો અંધારામાં એન્જિનની આગળ પ્રકાશનો શેરડો જોવાની, એન્જિન વળાંક લે ત્યારે જોવાની મઝા આવતી. દિવસે તો ખેતરો આવે એમાં ચાડિયા ઊભા કર્યા હોય, ક્યારેક ચોરણી કેડિયું પહેરેલ ખેડૂત બળદ ને હળ થી ખેતી કરતો હોય, વચ્ચે વચ્ચે પાણીની નીક વહેતી હોય એ બધું જોવું ગમતું.
અમુક સ્ટેશને ગાડી વધુ ઊભે એટલે લોકો ત્યાંની વખણાતી વસ્તુ લેવા દોડે. એમાં કુંકાવાવ જે વહેલી સવારે આવતું તેની કાળા પટ્ટાની ચા કે જેતલસર નાં ભજીયાં પ્રખ્યાત હતાં. કાગળમાં પડીકું વાળી આપતા.
ગાડી પ્રમાણમાં ધીમી હતી. સી.. છુક.. સી.. છુક.. અવાજ કરતી જતી, વચ્ચે વ્હિસલ મારતી જતી. એન્જિન ડ્રાઈવર નો સહાયક એક પાવડેથી ચાલુ ટ્રેન માં એન્જિન ના બોઇલર માં કોલસા પૂર્યા કરતો.
એક બે મુસાફરી પછી એવી ખબર પડી કે W/L એટલે આગળ રેલવે ક્રોસિંગ છે, વ્હિસલ મારો.
થોડી મુસાફરીઓ પછી મારા કાકા પોલીટેકનિકમાં પ્રોફેસર હતા એમણે સમજાવેલું કે 22/ 490 જેવું થાંભલાઓ પર લખ્યું હોય છે એનો અર્થ છેલ્લું સ્ટેશન 490 કિમી છે, તમે 22 મા કિમી પર છો. સ્ટેશન નજીક કે કોઈ જગ્યાએ 5/22/490 જેવું આવે એટલે અહીં હજી સૂક્ષ્મ ગણતરી. સ્પીડ માટે અને સમય જાળવવા.
મોટાં સ્ટેશને સ્ટેશનમાસ્ટર ની રૂમની બહાર એક ડંકો પડે એટલે આગલા સ્ટેશન થી નીકળી, બે ડંકા એટલે આવવામાં છે, ત્રણ ડંકા એટલે હવે ઊપડે છે એવું સમજવાનું રહેતું. સ્ટેશન પર ગાર્ડ જોરથી સીટી મારે અને લીલી ઝંડી ફરકાવે એટલે ગાડી સ્ટાર્ટ થાય. શરૂમાં તો ગાડી ધીમી રહેતી એટલે નીચે ઉતરેલ લોકો ગાડીના ડબ્બાનું હેન્ડલ પકડી દોડીને ચડી જતા, મૂકવા આવેલા છેક ત્યારે ઉતરતા.
મારી યાદમાં ની આ પહેલી મુસાફરીમાં ટ્રેન ભાવનગર રાતે સાડા આઠે છોડે, બીજે દિવસે છેક પોણા દસ આસપાસ રાણાવાવ ની મિલના ભૂંગળા દેખાય એટલે છેલ્લા સ્ટેશનના બધા બિસ્તરા બાંધે, બેગ બંધ કરે. દસ વાગે પોરબંદર આવે.
એ રીતે વળતાં સાંજે પાંચેક વાગે ટ્રેન પોરબંદરથી ઉપડતી. સાંજે તો ધોરાજી, ઉપલેટા, કોઈ તરસ કે એવા નામનું સ્ટેશન વગેરે આવે એટલે હું ખાસ ઉતરું, પ્લેટફોર્મ પર કૂદકા મારતો લોકોને ખાલીખાલી આવજો કહું ને સીટી વાગે એટલે ચડી જાઉં.
સાથે મોટે ભાગે સેવ ગોળપાપડી નો નાસ્તો મોસાળથી આપ્યો હોય એ ખાઈ સુતળી વીંટેલી થર્મોસ જેવી એલ્યુમિનિયમની ભંભલીમાંથી માતા પાણી આપે.
કેટલાક લોકો પિત્તળનો કુંજો એટલે માટલા જેવું, આંટા થી બંધ થાય એવા ઢાંકણાવાળું વાસણ સાથે રાખતા. 'ચાય ગરમ' ની જેમ 'પા..ણી .. પા..ણી' ની બૂમો પાડતી, મેલા ચણિયા ચોળી માં પેટ દેખાતું હોય એવી છોકરીઓ સ્ટેશન પર ટ્રેન આવે એટલે દોડતી.
એ ટ્રેનમાં સણોસરા આવે એટલે સવાર પડી હોય. ઊગતો સૂરજ જોઈએ.
ભાવનગરપરા સ્ટેશન જાય એટલે બારણે ઊભીએ.
ભાવનગર આવતાં જ બધી માથે ઈંઢોણી મૂકેલી સ્ત્રી મજૂરો બેગ બિસ્તરા ઉપાડવા દોડે. એ સ્ટેશને બધી જ પોર્ટર, મજૂર, પાણીવાળી બાઈઓ જ સ્ટાફમાં રહેતી.
તો આ 60 ના શરૂના દાયકાની મારી પહેલી મુસાફરી.
હવે છેલ્લી. અંતિમ તો નહીં કહું. હવે રેલવે ની આમૂલ કાયાપલટ થઈ ગઈ છે.
સપ્ટેમ્બર 24 માં જ વારાણસી થી ન્યૂ દિલ્હી વંદે ભારત ટ્રેનમાં સવારે 6.15 વાગે નીકળી 780 કિમી અંતર સાડા સાત કલાકમાં કાપી પોણા બે વાગે આવી ગયેલ.
વારાણસી સ્ટેશન ના પ્લેટફોર્મ ની લાદી પર સવારે બ્રાઈટ લાઈટો માં આપણું પ્રતિબિંબ જોઈ શકાય એવું ચોખ્ખું હતું.
ટ્રેન 130 થી 135 ની સ્પીડે જતી હતી. સામે ઇન્ડિકેટર પર સ્પીડ, આ રૂટના સ્ટેશનો ના જોવાલાયક સ્થળો વગેરે આવતું હતું. એક છાપું પણ વાંચવા મળ્યું. ઉપડ્યા ભેગી ગરમ પાણીમાં પડીકી ઠાલવો એટલે દૂધ, પાણી, મસાલા ચા બધું તૈયાર. પહેલાં જે વ્હાઈટનર ને સુગર, ચાય પત્તી ની ડીપ કરવાની પડીકી અલગ આપતા એમ નહીં. સાથે બટાકા પૌંઆ કે ઉપમા જેવો નાસ્તો.
આઠ વાગે પ્રયાગરાજ પાસે ગંગા યમુના નો બ્રિજ પસાર થયો. ટ્રેનની અંદર જરાય પેલો ઘણણ .. ઘણણ .. અવાજ ન આવે. સાવ સાયલન્ટ. ધીમું સંગીત પણ વાગે. પ્લેન જેવી જ પુશબેક સીટો, 12 વાગે સરસ જમવાનું આવ્યું.
બે ડબ્બા વચ્ચેઓટોમેટિક ડોર ખુલે અને બટન દબાવતાં બંધ થાય.. બાયો ટોયલેટ પણ લીલું બટન દબાવતાં જરૂર પૂરતું જ પાણી છોડે જે ક્યારેય બંધ ન મળે. પૂરતી ચોખ્ખાઈ.
હવે તો રિઝર્વેશન પણ irctc ઉપરાંત કેટલીક સાઇટ કન્ફર્મ થવાના કેટલા ટકા ચાંસ છે તે બતાવી કરે છે. કાઉન્ટર પર ભાગ્યેબીજ ઊભવુ પડે છે.
લગભગ પ્લેનના બિઝનેસ ક્લાસ જેવો એ છેલ્લો રેલવે મુસાફરીનો અનુભવ આશરે 60 વર્ષ પછી!
બે મુસાફરીઓ વચ્ચે કેટલું અંતર!
***