Barrel in Gujarati Children Stories by Kirit Rathod books and stories PDF | પીપળો

Featured Books
Categories
Share

પીપળો



                  હું શાળાના આંગણામાં ઉગેલો એક પીપળો છું. વર્ષો અગાઉ, જ્યારે આ શાળા બની, ત્યારે મને નાનકડા છોડ તરીકે રોપવામાં આવ્યો હતો. આજ સુધી હું અહીં જ ઊભો છું – અડગ, સ્થિર અને શાળાના દરેક પળનો સાક્ષી.

               રોજ સવારે, જ્યારે શાળાની ઘંટ વાગે, ત્યારે બાળકો હસતાં રમતાં મારી નીચેથી પસાર થાય. મને એમ લાગે કે જાણે તેઓ મારા પોતાના જ સંતાન છે. હું તેમને વધાવું છું મારી છાંયાથી, પવન સાથે હળવા ધબકારોથી. ક્યારેક મારો એકાદ સૂકો પાન જમીન પર પડે, પણ મને એનો ખેદ નથી – કારણ કે હું જાણું છું કે નવી કૂંપળો ત્યાગ દ્વારા જ પાંગરે છે.

               જ્યારે વિદ્યાાલયમાં પ્રાર્થના થાય, ત્યારે હું પણ ગર્વથી ઉભો રહી તે કાલીઘેલી સંતવાણી સાંભળું. અહીં અનેક શિક્ષકો આવ્યા-ગયા, અનેક વિદ્યાર્થીઓએ અભ્યાસ કર્યો અને શાળાનો દસ્તાવેજ બન્યા. કેટલાક આજે મોટા ડોકટર છે, તો કેટલાક ઈજનેર, શિક્ષક કે વકીલ. પણ જ્યારે તેઓ શાળાને મળવા આવે, ત્યારે મારી છાંયામાં થોડા ક્ષણો બેઠા વિના જતા નથી. મને એનો આનંદ થાય છે.

                    ચોમાસામાં જ્યારે વરસાદ પડે, ત્યારે મારી પાંદડીઓ નાચી ઉઠે. બાળકો મારા નીચે ભીના થાય, રમે, કૂદાકૂદી કરે. શિયાળામાં સૂરજની હળવી ગરમી મારી ડાળીઓ પર પડે, અને ઉનાળે તો મારી છાંયામાં બેસવા માટે બધા ઉત્સુક રહે.

               સમય પસાર થાય છે, બેચ બદલાય છે, શિક્ષકો બદલાય છે, પણ હું હજી યથાવત ઊભો છું. શાળાનું આંગણું મારી હાજરી વિના અધૂરું છે. હું શાળાનું એક જીવંત પ્રતિક છું – શિક્ષાનું, સંસ્કારનું અને નિસ્વાર્થ સેવાનું.

                        હું તો અહીં ત્રીજું જીવન જીવું છું – હું શિક્ષકોના માર્ગદર્શનનો સાક્ષી છું, હું વિદ્યાર્થીઓના સપનાનું આશરો છું અને શાળાની પ્રગતિનું જીવંત ચિહ્ન છું. જ્યાં સુધી શાળાના આંગણે જીવન ધબકે, ત્યાં સુધી હું અહીં ઊભો રહી મારી છાંયાથી બધાને આશીર્વાદ આપતો રહીશ.

                          આજ પણ મને એક યાદ છે. તે જૂના દિવસો, જ્યારે શાળા નળીયાના છાપરાંવાળી હતી, અને ઘંટની જગ્યાએ કોઈ વિદ્યાર્થી થાળીને લાકડાથી વગાડતો. એ ઘડીયાળ ન હતી, પણ શાળાની લય હતી. મારી શાખાઓએ અને દરેક પાંદડાઓએ અનેકવાર સાંભળેલા શબ્દો આજે પણ મારા હૃદયમાં અંકિત છે.

             અમદાસબાપુ! કેમ ભૂલી શકું તેમને ? એકદમ સીધા સાદા, ધોળા પાયજામા-કુર્તાં પહેરી, હાથમાં લાકડી લઈને ફરતા. તેમની દૃઢ અવાજમાં સંસ્કૃતના શ્લોકો ગુંજી ઉઠતા. શાળાના બાળકો માટે તેઓ માત્ર શિક્ષક નહીં, પણ એક માર્ગદર્શક હતા.

             કેશુભાઈ અને જીવરાજભાઈ! બંને સાથીઓ હંમેશા શાળાના વર્ગખંડમાં લાગેલા હોય. એક બાળક આગળ વધે ત્યારે તેમનાં ચહેરા પર આનંદ ઝળહળી ઉઠતો. ક્યારેક કોઈ બાળકો જ્ઞાનથી પર રહે, તો ખડદીયા સાહેબ તેમની જાત સાથે જ ઉદ્વેગ અનુભવી જતાં.

               અને સોજીત્રા સાહેબ! તેમને સંભારતા જ જાણે માનસપટ પર પુસ્તક ઉઘડી જાય! તેમના થકી વરસાવેલ હેતાળ શબ્દો બાળમનના ખૂણે ખૂણેથી વહીને મારા મૂળને પણ સીંચતા.

                આ શિક્ષકો મારાં છાયા નીચે બેસતા, તેમના વિચારોમાં શાળાનું ભવિષ્ય ઘડતા. ક્યારેક તેઓ તકલીફો અંગે ચર્ચા કરતા, તો ક્યારેક વિદ્યાર્થીઓની સફળતાની વાત કરી હર્ષાતિરિક્ત થઈ જતા.

               સમય વહી ગયો, શાળા બદલાઈ, શિક્ષણપદ્ધતિ બદલાઈ, અને આજના નવા શિક્ષકો નવી શક્તિ સાથે આગળ વધ્યા. જે.બી. સાહેબ, કે.બી. સાહેબ, જે.ડી. સાહેબ, સાવલીયા સાહેબ અને બંસી ટીચર—એના જેવા શિક્ષકોના થકી આજે પણ શાળાનું ભાવિ ઉજ્વળ ભાસે છે.

             જે.બી. સાહેબનું ધીરજભર્યું શીખવવાનું મને બહુજ ગમે ! બાળકોની ભૂલો પર ગુસ્સો કરે નહીં, પણ હંમેશા સમજાવે. કે.બી. સાહેબની શિક્ષણની પદ્ધતિઓ જોઈને મને લાગે કે આતો નવો જ યુગ છે! અને જે.ડી. સાહેબ… તેઓ તો શાળાના બાળકો માટે માતા સમાન છે!

              સાવલીયા સાહેબ અને બંસી ટીચર શિક્ષણના નવા દિગ્દર્શક. છ-છ કલાક બાળકોની સમજણ માટે શ્રમ કરે. બુદ્ધિનો વિકાસ કરાવવાની તેમની પદ્ધતિ જોઈ હું વ્હાલા બાળકો માટે ગૌરવ અનુભવું છું.

            આજ હું ઊભો છું, જેમ સિત્તેર વર્ષ પહેલાં ઊભો હતો. કેટલાય વિદ્યાર્થીઓ આવ્યા, શીખ્યા, અને દુનિયામાં આગળ વધ્યા. આજે પણ શાળાની બારીમાં જોઉં ત્યારે મને પણ એ મારા બાળપણનાં દિવસો યાદ આવે. એક છોકરા ના હાથમાં પાટી, એ બાળક પથ્થરથી પાટી પર ગણતરી લખી રહ્યો છે…પણ નજર મારા પર, જાણે મને તરસનું પૂછતો ના હોય અને હું એ બધું નિહાળી રહ્યો છું.

                જ્યારે પવન મારાં પાંદડાં હલાવે, ત્યારે મને લાગે કે એ આ શાળાના બાળકોની શીખવાની તલપ છે. હું એ છાયાં આપતો રહ્યો છું, આપતો રહીશ. શાળાના મેદાનમાં ઊભો રહીશ, વરસો જુની વાતોને હૃદયમાં સમેટી.

               "શિક્ષકો આવશે, વિદ્યાર્થીઓ આવશે, નવું શીખાશે, શાળાનું નામ ઉજળું થશે… પણ હું? હું અહીં જ ઊભો રહીશ! વિદ્યા અને જ્ઞાનનો સાક્ષી બનીને!"