જવા દો બધું માન - સન્માન, પોતાની ઓળખ, પોતાનો હોદ્દો, નામ આ એક સમયે જતું જ રહેવાનું છે. અગત્યનું એ છે કે કુદરતે આપેલા આ જીવનને આપણે કંઈ રીતે જીવીએ છીએ. અત્યારે આપણે સૌ દેખાદેખી અને હરીફાઈ માં બહુ જીવીએ છીએ. અને આપણા બાળકોને પણ એ જ શિખવીએ છીએ. પછી ચાહે બાળકોના રિઝલ્ટ હોય કે એમની કારકિર્દી હોય આપણે એમને હમેશાં બીજાની સાથે સરખાવીએ છીએ. અહીંયા મને એક વાત યાદ આવે કે એક જાણીતા લેખક રહીશ મણિયારે બહુ સરસ પ્રસંગ લખ્યો છે કે એક પપ્પા અને તેમનો એક દીકરો એમની નાનકડી અલ્ટો ગાડીમાં જતા હતા. ત્યારે બાજુમાં બેઠેલા દીકરાએ એક ઓડી પસાર થતાં જોઈ એના પપ્પાને કહ્યું કે પપ્પા ઓવર ટેક કરો પણ તેના પપ્પા કરી શક્યા નહીં. વળી બાજુમાંથી એક ઈનોવા પસાર થઈ તો ફરી દીકરાએ કહ્યું પપ્પા ઓવર ટેક કરો. પણ ફરી એ કરી શક્યા નહીં. ત્રીજી વાર બાજુમાંથી મર્સિડિઝ પસાર થયું દીકરાએ કહ્યું એ જ કે ઓવર ટેક પણ ફરી એ કરી શક્યા નહિ એટલે દીકરો ચિડાઈ ગયો અને બોલવા લાગ્યો. એટલે તેના પપ્પાએ કહ્યું કે એ ગાડીના હોર્ષપાવર અને આપડી ગાડીના પાવર એ ગાડીના ફિચર્સ અને આપણી ગાડીના ફિચર્સ અલગ છે. માટે ઓવર ટેક ના કરી શકીએ. એટલે દીકરાએ કહ્યું કે તો તમે પણ મારા ક્લાસના બીજા છોકરાઓ સાથે મને કેમ સરખાવો છો.
આપણા બધાનો પ્રોબ્લેમ એ છે કે આપણને આપણું સુખ એ બીજાની સરખામણીમાં હમેશાં ઓછુ લાગે છે. અને આપણું દુઃખ એ બીજાની સરખામણીમાં હમેશાં વધારે લાગે છે. તમે કોઈ પણ માણસને પૂછો તો કહેશે કે મારા જેવું દુઃખ તો કોઈએ નહિ જોયું હોય. સાલું ક્યારેય કોઈ એમ કહે છે કે મારા જેટલુ તો સુખી કોઈ નહિ હોય. સામાન્ય રીતે કેટલી બધી દીકરીઓને એની મમ્મી કહે કે તું રાંધતા નહી શીખે તો તારું શું થશે.., ખરેખર સ્ત્રી જ રાંધતા શીખે એ આખો ખ્યાલ થોડા વર્ષોથી તોડીફોડીને ફેંકી દેવાયો છે. કેમ કે હાલના સમયમાં જોવા જઈએ તો મોટા ભાગની ફાઈવ સ્ટાર હોટેલના કુક પુરુષો છે. હવે પુરુષો માટે કુકિંગનો વિચાર એ કરિયર છે. આવો વિચાર કોઈ છોકરાની માં ને આવતો નથી. અને એમાં જો કોઈ છોકરો રસોડામાં ઘૂસીને વટાણા ફોલતો હોય, સરસ ટામેટાં કાપતો હોય તો માં - બાપ તરત કહેશે તું રસોયો છે, આમ સારો નથી લાગતો. પણ માં - બાપ ભૂલી જાય કે આ લાખો રૂપિયા કમાવવાની એમની કારકિર્દી છે. સંજીવ કપૂર એ કેટલી મોટી ગ્લેમરનો માલિક છે, તેમના કેટલાય પુસ્તકો ખૂબ જ પ્રચલિત છે. સ્ત્રીઓ સંજીવ કપૂરના શૉ થી તો રસોઈ જોતી થઈ છે. તયારે એમ થાય કે કોણ નક્કી કરે કે આ સ્ત્રીનું કામ આ પુરુષનું કામ. હાલમાં સ્ત્રીઓ વિમાન ઉડાવે છે, બિઝનેસ ચલાવે છે એવું કોઈ કામ નથી જે એક સ્ત્રી ના કરી શકે.
આ નિર્ણયો આપણે કરેલા નિર્ણયો છે. સમાજે પોતાના વિચારો પરથી અભિપ્રાય આપ્યો કે આ આનું કામ આ તેનું કામ. એક સ્ત્રી આઠ પાઉન્ડના બાળકને જન્મ આપે છે. એ કઈ સહેલી વાત નથી. એ તો શક્તિવાન છે જ. એને કોઈપણ પ્રકારના શક્તિકરણની જરૂર નથી. મહત્વનું એ છે કે સ્ત્રીએ પોતાની જાતનું મહત્વ જાતે જ કરવાનું છે. મોટા ભાગની સ્ત્રીઓ તે જ સમજતી નથી. અને સમસ્યા ત્યાંથી જ શરૂ થાય છે. ટુંકમાં જીવનમાં અગત્યનું એ છે કે, તમે તમારી જાત સાથે કેટલાં સુરક્ષિત છો. તમે જાતે જ કેટલાં ખુશ રહી શકો છો. એનાં ઉપર આપણી આખી જિંદગીનો આધાર રહેલો છે. અને આપણા ત્યાં એક મોટો પ્રોબ્લેમ સહુનો કે બધાને વાતવાતમાં ખોટું બહુ લાગી જાય છે. આપણને બધાને નાની નાની વાતમાં ખોદીને દુઃખ કાઢવાની બહુ મોટી આદત છે. કશું પણ મેળવવા માટે માણસે સંઘર્ષ તો કરવો જ પડે છે. એમાં દુઃખના તડકા અને સુખના છાંયડા પણ આવે પરંતુ એમાં સુખી રહેવું એ જ જિંદગી છે.
ઘરમાં બધુ જ હોય, પૈસા હોય અપાર, જ્યારે જરૂર હોય ત્યારે બધુ મળી રહેતું હોય તો એ સુખ નથી એ સગવડ છે. સુખી થવા માટે પૈસા જરૂરી નથી. પરંતુ જીવનમાં જે મળે એનો હસીને પરમ સ્વીકાર એ સુખ છે. અહી એક વાર્તા યાદ આવે કે, એક છોકરો એના માટે છોકરી જોવા જાય છે. બને એકબીજાને પસંદ કરે છે શગાઈ થવાની છે ત્યારે એ છોકરીની મમ્મી એ છોકરાને કહે છે કે, તમે મારી છોકરીને સુખી તો રાખશોને, ત્યારે છોકરો જવાબ આપે છે અને કહે છે, હું એના માટે ઘર ખરીદશ, જમીન ખરીદશ, કમાઈશ એના માટે એને બધી જ સગવડો આપીશ પણ હું એને સુખી નહી કરી શકુ, સુખી તો એને જાતે જ થવું પડશે. અત્યારે આપણે સૌ ભવિષ્યની ચિંતા બહુ કરીએ છીએ. ભવિષ્યની ચિંતા કરવામાં આપણે આપણી આજ જે છે એને સારી રીતે નથી જીવતા. જો વર્તમાન સુખદમય હશે તો ભવિષ્ય તો આપોઆપ સુખદ થઈ જ જશે. છેલ્લે સુખી રહેવું કે દુઃખી એ આપણા જ હાથમાં છે. જો આપણે સુખી હોઈશું તો બીજાને સુખી રાખી શકીશું પરંતુ જો આપણે જ દુઃખી રહેશું તો બધાને પણ દુઃખ જ આપશું.
આમ જોવા જઈએ તો સમજાય કે ભગવાનને પણ એકની એક વસ્તું નથી ગમતી. એ પણ ઝાડ પરના સૂકા પાંદડા ખેરવી નાખે અને નવા લઈ આવે છે. રોજ એકનો એક સૂર્યોદય થાય છે ? તમે ગઈકાલે જે સૂર્યોદય જોયો એ આજ મળશે ? ગઈકાલે પડ્યો એવો વરસાદ આજ ફરી પડશે ? મોરનાં પીંછા ખરી જાય તો એ એટલી જ સંખ્યામાં પાછા આવે છે, ના ! કુદરત પોતે જ કેટલો બધો બદલાવ માંગે છે. તો પેઢી દર પેઢી બદલાવ આવે એ જરૂરી છે. કહેવાય છે કે 'પરિવર્તન એ સંસાર નો નિયમ છે ' પરંતુ જ્યારે પરિવર્તન આવે ત્યારે સમાજ એનો સ્વીકાર કરવા નથી માંગતો. અનેક પ્રકારના પ્રશ્નો ઊભા કરે છે. પરંતુ આ પ્રશ્નોને ભેદીને આપણે આપણા જીવનમાં આગળ વધવાનું અને નવી પ્રગતિ સાધવાની. એ જ જીવનનો મૂળ મંત્ર છે.
લિ.
આશા મોદી