Betrayal in Gujarati Fiction Stories by Rudraja books and stories PDF | વિશ્વાસઘાત

The Author
Featured Books
Categories
Share

વિશ્વાસઘાત



"શું એક પુરુષ એક સાથે બે સ્ત્રીઓને પ્રેમ ન કરી શકે? તે બીજા ઘરમાં રહેશે, હું તમને બંનેને એકસરખું રાખીશ અને ખૂબ પ્રેમ કરીશ."


ઊર્જા ના કાનમાં કબીર ના આ શબ્દોના હજી પડઘાઈ રહ્યા હતા. તેના બંને હાથ તેના કાન પર પહોંચી ગયા. તે ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડી. એને કોઈ રસ્તો સૂઝતો ન હતો. ફરી ફરીને એજ વાતો. એ જ સવાલો. અને જવાબ... કોઈ પાસે જ નહોતો.


"ઊર્જા! હું તો તને અને શ્રેયા બંનેને ખૂબ જ પ્રેમ કરું છું. તું કેમ મારી લાગણીઓને નથી સમજતી?" ફરી વાર કબીરનો અવાજ એના કાનમાં ગુંજી ઉઠ્યો. હવે વધુ સહન કરવાની તાકાત જ ક્યાં બચી હતી ઊર્જાના શરીર માં?


"મૅડમ, કબીર સર નો કોલ આવ્યો હતો. એમણે કહ્યું છે કે તેઓ અડધા કલાકમાં અહીં આવી જશે,” અચાનક જ પાછળથી ઊર્જાને એની નોકરાણીનો અવાજ સંભળાયો. તેણે કાન પરથી હાથ ઉઠાવ્યા અને આંસુ સાફ કર્યા. તેણે માથું હલાવ્યું એટલે નોકરાણી ત્યાંથી જતી રહી.


મુંબઈના જુહુ બીચ પર આવેલો આલીશાન બંગલો. ખૂબ જ ધનાઢ્ય બિઝનેસમેન કબીર સહાય એના માલિક હતા. આ બંગલાની કોરીડોરમાં હીંચકા પર બેસીને ઊર્જા સહાય ગુમસુમ બનીને ઘૂઘવતા દરિયાને દૂરથી જોઈ રહી હતી. એની આંખોમાં ખાલીપણું સાફ છલકાતું હતું. એની આંખોમાં દરિયા માટે ખૂબ ફરિયાદો હતી. 


આજે કબીર અને ઊર્જા કાયમ માટે છુટા થઇ જવાના છે. ઊર્જાના મનમાં ચાલી રહેલા તોફાનો નો આજે કદાચ અંત આવી જશે. એક અશ્રુબિંદુ ઊર્જાના ગાલ પર થઇ સરી પડ્યું. 


એણે આંખો બંધ કરીને નોકરાણીના શબ્દોને ફરી યાદ કર્યા. - કબીર સર નો કોલ આવ્યો હતો. એમણે કહ્યું છે કે તેઓ અડધા કલાકમાં અહીં આવી જશે. 


ઊર્જા પોતાની કિસ્મત પર ખંધુ હસી અને ફરી દરિયા તરફ નજર નાખી. એની ખાલી આંખો ભૂતકાળને વાગોળવા લાગી. 


લગભગ 6 વર્ષ પહેલા, ઊર્જા અને કબીર કોલેજમાં સૌપ્રથમવાર મળ્યા હતા. ઊર્જા ખૂબ જ સુંદર હતી. કબીર તો ઊર્જાની એક ઝલક જોઈને જ એના પ્રેમમાં પડી ગયો હતો. કેટકેટલીય ફિલ્ડિંગ ભરી હતી એણે ઊર્જાને પટાવવા માટે. ત્યારે એના નિસ્વાર્થ પ્રેમ પર ઊર્જા વારી ગઈ હતી. 


ઊર્જા અને કબીર, એટલે કોલેજ નું હોટેસ્ટ કપલ. ઊર્જા અને કબીર ભણવામાં બંને જ હોશિયાર. જોડી પણ ખૂબ સરસ હતી બંનેની, ઘણાંને તો માત્ર જોઈને ઈર્ષ્યા થઇ જતી. ઊર્જા એક અનાથ હતી. તે એક અનાથઃ આશ્રમમાં ઉછરી હતી. કબીરના મમ્મી નહોતા અને એના પપ્પાને ઊર્જાથી કોઈ વાંધો નહોતો. તેથી જયારે તેમનું ભણતર પૂરું થયું, તેઓ તરત જ લગ્નગ્રંથિ થી જોડાઈ ગયા. 


લગ્નબાદ, ઊર્જાએ ઘર સંભાળવાનું પસંદ કર્યું, અને કબીરે એના પપ્પાનો બિઝનેસ જોઈન કરી લીધો. લગ્નના એક વર્ષ પછી, કબીરના પપ્પાને હાર્ટ એટેક આવતા તેઓ મૃત્યુ પામ્યા હતા. ત્યારબાદ પણ બધું સુખેરૂપે જ પસાર થઇ રહ્યું હતું. આ ઘર પણ તેણે અને કબીરે પોતાની પસંદગી મુજબ નવું ખરીદ્યું અને સજાવ્યું હતું.


આ દરિયો તો એમના પ્રેમનો સાક્ષી હતો. કેટકેટલાય સંભારણાં હતા આ દરિયા કિનારેના. કબીરના અઢળક પ્રેમ હેઠળ તો ઉર્જાએ પરિવાર વસાવવાનું સ્વપ્ન સેવ્યું હતું. પોતાના કરિયરને પણ સાઈડ પર રાખી દીધું હતું.


કહેવાયને સુખના દિવસો પસાર થતાં વાર નથી લાગતી. લગ્નના ત્રણ વર્ષ બાદ, શ્રેયા ચૌહાણ, નામનું વાવઝોડું આવ્યું, જે ઊર્જા અને કબીરના પ્રેમરૂપી દરિયા પર ત્રાટક્યું, અને એવી તો ત્સુનામી આવી કે એમનું લગ્નજીવન વિખેરાઈ ગયું. 


થોડા સમય પહેલા જ શ્રેયાએ કબીરની સેક્રેટરી તરીકે જૉબ સ્ટાર્ટ કરી હતી. શ્રેયા દેખાવે ખૂબ જ સુંદર અને પરફેક્ટ બોડી કર્વ્ઝ સાથે તે ખૂબ જ આકર્ષક લાગતી હતી. પોતાની વાકપટૂતાને લીધે તે ટૂંકા સમયમાં આખા ઓફિસની માનીતી થઇ ગઈ હતી. 


શરુ શરૂમાં તો કબીર ઘરે આવીને શ્રેયા વિશે બહુ બધી વાતો કરતો હતો. પરંતુ ઊર્જા ને ક્યારેય એમાં ખોટું નહોતું લાગ્યું. એને તો એના પ્રેમ પર આંધળો વિશ્વાસ જો હતો. કબીર એને ખૂબ જ પ્રેમથી રાખતો અને રાજકુમારીની જેમ લાડ લડાવતો હતો. તો પછી, કબીરના પ્રેમ માટે ઊર્જાને ક્યાંથી શંકા થાય?


આમ જ સમય પસાર થઇ રહ્યો હતો. ધીરે ધીરે શ્રેયા વિશેની વાતો ઓછી થઇ ગઈ. પરંતુ આ બધું ઊર્જાને સામાન્ય લાગતું હતું. એક દિવસ ઊર્જા હોસ્પિટલ ગઈ હતી, રૂટિન ચેક અપ માટે. ત્યાંથી તે એના મિત્રો સાથે મૉલમાં ગઈ હતી. એ મૉલ કબીરની ઓફિસથી ઘણો નજીક હતો. તેને થયું કે ચાલ હું કબીરને ઓફિસમાં મળતી જાવ. એમ પણ ઊર્જાને ઓફિસ આવ્યે ઘણો વખત પણ થઇ ગયો હતો. તો બધાને પણ સાથે સાથે મળી લેશે, એવા વિચારથી એણે ગાડી ઓફિસ તરફ જ લઇ લીધી. 


20 મિનિટમાં તો ઊર્જા કબીરના ઓફિસના પાર્કિંગમાં પહોંચી ગઈ હતી. તે આજે ખૂબ જ ખુશ લગતી હતી. એણે તો કબીર માટે ઘણાં બધા ગીફ્ટ્સ પણ લીધા હતા. 


થોડીવારમાં જ ઊર્જા લિફ્ટમાં દાખલ થઇ. એક બે ઓફિસના સ્ટાફ પણ એણે મળ્યા. બધાએ એનું અભિવાદન કર્યું. તે અગાઉ પણ ઘણીવાર ઓફિસ આવતી હતી, તેથી બધા જ એને ઓળખતા પણ હતા. 


ઊર્જા સાતમાં માળે પહોંચી અને નૉક કર્યા વગર જ કબીરની ચેમ્બરનો દરવાજો ખોલી એ દાખલ થઇ ગઈ. આ દિવસ તેના માટે ખૂબ જ પીડામય હતો. તે તો દરવાજેથી જ ખુશ થઈને બુમ પાડી, "કબીર, મારે તને કંઈ કહેવું છે... હું આજે...”


ઊર્જાની આંખો પહોળી થઇ ગઈ. અચાનક જ ખુશી નું સ્થાન ગુસ્સા અને દુઃખે લઇ લીધું. તેણે તો કેવી રીતે રિએક્ટ કરવું એ જ સમજાતું નહોતું. એની સામેનો નજારો જોઈને તો જાણે એના પગ તળેથી જમીને જ સરકી ગઈ હતી. એની આંખોમાં અંધારા આવી ગયા.


કબીર પોતાની ઓફિસ ચેરમાં બેઠો હતો. એના ખોળામાં એક સુંદર છોકરી હતી. જેને ઊર્જાએ ક્યારેય જોઈ નહોતી. કબીર તે છોકરીને ખૂબ જ પૅશન થી ચૂમી રહ્યો હતો. પણ અચાનક આવેલા ઊર્જાના અવાજથી બંને છુટા પડ્યા. 


"ઊર્જા, તું... તું.... અહીં...” કબીર ફટાફટ ઉભો થયો અને શ્રેયાને પણ ઊભી કરી. શ્રેયાએ પોતાના અસ્તવ્યસ્ત કપડાં સરખા કર્યા અને કબીરની પાછળ માથું નીચું રાખીને ઊભી રહી ગઈ. 


ઊર્જા માટે આ ક્ષણ સહેવાય એવી ના હતી. એણે આગળ વધીને કબીરને એક થપ્પડ મારી દીધી, તેનો અવાજ આખા કેબીનમાં ગુંજી ઉઠ્યો. શ્રેયા તો ધ્રુજી જ ગઈ. તે એક કદમ પાછળ હટી ગઈ. ઊર્જા ગુસ્સામાં શ્રેયા તરફ આગળ વધી અને તેનો હાથ શ્રેયાને મારવા ઊંચકાયો તો ખરો પણ તે અટકી ગઈ.


"જયારે મારો જ સિક્કો ખોટો હોય તો પારકાને શું કહેવું,” ઊર્જા સ્વગત બોલી અને ફટાફટ કેબિનમાંથી બહાર નીકળી ગઈ. ગાડીમાં બેસીને એ ધ્રુસ્કે ધ્રુસ્કે ખૂબ જ રડી. તેને થયું કે તે ગાડી નહીં ચલાવી શકશે, એટલે તે ગાડી ત્યાં જ છોડીને એક ટેક્સીમાં ઘરે આવી ગઈ. 


થોડીવારમાં કબીર પણ ઘરે આવી ગયો. પરંતુ ત્યારસુધીમાં તો ઊર્જાની આંખો રડી રડીને સુજી ગઈ હતી. તે ક્યારની કોરીડોરમાં આજ હીંચકામાં ટૂંટિયું વળીને બેઠી હતી. 


"ઊર્જા...”


ઊર્જા કંઈ ના બોલી શકી. ફરીથી એની ફરિયાદ આંસુ બનીને વહેવા લાગી.


"ઊર્જા, પ્લીઝ, મને માફ કરી દે,” કબીર અચકાતા અવાજે બોલ્યો. ફરી ઊર્જાના આંખોમાંથી આંસુ સરી પડ્યા. 


"ઊર્જા, એ શ્રેયા છે અને તેને હું ખૂબ જ પ્રેમ કરું છું,”કબીરે કહ્યું. ઊર્જાની રહીસહી ઉમ્મીદ પર પણ પાણી ફરી વળ્યું. એણે નિરાશાથી આંખો બંધ કરી દીધી. બંધ આંખોથી પણ એના આંસુ ના રોકાયા. આ શ્રેયા એનું ઘર ભાંગશે એવું તો એણે સ્વપનેય ના વિચાર્યું હતું.


"ઊર્જા, હું તને એના વિશે જણાવવાનો જ હતો. શ્રેયા બહુ જ સારી છે. એ મને સમજે છે, મને પ્રેમ પણ કરે છે, અને હું પણ એને પ્રેમ કરું છું,” કબીરે કહ્યું. ઊર્જાને મનમાં તો ઘણું બધું કહેવાનું મન થતું હતું. પણ હવે કહેવાનું બાકી જ શું રહ્યું હતું?


"ઊર્જા...”


ઊર્જાએ પોતાનો હાથ ઊંચો કરીને એણે આગળ બોલતા રોક્યો. એ પોતાને સંભાળતા ઊભી થઇ. 


"તું કંઈ બોલને, ઊર્જા. મને માફ કરી દે, પણ હું શ્રેયા વગર નહીં રહી શકું, એજ રીતે તારા વગર પણ નહીં રહી શકું,”કબીર ફરી બોલ્યો. 


"કોણ છો તમે?” ઊર્જા રડમસ અવાજે બોલી. તે કબીર તરફ ફરીને એણે આંસુ સાફ કર્યા, "મને છૂટાછેડા જોઈએ છે.” ઊર્જાએ બંને હાથ જોડ્યા. એની આંખો સતત વહી રહી હતી.


"ઊર્જા, આ શું બોલે છે તું? તું ક્યાં જઈશ? હું તને એકલી ના મૂકી શકું,” કબીર આગળ વધ્યો.


"ત્યાં જ રોકાઈ જજો. અહીં જે આવ્યો છે તે શ્રેયાનો કબીર છે. મારો કબીર તો એ જ દિવસે મૃત્યુ પામ્યો જે દિવસે તે શ્રેયાનો થયો," ઊર્જા ગુસ્સામાં બોલી. 


”ના, ના, એવું ના બોલ. હું તને આજે પણ ખૂબ પ્રેમ કરું છું. તારા વગર મારું જીવન અધૂરું જ છે," કબીર ઊર્જાને સમજાવવા શબ્દો શોધી રહ્યો હતો.


”મારે છૂટાછેડા જોઈએ છે," ઊર્જાએ ગંભીરતાથી કહ્યું. અત્યારસુધીમાં તો એ નક્કી કરી ચુકી હતી. એને ઘણીવાર વિચાર આવ્યો કે એ કબીરને એક તક આપે, પોતાના લગ્નજીવનને બચાવવા માટે એક તક આપે. પણ જે રીતે કબીર વાત રજૂ કરી રહ્યો હતો, તેને હવે તેનું જીવન કબીર સાથે અશક્ય લાગી રહ્યું હતું.


”ઊર્જા..."


”મારી વાત સાંભળ, શું આપણે વચગાળાનો રસ્તો કાઢીએ તો..." કબીરે કહ્યું. ઊર્જા ઘૃણાથી તેના તરફ જોઈ રહી.


” એટલે કે હું એમ કહેવા માંગુ છું કે... શું એક પુરુષ એક સાથે બે સ્ત્રીઓને પ્રેમ ન કરી શકે? તે બીજા ઘરમાં રહેશે, હું તમને બંનેને એકસરખું રાખીશ અને ખૂબ પ્રેમ કરીશ." કબીર હિંમત કરીને બોલ્યો. 


ઊર્જાને તો આ માણસ પર હસવું આવી રહ્યું હતું. એની આવી હિંમત પણ કઈ રીતે થઇ? આ તો હદ થઇ ગઈ. તેને મન થઇ રહ્યું હતું કે કબીરને એક થપ્પડ લગાવી દે. પણ તે સમસમીને રહી ગઈ.


" ઊર્જા! હું તો તને અને શ્રેયાને બંનેને ખૂબ જ પ્રેમ કરું છું. તું કેમ મારી લાગણીઓને નથી સમજતી? મારા જીવનમાં તારું જ સ્થાન છે એ શ્રેયા ના લઇ શકે, અને શ્રેયાનું જ સ્થાન છે તે તારા કરતા અલગ છે..." કબીર ફરી તેને સમજાવતાં બોલ્યો. 


કબીર હજી કોઈ બુદ્ધિહીન વાતો કરે, એ પહેલા જ ઊર્જાએ એને હાથ બતાવી રોક્યો, ”મારે છૂટાછેડા જોઈએ છે. બસ."


ઊર્જા ત્યાંથી જતી રહી. ઊર્જાને સમજાઈ ગયું હતું કે કબીર ફક્ત તેને સમાજમાં બતાવવા માટે રાખશે. એ ગમે જે સમજાવે તો પણ શ્રેયાના નામનો ગ્રહ કબીરના મગજમાંથી જાય એવી કોઈ જ શક્યતા નહોતી લાગતી.


કબીરને પણ શ્રેયા સાથે જ રહેવું હતું. તેથી તેણે પણ વધારે માથાકૂટ ના કરી અને ત્યાંથી જતો રહ્યો. ઊર્જા એને જતો જોઈ રહી, એ ખૂબ રડી. આ તેનો કબીર તો નહોતો જ. પણ એ હવે કબીરને બાંધી શકે એમ પણ ન હતી. 


"કબીર, આપણે એકબીજાને આપેલા બધાય વચનો આજે તૂટી ગયા છે. તું એ મારી લાગણીઓને ઠેસ પહોંચાડી છે. હું તને ક્યારેય માફ નહીં કરું,” ઊર્જા રડતાં રડતાં બોલી અને જમીન પર ફ્સડાઈ પડી. 


"મારા પ્રેમનો તો તેં મજાક બનાવી દીધો છે,” ઊર્જાએ આંખો બંધ કરી દીધી.


"એટલો મોટો વિશ્વાસઘાત... કેમ કબીર કેમ?” ઊર્જા ચીસ પાડી ઉઠી, પણ તેને સાંભળનાર કોઈ જ નહોતું.


એનું મન ધૂધવાતું હતું, સતત પડઘાઈ રહ્યું હતું, જે એનો અંતરઆત્મા પોકારી રહ્યો હતો, "આ વિશ્વાસઘાત માટે હું તને ક્યારેય માફ નહીં કરીશ, કબીર. ક્યારેય નહીં."


આ વાતને અઠવાડિયું વીતી ગયું હતું. ના કબીર આવ્યો કે ના એનો ફોન. હવે આજે તે આવે છે એનો મતલબ કે આજે તે લોકો અલગ થઇ જશે. ઊર્જા ફરીથી ખૂબ રડી. પણ એના આંસુઓને સાફ કરનાર કે રડવા માટે ખભો આપનાર કોઈ ના હતું. આ એક અઠવાડિયામાં કબીરના જીવનમાં એનું સ્થાન ક્યાં છે તે સમજાઈ ચૂક્યું હતું.


તે હજી પણ ત્યાં જ બેઠી હતી. કબીર આવીને તેની પાછળ ઉભો રહ્યો. ઊર્જાએ તેનો અનુભવ કર્યો, પણ તો પણ તે ત્યાં જ સ્થિર રહી. 


"ઊર્જા, જેમ તું ઈચ્છે છે, મેં છૂટાછેડા માટે ડોક્યુમેન્ટ્સ બનાવી લીધા છે, તું સહી કરી આપે તો...” એમ કહીને એને કાગળો ઊર્જાની બાજુમાં પેન સાથે મુક્યા.


ઊર્જાએ પણ તરત જ સહી કરી દીધી અને ત્યાં જ પાછા મૂકી દીધા. થોડીવારના મૌન પછી કબીર બોલ્યો, "ઊર્જા, આ ઘર તારા નામ પર કરી દીધું છે. તને દર મહિને રૂપિયા 5 લાખ તારા બેન્ક એકાઉન્ટમાં જમા થઇ જશે, જેથી તને કોઈ તકલીફ નહીં પડે. હું અને શ્રેયા બીજા બંગલામાં શિફ્ટ થઇ રહ્યા છે."


ઊર્જા ચૂપ જ રહી. 


કબીર ફરી બોલ્યો, ”તું હજી વિચારી લે. હું તને છોડવા નથી માંગતો."


”મિસ્ટર કબીર સહાય, જો તમારે મારા કે શ્રેયા માંથી કોઈને પસંદ કરવું પડે તો તમે કોને પસંદ કરશો?" ઊર્જાએ મૌન તોડતા પૂછ્યું.


”ઊર્જા, તમે બંને મારા માટે સરખા જ છો. હું એવું ના કરી શકું..." કબીર બોલ્યો.


”પોતાની જાતને તો સાચું બોલ, કબીર સહાય," ઊર્જા જોરથી હસી.


”તમે છૂટાછેડાના કાગળો લઈને આવ્યા, તેનો મતલબ એ છે કે તમે અમારા માંથી શ્રેયાને પસંદ કરી છે." ઊર્જા હસતાં હસતાં રડી પડી. એણે પોતાનું મોં છુપાવી લીધું. 


કબીર ચુપચાપ ઘર છોડીને ચાલ્યો ગયો. એના મનમાં ઊર્જા માટે દુઃખ હતું, પણ એ શ્રેયાના પ્રેમજાળમાં આંધળો થઇ ગયો હતો. એને ઉર્જાનું દુઃખ કે દર્દ સમજાતું જ ન હતું. 


ઊર્જા ઝડપથી ઊભી થઇ અને પોતાના રૂમમાં ગઈ. થોડો જરૂરી સમાન પેક કર્યો અને તરત જ ઘર બહાર નીકળી ગઈ. એણે એક છેલ્લી વાર ઘર તરફ જોયું, પછી ભરેલી આંખો સાથે એ કૅબમાં બેસી ગઈ. એને પણ ખબર નહોતી કે ક્યાં જવું, પણ એને એના ઈશ્વરમાં શ્રદ્ધા હતી, તે જ લઇ જશે, જ્યાં એનું નસીબ હશે.


******

ત્રણ મહિના પછી...


ઊર્જા નાના બાળકો સાથે રમી રહી હતી. તે દિવસે ઘર છોડ્યા પછી તે સીધી અનાથાશ્રમ આવી હતી. અહીં તેને અનાથ બાળકોની કૅરટેકર નું કામ માંગી લીધું હતું. તેથી જ તો એ એટલા મોટા વિશ્વાશઘાતના ઘાને જીરવી શકી. આ બાળકોના પ્રેમના કારણે તો એ મહા દુઃખ માંથી બહાર આવી હતી. 


થોડીવારમાં એક અન્ય કૅરટેકર એને બોલાવવા આવી, "ઊર્જા, કોઈ તને મળવા આવ્યું છે.”


ઊર્જાના મનમાં ભયનું એક લખલખું પસાર થઇ ગયું. સૌથી પહેલો વિચાર એને કબીરનો આવ્યો હતો. તેણે પોતાના વિચારોને ખંખેરી નાખ્યા અને બાળકોને થોડી સૂચનાઓ આપીને આશ્રમના આગળના ભાગે આવી. 


તેની શંકા સાચી હતી. આશ્રમના સંચાલક શ્રીમતી ગીતા ગોખલે સામે કબીર જ બેઠો હતો. ઊર્જા અહીં જ તો મોટી થઇ હતી. કબીરનો અંદાજ સાચો હતો. ઊર્જા એને જુહુ સ્થિત બંગલામાં ના મળી એટલે એણે સીધું જ આશ્રમ તરફ ગાડી હંકારી હતી.


ગીતાબેન ઊભા થયાં અને ઊર્જાની નજીક આવ્યા. ઊર્જાના ખભે હાથ મુક્યો અને કહ્યું, "જે પણ નિર્ણય લે, તે વિચારીને લેજે. આ આશ્રમ તારા માટે કાયમ જ ખુલ્લો રહેશે.” ઊર્જાએ હકારમાં માથું ધુણાવ્યું. ગીતાબેન કબીર અને ઊર્જાને એકલા છોડીને રૂમની બહાર નીકળી ગયા.


ગીતાબેનને ઊર્જા અને કબીરના સંબંધ વિશે બધી જ માહિતી હતી. પરંતુ આ બંનેની પર્સનલ મેટર હતી, એટલે એ બંને જાતે સુધારે તે જરૂરી હતું.


"ઊર્જા, મને માફ કરી દે, પ્લીઝ,” કબીર ઊર્જાના પગમાં પડ્યો. ઊર્જાના હાવભાવમાં કોઈ ફર્ક ના પડ્યો. 


"ઊર્જા, મારી સાથે વિશ્વાશઘાત થયો છે." કબીર રડી પડ્યો.


”ઊર્જા, શ્રેયા તો પહેલાથી જ તનય નામના છોકરાને પસંદ કરતી હતી. મારી પાસે તો એ ફક્ત રૂપિયા માટે આવી હતી. મેં લીધેલા ઘર માં મેં એને રંગે હાથ પકડી. અને એ પણ ખૂબ જ ગંદી પરિસ્થિતિમાં. મારા જ બેડ પર એ તનય સાથે..." કબીરના ગળે ડૂમો ભરાઈ ગયો. એણે ઊર્જાના પગ પકડી લીધા. ઊર્જાએ પોતાના શરીરને બેલેન્સ રાખવા ટેબલ પકડી લીધું. 


”ઊર્જા, ચાલ ને આપણા ઘરે, મને માફ કરી દે. આપણે ફરી નવી જિંદગી શરુ કરીયે, પ્લીઝ મને એક તક આપ ને..." કબીર ભીખ માંગી રહ્યો હતો. 


ઊર્જા હજી પણ મૌન હતી. એનું મૌન કબીરને અકળાવી રહ્યું હતું. 


”ઊર્જા, કંઈક તો બોલ," કબીરે ઊર્જાને ઢંઢોળી નાખી, પણ હજી એનું મૌન અકબંધ હતું. 


”ઊર્જા, તારે જે સજા આપવી હોય એ આપ, પણ પ્લીઝ ઘરે પાછી આવતી રહે," કબીર એના બંને પગને વળગી પડ્યો.


”ઊર્જા, શ્રેયા તો મારી સાથે લગ્ન નહોતી કરવા ઇચ્છતી. એણે તો બસ લીવ ઈન માં રહેવું હતું. એના જેવી ચરિત્રહીન છોકરી માટે મેં તને દુઃખી કરી. મને પ્લીઝ માફ કરી દે. મારી સાથે પણ વિશ્વાશઘાત જ થયો છે. હવે મને ખબર પડી ગઈ છે. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. હું ફરી વાર એવી ભૂલ નહીં કરું," કબીરે ઊર્જાના ચહેરા તરફ જોયું. પણ ઊર્જાના ચહેરા પર કોઈ જ હાવભાવ સ્પષ્ટ નહોતા. તે સહેજ પણ વિચલિત નહોતી થઇ.


”ઊર્જા, એક ભૂલ તો ભગવાન પણ માફ કરે, તું મને માફ નહીં કરે?" કબીર ખૂબ રડી રહ્યો હતો. ઊર્જા હજી પણ કોઈ ઊંડા વિચારમાં હતી. 


”બસ એકવાર મારી ભૂલ સુધારી લેવા દે, જીવનમાં ક્યારેય તને હર્ટ નહીં કરું," કબીરે કહ્યું. 


ઊર્જાએ કબીર તરફ જોયું. બંનેની આંખો મળી. કબીરને તેની આંખોમાં અલગ જ ચમક દેખાઈ રહી હતી. ઊર્જાના મનમાં ઘણું ચાલી રહ્યું હતું. તેને મન તો થતું હતું કે આ બુદ્ધિહીન માણસને તમાચો મારી દે. બહુ ખરીખોટી સંભળાવે. પણ આ તેના સંસ્કાર નહોતા. 


ઊર્જાએ માથું ધુણાવ્યું. પછી ઊંડો શ્વાસ ભરતા કંઈક એવું બોલી જેની કબીરે કલ્પના પણ નહોતી કરી. એ શબ્દો સાંભળીને કબીરની ઊર્જાના પગ પરની પકડ ઢીલી થઇ ગઈ. એ ફ્સડાઈ પડ્યો અને ઊર્જા ત્યાંથી તરત જ બહાર નીકળી ગઈ. 


એના ચહેરા પર હળવું સ્મિત હતું. તે મનોમન બોલી, "Thank you, શ્રેયા!”


કબીર તો હજી ત્યાં જ હતો. એના હાથ કાન પાસે પહોંચી ગયા હતા. ઊર્જાના શબ્દો એના કાનમાં શૂળની માફક ચૂભી રહ્યા હતા. એણે હજી કાન દબાવ્યા, પણ તોયે ઊર્જાના શબ્દોના પડઘા એના કાને અથડાઈ રહ્યા હતા...


" જો એક પુરુષ એકસાથે બે સ્ત્રીઓને પ્રેમ કરી શકે, તો શું એક સ્ત્રી એકસાથે બે પુરુષોને પ્રેમ ન કરી શકે? તે તમને બંનેને એકસરખું રાખશે અને ખૂબ પ્રેમ કરશે."




*****The End *****





”Rudraja”

(06-01-2025)


લેખિકા તરફ થી....


આપણે સૌનો ખૂબ આભાર. મારી આ રચનાને વાંચવા બદલ. તમારા અભિપ્રાયો આપવાનું ચીકશો નહીં. લેખક માટે તેના વાચકોથી વધુમાં મહત્વનું કંઈ નથી હોતું. આપના અભિપ્રાયો જ આગળ લખવા પ્રેરણા આપે છે. આભાર 🙏