આજ નાનકડી આર્યા અંધારુ થતા થતા તો એકદમ બેચેન દેખાવા લાગી હતી. થોડીવારમાં તો અકળાઈ ઊઠી અને બોલી ઉઠી, મમ્મી સાંભળને આજ ચાંદો કેમ ક્યાંય દેખાતો નથી.નાની આર્યા આકાશમાં ચાંદો શોધતી શોધતી મમ્મીને બૂમો પાડી રહી હતી.
' અરે ,લાગે છે એને પણ તારી જેમ સંતાકુકડી રમવી બહુ ગમતી લાગે છે.તારા પર દાવ ચાલી રહ્યો છે.શોધ ચાંદાને, રોજ તારો આ દોસ્ત તને જલ્દી મળી જાય છે.આજ મળી નથી રહ્યો એટલે ગુસ્સો આવે છે આર્યા?મમ્મી આર્યાને સમજાવી રહ્યા હતા.
હા, એને કહે બહાર આવી જાય, એ જ્યા સુધી બહાર નહી આવે ત્યા સુધી હું જમીશ જ નહીં.આર્યા જરા નારાજ થઈ બોલી રહી હતી.
બેટા, તે ચાંદાને તારો દોસ્ત બનાવ્યો છે.રોજ તો એની સાથે અડધી રાત સુધી વાતો કરતી રહે છે ,તારા આ આકાશીય દોસ્ત સાથે.પણ એ તો એની કળા પ્રમાણે દેખાય .પણ આજ એ તને મળે નહી ત્યા સુધી મારી સાથે વાતો કર. વાદળોના પડદા પાછળ આ તારો દોસ્ત સંતાય ગયો હશે.વાદળનો પડદો ખુલ્લે નહીં ને તારો દોસ્ત બહાર આવે નહીં. પડદો ખુલશે કે તરત દોડીને તારી સામે આવી જશે.પણ આ વાદળનો ગુસ્સો કઈ જમવા પર થોડી રખાય.ચાલ, જમતી જા અને તારી અને તારા દોસ્ત વચ્ચે આ કલાકો ને કલાકો તાકી તાકીને શું જોયા કરતી હોય છે,કહે તો મેન!
અરે મમ્મી, હું તો સાવ ભુલકડી છું, તારી અને મારી જેમ ત્યાં પણ આપણા બન્નેની જેમ મારા દોસ્ત અને તેની મમ્મી સાથે વાતો કરતી હોવ છુ. તે પણ ત્યાંથી એક મોટા બધા ઘરની નાનકડી બારી માંથી મારી સાથે વાતો કરે છૈ અને મને તેની ઘરે બોલાવે છે.રોજ કહે છે આવ..આર્યા.. અહીં આવ...મે કાલ તો પૂછ્યુ તુ પણ ખરુ કે તમારા ઘરે આવવા માટે કઈ ટ્રેન પકડવાની ,તો બન્ને હસવા લાગ્યા તો મે કહ્યુ કે કોઇ બસ...વસ...આવે ..??પછી યાદ આવ્યુ કે હા, આકાશની સફરે તો વિમાનમાં બેસીને જવાનુ કાં?
તો ય કશુ બોલે નહી, બસ, હસે જ રાખતા હતા.મે તો એને ચોખ્ખુ કહી દીધુ, કે જેમ તમે એકલા અને દુર છો એમ અમે પણ એકલા અને તમારાથી ખૂબ દુર છીએ.પપ્પા અમને છોડીને ક્યાંક દૂર જતા રહ્યા છે એવુ મમ્મી કહેતી હતી. .તમારા ગામ સુધી પોચવાની ટીકીટ બહુ મોંધી આવે. એટલા બધા પૈસા નથી મારી મમ્મી પાસે , મને ખબર છે ને.કાલ મમ્મી પાસે ચોકલેટ લેવાના ય પૈસા નહોતા બચ્યા.એટલે હું નહી આવુ.....એટલુ જ કહ્યુ ત્યાં તો એ બન્ને ય રિસાય ગયા.અને રિસાયને ક્યાંક સંતાઈ ગયા છે.
આજ મળતા જ નથી, હું ક્યારની તેને શોધુ છું.નાની આર્યાની આવી કાલી ધેલી વાતો
બેટા, આર્યા એકદિવસ તું પણ તારા આ દુર દેખાતા ધોળા દૂધ જેવા વ્હાલા દોસ્તની ઘરે જઈ શકીશ....બેટા.મમ્મી નાનકડી આર્યાને સમજાવી રહ્યા હતા.
હવે, એ કેવી રીતે જવાશે ?મમ્મી એ પણ કહી દે.આર્યાની જાણવાની જીજ્ઞાસા વધી.તેના અવાજમાં સાફ મહૂસુસ થતુ હતુ.
અરે, વ્હાલી તારી પાંખોથી.....ઢીંગલી....મમ્મી પણ હોશ પૂવૅક તેની દિકરીને સમજાવી રહી હતી.
મારી, મમ્મી તને ખબર તો છે ને કે હું તારી દિકરી છુ, કાંઈ ચકલી થોડી છું!!
દિકરી, જ્યારે તારી આંખોમાં આ કલ્પનાઓની પાંખો ફૂટશે ને મોટી થશેને બેટા, તું ત્યારે તારા આ દોસ્તના શહેર, ગામ, ઘર બઘેજ પહોંચી શકીશ. અત્યારે એ ય રાહ જોશે અને તું ય રાહ જો તેના ઘર જવાની....
નાનકડી આર્યા તો આ વાત સાંભળી.... ચાંદા સાથે વાતો કરતી કરતી ક્યારે ઊંઘી ગઈ, ખબર જ ન પડી...
હીના રામકબીર હરીયાણી