Kumbh Mela experience in Gujarati Travel stories by SUNIL ANJARIA books and stories PDF | કુંભમેળાનો અનુભવ

Featured Books
Categories
Share

કુંભમેળાનો અનુભવ

કુંભ મેળાની મુલાકાત

હું  પોતે કુંભ મેળામાં જઈ શક્યો નથી પણ આ અનુભવ મારા ભાઈ તુષાર અંજારિયાનો અહીં વર્ણવું છું. લગભગ એના જ શબ્દોમાં.

“અમે 13 તારીખની ફલાઇટમાં અમદાવાદ થી પ્રયાગરાજ ગયા. આમ તો અનેક રસ્તાઓ હતા પણ એસ.ટી. ની ડાયરેક્ટ વોલ્વોમાં બુકિંગ ન મળે, ટ્રેનો ફુલ. સીધી  હોટેલ બુક કરવા જઈએ તો હોટેલો પણ બેફામ ભાડાં ક્વોટ કરે.

મેં મેક માય ટ્રિપ દ્વારા  ફ્લાઇટ ઉપરાંત ત્યાં ટેન્ટ  સિટીમાં પણ બુકિંગ અને ત્યાંથી મારી રીતે અયોધ્યા જઈ ત્યાંથી અમદાવાદ રિટર્ન ફ્લાઈટ બુક કરેલી. 15 દિવસ અગાઉ એક વખતનું 40,000 ભાડું હતું જે આખરે એક તરફી 20,000 પ્રયાગરાજ જવા અને લગભગ એટલું જ અયોધ્યાથી અમદાવાદ નું હતું તેમાં ટિકિટ મળી ગઈ.

પ્રયાગરાજ નજીક આવતાં જ ઉપરથી જ  ગંગા નદીના વિશાળ  પટ પર સફેદ  મર્કયુરી લાઈટો થી ઝગમગતી કુંભમેળાની સાઇટ દેખાઈ. માનવ મહેરામણ પણ ખૂબ હતો એ ઉપરથી જ જોઈ શક્યા.

આશરે 25 કિમી ચાલવું પડશે એમ ત્યાં વ્યવસ્થા સંભાળતા પોલીસો અને સ્વયંસેવકો દ્વારા જાણ્યું.

એરપોર્ટ ઉતરીને અન્ય  લોકોને તો ટેક્સી  મળે જ નહીં.  સદભાગ્યે મેં આ ટ્રાવેલ કંપની દ્વારા કરેલી એ મળી જે ટેન્ટ સિટી સુધી લઈ ગઈ પણ ટેન્ટ સોટીઓ પણ અનેક સેક્ટરમાં હતાં. ટેક્સીવાળો પણ ચકરાઈ ગયો. ભીડ ચીરતો, પોલીસ રોકે ત્યાં રોકાતો, જગ્યા મળે ત્યાંથી પ્રયાગરાજની શેરીઓમાંથી કાઢતો મારા નંબર વાળાં ટેન્ટ સિટી પર મૂકી ગયો.

દરેક ટેન્ટ સિટી બહાર મોટા ગેટ હતા જેના ઉપર ગાઇડ કરતા નંબરો હતા.

મારે તો  ડોરમીટરીમાં એક બેડ હતો, એક રાત પૂરતો.  એક બેડ ના ત્યાં 5000 રૂ. હતા. એક ટેન્ટ માં આવા છ બેડ હતા. હું મધરાતે પહોંચી  ગયો અને લાંબો થઈ ગયો.

મધરાતે પણ ટેન્ટ સિટીમાં અને કુંભમેળાની વચ્ચે કરેલા નાના મોટા રસ્તાઓ પર ઝગમગતી, એકદમ પ્રકાશિત લાઈટો હતી.

સામે પિલ્લરો અને પીપ પર મજબૂત પાટિયાં મૂકી બનાવેલા   પોન્ટુન બ્રિજ પરથી ગંગા નદીના એક થી બીજે છેડે જતો પ્રવાહ ચાલુ ને ચાલુ હતો.

પોલીસોની વ્યવસ્થા ખૂબ કડક અને ખૂબ સારી હતી. ભીડનું નિયંત્રણ કલ્પનામાં ન આવે એટલું પરફેક્ટ હતું. તેઓ બધા જ પૂરતા વિનયી હતા. જોઈએ એને ટૂંકમાં સાચી સલાહ પણ આપતા હતા.

વહેલી સવારે મેક માય ટ્રિપ દ્વારા જ મેં ગાઇડ બુક કરવા કહેલું એ પ્રયાગરાજ નો જ કોઈ યુવાન બાઇક લઈને આવ્યો. 

આ ટેન્ટ સિટી માં જ અનેક જાણીતાં મંદિરોની પ્રતિકૃતિ હતી. ઉપરાંત નાનાં મંદિરો હતાં જ્યાં સવાર સાંજ આરતી પણ થતી હતી, શંખનાદ અને નગારાં પણ એ વખતે વાગતાં હતાં.

નદીના અનેક ઘાટો પર નહાવાની સારી વ્યવસ્થા હતી.  કપડાં બદલવા પણ એક ખૂણે લોકો  બે વાંસ  વચ્ચે સત્તાવાળાઓ એ બાંધેલ એક કપડાની આડશ લઈ બદલી લેતા જોયા.

નદીના રેતાળ પટમાં જ ટેન્ટ બનાવ્યા છે. 

આ ટેન્ટ સિટીમાં પાછળ ગંગા નદી વહેતી હતી  ત્યાં કૃત્રિમ ઘાટ બનાવ્યા છે. ત્યાં NDRF ના જવાન પણ હોય છે. ભીડ વગરના સ્વચ્છ જળમાં ટેન્ટ સિટીમાં રહેતા લોકો  - મોટા ભાગના NRIs શાંતિથી સુરક્ષિત રીતે સ્નાન કરી શકે છે. મેં પણ એ ટેન્ટ લસીટોની અંદરના કૃત્રિમ ઘાટમાં એકત્રિત એકદમ સ્વચ્છ ગંગાજળમાં સ્નાન કરી ડૂબકી લગાવી લીધી.

જે VIP લોકો, એક્ટરો  વગેરેની ગંગા સ્નાન કરતી સેલ્ફીઓ આવે છે એ બધા લગભગ આ ટેન્ટ સીટીઓમાં જ બનાવેલા ઘાટમાં કેડ સમાણા પાણીમાં ઊભી માથે પાણી રેડી ફોટા પડાવતા હોય છે.

કદાચ કુતૂહલ ખાતર જ, ઘણા વિદેશીઓ પણ આવેલા.

મારો ગાઇડ  મને આખું કુંભ મેળાનું સ્થળ બતાવવા ભીડ વચ્ચે થઈ લઈ ગયો. 

વિદેશી હોય કે ભારતીય, અહીં નગ્નતાનું પ્રદર્શન નહાવા પડતી વખતે પણ થવા દેવામાં આવતું ન હતું. લગભગ બધા પીળાં કે કેસરી વસ્ત્રમાં જ સ્નાન કરતા કે ફરતા હતા. પૂરતી મર્યાદા જાળવવામાં આવતી હતી, જળવાવવામાં આવતી હતી.

અમુક અખાડાઓ એટલે સાધુઓ માટેનાં ટેન્ટ સિટી જોયાં.  સામાન્ય ભાવિકોની ભીડ તો ત્યાં પણ હતી. કોઈ કોઈ મંદિરે દર્શન કર્યાં.

મારા ગાઇડનાં માતા પિતા કલ્પવાસમાં હતાં. કલ્પવાસ એટલે ત્યાં જ રહેવાનું, ભૂમિ પર જ સૂવાનું, ત્યાં જ એક ટાઈમ જ ખાવાનું. પૂરો સંયમ. તેમના ટેન્ટમાં પૂજા કરી શકાય એવું ઘર મંદિર, રસોઈ માટેના સાધનો વગેરે હતું. જમીન પર ઘાસ નું સ્તર પાથરીને  ઉપર જાડી શેતરંજી જેવી ફ્લોર કરેલી એટલે એકદમ ઠંડુ ન લાગે. કલ્પવાસીઓ કડકડતી ઠંડીમાં બ્રહ્મ મુહૂર્તમાં ઊઠીને ડૂબકી મારી સ્નાન કરે.

એમણે મને એક વસાણા વાળી લાડુડી આપી અને હું ત્યાં ઘર મંદિરમાં પગે લાગ્યો અને દક્ષિણા આપી  તો તેમણે એક નાડાછડી પણ બાંધીને આશીર્વાદ આપ્યા.

એ કલ્પવાસીઓનું વળી અલગ ટેન્ટ સિટી હતું.

અમારા બધા ટેન્ટ, જેમાં અમુકનું તો એક રાતનું 45000 ભાડું હતું તેમાં પણ ફ્લોર આ રીતે  ઉપર કહ્યું તેમ ઘાસની હતી.

ઠંડી તો હતી, પાણી ઠંડું પણ હતું પણ ખૂબ લાઈટો અને ખીચોખીચ માણસો વચ્ચે ઠંડી લાગતી ન હતી.

ભંડારાઓમાં પૂરી શાક  વગેરે અને અન્ય જમવાનું ફ્રી માં હોંશે હોંશે આપતા હતા. ઉપરાંત ત્યાં જ શાકાહારી રેસ્ટોરાં પણ હતાં.

જે કુટુંબીઓ આવી શક્યાં ન હતાં તેમને માટે ગંગાજળ લઈ જવા ટેન્ટ ની દુકાનોમાં પૂછ્યું તો 100 ml ના પણ 30 થી 50 રૂ. હતા.  હું બહાર  કુંભમેળામાં જ મુખ્ય રસ્તે ગયો ત્યાં એક દુકાન પૂજાપો વેંચતી હતી ત્યાં ગંગાજળ માગ્યું. સાથે લઈ જવું છે એમ કહ્યું. તેમણે એક પ્લાસ્ટીકનો 5 લીટરનો કેરબો જ આપી દીધો અને કહે અમે તો ગંગાકિનારા વાસી. અમારાથી તમારી પાસેથી ગંગાજળ ના પૈસા  ન લેવાય!

ભીડનું નિયંત્રણ એ હદે હતું કે એક  મોટો બેચ   બીજે રસ્તેથી બહાર નીકળે પછી જ બેરીકેડ ખસેડી પોલીસ નવા બેચને જવા દે. પાર્કિંગ લગભગ બધો વખત ફુલ રહેતું અને દૂર પણ હતું છતાં દરેક વાહનની કયાંક ને ક્યાંક જગ્યા થઈ જતી હતી.

બીજે દિવસે અયોધ્યા જવા એટલિસ્ટ ટેન્ટ સીટીની બહાર નીકળવા કોઈ વાહન ન મળે. વાહનો માટે રસ્તાઓ બંધ, ટેન્ટ સિટીમાં પ્રવેશ બંધ હતો. ગાઇડ બહાર મૂકી ગયો અને મેં ટેક્સીઓ જે મેક માય ટ્રીપ દ્વારા બુક કરાવેલ એને બોલાવવા ફોન કર્યા. કોઈ તૈયાર ન થાય. કહે ટ્રાફિક જામ દરેક  હાઈવે ના રસ્તે એટલો છે કે સત્તાવાળાઓ જ અમુક અમુક વખતે એક મોટો બેચ ક્લિયર થાય પછી જ બીજો આગળ જવા દે છે. સામાન્ય રીતે અયોધ્યા જતાં અઢી ત્રણ કલાક લાગે એના બાર કલાક ઉપર જાય તો કહેવાય નહીં.

કોઈ ટેક્સી ન મળતાં મેં મારા ગાઈડને ફોન કર્યો. એ ગમે તેમ કરીને આવ્યો અને મને ત્યાં પ્રયાગરાજ નજીકના કોઈ બસ સ્ટેન્ડ પર પ્રાઇવેટ બસમાં બેસાડી ગયો. 

બસવાળા કહે અમે કોઈ ગેરંટી ન આપીએ, ત્રણ કલાક પણ થાય ને બાર પણ. એ ગામડાઓ અને ખેતરોમાંથી થઈ બસ લઈ ગયો. રસ્તે દેહાતીઓ બસના લોકોને સામેથી પાણી, ચા વગેરે આપતા હતા અને ક્લિયર રસ્તો બતાવતા હતા. આખરે ઉબડખાબડ  અંતરિયાળ રસ્તાઓ પર થઈ 10 કલાકે અયોધ્યા 165 કિમી પહોંચી ગયો.

રાત્રે હોટલમાં 12 વાગે સૂઈ સવારે 4.30 વાગે ઉઠી  લાઇનમાં પાંચ વાગે ઊભો અને ખૂબ જ સારી વ્યવસ્થાને કારણે અકલ્પ્ય ભીડમાં પણ સવા છ સાડા છ સુધીમાં  દર્શન કરી બહાર આવી પણ ગયો.

ફ્લાઇટ બપોરે હતી એટલે હનુમાનગઢી જઈ ઊભો પણ ત્યાં કશું લાઇન જેવું નહીં અને ભયંકર અવ્યવસ્થા હતી. નવેક વાગ્યા અને લાગ્યું કે ફ્લાઇટ ચૂકી જઈશ એટલે નીકળી ગયો. એરપોર્ટ જવા પણ કશું મળે નહીં. એરપોર્ટ પંદર વીસ કિમી દૂર હતું. ત્યાં હોટલે બીજો ગાઇડ કરી આપ્યો. એ સમય છે કહી નજીકમાં ભરતપુર લઈ ગયો જ્યાંથી રામના વનવાસ દરમ્યાન ભરતે રાજ ચલાવેલું.

એ જ એમ કોઈ ગામડાં માંથી થતો અયોધ્યાની બહાર થઈ એરપોર્ટ મૂકી ગયો.

લોકો માત્ર અમે દર્શન કર્યાં એમ જ કહે છે પણ કેવી રીતે પહોંચ્યાં,  કેટલા કલાક જામ માં રસ્તે ફસાયાં, કેવી તકલીફો પડી એ બધું અધ્યાહાર રાખે છે. સેલ્ફી પણ કાં તો મેં કહ્યું એમ ટેન્ટસિટીમાં કુંડ બનાવ્યો હોય ત્યાં  કેડ સમાણા પાણીમાં ઉભી લીધી હોય. સ્નાનના ફોટા  મૂકે પણ આજુબાજુ કેવુંક ક્રાઉડ હતું એ ન બતાવે.

હા. લોકો ગમે તે કહે, બધે પાણી ચોખ્ખું, ટ્રીટ કરેલું આવતું હતું. કોઈ કહે જે કક્ષાનું ચોખ્ખું પાણી અણુમથક માટે જોઈએ એ કક્ષાનું ટ્રીટ કરી આપવામાં આવતું હતું.

પોલીસ અને વ્યવસ્થા જાળવતી મશીનરીનું કામ અને કો ઓર્ડિનેશન આપણે કલ્પના ન કરી શકીએ એ હદે માઇક્રો લેવલનું પરફેક્ટ હતું. આટલી મોટી સંખ્યામાં રોજ લોકો આવે છે છતાં પ્રયાગરાજમાં ક્યાંય ગંદકી કે દુર્ગંધ નથી. પોલીસ કર્મચારીઓ, સફાઈ કર્મચારીઓ, સમગ્ર તંત્રને અને સૌના વડા યોગીજીને સંપૂર્ણ જશ આપવો જ પડે

તો આ મારો કુંભ મેળાનો અનુભવ.

સહુને હર હર મહાદેવ.”