ઈસુની સદીની શરૂઆતના પાંચસો વર્ષો પૂર્વે, પ્રભાસની પાવન ભૂમિ પર સુર્યને પણ પડકાર કરતો હોય એવો તેજસ્વી ચહેરો ધરાવતા છતાં સૌમ્ય સ્વભાવના એવા એક ઋષિ એક ગામથી બીજે ગામ વિચરણ કરતા હતા.
તેજસ્વી શરીર પર અંગ ઢંકાય એટલા નામ માત્રાના વસ્ત્રો રહેતા હતા અને વસ્ત્રની ખેસ ને એક છેડે બાંધેલા એક ખરલ અને દસ્તો રહેતા. ઋષિના હાથમાં એક ઝોળી રહેતી જેમાં તેઓ માર્ગમાં આવતા ખાલી પડેલા ખેતરો, કે જેમની તમામ ઉપજ ખેડૂતો ઘરે લઈ ગયા હોય અને માત્ર થોડા દાણા પડ્યા હોય, તે દાણાઓ વીણીને ભરતાં અને તેનો ખોરાક તરીકે ઉપયોગ કરતા. ઋષિ ભિક્ષા ન માંગતા અને આમ વીણેલા દાણા પર નભતા, અનેક લોકોએ તેમને ખેતરમાંથી કણ વીણતા જોયેલા હોવાથી લોકો તેમને કણાદના નામથી ઓળખતા. કણાદ ઋષિ તેમને અનુકૂળ આવે તેવી જગ્યાએ થોડો સમય રોકાતા. જ્યાં રોકાયા હોય એ વિસ્તારના પદાર્થો અને વનસ્પતિઓ પર પરીક્ષણ કરતા અને સંધ્યાકાળે ધ્યાનમગ્ન થઈ જે કંઈ નવું શીખ્યું હોય તેને આત્મસાત કરતા.
એક વખત ફરતા ફરતા આ ઋષિ પ્રભાસ ક્ષેત્રથી દૂરના એક નગરમાં પહોંચી ગયા. ત્યાંના લોકોએ આ ઋષિને જોયા, તેમની કણ વીણવાની પ્રવૃતિ અને તેમની દિનચર્યા પણ જોઈ. વળી આ ઋષિ નગરમાં ક્યારેય માંગવા ન આવતા અને કણ પર નિર્ભર રહી પોતાની સાધનામાં લીન રહેતા એ પણ નોંધ્યું. નગરજનોને ઋષિની આવી વર્તણૂક વિચિત્ર લાગી. ચોરે , હાટે અને ઓટલે આ ઋષિની વાતો થવા લાગી અને એમ કરતાં કરતાં એ વાત નગરના રાજાને કાને પણ આવી.
રાજાએ વિચાર્યું ઋષિ કોઈ ગરીબ સાધક હશે અને અજાચક હશે. એટલે જ કદાચ માંગવા નથી આવતા. વળી, હમેંશા સાધનામાં લીન રહેતા આ ઋષિને મારે રાજવી થઈને કંઇક મદદ કરવી જોઈએ. રાજાએ પોતાના અનુચરોને સુવર્ણમુદ્રાઓ સાથે એ ઋષિને ભેટ આપવા મોકલ્યા.
અનુસરોએ આવી, સુવર્ણમુદ્રાઓ ઋષિના ચરણમાં મૂકી કહ્યું:
'નગરના રાજાએ આપના માટે ભેટ મોકલી છે.'
પોતાની સાધનામાં લીન કણાદ ઋષિએ સુવર્ણ મુદ્રાઓ તરફ જોયું પણ નહી અને અનુસરો તરફ ક્ષણિક દૃષ્ટિપાત કરી કહ્યું:
'રાજન ને કહેજો કોઈક ગરીબને ભેટ આપી દે મારે તેની જરૂર નથી.'
અનુસરોએ રાજા પાસે આવી જે બન્યું હતું તે કહ્યું.
સંપત્તિનું અભિમાન, સમાજિક દંભ અને દેખાડા કરવાની સામાજિક અગ્રણીઓની મનોવૃત્તિ, પુરાતનકાળથી વર્તમાનકાળ સુધી સાતત્યપૂર્ણ રીતે અવતરિત ચાલી આવી છે અને કદાચ દરેક યુગપરીવર્તને પણ પુનરાવર્તિત થતી જ રહેશે કેમ કે કાળ માત્ર બદલાય છે, મનોવૃત્તિ નહી! આ મનોવૃત્તિ અહંકારી હોય અને સમાજને નિમ્ન, ઉચ્ચ, સર્વોચ્ય એવા વર્ગમાં વિભાજિત કરતી હોય એવી સમજણ અગ્રણીઓમાં હોતી નથી. કેમ કે વૃત્તિ જ અહંકારી છે! હું કંઇક વિશેષ છું અને વિશેષ કરું!
આવી જ કોઈક મનોવૃતિથી પ્રેરાઈને એ રાજવીએ વિચાર્યું કે મારા જેવા રાજવી પાસેથી એ ઋષિને વધારે ધનની અપેક્ષા હશે અને મેં મોકલેલી સુવર્ણ મુદ્રાઓ કવચિત્ એ ઋષિને મારા દરજ્જા કરતા ઓછી જણાઈ હશે.
રાજાએ અનુચારોને ફરી ઋષિ પાસે પહેલા કરતા બમણી સુવર્ણમુદ્રાઓ સાથે ભેટ આપવા મોકલ્યા પણ ફરીવાર પણ ઋષિએ એ જ કહ્યું.
'રાજન ને કહો કોઈ ગરીબોને દાન આપી દે. મારે તેની કોઈ જરૂર નથી'
જ્યારે અનુસરોએ વિલે મોએ આવીને રાજાને વાત કરી ત્યારે એ રાજવીની અહંકારી મનોવૃત્તિ ઉછળી ઉઠી. રાજવીએ નિર્ણય કર્યો કે હવે તે પોતે જ મોટા રસાલા સાથે ચારગણી સુવર્ણમુદ્રાઓ સાથે જઈ એ ઋષિનું સન્માન કરશે અને જગતમાં મહાદાનીનું પદ પામશે. રાજન પોતાના નિર્ણયને અનુસરીને મોટા રસાલા સાથે ગયો.
ઋષિએ સન્માન પૂર્વક રાજાને તેમજ તેમના રસાલાને આવકાર્યો પણ જ્યારે રાજાએ સુવર્ણ મુદ્રાઓ ઋષિના ચરણે ધરી ત્યારે ઋષિએ ફરી વિનમ્રભાવે એ જ કહ્યું;
'રાજન આ સુવર્ણમુદ્રાઓ કોઈક ગરીબોને દાનમાં આપી તેમની દીનતા દૂર કરો. મારે એ કશી જ ખપની નથી'
રાજાને તો ઋષિના વસ્ત્રો અને કણ કણ એકઠા કરી બનાવેલો ખોરાક જોઈ થયું કે આ ઋષીથી મોટા ગરીબ તો બીજા કોણ હશે!
અનેક આગ્રહો છતાં ઋષિએ જ્યારે સુવર્ણમુદ્રાઓ ન સ્વીકારી ત્યારે પોતાના અહંકારની ઘવાયેલી લાગણીઓ લઈ, રાજન પોતાના મહેલે, વિલા મોએ પાછો ફર્યો.
રાત્રે રાણીને વાત કરી, રાણી સમજુ હતી અને કણાદ ઋષિ વિશે જાણતી હતી એટલે એમણે રાજનને કહ્યું;
'તમે જે ઋષિની વાત કરો છો એ પ્રભાસ ક્ષેત્રના કણાદ ઋષિ છે. તેઓ જ્યારે નાના હતા ત્યારથી જ જ્ઞાન પીપાસુ હતા. શુભપ્રસંગે રસ્તા પર વેરેલા ચોખાને કીડી મંકોડા જેવા નાના જંતુઓ આરોગતા તેમનું આ ઋષિ અવલોકન કરતાં. નાના જંતુઓની આ ઉદ્યમી પ્રવૃત્તિથી પ્રેરાઈને તેઓ આજાચક તો બન્યા જ સાથે અનાજનો એક કણ માત્ર પણ સૂક્ષ્મ જીવની ભૂખ સંતોષી શકે એ બાબત પરથી તેઓએ કણની સંકલ્પના પણ સ્પષ્ટ કરી. તેમણે વૈશેષિક સૂત્ર નામના ગ્રંથની રચના પણ કરી છે અને રસાયણશાસ્ત્ર તથા તત્વજ્ઞાનના પ્રખર વિદ્વાન પણ છે. આપ રાજન તેમની પાસેથી કંઇક મેળવવા જ ઈચ્છતા હોવ તો જ્ઞાન પિપાસુ બની તેમની પાસે પાછા જાઓ અને તેમના પગ પકડી લો'
બીજે દિવસે ઊઠીને ઉઘડેલી આંખવાળો એ રાજન પગપાળા જ ઋષિની ફૂટીરે ગયો અને સીધો જ ઋષિના ચરણોમાં ઢળી પડ્યો અને ઋષિને પ્રાર્થના કરી કહ્યું;
'હે મહર્ષિ મેં આપને ગરીબ ઋષિ સમજી આપની મહતાનું અવમૂલ્યન કર્યું એ બદલ ક્ષમા પ્રાર્થું છું. મને ક્ષમા આપી આપ મને શિષ્ય તરીકે અપનાવો એ જ વિનંતી.'
કણાદ ઋષિ હસ્યા અને કહ્યું;
'મારી પાસે કોઈ સુવિધા ન હતી છતાં હું તારા દ્વારે માંગવા ન આવ્યો પણ તારી પાસે તમામ સુવિધાઓ હોવા છતાં પણ તું આજે મારા ચરણોમાં પડી યાચના કરે છે'
યાચક કોણ?
રાજા નિરુત્તર રહ્યો ત્યારે ફરી ઋષિ બોલ્યા;
' બસ જ્ઞાનની આ જ તો મહત્તા છે! વળી, તમામ સુવિધાઓ હોવા છતાં જ્ઞાનની યાચના કરનાર એ સાચો જ્ઞાન પિપાસું ગણાય એટલે હું તમારો શિષ્ય તરીકે સ્વીકાર કરું છું.'
ઋષિએ પોતાનો વાત્સલ્યસભર હાથ એ રાજનના માથા પર મૂકી તેમને વૈશેષિક સૂત્રની તમામ શિક્ષા આપી.