Dharma Etle Shu? in Gujarati Spiritual Stories by Dada Bhagwan books and stories PDF | ધર્મ એટલે શું? ધર્મની વ્યાખ્યા શું?

Featured Books
Categories
Share

ધર્મ એટલે શું? ધર્મની વ્યાખ્યા શું?

જે ધ્યેય સુધી પહોંચાડે તે ધર્મ!

કેટલાક લોકો માને છે કે મંદિરમાં ભગવાનની મૂર્તિ સામે બેસીને મંત્ર, જાપ અને ધાર્મિક ક્રિયાઓ કરવી તે ધર્મ છે. પરંતુ સાચા અર્થમાં શું તેને ધર્મ કહેવાય? ધાર્મિક ક્રિયાઓ કરીએ અને સાથે એકાગ્રતા થાય તેવા સાધનો સેવીએ, તેનાથી અંતઃકરણ એક જગ્યાએ સ્થિર થાય છે. પરંતુ એટલાથી આપણો મનુષ્ય તરીકેનો ધ્યેય સાકાર નથી થતો.
વાસ્તવિકતામાં આપણા ધ્યેયને પહોંચવું તેનું નામ ધર્મ છે. ધર્મનું આચરણ કરવાનો હેતુ એટલો જ છે કે આપણે મનુષ્ય તરીકેના આપણા ધ્યેય તરફ પ્રગતિ સાધી શકીએ. મનુષ્યજીવનનો આપણો ધ્યેય શું હોવો જોઈએ? લોકો આખો દિવસ પૈસા કમાવા પાછળ, સુખના સાધનો મેળવવા પાછળ દોડધામ કરી મૂકે છે. ખાઈ-પી ને મોજ કરવી અને પછી આખો દિવસ ચિંતામાં જીવન ગાળવું એ મનુષ્યના જીવનનો ધ્યેય કઈ રીતે કહેવાય? મહામુશ્કેલીથી જે મનુષ્યનો દેહ મળ્યો, તે એળે જાય એનો શો અર્થ સર્યો? એટલે મનુષ્ય તરીકે જન્મ થયો તો આપણા જીવનનો એક ધ્યેય નક્કી કરવો જોઈએ.
પોતાને જે ગમે તે બીજાને આપવું એનું નામ માનવધર્મ છે. જો આપણને સંસારના સુખો, ભૌતિક સુખો જોઈતા હોય તો પોતાની પાસે જે કંઈ છે, તે લોકોને આપવું. લોકોને કંઈ પણ સુખ આપીએ તો આપણે સુખ મેળવવાની આશા રાખી શકીએ. બીજાને સુખ આપીશું તો આપણને સુખ મળશે અને બીજાને દુઃખ આપીશું તો આપણને દુઃખ મળશે. આ એક જ વાક્યમાં જગતના તમામ ધર્મોનો સાર આવી જાય છે.
ધર્મમાં અશુભ એટલે કે ખરાબ છોડતા જવાનું અને શુભ એટલે કે સારું પકડતા જવાનું. આજકાલ સંસારમાં ધર્મની કે પાપ-પુણ્યની તો વાત જ નથી થતી. ઊલટું, કેમ કરીને વધારે પૈસા કમાવા?, કેમ કરીને વધારે મોજમજા કરવી? ખાવું, પીવું, હરવું, ફરવું એમાં જ લોકો ખૂંપેલા રહે છે. સંસારમાં અધોગતિના કર્મો સતત બંધાઈ રહ્યાં હોય, પછી ભાન થાય કે આપણે આ જ કર્મો ભોગવવા પડશે ત્યારે મનુષ્ય ધર્મનો આશરો લે છે. બીજાને દુઃખ આપીશ તો મારે દુઃખ ભોગવવા પડશે અને સુખ આપીશ તો સુખ મળશે એ સમજણથી ધર્મની શરૂઆત થાય છે. દયા એ ધર્મનું મૂળ છે. કોઈને દુઃખ થતું હોય ત્યારે એને જોઈને લાગણી થાય કે, “અરેરે! કોઈને આવું દુઃખ ના થાય, કેમ કરીને સુખ થાય!” એ ધર્મમાં આગળ વધ્યા કહેવાય.
ઓબ્લાઈઝિંગ નેચર (પરોપકારી સ્વભાવ) રાખવો એ સાચો ધર્મ છે. પરોપકાર એટલે પારકાં માટે જાય ઘસી નાખવી. ઘરડાં માતા-પિતાની સેવા કરવી, ગરીબોને મદદ કરવી, કોઈ બીમાર વ્યક્તિ માટે દવાની વ્યવસ્થા કરવી વગેરેથી પરોપકારની શરૂઆત થાય છે. પોતાની જાત માટે વાપરવાને બદલે બીજા માટે વાપરવું એમાં પરોપકાર સમાયો છે. આગળ વધીને પોતાને ગમે તેવી અડચણ પડે, સામો દુઃખ આપે તો પણ પોતે સામાને દુઃખ ના આપે એ મનુષ્યનું આગળનું ડેવલપમેન્ટ છે. સામાન્ય રીતે પોતાના માટે, કે કુટુંબની બે-ચાર વ્યક્તિઓ માટે તો આપણે ઘસાઈ છૂટીએ છીએ. પણ જે આપણા સગાં નથી, તેમના માટે જાત ઘસી નાખવી એ પરોપકાર છે. ઘણી વખત, આપણે ઉપકાર કરીએ અને સામો અપકાર કરે તો આપણે પરોપકાર કરવામાં પાછીપાની કરીએ છીએ. પણ સામો શું કરે છે તે આપણે જોવું નહીં. બીજાને દુઃખ આપવામાં આપણને સુખ થતું હોય તે તો જંગલીપણું કહેવાય. બીજાને તો દુઃખ થાય જ છે, પણ એમ કરવામાં પોતાને માટે પણ દુઃખને આમંત્રણ આપીએ છીએ.
બીજાને સુખ આપવા માટે ફક્ત પૈસા ખર્ચીને દાન-પુણ્ય કરવા એ જરૂરી નથી. પોતાને જે અનૂકુળ આવે તે બીજાને આપવું. પૈસા ન હોય તો કોઈને માટે વધારાનો ધક્કો ખાઈ નાખવો, કોઈને ગૂંચવાડામાં જરૂર પડ્યે સાચી સલાહ આપીને મૂંઝવણ દૂર કરવી વગેરે અન્ય માધ્યમોથી પણ પરોપકાર થઈ શકે એમ છે. આવા ધર્મનું પાલન કરે તેના બાય પ્રોડક્શનમાં સંસારમાં સુખ, શાંતિ, સંપત્તિ, વૈભવ બધું મળે.