20. વહેંચીને ખાઈએ
ડિસેમ્બર 1979. અમરેલીનું નાગનાથ મંદિર. બેસતા પોષ મહિનાની કડકડતી ઠંડી.
સ્વામી અદ્યાત્મઆનંદ યોગ શિબિર ચલાવી રહ્યા છે. હું એ વખતે 23 વર્ષનો યુવાન. નોકરી નવી, નવું શીખવાની ધગશ પણ એવી. હું યોગની એ શિબિરમાં જોડાયેલો. એ વખતે યોગ મારે માટે નવી વસ્તુ હતી. મારી સાથે એ શિબિરમાં જોડાયેલા લગભગ બધા માટે.
શિબિરનો સવારે સાડાપાંચનો સમય હતો. આવી કડકડતી ઠંડીમાં કોઈ સાડા સાત આઠ પહેલાં ગોદડાં માંથી ન ઊઠે એ અમે સહુ યોગ શીખવા એ શિબિરમાં સાડા પાંચે પહોંચી ગયેલા. સ્વામી. અધ્યાત્મ આનંદ યોગ આઈએસ ની તાલીમ લેતા યુવાન અધિકારીઓને શીખવી ચૂકેલા અને અમને કહેવાયેલું કે યોગાસનો શીખવા એમનાથી સારું કોઈ નહીં મળે.
તેઓ શીખવવામાં સારા હતા સાથે ખૂબ વિનોદી પણ હતા. જો કે શિસ્ત અને સમયપાલન ના પૂરા આગ્રહી હતા.
શિબિર શરૂ કરતાં સ્વામીજીએ ઓમકાર બોલાવ્યો. એક નજર શિબિરર્થીઓ સામે નાખતાં સ્વામીજીએ કહ્યું “ભાઈઓ, શિબિરનો સાડા પાંચનો ટાઇમ છે. કેટલાક 5.35 કે તે પછી આવ્યા. આ બાવો એકલો હાથપગ ઉલાળતો બેઠેલો. સમય જાળવો તો સમય તમને જાળવશે. ઠીક, ચાલો બોલો પ્રાર્થના- ‘ઓમ સહનાવવસ્તુ.. સહવીર્યમ કરવાવહે..’
જે કાંઈ કરીએ એ એક ટીમ તરીકે કરીએ. શરીરના અંગો પણ એક બીજાને કહી પૂછીને એક ટીમ બનાવીને જ ચાલે છે."
સ્વામીજીએ આસનો શીખવવાં શરૂ કર્યાં.
“ઓ સાહેબ, હલાસન માટે ત્રિકોણ બનાવો, વચ્ચેથી કોઈ ફ્રેમ બનાવી ચિત્ર મૂકે એવું.
ભાઈ, સર્પાસનમાં સહેજ પાછળ ઝુકો. જો પીઠના બે કટકા થયા. તડ અવાજ આવ્યો. તો શું? નહીં તૂટી જાય સહેજ વધુ વાળવાથી.
તમે મિત્ર, પોતાને લેમ્પ પોસ્ટ કલ્પો. પાછળ હાથ એનું સ્ટેન્ડ છે, આગળ ડોકું એને અડીને લારીવાળાએ ફેંકી દીધેલું નારિયેળ છે. હં, એ સર્વાંગાસન. આકાશમાં લાત મારો જોઉં..”
આસનો શીખવતાં પણ સ્વામીજીના અસ્ખલિત જોક ચાલુ જ હોય. આસનો શીખતાં મને પણ હસવું આવ્યા કરતું.
એવામાં એક નાગર સન્નારી હાથમાં ચાની રકાબીમાં કઈંક લઈ પ્રવેશ્યાં. કહે, “લો મહારાજ, આ પ્રસાદ."
“માતાજી, બાવો લોકોને પ્રસાદ આપે. બાવાને કોઈ પ્રસાદ આપે એ તો આજે જ જોયું.”
વર્ગમાં ધીમું હાસ્ય ફરી વળ્યું.
“સ્વામીજી, સુખડી, ગરમ ગોળપાપડી છે. ખાસ આપને માટે જ.”
“આભાર. પણ હું એકલો નથી ખાતો. કાયમ વહેંચીને જ ખાઉં છું.”
“ફરી ક્યારેક આખા વર્ગ માટે લાવીશ. આજે તો આપ જ આરોગો.”
“ના. હું બધાની સાથે વહેંચીને જ ખાઈશ.”
“મેં લાગણીથી ખાસ આપને એટલે આપને માટે જ તો ગરમાગરમ બનાવી છે. આપ જ ખાઓ.”
થોડું વિચારી સ્વામીજી કહે “સારું. હાથ બગડે નહીં એટલે કાંઈ લાવીએ.”
સન્નારી નાગનાથ મંદિરમાંથી એક ચમચી લઈ આવ્યાં.
સ્વામીજી કહે “આપ દર્શન કરી આવો ત્યાં હું પૂરું કરી લઉં.”
બહેન દર્શન કરવા ગયાં.
એક ચાની રકાબી, એ પણ પોણી- એટલો પાક અને સામે આખો વર્ગ. વૈકુંઠ નાનું ને ભગત ઝાઝા.
તુરત જ સ્વામીજીએ ચમચી રકાબી પર મારી, લીટા પાડી એક સરખા 7 ઉભા, 4 આડા લીટા કર્યા અને એક સરખા 28 ભાગ પાડ્યા. ન એક નાનો, ન એક મોટો. અમે 27 વિદ્યાર્થીઓ હતા.
ત્વરાથી, કહો કે વીજળીવેગે સ્વામીજી બધા વિદ્યાર્થીઓમાં ફરી વળ્યા. દરેકને એક ટુકડો ગરમ ગરમ ગોળપાપડીનો આપી પોતે ફરી સ્ટેજ પર પહોંચી ગયા.
દૂરથી બહેન આવતાં દેખાયાં એટલે સ્વામીજીએ છેલ્લો ટુકડો મોમાં મૂકયો અને બહેન જુએ એમ ખાધો.
“વાહ શું સ્વાદિષ્ટ હતી તમારી ગોળ પાપડી! તમને તો બહુ સરસ બનાવતાં આવડે છે ને કાંઈ? મઝા પડી સવાર સવારમાં ખાવાની.” કહી રકાબી અને ચમચી એ બહેનને પરત આપ્યાં.
બહેન સંતોષથી વિદાય થયાં.
સ્વામીજીએ વર્ગના સહુને સુચક સ્મિત આપ્યું. અને..
“તો હવે જોઈશું આસન..”
ફરી વર્ગ ચાલુ. ફરી એ જોક સાથે શિક્ષણ..
સહનાવવસ્તુ.. પ્રાર્થનાનો સાચો અર્થ અમારાં મગજમાં કોતરાઈ ગયો હતો.
***