Cycle in Gujarati Short Stories by Hiral Pandya books and stories PDF | સાયકલ

Featured Books
Categories
Share

સાયકલ


હું પાંચ-છ વર્ષની હતી ત્યારથી મને સાયકલ નામના બે પૈડાવાળા વાહનનું ગજબનું આકર્ષણ હતું. આમતો ગામમાં બળદગાડા, બસ, સ્કૂટર અને મોટરગાડી સુધ્ધાં હતા, પણ સાયકલમાં જે સ્વચ્છંદીપણું છે તે બીજા કોઈ વાહનમાં મને કયારેય નજરે પડ્યું નહીં. ગામનાં બાળકો અને વડીલોને સાયકલ પર નિત્ય આવતા-જતા નિહાળવા એ મારો શોખ હતો. સાયકલોમાં પણ પાછી નવીનતા દેખાતી. ઘણાંની સાયકલો એકદમ સીધીસાદી હોય, તો ઘણાએ તેના હેન્ડલ પર લટકણીયા લટકાવ્યાં હોય. ઘણાંની સીટો તેમના જીવન જેવી નીરસ! તો ઘણાંની જાણે રાજાની બેઠક ના હોય! દરરોજ શાળાએથી પાછા ફરતી વેળાએ હું રસ્તામાં દસ મિનિટ ફક્ત સાયકલના ટાયરમાં હવા કેવી રીતે ભરાય છે તે જોવા પંક્ચરવાળા ને ત્યાં ઉભી રહું. જો હું છોકરો હોત તો લોકોની સાયકલોનું સમારકામ કરવામાં મારુ આયખું વિતાવી દેત! પણ છોકરી તરીકે જન્મી છું તો સાયકલ ચલાવતા શીખું એ પણ મોટી વાત છે, એવું વિચારી હું મન ને મનાવી લેતી.

પાંચમા ધોરણમાં અમારી શાળામાં રમેશ નામના એક નવા છોકરાનો દાખલો થયો. દરરોજ મારી બાજુમાંથી તે સાયકલની ઘંટડી જોર જોરથી વગાડીને પસાર થાય. એને જોઈને મને બે ગાળ દેવાનું મન થઈ જાય...પણ આ લોકલાજ!
અમારા ગામની શાળા આઠમાં ધોરણ સુધીની જ હતી. મોટો ભાઈ દસમાં ધોરણમાં પ્રવેશ્યો ત્યારે બાજુનાં ગામની શાળાએથી આવવા-જવાનો સમય બચે એ માટે મામાએ શહેરથી સાયકલ મોકલાવી. નવી સાયકલ શું આવી, ઘરમાં દિવાળી જેવો માહોલ સર્જાયો! ભાઈ તો સાયકલ બે મિનિટ પણ પોતાનાથી અળગી ન રહેવા દે. હું સાયકલ ને અડવા શું જાઉં, જાણે માખી હોઉં એમ મને તરત ત્યાંથી ઉડાડવાનો પ્રયત્ન કરે... અરે પછી તો સાયકલ પર બેસી અભ્યાસ પણ કરે! આવ્યો બહુ મોટો ભણેશ્રી!
એક દિવસ મામા ભાઈને લઈ શહેર ગયા, મેં લાગ જોઈ એની સાયકલ કાઢી, ચલાવતા તો આપણને આવડે નહીં પણ આટલાં વર્ષોનું નિરીક્ષણ ક્યારે કામ આવશે! એમ વિચારી બાજુવાળી નિર્મળાને મેં સાથે લીધી. અમે બન્ને ચાલતા- ચાલતા સાયકલને ફળિયાથી થોડી દૂર લઈ ગયા. જાણે કોઈ સાયકલ નિષ્ણાંત હોઉં એમ મેં નિર્મળાને પાછળથી સાયકલ પકડી રાખવા હુકમ કર્યો. પહેલીવાર સાયકલ ચલાવવા મળશે એનો હૈયે હરખ સમાતો ન હતો. આટલા વર્ષોથી સાયકલના પૈડલ મારવાના જે બધા અભરખા હતા, એક સાથે ધસમસતા બહાર આવી ગયા "હું પૈડલ મારું છું લી... છોડતી નહીં" એમ કહી જાણે કોઈએ મને છૂટો દોર આપી દીધો હોય એમ હું જોશભેર પૈડલ મારવા માંડી. સાયકલે પણ મારા મનોવેગ ને કળી લીધું હોય એમ એ ઉપડી... નિર્મળા સીટ પકડી સાયકલની પાછળ દોડવા લાગી. મારા છૂટા વાળમાં પવનનો સ્પર્શ થતા તે મંદ મંદ હસી પડ્યા. મારી લાગણીઓ એ વેગ પકડયો, મન જાણે હવામાં ઉડવા લાગ્યું અને આ...શું? સામેથી પેલો રમેશિયો દાંત દેખાડી જોર જોરથી ઘંટડી વગાડતો ધસી આવ્યો. મારું ધ્યાન સાયકલને સંતુલિત રાખવાના બદલે રમેશિયાના દાંત અને ઘંટડીના દિશામાં વળ્યું ને ન થવાનું થઈ ગયું! નિર્મળાએ ગભરાઈ ને સાયકલ પાછળથી છોડી દીધી અને હું સંતુલન ગુમાવી સાયકલ લઈ રસ્તાની પેલી બાજુ ગટરમાં પડી. આમ તો ગટરમાં ફક્ત આગળનું પૈડુ અને મારો એક પગ જ ગયો હતો પણ રમેશિયો ગામભરમાં કે'તો ફર્યો કે હું આખી સાયકલ લઈ ગટરમાં ઘુસી ગઈ! લો...બોલો! આ પરાક્રમની જાણ થતા, મોટા ભાઈએ ઘરમાં કકળાટ કરી મુક્યો. બાપુજી પણ અકળાઈ ઉઠ્યા, "આવડતા નથી તેવા કામ કેમ કરો છો...?" તેમની કરડાકી નજરને કારણે "પણ આવડવા માટે પ્રયત્ન તો..." મારા શબ્દો હવામાંજ બાષ્પીભવન થઈ ગયા. હવે પછી ઘરમાં સાયકલ નો 'સ' પણ બોલવાની મનાઈ કરી દેવામાં આવી.

થોડા વર્ષે ભાઈને આગળનું ભણવા શહેરમાં મામાને ત્યાં મોકલવામાં આવ્યો અને આમતો હું હોંશિયાર, માટે મને આઠ ચોપડી ભણવા દીધી. વર્ષો વીતતા ગયા. એક દિવસ સમાચાર મળ્યા કે રમેશને નજીકના ગામેથી સાયકલ પર આવતા અકસ્માત નડ્યો. રમેશ ગયો તેનું દુઃખ અનુભવું, કે રમેશ ગયો તેની ખુશી, ન કળી શકાયું. પણ પછી મારા સપનાઓમાં એ જોર જોરથી ટ્રિંગ.. ટ્રિંગ... ઘંટડી વગાડી, દાંત દેખાડતો બાજુમાંથી સાયકલ લઈ પસાર થતો દેખાયા કરતો. આવું અઠવાડિયા લગી ચાલું રહ્યું. મને હવે ભય લાગ્યો કે પાકું એનું ભૂત આપણા ગામમાં ફરે છે. મારી તો ન કહેવાય કે ન સહેવાય જેવી સ્થિતિ થઈ ગઈ. થોડા દિવસોમાં મારા લગ્ન લેવાયા, જમાઈ પોસ્ટમેન છે એ જાણીને ફળિયામાં બધા નો હરખ ન સમાયો. જાનમાં પણ એ સાયકલ પર બેસીને આવ્યા! લો...હવે તો મારો ભય શંકામાં બદલાઈ ગયો "પાકું રમેશનું ભૂત આ સાયકલમાં ચોટયું હશે.." હું પૂતળાની જેમ ઓરડામાં ધબ્બ કરીને બેસી પડી, મારી બા અને નિર્મળાએ મહા મહેનતે મને સમજાવી કે "ભૂતબૂત કંઈ ન હોય" ત્યારે જઈને હું માંડ માંડવે બેસવા માની.

લગ્નના બે દિવસ પછી એમણે સાયકલ આંગણામાં કાઢી કહ્યું, "ચાલ, તને ગામ દેખાડું" મેં તેમની પાછળ બેસવાની ધરાર ના પાડી. એમને લાગ્યું વહુ બહુ શરમાળ છે. પણ મારે તો આગળ બેસવું હતું! બા કહેતા, "આપણે પુરૂષના જીવનનું પાછળનું પૈડુ છીએ, હંમેશા આગળના પૈડા પાછળ એક અંતર રાખી ચાલ્યા કરવું." બસ, તો જીવન ચાલતું રહ્યું અને વર્ષો વહેતા રહ્યા. પ્રગતિ થઈ અને ઘરમાં સ્કૂટર આવ્યું. એક દિવસ જૂની સાયકલ સાફ કરતા શમણાંઓ આળસ મરડી બેઠા થયા. સીટ સાફ કરી ઉપર બેઠી ત્યાં તો ભીતરની ઊર્મિઓ ઉમંગભેર ઉછળી. ઘંટડી પર અનાયસે મારો હાથ જતા અવાજ થયો "ટ્રિંગ..." અને નસકોરા બોલવતા સાસુ ઝબકીને ઉઠ્યા "વહુ બેટા, સાડીમાં તે સાયકલ ચલાવાતી હશે..." અને કટાક્ષમાં ઉમેર્યું,"આ ઉંમરે શું અભરખા ચઢ્યા તમને!" હવે હૈયાવરાળ ઠાલવું તોય કોની સામે!

પછી તો હું દર વર્ષે દિવાળીએ સાયકલને અચૂક સાફ કરતી. પંપને માળીયા પરથી ઉતારી સાયકલમાં હવા ભરતી, રંગ ઉડી ગયો હોય તો રંગરોગાન કરાવતી. આટલા વર્ષોમાં મેં સાયકલની ચેનને કાટ લાગવા દીધો નહીં, આમનાથી આ બધું છૂપું ન હતું. તેમને લાગતું આ સાયકલ તેમનાં સંઘર્ષકાળની સંગાથી હતી એટલે મેં એને આટલી સાચવીને રાખી છે. મેં એમને ક્યારે જણાવ્યું નહીં પણ મારા મનમાં સાયકલનું અનન્ય સ્થાન હતું. બાપુજીની સખ્ત મનાઈ હોય કે રમેશિયાના ભૂતનો ભય હોય, પણ મારે મન "સાયકલ" એ "સાયકલ" હતી, છે અને રહેશે! બસ એક વાતનો વસવસો હતો કે ઘરના કોઈએ પણ ક્યારેય મારી સાયકલ પ્રત્યેની ભાવના સમજવાનો પ્રયત્ન ન કર્યો.
પણ એક દિવસ મેં આમને અમારી પૌત્રીને સાયકલ શીખવાડતા જોયા. અત્યાર સુધી બીજા સાયકલ ચાલકોમાં હું પોતાને શોધતી, પણ જ્યારે નાનકીને મુક્તપણે પૈડલ મારતા જોઈ. તેના શરીરને ગતિમાં ઉપર-નીચે ઝૂમતા જોયું. વાળને હવા સાથે વાતો કરતા જોયા. તેના મોઢા પર પવનના સ્પર્શથી તેને જે એહસાસ થતો હતો એ અમને બન્ને ને પારસ્પરિક હતો. સાયકલ ચલાવતા તેના આંખોમાં જે ચમક આવતી હતી, તે જોઈ મારા હૈયાં ને એક અજીબ શાતા મળતી! ક્યાંક મારી ન જીવાયેલી ક્ષણો એના થકી હું જીવવા લાગી હતી.

નાનકી દર ઉનાળાની રજામાં અહીં રહેવા આવતી. આ વર્ષે તેનું સાયકલ ચલાવવું અને મારું તેને તે કરતા જોયા કરવું એક નિત્યક્રમ બની ગયો હતો. એક દિવસ અચાનક મારી સામે સાયકલને બ્રેક મારી તે બોલી, "બા, તમને સાયકલ ચલાવવી છે ને?" હું તેને ટગર ટગર જોઈ રહી "આમ શું જુઓ છો બા?...તમે જે રીતે મને સાયકલ ચલાવતા જુઓ છો.. મને બધીજ ખબર છે." હાથ સામે ધરી તે બોલી, "ચાલો, હું તમને શીખવાડુ" મેં આનાકાની કરી "આ ઉંમરે થોડી સાયકલ ચલાવાય!" એ હઠ પકડી ને બેઠી, "અરે બા, લોકો સિત્તેર વર્ષે સાયકલ ચલાવતા હોય છે. સાયકલ સ્પર્ધામાં ઉતરતા હોય છે. તમને તો હજું સાઈઠમું બેઠું...ચાલો" મારું મન તો બસ કોઈ પૂછે એની જ પ્રતીક્ષામાં હતું અને હું ઘણા વર્ષો પછી સાયકલ પર ફરી બેઠી. મેં પહેલું પૈડલ માર્યું અને નાનકી એ પાછળથી સીટ પકડી, એ દસ વર્ષની છોકરી જીવનમાં કોઈએ ના આપેલો ટેકો મને આપી રહી હતી. મનમાં ધરબાયેલી બધી સંવેદનાઓ બહાર આવી. મેં બીજું પૈડલ માર્યું, મારું સપનું સાકાર થવા જઈ રહ્યું છે તે જાણી ગળામાં ડુમો ભરાઈ આવ્યો. હું સંતુલન જાળવી આગળ વધવા લાગી. હું અને સાયકલ એકાકાર થઈ ગયા. પાછળ દોડતી નાનકી નો અવાજ ધીરેધીરે દૂર થતો જણાયો. હું જોરજોરથી પૈડલ મારવા લાગી જાણે જિંદગી ને બતાવી દેવા માંગતી હોવું... ને સામેથી એક કાકા દાંત દેખાડી, ઘંટડી વગાડતા, મને કંઈક ઈશારો કરતા દેખાયા "અ..રે...નહીં!!!" મારા હૃદયના ધબકારા અચાનક બમણી ગતિએ સાયકલથી પણ આગળ દોડવા લાગ્યા. રમેશિયાનું ભૂત!!! "આ ઉંમરે પણ મારો પીછો નહીં છોડે કે શું...?" મને અચાનક શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી અને મેં આગળ જોયું નહીં અને મારી સાયકલ ધમ કરી ને ખાડામાં. હું જ્યાં પડી ત્યાંથી સાયકલને ફાંટી આંખે જોઈ રહી...
એ સાચે રમેશનું ભૂત હતું કે મારા જીવનનો ધ્યેય પૂર્ણ કર્યાનો પરમાનંદ...કોણ જાણે!?

ટ્રિંગ... ટ્રિંગ... કરતા મારા જીવાત્માએ, સાઈકલની આત્મા સાથે આગળની યાત્રા તરફ પ્રયાણ કર્યું.