બાળકો અમેરિકામાં જન્મે કે ભારતમાં તેમને જાણવાની ઈંતજારી હંમેશા રહેવાની. તેમને જલ્દી મોટા થવું હોય. બધું જાણવું હોય. પ્રશ્નોની ઝડી વરસાવી પાગલ કરી મૂકે. એક સવાલનો ઉત્તર આપે ત્યાં બીજો સવાલ ધાણીની જેમ ફૂટે. થાકે ત્યારે સંતોષનો શ્વાસ ખાય.
વીની અને વિકાસનો જન્મ અમેરિકામાં થયો હતો. બાળપણથી બંનેને ભારત વિશે ઉત્કંઠા રહેતી. નાના અને નાની ભારતીય, આવે ત્યારે મોજ પડે. દાદા અને દાદી રહે અમેરિકામાં પણ ભારતની, મુંબઈની, રામાયણ, મહાભારત વિશે વાત કરી તેમને ખુશ કરે. રુપા અને રાજન જાણતા હતા કે તેમનો ઉછેર ભારતમાં સુંદર રીતે થયો હતો. તેમના માતા અને પિતા પણ શિક્ષિત હતા. તેને કારણે બંને જણા ડોક્ટર હતા. બાળકોને અમેરિકન રીતે ઉછેરવામાં બહુ રસ ન ધરાવતા, વારે વારે દવા આપવી, તૈયાર ખોરાક બજારમાં મળે તે ખવડાવવો ઉચિત નહોતું લાગતું. મહેનત ન કરવી પડે માટે બધું ‘તૈયાર’ અમેરિકામાં મળે. તેમાં ‘પ્રિઝર્વેટિવ’ ભરપૂર માત્રામાં હોય છે, તેનાથી પરિચિત હતા. બહારગામ જાય ત્યારે સગવડ માટે થોડી ઘણી ઓર્ગેનિક બેબી ફુડની બોટલ રાખતા.
વીની અને વિકાસ જોડિયા બચ્ચા હતા. દાદા અને દાદી એ તેને વેચી દીધા. દાદા દીકરીનું ધ્યાન રાખે , દાદી દીકરાનું. મમ્મી અને પપ્પા બંને ડોક્ટર એટલે હમેશા વ્યસ્ત રહેતા. મમ્મી બાળકો સાથે સમય ગુજારવા મળે તેનું ખાસ ધ્યાન રાખતી. નોકરી લેતા પહેલાં શરત મૂકી શનિ, રવિ કામ નહી કરું. ‘કોલ પર’ તો ક્યારે પણ નહિ જવાનું. તેને પોતાનો વ્યવસાય વહાલો હતો. બાળકો તેની આંખોના નૂર હતા.
આમ સુખી સંસારમાં જીવતું જાગતું ઉદાહરણ જોવા મળ્યું. ડોક્ટર રાજન ઓર્થોપેડિક સર્જન હતો. ડોક્ટર રુપા ‘ગાયનેકોલોજિસ્ટ’. બંનેની પોતાના ક્ષેત્રમાં બોલબાલા હતી. રાજનને સમય કસમય કશું જોવું પડતું નહી. હંમેશા તૈયાર કિંતુ જ્યારે કુટુંબ સાથે રજા પર જાય ત્યારે મનભરીને મહાલે. બાળકોને પ્રેમથી છાવરે. રુપાનો કહ્યાગરો કંથ બની જાય.
બાકી જો રૂપા તેના કામમાં દખલ કરે તો તેનું આવી બને. એક વાત ન સાંભળે. ઘરમાં કાયમ એક બાઈ રહેતી, જે રસોઈ અને ઘરનું કામ સંભાળ. રૂપાને જરા પણ તકલીફ ન પડે. બાળકો ધીરે ધીરે મોટા થતા ગયા. બાળકો માટે ‘નેની’ પણ રાખી હતી. રૂપાને રાતના ઉજાગરા ન થાય. રુપા જ્યારે ઘરમાં હોય ત્યારે નેની બાળકોના રુમ સાફ કરે તેના કપડાં ધોવાના કે રમકડા વ્યવસ્થિત કરવાના તેમાં ગૂંથાઈ જાય.
દાદા અને દાદી સાથે રહેતા હોવાથી દાદી બાળકોના ઉછેરમાં કઈ બાધા ન આવવા દેતી. તેનું દૂધ , ખાવા પીવાની નિયમિતતા, રમવા જવાનું, નવું નવું શીખવું સઘળા પર નિગરાની રાખતી. બાળપણ એક દિવસ તો જવાનું. તે આવે કીડી વેગે જાય ધસમસતું. એક જ વરસ ‘પ્લે સ્કૂલમાં’ મૂક્યા જેથી બીજા બાળકો સાથે હળવા મળવાનું તકલીફ ન પડે. ઘરે દાદા અને દાદી હતા તેને કારણે ગુજરાતી સરસ શીખ્યા હતા. નાના હતા એટલે બોલતા શીખી ગયા.
રાજન અને રુપા ખુશ રહેતા. દાદા અને દાદીની છત્રછાયામાં બાળકો સુખરૂપ મોટા થઈ રહ્યા હતા, આ બાજુ બંને પોતાના કાર્યક્ષેત્રમાં નામના મેળવી રહ્યા હતા. જિંદગીમાં માત્ર પૈસા કમાવા અને સુખી સંસાર ભોગવવા એ સ્વાર્થી વિચારધારા છે, એમ રાજન માનતો. રુપા તેમાં સહમત હતી. તમે નહીં માનો, જો અમેરિકામાં પતિ અને પત્ની બંને ડોક્ટર હોય તો પૈસાની ટંકશાળ પડે અને ગુમાન આસમાન છૂએ. આ કિસ્સામાં તેનાથી વિરુદ્ધ જોવા મળશે. કારણ સામાન્ય છે, ‘બાળપણના સંસ્કાર’. પોતાને ત્યાં કામ કરતી વ્યક્તિના બાળકોનો બધો ખર્ચ ઉઠાવી લીધો.
આજે રુપા હોસ્પિટલથી આવી. ખુશ ખુશાલ હતી. ખુશ તો એ કાયમ હોય પણ આજની વાત અલગ હતી. રાજનના મમ્મી બોલ્યા શું વાત છે ? ‘મમ્મી, આજે જેની સુવાવડ કરી તેને પણ મારી જેમ એક દીકરો અને દીકરી આવ્યા’. મમ્મી રાજીના રેડ થઈ ગયા, વીની અને વિકાસ શાળાએથી આવ્યા કે તરત તેની વાર્તા બનાવી કહેવા બેસી ગયા.
વીની અને વિકાસ મમ્મી પાસે ગયા. ‘મમ્મી અમને તે બચ્ચા જોવા લઈ જઈશ ? રુપા તેમને ના ન પાડી શકી. દર્દી હજુ આજનો દિવસ હોસ્પિટલમાં હતી. ગાડીમા પોતાના બાળકોને લઈને નિકળી. ‘ મમ્મી તમે સાથે ચલો. વીની અને વિકાસને લઈ તમે તરત ગાડીમાં ઘરે આવી જજો. ‘ આમ તો હું પણ સાથે આવી જતે પણ બાળકો જરા નરમ છે એટલે હું થોડીવાર તે બહેનને તપાસી તેને સાંત્વના આપીશ.
‘સારું બેટા. ‘ પાછા ફરતા આખે રસ્તે વીની અને વિકાસ તેની વાત કરતા થાકતા નથી. વીની તું આવી દેખાતી હતી. વિકાસ તું આવો લાગતો હતો. હવે તો બંને પાંચ વર્ષના થયા હતા. પાંચ વર્ષમાં બે વાર નાના, નાની પાસે ભારત ગયા હતા. લોંગ વીકેન્ડ આવ્યું, બધા હ્યુસ્ટનથી સેન એન્ટોનિયો જવા નીકળ્યા. બે દિવસ મજા કરીને પાછા આવતા હતા ત્યાં, એક પીધેલા ટ્રક ડ્રાઈવરે પાછળથી ગાડી ભટકાવી. ૧૮ પૈડાની મોટી ટ્રકે ગાડીનો પાછળથી ખુડદો બોલાવી દીધો. રાજનના માતા અને પિતા તરત સ્વધામ પહોંચી ગયા.
બાળકો કાર સિટમાં હતા ઉછળ્યા પણ પાછા સીટ પર આવી પડ્યા. રાજન અને રુપા આગળ હતા. બંને બેહોશ થઈ ગયા. ગાડી ગોળ ફરીને પાછી રસ્તા પર આવી ઊભી રહી. નસીબ સારા હતા કે ગાડીઓની અવરજવર ઓછી હતી. બીજી કોઈ ગાડી અડફેટમાં આવી નહીં. પોલીસ તરત આવી પહોંચી. રાજન અને રૂપાને હોસ્પિટલમાં ખસેડ્યા. તેમના માતા અને પિતાને ચાદરથી ઢાંકી, બાળકોને રમકડા અને ખાવાનું આપી શાંત કર્યા.
બીજા દિવસે પછી રાજન અને રુપા ભાનમાં આવ્યા. માતા અને પિતાના સમાચાર જાણી દુઃખ થયું.. બાલકોને પોતાની પાસે રાખી વહાલ કર્યું. વીની અને વિકાસ વારંવાર દાદા અને દાદી વિશે પૂછતા ત્યારે શું કરવું તે સમજ પડતી નથી. આખરે બધા ઘરે આવ્યા. મમ્મી અને પપ્પાનું ફ્યૂનરલ સાથે કર્યું . રાજન પડી ભાંગ્યો હતો. ભલેને પેલા ડ્રાઈવરને સજા થાય. ગયેલા માતા અને પિતા કંઈ પાછા ન આવી શકે. વીની અને વિકાસ માનવા તૈયાર ન હતા કે હવે દાદા અને દાદી જોવા નહી મળે. તેમની સાથે રમવાની અને વાર્તા સાંભળવાનું કશું શક્ય નથી.
રૂપાને વિચાર આવ્યો,’ જો હું મમ્મી અને પપ્પાને બોલાવું તો ફરક પડશે’ ? રાજનને સમજાવી તેમની આવવાની ટિકિટ મોકલી. નાના અને નાની, જોઈ વીની અને વિકાસ ખુશ થયા. રાજન હવે વધારે વ્યસ્ત રહેવા લાગ્યો. ઘરે આવે તો મા કે પિતાનું હસતું મુખ જોવાનું તેના નસીબમાં ન હતું. તે પોતાની જાતને જવાબદાર માનતો. જાણતો હતો કે પાછળથી ગાડીનો અકસ્માત થયો હતો.
રુપા વિચારી રહી હતી, રાજનને કઈ રીતે સમજાવું. બાળકો નાના અને નાની સાથે મજા કરવા લાગ્યા. દાદા અને દાદી યાદ આવે ત્યારે પપ્પા પાસે પહોંચી જાય. પપ્પા પાસે તેનો કોઈ ઉત્તર ન હતો. દર વર્ષની જેમ રાજનનો જન્મ દિવસ આવ્યો. સવારના પહોરમાં રાજન અને રુપા સૂતા હોય તો પણ દરવાજો ખખડાવી મમ્મી અને પપ્પા તેના રૂમમાં આવી જતા. તેની ખીર બહુ ભાવતી. મમ્મી વહેલી જાગે અને ભગવાનને ધરાવીને પ્રસાદ રાજન અને રુપા માટે લઈને આવે. બધા ચા નાસ્તો પછી કરે.
આજે સવારથી રાજન રાહ જોઈ રહ્યો હતો. હમણાં મમ્મી અને પપ્પા આવશે. દિલને કઈ રીતે સમજાવે કે એ હવે મુમકિન નથી. વર્ષગાંઠ હતી, મમ્મીના હાથની ખીર ખાવા તરસી રહ્યો હતો.
આખરે સૂરજ, માથા પર આવી ગયો. રાહ જોઈને પલંગ પરથી ઉભો થયો !
******************