Mara Kavyo - 19 in Gujarati Poems by Tr. Mrs. Snehal Jani books and stories PDF | મારા કાવ્યો - ભાગ 19

Featured Books
Categories
Share

મારા કાવ્યો - ભાગ 19

ધારાવાહિક:- મારા કાવ્યો

ભાગ:- 18

રચયિતા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની





રાષ્ટ્રીય રમત દિવસ

થાકતાં ન બાળકો રમતો રમતાં,

કબડ્ડી, ક્રિકેટ ને ગીલ્લી દંડા!

હૉકી ફૂટબૉલ તો ફટફટ રમાય,

ને બાસ્કેટ બોલમાં કેટલાં પાવરધા!

ચેસમાં તો જીતે દરેક મેચ,

ને લ્યૂડો સૌનો વ્હાલો.

રમી રમીને રમતો આટલી બધી,

ઉતરે નહીં વજન બાળકનું!

વાત નવાઈની સૌને લાગે,

કેમ ન ઉતરે વજન એનું?

જુઓ ધ્યાનથી તો ખબર પડે,

રમે આજનું બાળક આ રમતો,

લઈને હાથમાં મોબાઈલ નામનું રમકડું!

મળે કસરત માત્ર એની આંગળીઓને,

રમી રમીને થાકે આંખો એની,

ને થાકે બેટરી મોબાઈલની!

ખૂટવા લાગે શ્વાસ જ્યારે બેટરીનાં,

થાય રમવાનું બંધ ત્યારે.

રમતાં જે બાળકો મોબાઈલ પર,

શુભેચ્છાઓ આજે એમને,

આજનાં રાષ્ટ્રીય રમત દિવસની.

ઉજવાય આજનો દિવસ,

હૉકીનાં જાદુગર ભારતીય,

મેજર ધ્યાનચંદની સ્મૃતિમાં!





મૌન

મૌનનો મહિમા અપરંપાર.

બચાવે એ સંબંધોનાં

તૂટતાં જતાં તાર!

ક્યારેક બનતું મૌન,

ગૂંગળામણનું કારણ પણ.

હોય કહેવું ઘણું કોઈને,

ને નીકળે નહીં શબ્દો!

થાય અકળામણ હૈયાને,

ને ભારે થઈ જાય મનડું.

કાશ! સમજાતું હોત મૌન,

જે રીતે સમજાય ભાષા,

પ્રેમની આંખો થકી!

હલ થઈ જાય કેટલાંય,

પ્રશ્નો મૌન થકી!




બંધન છૂટે ના!!!


લાગે જ્યારે કોઈની માયા,

બંધાય જાય કોઈ અજાણ્યું બંધન.

કરે ઈચ્છા સૌ કોઈ એવી,

છૂટે ના આ બંધન ક્યારેય!

જાણ્યે અજાણ્યે બંધાય સૌ,

કોઈકને કોઈક સંબંધોનાં બંધનમાં!

લાગી આવી જ માયા મને વર્ષો પહેલાં,

બંધાય ગયું આ અજાણ્યું બંધન એવું,

કરું ઈચ્છા સદાય એવી,

છૂટે ના આ બંધન મારું ક્યારેય!

બંધન મારુ અતૂટ એની સાથે.

બસ, રહીએ સદાય સાથે અમે.

હું અને મારી સાથે મારું 'ગણિત'😊

છૂટે ના મારું બંધન ગણિત સાથેનું ક્યારેય!



અંતિમ દિવસ શ્રાવણનો

મળ્યાં કેટલાંય સંદેશાઓ આજે,

છે છેલ્લો દિવસ શ્રાવણનો,

મળ્યો ન હોય જો સમય,

ભજવાનો શિવને,

ભજી લો આજે ભોળાનાથને!

કેમ કરી સમજાઉં એમને,

એટલે જ તો છે એ ભોળાનાથ,

ક્યાં રાહ જુએ છે ભક્તની,

ક્યારે આવે ને ભજે એમને?

હાલતા ચાલતાં જ્યારે

લઈ લો શિવનું નામ,

રાજી થઈ જાય આ ભોળાનાથ.

નથી જરુર કોઈ શ્રાવણની,

કે નથી જરુર કોઈ સોમવારની!

ભજો નિઃસ્વાર્થભાવે,

થઈ જાય ખુશ ભોળાનાથ!

હર હર મહાદેવ🙏🙏🙏



શિક્ષકદિન

વ્યવસાય શિક્ષકનો ઉમદા,

પદવી એની સર્વોચ્ચ કહેવાય.

નબળા, મધ્યમ, હોંશિયાર,

મળે બાળકો એમને ભાતભાતનાં!

કોઈકને આપે માર્ગદર્શન એ,

તો કોઈકને જીવન જીવવાનો રસ્તો.

હોય ડૉક્ટર, ઈજનેર કે વકીલ,

કે હોય દુનિયાનો કોઈ પણ વ્યવસાય,

અંતે તો છે એ બધાં જ,

શિક્ષકની તાલીમ થકી.

નથી શીખવતો સાચો શિક્ષક ક્યારેય,

એ તો કરે છે મદદ બાળકને,

આપેલ મુદ્દાને સમજવામાં!

સાચો શિક્ષક ક્યારેક લાગે વ્હાલો,

તો ક્યારેક લાગે અળખામણો.

સમજાય આ શિક્ષક ત્યારે જ,

જીવનમાં કામમાં આવે એની સલાહ જ્યારે!

પસંદ કરે બાળક વિષયને ત્યારે,

પસંદ આવે એને શિક્ષકનું શિક્ષણ જ્યારે!

નથી સમાપ્ત થતી શિક્ષકની યાત્રા,

રહે છે એ તો આજીવન વિદ્યાર્થી.

શીખતો સતત શિક્ષક જ્યારે,

અપનાવતો જ્યારે એ આધુનિક પદ્ધતિ,

બનતો જતો વધારે ને વધારે,

માનીતો એ બાળકોમાં એનાં,

બનાવી વિષય પોતાનો રસપ્રદ અને સરળ.

શીખવે એ નહીં, પણ સમજાવે એ શિક્ષક,

ભણાવે નહીં, પણ ભણતો રહે એ શિક્ષક!

કરું વંદન અંતરથી એ સૌને,

આપ્યું જીવનમાં શિક્ષણ જેમણે મને,

રહીને પ્રત્યક્ષ કે પરોક્ષ મારી આસપાસ.

શુભેચ્છા સૌ શિક્ષકોને આજનાં આ શિક્ષકદિનની.🙏🙏🙏




સપનું બાળકનું

"બનવું છે મારે ચિત્રકાર મમ્મી."

કહેતું એ નાનું બાળ.

ક્યાં જાણે છે એ નાનું મન,

કે લાગી છે એનાં ઘરમાં

તો સપનાંની હારમાળા?

કહેતી મમ્મી, "બનીશ તુ ડૉક્ટર",

ને પપ્પા વળી બનાવવા માંગે ઈજનેર!

દાદાને જોઈએ સરકારી કર્મચારી,

તો દાદી વળી માંગે શિક્ષક કોઈ!

સૌનાં સપનાંઓની ભરમાળમાં,

ખોવાઈ ગયું સપનું આ બાળકનું!



સંગમ તહેવારોનો

તિથિ આજની ભાદરવા સુદ ચોથ.

શરુ થયો આજથી ઉત્સવ બાપ્પાનો.

સર્જક સમૃદ્ધિના આ ગણેશજી,

પ્રથમ પૂજ્ય એ કહેવાય.

બુદ્ધિના દાતા આ ગજાનન.

રિદ્ધિ સિદ્ધિ સહિત બિરાજતા,

સૌનાં હ્રદયમાં એ વસતા.

આપતા સંદેશ અગણિત,

શરીરનું એક એક અંગ એમનું,

આપતું જીવન જીવવાનો સંદેશ.

સંગમ આજે અનોખો એવો,

ગણેશ ચતુર્થી સાથે સંવત્સરીનો.

સંદેશ બંને તહેવારોનો એક જ,

માફી માંગી સાચવી લઈએ સંબંધો,

જરુર જણાય ત્યાં નમી જઈએ,

જરુર જણાય ત્યાં કરીએ સમાધાન!

વંદન કરી માંગું માફી બાપ્પાની,

ભૂલચૂક દેવા કરજો માફ, સમજી નાનું બાળ.🙏🙏🙏




ઋષિ પાંચમ

આજે છે ભાદરવા સુદ પાંચમ,

ઓળખાય દિવસ ઋષિ પાંચમ!

ખવાય માત્ર સામો આજે,

કહેવાતી એટલે એ સામા પાંચમ.

લાગ્યા દોષ ઋતુસ્ત્રાવનાં સ્ત્રીને,

થતાં દૂર આજનાં ઉપવાસથી!

નથી ઉંમરનો કોઈ બાધ,

કરી શકે કોઈ પણ સ્ત્રી આ ઉપવાસ!

કરી પૂજા દેવી અરુંધતીની,

મેળવે આશિર્વાદ સપ્ત ઋષિના.

આપે આશિર્વાદ ઋષિ ગૌતમ,

ભારદ્વાજ, કશ્યપ, જમદગ્નિ, વિશ્વામિત્ર,

અત્રિ ઋષિ અને ઋષિ વશિષ્ઠ સૌ.

થશે દૂર આ પાપો તો સ્ત્રીનાં વ્રતથી,

કોણ કરશે દૂર એ લાંછન,

લાગે છે એને બળાત્કાર પછી?




સંજોગ

સંજોગનાં બહાનાં હેઠળ કર ન ભૂલો એ માનવી!

નથી હોતાં બધાં સંજોગો એવા વિકટ,

કે આચરવું પડે ખોટું કૃત્ય તારે!

છે બધાં જ સંજોગો કર્મોનું ફળ,

ને છે એ તો ધીરજની પરીક્ષા.

કેટલાંક સંજોગો ચીધશે ખોટી રાહ તને,

બે કેટલાંક લઈ જશે તારા મુકામે તને!

છે આખીય બાજી તારા હાથમાં,

કર નક્કી બેસીને તુ હવે,

કરવા છે સંજોગો તારી તરફેણમાં,

કે જવું છે તારે સંજોગોની વિરુદ્ધમાં?




શૈશવ

શું મજાનું એ જીવન!

સાચવે સૌ કોઈ ઘરમાં.

ન કોઈ ચિંતા, ન જવાબદારી,

આખાય ઘરમાં બસ ધમાચકડી!

ખાવું પીવું ને રમવું સખીઓ સંગ,

જવું શાળાએ ને ભણવું મનભર!

આપી સન્માન શિક્ષકોને યોગ્ય,

રીસેસમાં ખાવું એકમેક સંગ!

ભેગાં થવું કોઈ એકનાં ઘરે,

સાથે મળી કરવું શાળાનું ગૃહકાર્ય!

થતો ઝગડો મીઠો મીઠો,

થતાં કીટ્ટા એકબીજા સાથે!

ક્યાં હતું ભાન એવું કે ચાલે ઝગડો લાંબો?

કલાકમાં તો આપી મધુર હાસ્ય હોઠો પર,

થઈ જતી બુચ્ચા તરત જ!

હતાં મજાનાં એ દિવસો,

રહી ગયા બનીને 'શૈશવનાં સંસ્મરણો'.



આભાર.

સ્નેહલ જાની