વિશ્વમાં બીજી ડિસેમ્બરને કમ્પ્યુટર લીટ્રસી ડે તરીકે ઉજવવામાં આવે છે. આજના સમયમાં કમ્પ્યુટરનું જ્ઞાન દરેક ક્ષેત્રના વ્યક્તિને હોવું ખૂબ જ આવશ્યક છે. કારણ કે, જેમ દૂધમાં સાકર ભળી જાય તેમ આજે દુનિયા દરેક ક્ષેત્રમાં કમ્પ્યુટર ભળી ચૂક્યું છે, પછી તે નોકરી હોય કે પછી વેપાર. દરેક વ્યક્તિને કમ્પ્યુટરનું જ્ઞાન હોવું ખુબ જ જરૂરી છે. મુખ્યત્વે કમ્પ્યુટર કાર્યશૈલીને ત્રણ ભાગમાં વિભાજીત કરવામાં આવી છે. જેમાં સોફટવેર, હાર્ડવેર અને હ્યુમનવેરનો સમાવેશ થાય છે.
ભવિષ્યમાં પણ મોટાભાગની ક્રિયાઓ ત્રણ ટેકનોલોજી પર જ આધારિત છે. આર્ટીફિશીયલ ઈન્ટેલીજન્સ, રોબોટિકસ અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સ અને આ બધી વસ્તુઓના પાયામાં માત્રને માત્ર કમ્પ્યુટર જ્ઞાન જરૂરી અને મહત્વનું છે. ભારત દેશમાં સરકારી અમલદારો માટે પણ કમ્પ્યુટર આધારિત સીસીસી અને સીસીસી પ્લસની પરીક્ષા પાસ કરવી અત્યંત જરૂરી છે. બાળકોને નાનપણથી જ અક્ષર જ્ઞાન સાથે સાથે કમ્પ્યુટરનું જ્ઞાન પીરસવામાં આવી રહ્યું છે. નવી શૈક્ષણિક નીતિ મુજબ તો ધોરણ ૬થી જ સમગ્ર ભારતના બાળકોને કોડિંગ શીખવાડવામાં આવનારું છે. જેનાથી બાળકોનો ટેક્નોલોજિકલ વિકાસ પણ સંભવ બને.
ભારતનું બાળક દુનિયાના બાળકો સમકક્ષ અથવા તો તેમનાંથી પણ આગળ નીકળી શકે છે. આમ પણ અત્યારે સોફટવેર ટેકનોલોજીમાં સમગ્ર વિશ્વમાં ભારતનો જ ડંકો છે. કારણકે દુનિયાની મોટી ઇન્ફોર્મેશન ટેકનોલોજી કંપનીઓના સર્વોચ્ચ સ્થાન પર ભારતીય છે. આજનો યુગ કમ્પ્યુટર યુગ બની ચૂક્યો છે. આ યુગમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રે કમ્પ્યુટરે ખૂબ જ મહત્વનો ભાગ ભજવ્યો છે. દરેક માનવી માટે કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધવું હોય તો કમ્પ્યુટરનું જ્ઞાન હોવું અનિવાર્ય થઈ ગયું છે અને જેની પ્રાથમિક શરૂઆત થાય છે, માત્ર ઓફિસ સ્યૂટથી જ.
ઓફિસ સ્યૂટ શું છે ?
ઓફિસ સ્યૂટએ માઈક્રોસોફટ કંપની દ્વારા ડેવલોપ કરાયેલું સોફટવેર પેકેજ છે. દુનિયાના દરેક કમ્પ્યુટરમાં લગભગ ઓફિસ સ્યૂટ સોફટવેર હોય છે. જેમાં અલગ અલગ નવ સોફટવેરનો સમાવેશ કરાયો છે. જેનો ઉપયોગ કરીને ઓફિસને કે વેપારને લગતા કોઈ પણ કામકાજને સરળતાથી ઉકેલી શકાય છે. જાે કોઈ વ્યક્તિ પ્રાથમિક સ્તરે કમ્પ્યુટરમાં માત્ર આ ૯ સોફટવેરનો ઉપયોગ સમજી જાય તો તેને પોતાના કાર્ય માટે બીજા પર આધારિત રહેવું પડતું નથી. તે પોતાનું કાર્ય સરળતાથી અને સક્ષમ રીતે ગમે ત્યાંથી અને ગમે તે સમયે પાર પાડી શકે છે. ઓફિસ સ્યૂટમાં વર્ડ, એક્સેલ, પાવર પોઈન્ટ, એક્સેસ, આઉટલુક, ગ્રુવ, પબ્લિશર, વનનોટ અને ઈન્ફોપાથ જેવા અલગ - અલગ પ્રકારના સોફટવેરનો સમાવેશ કરાયો છે. લગભગ ૧૯૯૫થી મોટાભાગના ભારતીય પ્રોફેશનલ તેનો ઉપયોગ કરતા આવ્યા છે. સમય સાથે તેની આવૃતિઓ બદલાઈ છે અને દરેક બદલાતી આવૃતિઓ સાથે તેમાં નવી નવી જરૂરી લાક્ષણિકતાઓ ઉમેરાતી જાય છે. અત્યાર સુધી એવું કોઈ પણ સોફટવેર નથી આવ્યું જે ઓફિસ સ્યૂટને રિપ્લેસ કરી શકે. ભારત તેમજ દુનિયાનો ખુબજ મોટો વર્ગ માત્ર ઓફિસ સ્યૂટ જ્ઞાન સાથે પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. મોટા ભાગના કમ્પ્યુટર ક્લાસમાં બેઝિક કોમ્પ્યુટર જે કોર્સ ચલાવવામાં આવે છે તેમાં પણ આવા સોફટવેરનો સમાવેશ કરવામાં આવે છે. ટ્રિપલ સી અને ટ્રિપલ સી પ્લસમાં પણ ઓફિસ સ્યૂટના ૯ સોફટવેરમાંથી પાંચ સોફટવેર વર્ડ, એક્સેલ, પાવર પોઈન્ટ, એક્સેસ, આઉટલુકનો ઉપયોગ શીખવાડાય છે.
વર્ડ : વર્ડ એક ઉત્તમ પ્રકારનો વર્ડ પ્રોસેસર પ્રોગ્રામ છે. જેની મદદથી ચોક્કસ બંધારણ ધરાવતો દસ્તાવેજ બનાવી શકાય છે. તેમાં સુધારા વધારા કરી શકાય છે. સંગ્રહ કરી શકાય છે. દસ્તાવેજને છાપી પણ શકાય છે અને તેની વ્યવસ્થિત ગોઠવણી માટે તેને યોગ્ય પ્રકારનું ફોર્મેટિંગ પણ પૂરું પાડી શકાય છે. તે વોટ યુ સી ઇઝ વોટ યુ ગેટ પ્રકારનું સોફટવેર છે. ટૂંકમાં તમે જે ઇનપુટ કરો છો તે જ તમને આઉટપુટમાં પ્રાપ્ત થાય છે. જાે વર્ડ પ્રોસેસરની અગત્યની લાક્ષણિકતાની વાત કરવામાં આવે તો તેમાં ઓટોમેટીક સેવિંગ, ઓટો કરેક્શન, ઓટો ટેક્સ્ટ ઓપ્શન ખૂબ જ મહત્વના છે. મલ્ટિટાસ્કિંગ ફેસિલિટી દ્વારા એક સાથે બે કે તેથી વધુ ફાઈલને ઓપન કરી તેના પર એક સાથે કાર્ય કરી શકાય છે. સાથે જ લખાણની સાથે ગ્રાફિક્સ પણ સહેલાઇથી ઉમેરી શકાય છે. ડોક્યુમેન્ટને અલગ-અલગ વ્યુમાં જાેઈ શકાય છે, તારીખ અને સમય પણ ઉમેરી શકાય છે.
એક્સેલ : એક્સેલ એક પાવરફૂલ સ્પ્રેડશીટ પેકેજ છે. જેની મદદથી ડેટાનું પૃથ્થકરણ બહુ સરળતાથી કરી શકાય છે. ડેટાને ગ્રાફિકલ રીતે રજૂ કરી સરળતાથી સમજી શકાય છે. અત્યારના સમયમાં દરેક ફિલ્ડ માટે એડવાન્સ એક્સેલનું જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે. જીએસટીના ઘણા બધા સૂત્રોની ગણતરી એક્સેલ દ્વારા સરળતાથી કરી શકાય છે. જેમાં તમામ પ્રકારના ગાણિતિક, આંકડાકીય, તારીખ આધારિત અને તાિર્કક પ્રકારના સૂત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેની લુકઅપ અને ફિલ્ટર સુવિધા ધંધાકીય જટિલતાને સરળતામાં રૂપાંતરિત કરે છે. એક્સેલમાં મુખ્ય ત્રણ અગત્યની ફેસેલીટી હોય તો તે ગોલસીક, સોલ્વર અને સ્કિનેરીઓ છે. એક્સેલ દ્વારા ઉત્તમ ડેટાબેઝનું નિર્માણ થઈ શકે છે અને સંસ્થાકીય પેરોલ તેમજ બેલેન્સશીટ પણ બનાવી શકાય છે. આજના સમયમાં એક્સેલ બહુ જ અગત્યનું સોફટવેર દરેક ક્ષેત્રે સાબિત થઈ રહ્યું છે.
પાવરપોઈન્ટ : પાવરપોઇન્ટ એક ચોક્કસ પ્રકારનું પ્રેઝન્ટેશન તૈયાર કરવા માટે ઉપયોગમાં આવતું સોફટવેર છે. પ્રેઝન્ટેશનનો ઉપયોગ મોટા ભાગે ઓફિસ, સેમિનાર મીટીંગ, પ્રસંગો અને એક્ઝિબિશનમાં જાેવા મળે છે. એક છબી ઘણા બધા શબ્દોની ગરજ સારે છે. તે પ્રમાણે પ્રેઝન્ટેશન જાે વધારે સારી રીતે બનાવવામાં આવે તો ધંધામાં પ્રગતિ માટેનો તે હકારાત્મક અભિગમ બને છે. પાવર પોઇન્ટમાં એક ઉત્તમ પ્રકારનો સ્લાઈડ શો પણ બનાવી શકાય છે. દરેક સ્લાઈડ માટે ક્લિપાર્ટ, પિક્ચર, વીડિયો વગેરે દાખલ કરી અલગ અલગ ઇફેક્ટ આપી શકાય છે. સ્લાઈડ શોને આપમેળે અને સમય આધારિત સંચાલિત કરી શકાય તે સુવિધા પણ પાવરપોઇન્ટમાં આપવામાં આવેલી છે.
એક્સેસ : એક્સેસ એક ચોક્કસ પ્રકારનું ડેટાબેઝ મેનેજમેન્ટ સીસ્ટમ છે. જેની મદદથી ડેટાને બે રીતે રજૂ કરી શકાય છે. એક તો પરેગ્રાફની રીતે અને બીજું ટેબલની રીતે અને ત્યાર બાદ એ ડેટાને આધારે એક ચોક્કસ પ્રકારની ક્વેરી પણ રન કરવામાં આવે છે. ક્વેરીને આધારે ડેટાને ફિલ્ટર કરવામાં આવે છે અને પરિણામ પ્રાપ્ત કરવામાં આવે છે. પરિણામને આધારે સચોટ ધંધાકીય ર્નિણયો લેવામાં આવે છે. મોર્ડન સમયમાં ડેટા સાયન્સએ પણ એક્સેસની અપડેટેડ આવૃત્તિ કહી શકાય.
આઉટલુક : આઉટલુકએ ઇ-મેઈલ, કૅલેન્ડર, કોન્ટેક્ટ, એડ્રેસને ક્રિએટ અને સ્ટોર કરવાની સુવિધા પૂરી પાડે છે. આઉટલુકથી કોન્ટેક્ટ, એડ્રેસ વગેરે માધ્યમગત સાચવી પણ શકાય છે અને ઇન્ટરનેટ સાથે જાેડાયા બાદ તેની મદદથી ઈ-મેઇલ પણ કરી શકાય છે. સાથે જ એને મોબાઈલ સાથે કાર્યોને સરળતા પ્રદાન કરી શકાય છે.
ગ્રુવ : ગ્રુવ એક પીઅર - ટુ - પીઅર પ્રકારની એપ્લિકેશન છે. જેના દ્વારા કોઈપણ વ્યક્તિના કમ્પ્યુટર કે મોબાઈલ સાથે સીધું કનેક્શન જાેડી શકાય છે. ગ્રુવના ઉપયોગથી કંપનીઓમાં અંદર અને બહારના મેમ્બરનું એક ગ્રુપ બનાવી શકાય છે. જે ચોક્કસ અને સુરક્ષિત પ્રકારનું ચેટ પ્લેટફોર્મ પૂરું પાડે છે.
પબ્લિશર ઃ પબ્લિશરનો ઉપયોગ ડેસ્કટોપ પબ્લિશિંગ માટે કરવામાં આવે છે. જેમાં ખાસ કરીને જાહેરાતો, કૅલેન્ડર, ઈ-મેઇલ, ગ્રીટિંગ્સ કાર્ડ, વેબસાઈટ વગેરે બનાવવામાં આવે છે. ટેબલને પણ અલગ અલગ સ્વરૂપમાં બનાવીને પબ્લિશ કરી શકાય છે.
વનનોટ : વનનોટ એક પ્રકારની ડિજિટલ નોટબુક છે. જેમાં કોઈ પણ વિષયની માહિતી ઉમેરી શકાય છે. જેને વ્યક્તિગત ડાયરી તરીકે પણ ઉપયોગમાં લઇ શકાય છે. વનનોટના ઉપયોગથી તમે તમારી માહિતીને અલગ અલગ વિભાગમાં શેર પણ કરી શકો છો. તેમજ વ્યક્તિગત અને વ્યવસાયિકને લગતી વિગતો અથવા શિડયુલને તમે એક ચોક્કસ પ્રકારનાં નોટ્સ તરીકે ઉમેરીને સાચવી શકો છો. વનનોટ દ્વારા એક જગ્યા પરથી તમે તમારી બધી જ માહિતી સરળતાથી મેળવી શકો છો.
ઈન્ફોપાથ : ઈન્ફોપાથનો ઉપયોગ કરીને તમે ઇલેક્ટ્રોનિક ફોર્મ દ્વારા માહિતી ભેગી કરી શકો છો. પુનરાવર્તિત થતી ડેટા એન્ટ્રીને ટાળી પણ શકો છો. મોટેભાગે ઈન્ફોપાથનો ઉપયોગ કોલેજના વિદ્યાર્થીઓ, વ્યવસાય કરતા વ્યક્તિઓ, સપ્લાયર તેમજ કસ્ટમર પાસેથી ચોક્કસ પ્રકારનો ડેટા ભેગો કરવા માટે થાય છે.
સાયબર હુમલાને ટાળવા માટે શું કરવું ?
ઓફિસ સ્યૂટ ઉપર થતા કોઈપણ પ્રકારના સાયબર હુમલાને ટાળવા માટે ખાસ કરીને લાયસન્સ સોફટવેરનો જ આગ્રહ રાખવો ખૂબ જ જરૂરી છે. લાયસન્સ સોફટવેરને વખતો વખત અપડેટ કરવાથી તેના પર થતા સાયબાર હુમલાને અટકાવી શકાય છે. કોરોના કાળ દરમિયાન વર્ક ફ્રોમ હોમ કન્સેપ્ટ વધારે પ્રચલિત બન્યો. સમાજનો મોટાભાગનો વર્ગ કોરોનાથી પ્રભાવિત થયો છે. તે સમયે કમ્પ્યુટર અને મોબાઈલ જ આજીવિકા માટે કારણભૂત બન્યા છે. આજની તારીખમાં પણ મોટાભાગના લોકો પોતાના ઘરેથી જ કામકાજ કરી રહ્યા છે.